રેતીમાંથી સફળતાના મિનારા ચણી રહ્યો છે આ ગુજરાતી યુવાન

14 May, 2024 10:29 AM IST  |  Mumbai | Rashmin Shah

ફૅમિલીમાં કોઈને આર્ટ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહીં અને દીકરાની ગણના આજે દેશના ટોચના ત્રણ સૅન્ડ-આર્ટિસ્ટમાં થાય છે.

પ્રતીકાત્મક તસવીર

‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’, ‘હુનરબાઝ’ અને ‘ડાન્સ દીવાને’ જેવા અનેક રિયલિટી શોમાં ચમકેલા અને ડ્રૉઇંગની ગૉડ્સ ગિફ્ટ ધરાવતા સર્વમ પટેલે ૨૦૧૪માં ફેસબુકથી માંડીને ફ્રી લિસ્ટિંગ આપતી બીજી અનેક ઍપ પર પોતાના નામ સાથે અનેક આર્ટનાં નામ લખ્યાં. એમાં પોતાને ન આવડતી સૅન્ડ-આર્ટનું નામ પણ લખ્યું અને શોની ઑફર આવી જે તેણે સ્વીકારી પણ લીધી અને એ પછી સૅન્ડ-આર્ટ શીખવાનું શરૂ કર્યું. આજે દેશના ટોચના ત્રણ સૅન્ડ-આર્ટિસ્ટમાં સર્વમની ગણના થાય છે

ગયા અઠવાડિયે રિયલિટી શો ‘ડાન્સ દીવાને’માં જોવા મળેલા ગુજરાતી સૅન્ડ-આર્ટિસ્ટ સર્વમ પટેલની આખી જર્ની કોઈ ફિલ્મથી સહેજ પણ ઓછી ઊતરતી નથી. ફૅમિલીમાં કોઈને આર્ટ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહીં અને દીકરાની ગણના આજે દેશના ટોચના ત્રણ સૅન્ડ-આર્ટિસ્ટમાં થાય છે. જ્યાં મહેનત અને ભણતરને જ ઇન્કમનું સાધન ગણવામાં આવતું હોય એ ફૅમિલી કેવી રીતે આર્ટના રવાડે ચડી ગયેલા દીકરાને અટકાવ્યા વિના રહી શકે. સર્વમ કહે છે, ‘એ લોકોને એવું લાગતું હતું કે ડ્રૉઇંગ શોખ હોઈ શકે, પણ એનાથી લાઇફ બને કે પછી ઘર ચાલે એવું થોડું હોય? એટલે તેઓ મને કહ્યા કરે કે તું આને શોખ બનાવી રાખ, પણ સાથે જૉબ કર અને મને જૉબ કરવી જરાય ગમે નહીં. એમ છતાં મેં એક જૉબ ટ્રાય કરી, પણ થોડા મહિનામાં છોડી દીધી.’
ભાઈંદરમાં રહેતા ૩૩ વર્ષના સર્વમનો આજે પોતાનો ૧૦ જણનો સ્ટાફ છે અને મૅક્સસ મૉલ પાસે ૨૦૦૦ સ્ક્વેરફીટ કાર્પેટની ઑફિસ છે. જોકે આ સફળતા મેળવતાં પહેલાં તેણે સંઘર્ષની લાંબી જર્ની પાર કરી છે.

બાલાસિનોરથી આવ્યો મુંબઈ

કાછિયા પટેલ સમાજનો સર્વમ ટેન્થ સુધી ગુજરાતના બાલાસિનોરમાં ભણ્યો અને એ પછી ઇલેવન્થથી ફૅમિલી સાથે રહેવા મુંબઈ આવ્યો. પપ્પા હસમુખભાઈ અને મમ્મી જ્યોત્સ્નાબહેન ઑલરેડી મુંબઈ રહેવા આવી ગયાં હતાં. સર્વમ કહે છે, ‘મારું ટેન્થ હતું એટલે હું એક વર્ષ ત્યાં એકલો રહ્યો અને પછી મુંબઈ આવીને સ્ટડી શરૂ કર્યું. સ્કૂલ-ટાઇમથી જ મારું ડ્રૉઇંગ બહુ સારું અને મને પણ એમાં બહુ મજા આવે એટલે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં BSc કરીને મેં ઍનિમેશનનો કોર્સ કર્યો અને ફૅમિલીના પ્રેશર વચ્ચે સાથે MBA પણ કર્યું. આ જે બધો સમય હતો એમાં અમારે મુંબઈ સેટલ થવાનું હતું એટલે બધા પોતપોતાની રીતે ફૅમિલીમાં કન્ટ્રિબ્યુટ કરે. પપ્પા જૉબ કરે તો ભાઈ અને બહેન પણ જૉબ કરે. મને થયું કે મારે પણ કંઈ કરવું જોઈએ એટલે ભણતાં-ભણતાં મેં ડ્રૉઇંગ-ક્લાસ લેવાનું શરૂ કર્યું. સ્કૂલોમાં અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં હું ફ્રીલાન્સ ક્લાસ લેવા જઉં અને જે ઇન્કમ થાય એ ઘરમાં આપું.’

MBA થયા પછી સર્વમને તરત જૉબ પણ મળી ગઈ એટલે તેણે જૉબ શરૂ કરી દીધી. જોકે સર્વમને એમાં મજા આવે નહીં. સર્વમ કહે છે, ‘મને એક્ઝૅક્ટ યાદ નથી પણ પચાસેક હજારની સૅલેરી હતી. ઘરના બધા ખુશ હતા, પણ મને કામમાં મજા આવે નહીં. બસ, હું મારાં ડ્રૉઇંગ અને આર્ટને મિસ કર્યા કરું. એક દિવસ મેં નક્કી કર્યું કે હું જૉબ નહીં કરું, આર્ટના ફીલ્ડમાં કંઈક કરીશ. એ સમયે બધાએ મને બહુ સમજાવ્યો કે હૉબી તરીકે આર્ટ ચાલે, પણ એનાથી ઘર ન ચાલે. જોકે મેં મન બનાવી લીધું હતું કે મારે જૉબ તો નથી જ કરવી.’

જૉબ છોડીને સર્વમે ફરી 
ડ્રૉઇંગ-ક્લાસ લેવાનું શરૂ કરી દીધું તો ફ્રીલાન્સ ડિઝાઇનિંગ પણ શરૂ કરી દીધું. આવક પાતળી હતી, પણ સર્વમને સંતોષ મળતો હતો. એકાદ વર્ષ આમ જ પસાર કર્યા પછી સર્વમે નક્કી કર્યું કે તે પોતાના ડ્રૉઇંગ-ક્લાસ શરૂ કરશે. તેણે ભાઈંદરમાં એક દુકાન ભાડે લઈને ક્લાસની શરૂઆત કરી. સર્વમને એ દિવસો આજે પણ યાદ છે. સર્વમ કહે છે, ‘એ સમયે પણ બધાને એવું લાગતું કે હું ખોટું કરું છું, આ રીતે આપણે ક્યારેય સેટલ થઈ ન શકીએ. જોકે હું મારા મનને ફૉલો કરતો ગયો. મારા ક્લાસ સારા ચાલતા. એકાદ વર્ષમાં એવો ટાઇમ આવી ગયો કે વર્ષે ૫૦૦ જેટલા સ્ટુડન્ટ્સ મળી જાય. સાથે કોઈને લોગો બનાવવો હોય, ગ્લાસ-પેઇન્ટિંગ કરાવવું હોય તો એવાં કામ પણ કરું. મેં મારા એ પ્રોફેશનને ધ્યાનમાં રાખીને ઑનલાઇન જ્યાં-જ્યાં ફ્રી લિસ્ટિંગ મળે એ બધી જગ્યાએ લિસ્ટિંગ કરાવ્યું અને એમાં મેં અલગ-અલગ બધી આર્ટનાં નામ લખ્યાં, જેમાં એક સૅન્ડ-આર્ટ પણ લખ્યું. સાચું કહું તો એ સમયે મેં સૅન્ડ-આર્ટના વિડિયો જોયા હતા પણ મને એ આવડતી નહોતી. મને એમ કે એ વાંચીને કોણ કૉન્ટૅક્ટ કરવાનું? જોકે બન્યું ઊલટું અને એની ઇન્ક્વાયરી આવી.’

શરૂ થઈ સૅન્ડ-આર્ટની ABCD

વાત છે ૨૦૧૪ની. એકાદ-બે ઇન્ક્વાયરી સૅન્ડ-આર્ટની આવી એટલે સર્વમે એ દિશામાં કામ શરૂ કર્યું. સર્વમ કહે છે, ‘ડ્રૉઇંગ-રિલેટેડ મને તમે કોઈ પણ આર્ટ દેખાડો, હું પંદર દિવસમાં એ એવી શીખી જઉં કે તમને એવું લાગે નહીં કે મેં એ પહેલી વાર કર્યું છે. આ મને કદાચ ભગવાનની દેન છે. આર્ટ તો મને આવડતી જ હતી, હવે મારે સૅન્ડ-આર્ટનું બધું જાણવાનું હતું જેમાં મને યુટ્યુબ અને બીજી વેબસાઇટ હેલ્પફુલ થઈ. સૅન્ડ-આર્ટમાં કેવી સૅન્ડ વાપરવાની હોય, લાઇટ-બૉક્સ કેવું બને, કૅમેરા-કનેક્શન કેવી રીતે આપવાનું એ બધું ઑનલાઇન શોધી-શોધીને હું શીખ્યો અને પછી મેં જે પાર્ટીને શો રાખવો હતો એને પ્રેઝન્ટેશન આપ્યું. જોકે ત્યાંથી રિજેક્શન મળ્યું. પણ મેં સૅન્ડ-આર્ટ શીખવાનું ન છોડ્યું. હું બધું ભૂલીને ફરી શીખવા પર લાગી ગયો. વિડિયો બનાવતો જાઉં અને સોશ્યલ મીડિયા પર મૂકતો જાઉં. છએક મહિના પછી મને એક જ દિવસમાં બે શો મળ્યા. એક શો ગ્રૅન્ડ હયાતમાં હતો, જેમાં ૧૦૦૦ લોકો સામે મારે શો કરવાનો હતો અને બીજો શો ટૉયોટા કંપનીમાં હતો. આજે પણ મને યાદ છે કે ટૉયોટાનું નામ સાંભળીને મારી મમ્મીએ કહ્યું હતું કે જો શો સારો જાય અને બધા ખુશ થાય તો એ લોકોને કહેજે કે તને સારી જૉબ આપે.’
સર્વમ કહે છે, ‘એ લોકો ખોટા નથી, કારણ કે ડ્રૉઇંગ જેવી આર્ટથી ઘર ચાલે એવું આજે પણ આપણે ત્યાં કોઈ માનતું નથી. પેઇન્ટિંગની વાત આવે કે તરત બધાને રોડ પર બેસીને નેમપ્લેટ કે પહેલાંના સમયમાં સ્કૂટરના નંબર લખતા લોકો જ યાદ આવી જાય.’

આજે બધા સર્વમને સૅન્ડ-આર્ટને કારણે ઓળખે છે; પણ સર્વમ સૅન્ડ-આર્ટ ઉપરાંત લાઇવ પેઇન્ટિંગ, રિવર્સ પેઇન્ટિંગ, ગ્લિટર આર્ટ અને લેસરથી થતી લાઇટ આર્ટ જેવી સાતેક આર્ટમાં એક્સપર્ટ છે.

શો થયા સુપરહિટ, પણ...
સર્વમના એ બન્ને શો બહુ સારા રહ્યા, પણ એનું બજેટ એકદમ મામૂલી હતું. સર્વમ વધારે બજેટ માગે તો પાર્ટી ના પાડી દે. સર્વમે નક્કી કર્યું કે ઓછા પૈસામાં પણ કામ ચાલુ રાખવું. સર્વમ કહે છે, ‘ઘણા શો મેં એવા કર્યા જેમાં ટ્રાવેલિંગનો એક્સપેન્સ પણ મળતો ન હોય, પણ આ આર્ટમાં માસ્ટરી આવી જાય એ હેતુથી મેં શો ચાલુ રાખ્યા. એ જે શો હું કરતો એના વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરતો રહું. એકાદ વર્ષ થયું હશે ત્યાં મને કૉલ આવ્યો રિયલિટી શો ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માંથી. ૨૦૨૨ની વાત છે. સાતમી સીઝન હતી. એ સીઝનમાં હું ત્રણ રાઉન્ડ સુધી પહોંચ્યો. ટીવી પર આવવાને કારણે મને પ્લૅટફૉર્મ અને ફેમ સારાં મળ્યાં.’

બીજા વર્ષે સર્વમને ફરી આ જ શોમાં બોલાવ્યો, જેમાં તે સેમી-ફાઇનલ સુધી પહોંચ્યો. ત્યાર પછી તેણે ફિલ્મ ‘બાહુબલી’ના ટ્રેલરમાં સૅન્ડ-આર્ટથી ક્રેડિટ ડિઝાઇન કરી. સર્વમ કહે છે, ‘અમિતાભ બચ્ચનથી લઈને આમિર ખાન અને મહેન્દ્ર સિંહ ધોની જેવી સેલિબ્રિટીઝ જે ઇવેન્ટમાં હોય એ ઇવેન્ટમાં તેમની હાજરીમાં પણ આર્ટ દેખાડી તો ચેન્નઈમાં થયેલી ૪૪મી ચેસ ઑ​લિમ્પિયાડના ઓપનિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સૅન્ડ-આર્ટ દેખાડી. રિયલિટી શો ‘હુનરબાઝ’ પણ કર્યો અને સાઉથના દસથી બાર રિયલિટી શો પણ કર્યા. બધા મને કહેતા કે મેં મારી કરીઅર ધૂળધાણી કરી, પણ હકીકતમાં એ જ ધૂળ મને બહુ ફળી અને એણે મારી કરીઅર બનાવી.’

સૅન્ડ અતિશય મહત્ત્વની

સૅન્ડ-આર્ટ દરમ્યાન વાપરવામાં આવતી રેતી બહુ મહત્ત્વની હોય છે. એક વખત એક પ્રાઇવેટ ફંક્શન માટે ચેન્નઈ ગયેલા સર્વમની સૅન્ડ કુરિયરવાળાએ સમયસર ડિલિવર ન કરી. બે કલાક પછી શો એટલે સર્વમ પોતે ચેન્નઈની ખુલ્લી જગ્યાઓમાં રેતી શોધવા નીકળી ગયો અને મહામહેનતે રેતી શોધીને પાછો આવ્યો. એ રેતી પણ જોઈએ એવી તો નહોતી જ, પણ કામચલાઉ કામ થઈ ગયું. સૅન્ડ-આર્ટ માટે જે રેતી જોઈએ એ દેખાવે દરિયાઈ રેતી જેવી હોય છે, પણ દરિયાની રેતીમાં ભેજ હોય અને એ જાડી હોય એટલે એ વાપરી નથી શકાતી. સર્વમ પોતાની આર્ટમાં જે રેતી વાપરે છે એ તેના વતન બાલાસિનોરમાં આવેલા મહાદેવના એક મંદિર પાસેથી નીકળતી રેતી વાપરે છે.

columnists life and style Rashmin Shah gujaratis of mumbai