બથુઆ ખાઓ બબુઆ...

07 February, 2024 07:19 AM IST  |  Mumbai | Sejal Patel

શિયાળો એક જ એવી સીઝન છે જેમાં ગ્રીન લીફી વેજિટેબલ્સની ક્વૉલિટી સારી હોય. ચોમાસામાં ખરાબ પાણીને કારણે અને ગરમીમાં બહુ ઝડપથી બગડી જવાને કારણે લીલી ભાજીઓનું સેવન બહુ ઓછું થતું હોય છે.

બથુઆ

લીલી ભાજીઓમાં ચીલની ભાજી આપણે ત્યાં બહુ ઇગ્નૉર થઈ છે. જોકે શિયાળામાં આ ભાજી ખાવાના જબરા ફાયદા છે. જ્યાં ખૂબ ઠંડી પડે છે ત્યાં તો આ સારીએવી માત્રામાં ખવાય છે, પણ જો મુંબઈમાં પણ ખાવી હોય તો વિન્ટર ઇઝ બેસ્ટ સીઝન. પણ હા, એનું પ્રમાણમાપ ધ્યાનમાં રાખવું જરૂરી છે, નહીંતર ઊલમાંથી ચૂલમાં પડાય એવું બને

શિયાળો એક જ એવી સીઝન છે જેમાં ગ્રીન લીફી વેજિટેબલ્સની ક્વૉલિટી સારી હોય. ચોમાસામાં ખરાબ પાણીને કારણે અને ગરમીમાં બહુ ઝડપથી બગડી જવાને કારણે લીલી ભાજીઓનું સેવન બહુ ઓછું થતું હોય છે. પાલક, તાંદળજો, મેથી, લૂણી જેવી ભાજીઓ તો આપણે ભરપૂર ખાઈએ છીએ પણ બથુઆની ભાજી પ્રમાણમાં ઓછી ખવાય છે. હેલ્ધી વિન્ટર વેજિટેબલ્સની વાત થતી હોય તો આ ભાજી બહુ જ પોષક છે. કોઈ પણ ભાજી સારકગુણ ધરાવે છે અને બથુઆ એટલે કે ચીલની ભાજી પણ એમાંથી બાકી નથી એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘દરેક ભાજીની જેમ એમાં ભરપૂર માત્રામાં નૅચરલ વિટામિન્સ, ફાઇબર, કૅલ્શિયમ અને લોહતત્ત્વ મળે છે. એનાથી કૃમિનો નાશ થાય છે એટલું જ નહીં, એને ત્રિદોષનાશક ગુણવાળી કહી છે એટલે ચીલની ભાજી ટૉનિકની ગરજ સારે છે.’

ત્રિદોષનાશક
અંગ્રેજીમાં ચીલની ભાજીને પિગવીડ કહેવાય છે. તાજેતરમાં ન્યુટ્રિશન જર્નલમાં છપાયેલા એક અભ્યાસ મુજબ બથુઆમાં રહેલાં પોષક તત્ત્વો અને ગુણો વાંચીએ તો આ ભાજીના પ્રેમમાં પડી જવાય એવું છે. આ ભાજીમાં ખૂબ સારી માત્રામાં અમીનો ઍસિડ્સ આવેલાં છે જે શરીરમાં રહેલા કોષોની કામગીરી સુધારે છે અને જો કોષો ડૅમેજ થયેલા હોય તો રિપેર કરવાનું કામ કરે છે. 
ફાઇબર અને વૉટર કન્ટેન્ટ ખૂબ સારાં હોવાથી બથુઆ કબજિયાત મટાડે છે, જે વાત આયુર્વેદમાં પણ કહેવાઈ છે. ૧૦૦ ગ્રામ બથુઆની ભાજીમાં માત્ર ૪૩ કૅલરી હોય છે એટલે એ હેલ્ધી ઈટિંગની સાથે તમારા વેઇટ કન્ટ્રોલ ડાયટમાં પણ સારો ફાળો આપી શકે છે. બથુઆ લોહીનું શુદ્ધીકરણ કરીને ત્વચા સુધારે છે. આયુર્વેદના ગ્રંથોમાં બથુઆના આ ગુણોનો ઉલ્લેખ છે એ વિશે પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘આ ભાજી ત્રિદોષનાશક તો છે જ સાથે પાચન સુધારે છે. એને કારણે લિવર અને ગૉલ-બ્લૅડરની કામગીરી સુધરે છે અને લોહીનો બગાડ હોય તો મટાડે છે. હા, આ ભાજી થોડીક ઉષ્ણ છે, પણ જે ચીજ પાચન સુધારે એ થોડીક તો ઉષ્ણવીર્ય રહેવાની જ. એટલે જ એ શિયાળામાં મળે છે.’

એમાં વિટામિન કે અને કૅલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે એટલે વડીલોની બોન હેલ્થ માટે એ બહુ કામની ભાજી છે. હાડકાં નબળાં પડવાનું શરૂ થાય એ પહેલાં જ જો આ ભાજીનું સેવન શરૂ કરવામાં આવે તો ફાયદાકારક છે. 

ભરપૂર પોષક તત્ત્વો...
ન્યુટ્રિશન સાયન્સની દૃષ્ટિએ જોઈએ તો બથુઆની ભાજીમાં ઠાંસી-ઠાંસીને ગુણો ભરેલા છે એમ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં અમીનો ઍસિડ્સ, વિટામિન એ, સી, બી, કે ઉપરાંત આયર્ન અને ઝિન્ક કન્ટેન્ટ પણ સારીએવી માત્રામાં હોય છે. ફાઇબર રિચ હોવાથી કૉન્સ્ટિપેશન માટે બહુ સારી છે. જોકે ખૂબ ગુણકારી હોવા છતાં એકલી ચીલની ભાજી ખાઈ શકાતી નથી. વધુપડતી માત્રામાં એનું સેવન નુકસાન કરી શકે છે. નૉર્થમાં જ્યાં કડકડતી ઠંડી પડે છે ત્યાં ચીલની ભાજી સરસવની ભાજી સાથે ખૂબ પોષક બને છે. આ ભાજીને બને ત્યાં સુધી સરસવના તેલમાં જ બનાવવામાં આવે છે. જોકે મુંબઈગરાઓની વાત કરું તો આ ભાજી સંભાળીને ખાવી. આપણે ત્યાં એટલી ઠંડી નથી કે ગરમ તાસીર ધરાવતી ચીજ શિયાળામાં પણ વધુ માત્રામાં ખવાય.’

બથુઆના ફાયદા 


એનાં પાન કાચાં ચાવવાથી શ્વાસની દુર્ગંધ, પાયોરિયા અને દાંત સાથે સંકળાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે. કબજિયાત થઈ હોય તો આ ભાજી બાફીને ખાવાથી ફાયદો થાય છે. ભૂખ ન લાગતી હોય, ખોરાક મોડેથી પચતો હોય, ખાટા ઓડકાર અને ગૅસ જેવું લાગ્યા કરતું હોય તો બથુઆની ભાજી લઈ શકાય. બથુઆનો રસ અને ગળોનો રસ મિક્સ કરીને એનું ૨૫-૩૦ ગ્રામ મિશ્રણ રોજ દિવસમાં બે વાર લેવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાનો રંગ નિખરે છે. બથુઆના પાનની સાથે ૪-૫ લીમડાના પાનને ચાવીને ગળી જવાથી લોહી અંદરથી શુદ્ધ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. બથુઆ કૃમિનાશક છે એટલે જે બાળકોને પૉટીમાં કીડા પડતા હોય તો ત્રણથી ચાર દિવસ બથુઆની ભાજી ખવડાવવાથી પેટના કૃમિ મરી જાય છે.

બીજાની સાથે મિક્સ કરો
લીલી ભાજીઓ બહુ જ સારી ગણાતી હોવા છતાં એ ઘણી વાર બધાને નથી ફાવતી. એની તાસીર થોડીક ગરમ હોવાથી એકલી બથુઆની ભાજી બધાને સદે જ એવું જરૂરી નથી એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ખૂબ ગુણોથી કૉન્સન્ટ્રેટેડ આ ભાજી બને ત્યાં સુધી એકલી ખવાતી નથી. ટેસ્ટમાં એ કડુછી લાગે છે. ઉત્તર ભારતમાં એને સરસવની ભાજી સાથે સરસોં દા સાગમાં મિક્સ કરવામાં વપરાય છે. ચીલની ગરમ તાસીરને બૅલૅન્સ કરવા માટે એને રાયતું, થેપલાં કે કઢીમાં નાખીને લેવામાં આવે તો ઉત્તમ ગુણ આપે. મગની દાળ અને બથુઆની ભાજીનું કૉમ્બિનેશન પણ કરી શકાય. એ પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર સંયોજન છે જે ઓવરઑલ પણ હેલ્ધી રહે છે. તમને એ સદશે કે નહીં એ ખબર ન હોય તો શરૂઆત ખૂબ ઓછી માત્રાથી કરો. ભલે એ બહુ જ ગુણકારી છે છતાં વીકમાં એકાદ વારથી વધુ એનો ભોજનમાં સમાવેશ ન કરવો જોઈએ. જો આ ભાજી ખાધા પછી આકળવિકળ થતું હોય તો એની સાથે ભોજનમાં દહીંનો સમાવેશ કરવો અથવા જમ્યા પછી ભરપૂર છાશ પી લેવી. આ ભાજીનું સેવન કરો ત્યારે સાથે પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે.’

બીજથી તકલીફ થાય 
ઘણી વાર બથુઆની ભાજી ખાધા પછી પેટમાં દુખે એવું પણ બને છે. આનું કારણ શું હોઈ શકે?  એનું કારણ એનાં બીજ છે એમ જણાવતાં વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘જો ક્યારેક ભાજીની સાથે આવતાં બીજ પણ ખવાઈ જાય તો એનાથી પેટમાં તકલીફ સંભવ છે. જોકે એ પણ બહુ વધુ માત્રામાં બીજ ખવાઈ ગયાં હોય તો જ દુખાવો કરે છે. સામાન્ય રીતે ભાજી વાપરતી વખતે એને બરાબર સાફ કરવામાં આવે અને કુમળાં પાનવાળી ભાજી જ વાપરવામાં આવે અને બથુઆ સિવાયનાં બીજાં કોઈ પાનનું મિક્સિંગ ન થયું હોય એ જોવું જરૂરી છે. આપણે મુંબઈમાં બારેમાસ બધું જ મળે છે, પણ હકીકતમાં જે વસ્તુ જે સીઝનમાં અને જ્યાં ઊગતી હોય ત્યાં જ ખાવામાં આવે એ જરૂરી છે. બથુઆ ઉત્તર ગુજરાત કે ઉત્તર ભારતમાં ભરપૂર થાય છે અને એ ત્યાંની આબોહવા માટે અતિઉત્તમ છે.’

ચીલની તાસીરને બૅલૅન્સ કરવા માટે એને રાયતું, થેપલાં કે કઢીમાં નાખીને લેવામાં આવે તો ઉત્તમ ગુણ આપે. મગની દાળ અને બથુઆની ભાજીનું કૉમ્બિનેશન પણ કરી શકાય. એ પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર સંયોજન છે જે ઓવરઑલ પણ હેલ્ધી રહે છે.
યોગિતા ગોરડિયા

columnists life and style health tips sejal patel