10 November, 2024 12:49 PM IST | Gujarat | Shailesh Nayak
કારને સમાધિ આપીને સૌએ ફૂલવર્ષા કરી હતી.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કાર્ય કર્યું કે લોકો દંગ રહી ગયા. પોતાની સેકન્ડહૅન્ડ કારને નસીબવંતી માનતા આ માણસે વહાલસોયી કારને વેચવાને બદલે એને સદૈવ ઘરઆંગણે સંભારણારૂપે રાખવા વાડીમાં સમાધિ આપી. સમાધિ આપતાં પહેલાં કંકોતરી લખી હરખનાં તેડાં મોકલીને સાજન-માજન તેડાવ્યા, વરરાજાની કારની જેમ પોતાની લાડલી કારને શણગારી, કાર ફરતે પરિવાર સહિત સૌકોઈ ઉમંગભેર ગરબે ઘૂમ્યા, ધુમાડાબંધ ભોજન કરાવ્યું, ડાયરો-સંતવાણી યોજાયાં, અઢી કિલોમીટરની યાત્રા કાઢીને ગાડીને ચલાવીને વાડીએ લઈ ગયા અને મંત્રોચ્ચાર વિધિવિધાન સાથે સમાધિ આપી
સમાધિ.
આ શબ્દ કાને પડતાં જ કે પછી એને વાંચતાં આપણી નજર સમક્ષ સાધુસંતો આવી જાય. આદિઅનાદિ કાળથી ઘણાબધા સાધુપુરુષો અને સંતમહાત્માઓએ સમાધિ લીધી છે, પણ આપણે ક્યારેય એવું સાંભળ્યું નહીં હોય કે જોયું નહીં હોય કે કારને વિધિવિધાન સાથે સમાધિ આપી હોય. આમ કંઈક અજીબ જ પ્રકારની બાબત લાગી આવે; પણ હા, આવું થયું છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજય પોલરાએ એવું કર્યું કે લોકો દંગ રહી ગયા છે. માન્યામાં ન આવે એવી વાત છે, પણ હકીકતમાં બની છે. પોલરા પરિવારે પોતાની નસીબવંતી કારને હેતથી હોંશભેર વળાવી પોતાની વાડીમાં જ સમાધિ આપીને એને કાયમી સંભારણું બનાવી દીધી છે. માણસ અને કાર વચ્ચેની લાગણીના ઋણાનુબંધની અનોખી દાસ્તાનની આજે વાત કરવી છે.
જેમના ઘરે આઉડી, ઇકોસ્પોર્ટ્સ કાર સહિતની ત્રણ-ત્રણ કાર છે એવી વ્યક્તિ કારને સમાધિ આપે એ જરા અચરજભર્યું લાગે, પણ એનો જવાબ આપતાં પોતાની લાડલી કાર વિશે સંજય પોલરા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ કાર અમારા માટે નસીબવંતી હતી. ૨૦૧૩-’૧૪માં ૨૦૦૬ના મૉડલની મારુતિ વૅગન-આર કાર અમે સેકન્ડહૅન્ડ ખરીદી હતી. આ કાર ખરીદી ત્યારે એને માંડ-માંડ લીધી હતી. મારી પોઝિશન એવી નહોતી, પણ સેકન્ડહૅન્ડમાં લઈ લીધી. મેં માર્ક કર્યું કે કાર આવ્યા પછી ધીરે-ધીરે અમારી આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. આજે મારી પાસે આઉડી, સ્વિફ્ટ ડિઝાયર અને ઇકોસ્પોર્ટ્સ કાર છે. આ કાર લીધી ત્યારે હું મકાનના લે-વેચનું કામ કરતો હતો, પણ આજે સુરતમાં રહું છું અને કન્સ્ટ્રક્શનનું કામ કરું છું. કાર લીધા પછી અમારી ચડતી થઈ એવું હું માનું છું.’
કાર લકી હોય એમાં ના નહીં, પણ જો કોઈ બીજી કાર લાવીએ તો સ્વાભાવિક રીતે જૂની કારને મોટા ભાગે વેચી દઈએ; પણ સંજય પોલરાએ સેકન્ડહૅન્ડ ખરીદેલી કાર વેચી નહીં એની પાછળનું લૉજિક જણાવતાં તેઓ કહે છે, ‘કાર ન વેચવા પાછળનું કારણ એવું છે કે આપણા માટે જે લોઢું લકી હોય એને શું કામ વેચવું પડે? કારને ખોલાવીને કોઈ પાર્ટ્સ રિપેર નહોતા કરાવવા કે કોઈ પાર્ટ્સ કાઢી પણ નહોતા લેવા. ગૅરેજમાં લઈ જઈએ તો આપણને ખબર નથી કે કારનો કયો પાર્ટ્સ આપણા માટે નસીબવંતો છે. એટલે અમારે આ કાર કોઈને વેચવી નહોતી.’
નસીબવંતી કાર જૂની થઈ જાય તો કોઈ એને ન વેચે તો ઘરઆંગણે રાખે, પણ સમાધિ આપે એવું કેમ? કારને સમાધિ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો? એ વિશે વાત કરતાં સંજય પોલરા કહે છે, ‘અમારા માટે આ કાર લકી હતી એટલે એને કોઈને વેચવી નહોતી. ઘરઆંગણે ગાડી પડી હોય તો કદાચ કોઈ ચલાવવા માટે માગે કે પછી કાર ઉપયોગમાં ન હોય એટલે કદાચ કોઈ એવું કહે કે તમારી કાર પડી રહી છે, તમે ચલાવતા નથી તો મને એનો આ પાર્ટ આપોને, ગાડીમાંથી મને આ વસ્તુ કાઢી દોને. તો કાર સામે રાખીને શું કરવાનું? એટલે વિચાર આવ્યો કે લોકો કાર માટે કરે છે એનાથી અલગ કંઈક કરીએ. મૂળ તો અમે કાઠિયાવાડી એટલે થયું કે કાર આપણી નજર સમક્ષ કાયમી રહે અને એક યાદગીરી બની જાય એ માટે એને સમાધિ આપીએ. આમ પણ એક દાયકા જેટલા સમયથી આ કારનો ઉપયોગ કરીએ છીએ અને એ નસીબવંતી છે તો એને સમાધિ આપીએ.’
કારને સમાધિ આપવાનું નક્કી કર્યા પછી એના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કારની સમાધિનો એક આખો પ્રસંગ ઊજવવાનું નક્કી થયું. વિધિવત્ કંકોતરી પણ લખીને સગાંવહાલાં અને સાજન-માજનને હરખનાં તેડાં મોકલીને તેડાવ્યાં, ધુમાડાબંધ ભોજનનો પ્રબંધ કરવામાં આવ્યો, સંતો અને બ્રાહ્મણોને નોતર્યા, ડીજે સાથે ગરબાના તેમ જ ડાયરો-સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જાણે ઘરમાં કોઈ પ્રસંગ હોય એમ કારની સમાધિનો એક પ્રસંગ કહો કે ઉત્સવ કહો એના માટે આયોજન કરવામાં આવ્યું. સંજય પોલરા કહે છે, ‘અમે એક મહિના પહેલાં કંકોતરી લખીને સગાંસંબંધીઓ, આડોશ-પાડોશના લોકો તેમ જ સાધુસંતોને આદરપૂર્વક બોલાવ્યાં હતાં. ગયા ગુરુવારે સમાધિનો પ્રસંગ ઊજવ્યો હતો. એ દિવસે ગણપતિ અને કુળદેવીનું પૂજન કર્યું. અમારી લાડલી અને નસીબવંતી કારને વરરાજાની ગાડીની જેમ શણગારીને તૈયાર કરી હતી. પરિવારજનોએ કારનું પૂજન કર્યું હતું અને આરતી ઉતારી હતી. ઢોલનગારાં અને ડીજે સાથે અઢી કિલોમીટરની યાત્રા કાઢીને કારને અમારી વાડીએ લઈ ગયા હતા. આ કાર ચલાવી શકાય એ હાલતમાં હતી અને અમે એને ચલાવીને વાડી સુધી લઈ ગયા હતા. પરિવારના સભ્યોએ એને પોંખી હતી અને ગરબે પણ ઘૂમ્યા હતા. રાત્રે ડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ યોજ્યો હતો અને ખુશીથી ૧૦૦૦ માણસનો જમણવાર કર્યો હતો. ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, શાક-પૂરી, રોટલી, ભજિયાં, સૅલડ, દાળ-ભાત, પાપડનું ભોજન પ્રેમથી બધાને કરાવ્યું હતું.’
વાડીમાં વિધિવિધાનપૂર્વક કેવી રીતે કારને સમાધિ અપાઈ એ વિશે સંજય પોલરા કહે છે, ‘કારની સમાધિ માટે અમારી વાડીમાં ૧૨ ફીટ ઊંડો અને ૧૦ ફીટ પહોળો ખાડો ખોદ્યો હતો. કારને ક્રેનની મદદથી નહીં પણ ચલાવીને ખાડામાં ઉતારી શકાય એ માટે ૨૦ ફીટ લાંબો રૅમ્પ બનાવ્યો હતો. ત્યાંથી કાર ચલાવીને અંદર ઉતારી હતી. CNG કાર હોવાથી એને સમાધિ આપતાં પહેલાં CNG કિટ કાઢી લીધી હતી જેથી કોઈ મુશ્કેલી ન સર્જાય. કારને કોર મઢેલા લીલા કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. એને સમાધિ આપવા માટે બ્રાહ્મણે મંત્રોચ્ચાર કર્યા હતા, અગરબત્તી-દીવા કર્યાં હતાં અને વિધિવત્ કારને સમાધિ આપી હતી. સમાધિ પહેલાં મારા પરિવારના સભ્યોએ યાદગીરી માટે કારની સાથે તસવીર પણ પડાવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત સૌકોઈએ કાર પર ફૂલોની વર્ષા કરી હતી. આ કાર અમારા ઘરના એક સભ્યની જેમ હતી એટલે એની સમાધિ પણ આદરપૂર્વક કરી જેનો અમને સંતોષ છે. આ કાર અમારી વાડીમાં અમારી વચ્ચે કાયમી સંભારણું બનીને રહેશે.’
સમાધિને મંગલ અવસર ગણીને કારની કંકોતરી છપાવી
કારને સમાધિ આપતાં પહેલા સંજય પોલરા અને તેમના પરિવારે સમાધિને મંગલ અવસર ગણીને કંકોતરી છપાવી હતી. એમાં સૌને નિમંત્રણ આપતાં લખ્યું હતું કે ‘સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારાં કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની કૃપાથી અમારા પરિવારના સભ્યની જેમ રહેલી છે એવી અમારી ફોર-વ્હીલર મોટરગાડી આવ્યા પછી અમારા જીવનમાં અમને એમ છે કે અમારી પ્રગતિ, અમારી માનપ્રતિષ્ઠા વધી તેથી અમારા માટે એ લકી છે. સાથે-સાથે અમારું એ હૃદય છે તેથી એમનું સંભારણું સદૈવ અમારી સાથે રહે એ માટે કારતક સુદ છઠ ને ગુરુવાર તારીખ ૭ નવેમ્બર ૨૦૨૪ના બપોરે ૪.૪૫ કલાકે અમારી વાડીએ અમારા જીવથી વહાલા અમારા ફોર-વ્હીલરની સમાધિ રાખેલી છે. એ બીજા માટે તો ગાડી છે પણ અમારા માટે તો જીવ છે. એ હેતુથી જ અમે સમાધિ આપીએ છીએ.’
આ કંકોતરીમાં ગણપતિ અને કુળદેવીનું પૂજન, સંતોનાં સામૈયાં, ગાડી સમાધિ પ્રસ્થાન, ભોજન પ્રસાદ, જ્યોતદર્શન અને સંતવાણીના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. કયા સંતોની પધરામણી થશે, કયા મહેમાનો આવશે એની પણ માહિતી આપી હતી.