મુંબઈના કોઈ રસ્તાની ધારે... સમી સાંજના શમિયાણામાં ધીમો-ધીમો ધૂપ જલે છે

10 February, 2024 12:25 PM IST  |  Mumbai | Deepak Mehta

એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટ્યું. સારા નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો.

તાડીની દુકાન

ઉમાશંકર જોશીએ ક્યાંક એક કિસ્સો નોંધ્યો છે. એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટ્યું. સારા નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો. તેમની પાસે જઈને ચંપલ રિપેર કરવા આપ્યું. રિપેર થઈ ગયું એટલે મોચી કહે : ‘લો સાહેબ! તમારું ચંપલ.’ ઉમાશંકર ઉવાચ : ‘ભાઈ! મને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી. તમે તો ઉંમરમાં મારાથી મોટા છો.’ મોચીએ તરત જવાબ આપ્યો : ‘તમને કોણ કહે છે? હું તો તમારી અંદર જે ‘સાહેબ’ બેઠો છે તેને કહું છું.’ આ સાંભળીને ઉમાશંકર અવાચક. પણ આજે આ વાત યાદ આવવાનું કારણ? કારણ આજે મિસિસ પોસ્ટાન્સ સાથે બજારમાં ફરતાં સૌથી પહેલી વાત કરવી છે બૂટ-ચંપલની દુકાનની.

એ જમાનામાં મુંબઈમાં બૂટ-ચંપલ વેચતી દુકાનો બહુ ઓછી. અને તૂટેલાં પગરખાં સમાં કરી આપનાર મોચી તો એનાથીય ઓછા. કારણ? મિસિસ પોસ્ટાન્સના કહેવા પ્રમાણે ચમાર, મોચી, વગેરે ‘અસ્પૃશ્ય’ વર્ગના ગણાય અને એટલે ‘ઊજળિયાત’ વર્ગના લોકો ન તેમની પાસેથી કશું ખરીદે કે ન કશું સમુંનમું કરાવે. બલકે ઘણા લોકો તો કાં પગમાં લાકડાની કે શણ જેવા જાડા કપડાની સપાટ પહેરે કે પછી ઉઘાડે પગે જ બહાર પણ ચાલે. મંદિરોમાં તો ઉઘાડે પગે જ દાખલ થવું પડે. હા, વિદેશીઓ માટે બજારમાં બે-ચાર દુકાનો ખરી. મોટા ભાગે બંગાળી કારીગરોની. બારેક શિલિંગમાં ત્યાંથી એક જોડ મળી જાય ખરી, પણ કામ ઘણું કાચું. એ લોકો પરદેશી પગરખાંનું અનુકરણ કરવાની મહેનત કરે, પણ એમાં ખાસ સફળ થાય નહીં. અને એમાંય પરદેશી સ્ત્રીઓ માટે તો પગરખાંની મુશ્કેલી સૌથી વધુ. ‘જૅક્સન’ જેવું અંગ્રેજી નામ ધરાવતી એક દુકાન બજારમાં છે ખરી. એ તમને એકાદ પરદેશી જૂનું કૅટલૉગ બતાવીને એમાંથી ડિઝાઇન પસંદ કરવા કહે. તમે પસંદ કરો. બેચાર દિવસ પછી લેવા જાઓ અને જુઓ તો પેલા કૅટલૉગમાંની ડિઝાઇન અને તમારી સામે જે જોડી મુકાય એની વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય! અને અહીંના ચમારો ચામડાને પૂરતું કમાવતા જ નથી. એટલે બે-પાંચ મહિનામાં તો તમારાં પગરખાં ચીંથરા જેવાં થઈ જાય.

તો બીજી બાજુ પરદેશીઓને અચરજ થાય એવી વસ્તુઓ પણ મુંબઈની બજારમાં વેચાય છે. આવી એક તે હાથીદાંતની કોતરણી કામ કરેલી વસ્તુઓ. સફેદ બાસ્તા જેવા હાથીદાંતની પટ્ટીઓ પર જે રીતે રંગબેરંગી કપચી કામ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ સુંદર હોય છે. ગ્રેટ બ્રિટનથી અહીં આવતા ઘણાખરા લોકો આ જાતની એક-બે વસ્તુ તો પોતાની સાથે લઈ જ જાય છે. એટલે હવે યરપમાં પણ આ સુંદર નકશીકામ ઘણું જાણીતું થયું છે. આવું કામ કરેલા નાના ડબ્બાથી માંડીને ટેબલ-ખુરસી સુધીની વસ્તુઓ અહીં મળે છે. કેટલીક વસ્તુઓની તો આખેઆખી સપાટી જ આ રીતે બનાવેલી હોય છે. તો કેટલીકમાં માત્ર બૉર્ડર તરીકે જ એ જોવા મળે છે. વળી કેટલીક વાર એમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. આ કળા મૂળ તો સિંધ પ્રદેશની છે, પણ હવે મુંબઈમાં એના કારીગરો ઘણા જોવા મળે છે. અને કારીગરો દુકાનમાં બેસીને જ કામ કરતા હોય છે. એટલે તમારી જરૂરિયાત કે રુચિ પ્રમાણેની વસ્તુ પણ બનાવી આપે છે. અને મહેનત મજૂરીની સરખામણીમાં આ વસ્તુઓ પ્રમાણમાં સસ્તામાં મળી રહે છે. હા, ભાવતાલ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ અને જો તમારે આવી ઘણીબધી વસ્તુ ખરીદવી હોય તો કારીગર તમારા ઘરે આવીને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી આપે એવી સગવડ પણ થઈ શકે છે.

પણ મુંબઈની બજારમાં સૌથી વધુ નફાકારક ધંધો કયો? તાડી વેચવાનો. બજારમાં દરેક છઠ્ઠી દુકાન તાડીની જોવા મળે છે. આવી દુકાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે કે એ વિશે હવે સરકારે કાયદો કરવો પડ્યો છે. એ પ્રમાણે તાડીની બે દુકાનો વચ્ચે અમુક અંતર રાખવાનું ફરજિયાત છે. જેમની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેમનું કહેવું છે કે તાડીના વધતા જતા વેચાણને કારણે નાના ગુનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું છે.

અલબત્ત, સૂર્યોદય પહેલાં આ રસ – જેને અહીંના લોકો ‘નીરો’ કહે છે – ઠંડો અને સ્ફૂર્તિદાયક હોય છે. પણ સૂર્યોદય પછી એમાં આથો આવતો જાય છે અને બને છે તાડી. અને આ તાડી પીધા પછી માણસ છકી જાય છે. અને અહીંના લોકો સોજ્જો મજાનો નીરો પીવાને બદલે નુકસાનકારક તાડી જ પીવાનું પસંદ કરે છે! તાડી બનાવવાનું કામ મુંબઈમાં જોરશોરથી ચાલે છે, કારણ કે અહીં ઠેર ઠેર તાડનાં ઝુંડનાં ઝુંડ જોવા મળે છે. અરે! અહીં તો એક ગલીનું નામ જ છે તાડવાડી! મુંબઈની સમથળ જમીન પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે જરા ઊબડખાબડ જમીન પર તાડ અને નાળિયેરીની વાડીઓ જોવા મળે છે. આવી વાડીવાળાઓએ ઝાડદીઠ સરકારને વરસે એક રૂપિયાનો વેરો ભરવો પડે છે. પણ આ ઝાડની પછીથી ઝાઝી સારસંભાળ રાખવી પડતી નથી અને ઝાડ લાંબા વખત સુધી આવકનું સાધન બની રહે છે. એટલે અહીંના લોકો આવી વાડીઓ પસંદ કરે છે. આમ તો તાડના હર કોઈ ઝાડમાંથી તાડી મળી રહે, પણ પંખા આકારનાં ઝાડની તાડી સૌથી વધુ સારી – એટલે કે સૌથી વધુ માદક – હોવાનું મનાય છે.

તાડીના ધંધામાં મોટા ભાગે ભંડારીઓની બોલબાલા છે. માછીમારોની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના મૂળ વતનીઓ હોવાનું મનાય છે. તો કેટલાક કહે છે કે ના. તેઓ મુંબઈ નજીકના દરિયાકિનારેથી અહીં આવીને વસ્યા. વંશપરંપરાગત રીતે તેમનામાં તાડનાં ઊંચાં-ઊંચાં ઝાડ પર ઝડપભેર ચડી જવાની કુનેહ હોય છે. આ ઝાડના થડ પર કુદરતી રીતે જ જે ખાંચા-ખાંચા હોય છે એનો ઉપયોગ કરીને અને સલામતી માટે કમરે દોરડું બાંધીને તે ઝાડની ટોચ સુધી પહોંચે છે. મોટા ભાગના ભંડારીઓ માથે કિરમજી રંગની ટોપી પહેરે છે કે એ જ રંગનું કપડું વીંટાળે છે. ગળામાં કપડાનો કટકો બાંધેલો હોય છે, જે સૂરજનાં આકરાં કિરણોથી તેને બચાવે છે. શરીરનો નીચેનો ભાગ ચામડાના હાફ પૅન્ટ જેવા કપડાથી ઢંકાયેલો હોય છે. એના પર વીંટાળેલા દોરડામાં જરૂરી સાધનો ખોસેલાં હોય છે. ચામડાના પટ્ટા સાથે જોડેલા દોરડાને બીજે છેડે હુક હોય છે જેને તે કુશળતાથી ઝાડના થડમાં ભરાવી દે છે, જેથી તેને નીચે પડવાની બીક ન રહે. તાડનાં ઝાડની ટોચ પરથી જે તાડી મળે એ સૌથી સારી મનાય છે. એટલે એ છેક ટોચ સુધી જઈને થડમાં કાપા પાડે છે અને તાડી નીકળવા લાગે કે તરત માટીની માટલી બાંધી દે છે. રોજ સવાર-સાંજ બે વખત તે આ રીતે ઝાડ પર ચડે છે. તાડીથી ભરાઈ ગયેલી માટલી ઉતારી લે છે અને બીજી ખાલી માટલી એની જગ્યાએ બાંધી દે છે.  

ચારસો-પાંચસો ઝાડવાળી તાડની વાડીનું દૃશ્ય મનોરમ હોય છે. દરેક ઝાડને મથાળે લાલ માટીની માટલી બાંધી હોય છે, જે સૂરજના તડકામાં ચમકતી દેખાય છે. ભંડારીઓ આંખના પલકારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરાની જેમ કૂદી-કૂદીને પહોંચી જાય છે. તો બીજાં કેટલાંક ઝાડ નીચે બેસીને પોતાના છરા વગેરેને ધાર કાઢતા હોય છે કે દોરડાની મજબૂતી તપાસતા હોય છે. નહીં નહીં તોય પચાસ ફીટ ઊંચા ઝાડ પર સડસડાટ ચડી જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. એમાં જીવનું જોખમ પણ ખરું. પણ અનુભવી ભંડારીઓ તો કશી પરવા કર્યા વગર સડસડાટ ઉપર ચડી જાય છે. અને આ કાંઈ એક ઝાડ પર ચડવાની વાત નથી. એક પછી એક કેટલાંયે ઝાડ પર રોજ સવાર-સાંજ ચડે છે ને ઊતરે છે. ઝાડની ટોચ પર પહોંચ્યા પછી આસપાસનું જે દૃશ્ય દેખાય એ તો ઘણું મનોરમ હોય જ પણ ઝાડ પર ચડેલા ભંડારીની તેજ નજર નીચે ભોંય પર જે બનતું હોય છે એ પણ નોંધતી રહે છે. એમની તીક્ષ્ણ નજર કશુંક પણ અસાધારણ દેખાય તો આપોઆપ તેની નોંધ લઈ લે છે. અંધારાના ઓળા ઊતરે પછી તાડની વાડીમાંથી પસાર થતા રાહદારીઓને ચોર-લૂંટારાનો ભો રહે છે. સોના-ચાંદીનાં ઘરેણાં કે રોકડ રકમ, જે હાથ આવે એ પડાવી લેવા માટે વટેમાર્ગુને ઢોરમાર મારતાં આ લૂંટારા અચકાતા નથી. પણ તેમને ખબર હોતી નથી કે તેમનો આ કાળો કામો કોઈક ઝાડની ટોચ પરથી એકાદ ભંડારી જોઈ ગયો છે. આવા કિસ્સામાં ઘણી વાર માત્ર એકાદ ભંડારીની જુબાનીને પ્રતાપે ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય છે.

તાડ, નાળિયેરી, ખજૂરી વગેરેને આપણે તો ‘પામ ટ્રી’ જેવા એક જ નામે ઓળખીએ છીએ. પણ એ દરેકને પોતાનો આગવો દેખાવ, આગવો પ્રભાવ હોય છે. આવી કેટલીક વાડીઓમાં સ્થાનિક ધનિકોના નાના બંગલા પણ આવેલા હોય છે. જોકે અહીં તેઓ કાયમ માટે રહેતા નથી પણ શનિ-રવિમાં કે વાર તહેવારે આરામ ફરમાવવા અહીં આવે છે. તો વળી કેટલાક લોકો લગ્નેતર સંબંધો માટે આવા બંગલાનો ઉપયોગ કરતા હોય છે. જોકે તેમણે ભંડારીની બાજ નજરથી સતત બચતા રહેવું પડે છે.

સાંજ ઢળવા લાગે ત્યારે લોકો ઝડપભેર પોતપોતાના ઘર તરફ જવા નીકળી પડે છે અને શહેરના રસ્તા પર ભીડ થઈ જાય છે. બજારમાંના લોકો હવે રસ્તા પર ઠલવાતા જાય છે અને બજાર ખાલી થતી જાય છે. માલસામાન લઈને જતાં બળદગાડાંનાં કિચૂડ કિચૂડ કરતાં પૈડાં ધૂળની નાની-નાની ડમરી ઉડાડતાં જાય છે. એ ડમરી પર પડતાં આથમતા સૂરજનાં કિરણો કોઈક જુદું જ મનોરમ દૃશ્ય ખડું કરી દે છે. અને એ જ વખતે રસ્તાની ધારે આવેલી કોઈ દરગાહ પાસેથી લોબાનના ધૂપની સુવાસ વાતાવરણમાં ફેલાતી રહે છે.

અંગ્રેજ બાનુની આ વાત વાંચતાં આપણને તો કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે:
સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે
વહાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચુપ જલે છે.
આવતા અઠવાડિયે આ અંગ્રેજ બાનુની સાથે જઈશું માટુંગા.

mumbai columnists gujarati mid-day