31 March, 2023 05:41 PM IST | Mumbai | Sejal Patel
પ્રિયંકા ખુરાના અને હેમાલી જૈન
કોઈ કળાના રૂપમાં હોય કે પછી કંઈક નવું ક્રીએટ કરવાના અને ઇનોવેશનના સ્વરૂપમાં, દરેક બાળકમાં કોઈક ટૅલન્ટ હોય જ છે. જુહુમાં રહેતાં હેમાલી જૈન તેમની ફ્રેન્ડ પ્રિયંકા ખન્ના સાથે છેલ્લાં બે વર્ષથી અનોખું એક્ઝિબિશન યોજે છે જેમાં બાળકો કુકિંગ, ગેમિંગ, આર્ટ, ક્રીએટિવિટી અને રિસર્ચની પ્રતિભાને શોકેસ કરી શકે છે
આજકાલનાં બાળકો શું નથી કરી શકતાં? યસ, એક્સપોઝર મળે તો બાળકો ધારે તે કરી શકે છે. જરૂર છે એક પ્રોત્સાહક પુશની. બીજી એપ્રિલે અંધેરીમાં એક કિડ્સ કાર્નિવલ જેવો મેળો ભરાવાનો છે જેમાં તમને ૬થી ૧૫ વર્ષનાં સવાસો એવાં બાળકો જોવા મળશે જેમાં અનોખી ટૅલન્ટ કૂટી-કૂટીને ભરેલી છે. કોઈ જાતે કુકિંગ કરીને બ્રાઉની, કેક, ચૉકલેટ, કુકીઝ, બનાના બ્રેડ કે મેક્સિકન ફૂડ બનાવીને એનો બિઝનેસ કરશે તો કોઈક મજાનું ટેરરિયમ, ઑરિગામી, એમ્બ્રૉઇડરી, જ્વેલરી મેકિંગ, ટાઇ ઍન્ડ ડાઇ ટી-શર્ટ્સ બનાવીને વેચશે કે બનાવતાં શીખવશે. તો કેટલાંક બાળકો ગેમ, પ્રોડક્ટ્સ કે ફૂડનો સ્ટૉલ ચલાવીને તેમની અંદરના ઑન્ટ્રપ્રનરને જગાડતાં જોવા મળશે. અહીં તમે કિડ્સની અંદર છુપાયેલા ઇનોવેટર્સને પણ મળી શકશો. જેની આપણે કલ્પના પણ ન કરી હોય એવી ટેક્નૉલૉજીઓ ઇનોવેટ કરી છે બારથી પંદર વર્ષના ટીનેજર્સે. આ સવાસો બાળકોને એક પ્લૅટફૉર્મ આપવાનું કામ કર્યું છે જુહુમાં રહેતાં ૩૯ વર્ષનાં હેમાલી જૈન અને તેમની ફ્રેન્ડ પ્રિયંકા ખન્નાએ.
પહેલી સીઝનમાં ૩૦ બાળકો
વાત એમ છે કે હેમાલીને છ અને આઠ વર્ષના બે દીકરાઓ છે અને પ્રિયંકાને એટલી જ ઉંમરની બે દીકરીઓ છે. લૉકડાઉન દરમ્યાન બાળકો સાથે રહીને તેમની ક્રીએટિવિટીથી પ્રભાવિત થઈને કંઈક નવું કરવાના વિચારમાંથી આ કિડ્સ એક્ઝિબિશનનો વિચાર તેમને આવેલો. લાઇફસ્ટાઇલ અને એજ્યુકેશનલ વર્કશૉપ્સનું બૅકગ્રાઉન્ડ ધરાવતી હેમાલી કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં જ્યારે લૉકડાઉન આવ્યું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના આર્ટિસ્ટોની સ્થિતિ કથળી ગયેલી ત્યારે અમે દુનિયા ૨૦૨૦ નામે સોશ્યલ ઇનિશ્યેટિવ શરૂ કરેલું અને ડિઝાઇનરો, આર્ટિસ્ટોને એક પ્લૅટફૉર્મ પર લાવીને બાળકોમાં એન્વાયર્નમેન્ટ અવેરનેસનું કામ કરેલું. એ વખતે અમે એ પણ જોયું કે ઘરેબેઠાં બાળકો બહુ નવું-નવું શીખે છે. તેમને કુકિંગનો શોખ જબરો છે. ગેમ્સમાં પણ તેઓ અલગ લેવલ પર એક્સપર્ટ થઈ રહ્યાં છે. કેટલાંક બાળકો રોબોટિક્સમાં બહુ રસ ધરાવતાં હતાં અને કેટલાંકનું ટેક્નૉલૉજી અને સાયન્સથી સજ્જ ભેજું તેમને નવી-નવી શોધ માટે પ્રેરી રહ્યું હતું. આ જોઈને અમને થયું કે એન્વાયર્નમેન્ટ અવેરનેસની સાથે બાળકોની અંદર રહેલી ડાઇવર્સ ટૅલન્ટ્સને એક છત્ર તળે લાવીએ. અમારી સાથે પહેલેથી સંકળાયેલા કેટલાક પેરન્ટ્સની સાથે વાત કરતાં વર્ડ ટુ માઉથ અવેરનેસથી પહેલા જ વર્ષે લગભગ ૩૦ બાળકો આ એક્ઝિબિશનમાં જોડાયેલાં.’
હવે ૧૨૫ બાળકો
ગયા વર્ષે પણ એપ્રિલમાં આ એક્ઝિબિશન થયેલું અને આ રવિવારે એટલે કે બીજી એપ્રિલે જે થશે એ બીજું એક્ઝિબિશન છે કિડપ્રૉન્યોર, જેમાં લગભગ ૧૨૫ બાળકો ભાગ લઈ રહ્યાં છે. હેમાલી કહે છે, ‘પહેલા જ વર્ષે દુનિયા ૨૦૨૦ના કિડપ્રૉન્યોર એક્ઝિબિશન જોવા આવેલાં બાળકોને પણ એમાં ભાગ લઈને પોતાની ટૅલન્ટ શો-કેસ કરવાની બહુ ઇચ્છા હતી. બાળકો અને પેરન્ટ્સ વારંવાર પૂછતાં હતાં કે આવું ફરી બીજું એક્ઝિબિશન ક્યારે થશે? પહેલા એક્ઝિબિશનને મળેલા રિસ્પૉન્સ પછી તો વર્ડ ટુ માઉથ પબ્લિસિટી થકી જ બીજાં એટલાંબધાં બાળકોનો સામેથી કૉન્ટેક્ટ થવા લાગ્યો કે આ વર્ષે લગભગ સવાસો બાળકોની વિવિધ ટૅલન્ટ્સ આ એક્ઝિબિશનમાં જોવા મળશે.’
આ પણ વાંચો: ફાગણમાં અષાઢી માહોલથી આપણે કેમ ચેતવા જેવું છે?
એક્ઝિબિશનની વિશેષતા
કિડપ્રૉન્યોરના આ સવાસો બાળકોની ટૅલન્ટને વિવિધ કૅટેગરીમાં ડિવાઇડ કરી દેવામાં આવી છે. એમાં ફર્સ્ટ કૅટેગરી છે ઑન્ટ્રપ્રનર્સની. એમાં બાળકો પોતે બનાવેલી પ્રોડક્ટ્સ, ગેમ્સ કે ફૂડ આઇટમ્સ વેચશે અને પોતાના એ નાનકડા સ્ટૉલનો બિઝનેસ મૅનેજ કરતાં શીખશે. એમાં તેમની વિવિધ આર્ટ, કુકિંગ કે સ્પેશ્યલ સ્કિલફુલ ટૅલન્ટ પણ છતી થશે. બીજા સેક્શનમાં કિડ્સનોવેટર્સ છે. એમાં કંઈક અવનવું સંશોધન કરનારા સ્ટુડન્ટ્સ છે. એ વિશે હેમાલી કહે છે, ‘આ સેક્શનમાં થોડાક મોટાં એટલે કે ૧૨થી ૧૬ વર્ષનાં કિડ્સ છે જેમણે ખરેખર ભેજું લડાવીને કંઈક નવું સર્જન કર્યું છે જે આવનારા સમયમાં કોઈ સર્વિસ તરીકે કે પ્રોડક્ટ તરીકે માર્કેટમાં મૂકી શકાય. એક સ્ટુડન્ટ છે જેણે સ્કૂબા ડાઇવિંગ દરમ્યાન સેફ્ટી સેન્સરવાળાં ગ્લવ્સ તૈયાર કર્યાં છે. આ ગ્લવ્સ પહેરીને આંગળી હલાવીને ડાઇવર પોતે ડેન્જરમાં છે એવાં સિગ્નલ્સ મોકલી શકે છે. તો કોઈકે બ્રેથ-ઍનૅલાઇઝર રોબો તૈયાર કર્યો છે. હું કહીશ કે આ ઝોન કોઈએ મિસ કરવા જેવો નથી. એમાં દસ એસ્પાયરિંગ ટેક્નૉપ્રૉન્યોર કિડ્સનું ઇનોવેશન જોવા મળશે. ૩૦થી વધુ બાળકોએ બનાવેલી હોય એવી ૩૦થી વધુ પ્રોડક્ટ્સ આ એક્ઝિબિશનમાં છે. અમે ધ્યાન રાખ્યું છે કે દરેક બાળકના સ્ટૉલ પર યુનિક ચીજ મળતી હોય. એકની એક જ આઇટમ બે સ્ટૉલ પર શોકેસ થાય એવું નહીં બને.’
કિડ્સ બૅન્ડ લેગો મ્યુઝિયમ
બાળકો માટે, બાળકો દ્વારા અને બાળકોના આ એક્ઝિબિશનમાં મેઇન રોલમાં બાળકો જ જોવા મળશે એમ જણાવતાં હેમાલી કહે છે, ‘અમે કિડ્સની અંદર જે પણ ટૅલન્ટ હોય એને પ્લૅટફૉર્મ આપ્યું છે. થોડાંક મોટાં કિશોર વયનાં બાળકો છે તેમનું મ્યુઝિકલ બૅન્ડ પણ અહીં પોતાની આર્ટ શોકેસ કરશે. એક્ઝિબિશનની શરૂઆત અને એન્ડમાં તેમનો સ્પેશ્યલ પર્ફોર્મન્સ થશે. મારો દીકરો લેગોનો જબરો ફૅન છે. તે લેગોબ્રિક્સમાંથી એટલાં જાયન્ટ સ્ટ્રક્ચર્સ બનાવે છે કે ઘણી વાર મને મૂંઝવણ થતી કે આ બધી ચીજોને રાખવી ક્યાં? મારા દીકરા જેવાં જ બીજાં ઘણાં બાળકો છે જેમણે લેગોમાંથી જાયન્ટ કૃતિઓ તૈયાર કરી છે. એ પરથી અમને વિચાર આવ્યો કે એક્ઝિબિશનમાં બીજું ડેકોરેશન કરવાને બદલે અમે આ લેગો આર્ટના નમૂનાઓ જ લોકો માટે સજાવીને મૂકીશું. એ વાતાવરણને વાઇબ્રન્ટ પણ બનાવશે અને જેમણે આ નમૂના તૈયાર કર્યા છે એ બાળકોને પણ પ્રોત્સાહન મળશે.’
એક્ઝિબિશનનો મૂળ હેતુ બીજા બાળકોને ઇન્સ્પાયર કરવાનો છે એમ જણાવતાં હેમાલી કહે છે, ‘પહેલી વાર અમે જ્યારે આ કાર્નિવલ સ્ટાઇલનું એક્ઝિબિશન કરેલું ત્યારે જસ્ટ કિડ્સમાં રહેલી ટૅલન્ટ તેઓ બીજાને બતાવી શકે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે એ હેતુ હતો. જોકે એ અનુભવ પરથી અમને સમજાયું કે એ એક્ઝિબિશન જોવા આવેલાં બાળકો પણ એમાંથી બહુ ઇન્સ્પાયર થયેલાં. પ્રતિભાવંત બાળકોને તેમનું કૌશલ્ય દેખાડવાની તક મળે અને અન્ય બાળકોને બીજાં બાળકોની ટૅલન્ટ જોઈને એમાંથી પોતાની અંદરનો રસનો વિષય શોધવામાં મદદ થાય એ જ મુખ્ય હેતુ છે.’
ફ્રી વર્કશૉપ્સ
આ રવિવારે અંધેરીમાં ડી. એન. નગરમાં આવેલી ધ ક્લબની મેઇન લૉનમાં યોજાનારા કિડપ્રૉન્યોર એક્ઝિબિશનમાં રોબોટિક્સ, લેગો અને સાયન્સની ફ્રી વર્કશૉપ પણ થશે જે બાળકો દ્વારા જ શીખવવામાં આવશે.