19 March, 2023 12:00 PM IST | Ahmedabad | Shailesh Nayak
વિદ્યાર્થીઓને ગીત ગાઈને ગણિતનો અભ્યાસ કરાવતા શિક્ષક કૃણાલ મારવણિયા.
એને બાળગીતો, ભજન, લોકગીતો, ફિલ્મી ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં ગાઈને વિદ્યાર્થીઓને એવો રસ જગાવ્યો કે સ્ટુડન્ટ્સનું ગણિત અપગ્રેડ થયું
એજી ઓજી લોજી સુનોજી,
તમે સાંભળોજી
હું જે કહું તે ધ્યાનથી સાંભળોજી
વન ટૂ કા ફોર, ફોર ટૂ કા વન
ચતુષ્કોણની કમાલ, ચતુષ્કોણની કમાલ...
ગુજરાતમાં સોરઠ તરીકે જાણીતા વિસ્તારમાં જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલા શાપુર ગામની શાપુર પે સેન્ટર શાળાના વર્ગખંડમાં ગણિત ભણાવતા કૃણાલ મારવણિયાની નોખી સ્ટાઇલ વિદ્યાર્થીઓને માફક આવી ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ હોંશે-હોંશે ગીતો ગાઈને ગણિત શીખે છે!
ગણિતના આ શિક્ષક પોતે પણ ગીત ગાય છે અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને શીરાની જેમ ગણિતને ગળે ઉતારી રહ્યા છે. અઘરા દાખલા હોય કે કોયડા હોય, ક્લાસરૂમમાં આ શિક્ષક ગાતાં-ગાતાં ગણિત શીખવે છે. એટલું જ નહીં, હાર્ડબોર્ડની ગેમ્સ બનાવીને વિજ્ઞાન વિષય શીખવી રહ્યા છે.
કૃણાલ મારવણિયાએ ગણિતનાં એક પછી એક ૨૦ ગીતો રચ્યાં અને એને બાળગીતો, ભજન, લોકગીતો, ફિલ્મી ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમમાં ગાઈને વિદ્યાર્થીઓને એવો રસ જગાડ્યો કે સ્ટુડન્ટ્સનું ગણિત અપગ્રેડ થયું છે. ગીતો દ્વારા ગણિત ભણાવવાના વિચાર વિશે વાત શિક્ષક કૃણાલ મારવણિયા કહે છે, ‘મૅથ્સ અને સાયન્સ જેવા સબ્જેક્ટ્સ ઘણા વિદ્યાર્થીઓને બોરિંગ લાગતા હોય છે. સૂત્ર આપી દો, લખી નાખો, ગોખી નાખો અને દાખલા ગણી નાખો. આવું થતું હોય એટલે બાળકને કંટાળો આવતો હોય છે. ત્યારે મને થયું કે ગુજરાતીના પિરિયડમાં જેમ કાવ્ય ગવડાવીને શીખવવામાં આવે છે તો પછી ગણિતને ગાઈને કેમ સમજાવી ન શકાય? જો આવું કરીએ તો બાળકને પણ અભ્યાસ કરવામાં રસ જાગે અને મજા પણ આવે. આમ તો હું ટિપિકલ મેથડ યુઝ કરતો હતો, પણ રિઝલ્ટ ઓરિયેન્ટેડ વર્ક માટે વિચાર કર્યો કે કંઈક જુદું કરીએ. ૨૦૧૮–’૧૯માં ધીમે-ધીમે ગણિતનાં ગીતો રચવાનું શરૂ કર્યું. ‘ભૂમિતિમાં કેવા ખૂણા છે, એ ખૂણા જુદા-જુદા છે...’ આ રીતે ગીતો લખવાનું શરૂ કર્યું. આમ તો હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કૉલેજમાં થતા ગઝલ અને કાવ્યના કાર્યક્રમમાં હું કાવ્યરચના કરતો હતો. હવે ગણિતમાં ગીતની રચના કરું છું. આ ગીતો વિદ્યાર્થીઓમાં લોકભોગ્ય બને એ માટે બાળગીતો, ભજન, ફિલ્મી ગીતોમાં એનો રાગ બેસતો હોય અને ટ્યુનિંગ થતું હોય તો એના ઢાળમાં ગણિતના શબ્દોને ઢાળીને રાગ બેસાડું છું. અત્યાર સુધીમાં આ રીતે ૨૦ જેટલાં ગણિતનાં ગીતો બનાવ્યાં છે.’
વર્ગખંડમાં ગાતાં-ગાતાં કેવી રીતે શિક્ષણ આપે છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઘણાં ગીતો મેં પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં લખ્યાં છે. દાખલા તરીકે ભૂમિતિનો એક ખૂણો જેનું માપ ૯૦ અંશ, તો બોલો એ કોણ? અમુક ગીતોમાં પ્રશ્નનો જવાબ લહેકો કરીને આપીએ જેથી બાળકોને પણ એ ગમતું થઈ જાય અને ઉત્સાહ સાથે ભણી શકે. આ ઉપરાંત ઘણાં ગીતોમાં એક લીટી હું ગાઉં અને અને એ બાળકો ફરી ગાય.’
છેલ્લાં પાંચેક વર્ષથી ઇનોવેટિવ આઇડિયા સાથે ગીત ગાઈને ગણિત શીખવી રહેલા આ શિક્ષકના પ્રયાસની વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ છે એની વાત કરતાં કૃણાલ મારવણિયા કહે છે, ‘આપણે જોયું હશે કે ઘણી વખત એવું બનતું હોય છે પકે સ્કૂલમાં ગણિતનો પિરિયડ આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે ઓહ નો, ગણિતના સાહેબ આવ્યા, હમણાં દાખલા કરાવશે. આવી માનસિકતામાં બાળક બેઠું હોય અને આપણે તેને કહીએ કે ચાલ, બેન્ચ પર તબલાં વગાડ, ગાઓ ગીત અને મોજ કરો. તો એ બાળકોને મજા પડી જાય કે નહીં? બાળકો ઉત્સાહમાં આવી જાય છે. મેં માર્ક કર્યું છે કે બાળકો ગોખવાથી ભૂલી જતાં હોય છે, પણ હોંશભેર ગીતો કંઠસ્થ કર્યાં હોય તો યાદ રહી જાય છે. એટલે ત્રિકોણ, બહુકોણ, સંમેય સંખ્યા, ગુણધર્મ, ખુણાઓના પ્રકાર, ખૂણાની જોડના પ્રકાર સહિત બધું જ ગીતમાં આવી જતું હોવાથી અને એ વિદ્યાર્થીઓ ગાતા હોવાથી તેમને મજા આવે છે અને યાદ રહી જાય છે. એને કારણે બાળકોના રિઝલ્ટમાં અપગ્રેડેશન થયું છે. કોઈક વિદ્યાર્થીને આ વિષયમાં રસ ન પડે, પણ ગીતો દ્વારા રસ કેળવાય છે અને એના દ્વારા ગણિતને હળવાશથી શીખે છે.’
કૃણાલ મારવણિયા ગણિતની સાથે વિજ્ઞાન પણ શીખવે છે. વિજ્ઞાનમાં તેમણે સૂર્યમંડળ, વૃક્ષો-વનસ્પતિ ઓળખીએ, વિટામિનયુક્ત ખોરાક, આહાર કડી સહિતના અભ્યાસના મુદ્દાઓની હાર્ડબોર્ડ ગેમ્સ બનાવી છે. ડિજિટલ ગેમ્સ પણ તેમણે બનાવી છે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઊભી થાય એ માટે કાગળ, લાકડા, પ્લાસ્ટિકના બૉક્સમાંથી હૅન્ડમેડ જુદાં-જુદાં મૉડલ્સ બનાવીને, ઍક્ટિવિટી કરાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમણે યુટ્યુબ ચૅનલ પર પણ ૨૦૦થી ૨૫૦ કન્ટેન્ટ-વિડિયો બનાવીને મૂક્યા છે.
વિદ્યાર્થીઓને અઘરા લાગતા વિષયને સરળતાથી શીખવવાની હોંશ હોય તેમ જ વિદ્યાર્થીઓ માટે કંઈક નવું કરવાની તમન્ના હોય ત્યારે આવું સર્જન થતું હોય છે. કૉલેજમાં અભ્યાસ દરમ્યાન ગઝલ અને કાવ્ય રચનાર કૉલેજિયન આજે શિક્ષક બનીને સ્ટુડન્ટ્સ માટે ગણિતનાં ગીતો રચે છે એ નવીન બાબત ગામલોકોએ સ્વીકારી છે અને આવકારી છે.