જે આપો એ જ તમને મળે

23 May, 2023 04:36 PM IST  |  Mumbai | Sarita Joshi

પ્રવીણ માન આપવામાં લેશમાત્ર ચૂકતા નહીં અને એ જ કારણ હતું કે તેને ઓળખનાર દરેક વ્યક્તિ આજે પણ તેનું નામ પડતાં જ પ્રવીણ માટે મનમાં સન્માન ભરી લે છે

પ્રવીણ જોષી

આજે પણ પ્રવીણનું નામ પડતાં ભલભલાની આંખો ઝૂકી જાય છે, આજે પણ પ્રવીણની વાત સાથે અનેકાનેક લોકોની આંખોમાં પાણી આવી જાય છે, શું કામ? પ્રવીણ પ્રત્યેના આદર અને સન્માનને કારણે અને પ્રવીણ ક્યારેય કોઈને આદર આપવાનું ચૂકતા નહીં. તેનો એ જ સ્વભાવ આજે પણ તેને સન્માન અપાવે છે.

આપણે વાત કરતા હતા પ્રવીણ જોષી સાથે જોડાયેલી મારી લાઇફની બીજી મહત્ત્વની ઘટનાની, જે ઘટનાએ મારા જીવનમાં એક મોટો ચેન્જ આવી રહ્યો હોવાનો મને અણસાર આપ્યો.
પ્રવીણ પર્ફેક્શનના આગ્રહી. એક વખત તે મને આવીને કહે કે તમારે છેને થોડો કૉસ્ચ્યુમનો અભ્યાસ કરવો જોઈએ. 

‘કેમ?’ મને ખરેખર વિચિત્ર લાગ્યું હતું કે પ્રવીણ શું કામ આવી વાત કરે છે, ‘કૉસ્ચ્યુમ તો મારા સારા જ છે...’
‘અરે, એમ નહીં... નાટકમાં જે કૅરૅક્ટર તમે કરો છો એ છોકરી ફ્રાન્સથી આવે છે.’
‘પણ આપણું નાટક તો ગુજરાતી...’

‘હા, નાટક ગુજરાતી જ છે.’
‘મને ખબર છે કે આપણે ગુજરાતીમાં નાટક કરીએ છીએ, પણ ગુજરાતી નાટક છે એટલે એવું થોડું ધારી લેવાનું હોય કે આપણે ઑડિયન્સને કંઈ પણ આપી દઈએ.’ પ્રવીણે હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘નાટકની ભાષા ભલે ગમે એ હોય, પણ ઑડિયન્સને માહિતી તો એ જ મળવી જોઈએ જે માહિતી સાચી છે.’

કહ્યું એમ, પર્ફેક્શનની બાબતમાં પ્રવીણને કોઈ પહોંચે નહીં. એક લાઇનમાં નાનીઅમસ્તી પણ જો માહિતી આવતી હોય અને પ્રવીણ પાસે એ માહિતી ન હોય તો તેની ઊંઘ હરામ થઈ જાય. એ લાગતા-વળગતાને મળવા કલાકોનું ટ્રાવેલ કરે અને જરૂર પડે તો એ માહિતી માટે પુસ્તકોનાં પુસ્તકો ઊથલાવી નાખે.
અમારા નાટકમાં ફ્રાન્સની કૉસ્ચ્યુમ ડિઝાઇનર છોકરીની વાત હતી અને પ્રવીણે એ કૅરૅક્ટર એવું બનાવ્યું હતું જેમાં તેના ડાયલૉગમાં ફૅશન ડિઝાઇનને લગતા શબ્દો અને વાત આવતી રહેતી હોય છે અને એમાં ઑથેન્ટિસિટી રહે એને માટે તે એક ફ્રેન્ચ કૉસ્ચ્યુમ ડિઝાઇનરને મળવા માગતા હતા. એ જ મુલાકાતની વાત તેણે મને કરી હતી અને વાત કર્યા પછી મને તેણે કહ્યું કે જો તમને વાંધો ન હોય તો સરિતા, તમે પણ મારી સાથે આવો.

હું કંઈ કહું કે પૂછું એ પહેલાં તો પ્રવીણે ચોખવટ પણ કરી દીધી, ‘આપણે તમારા કૉસ્ચ્યુમની જે ડિઝાઇન નક્કી કરીએ એ તમારે જોવી અને જાણવી જોઈએ, પછી તમને ગમે, ન ગમે એના કરતાં તમે પહેલેથી જ એ જોઈ લો તો તમને ક્લૅરિટી આવે અને બને પણ ખરું કે એ ડિઝાઇન જોઈને તમને એમાં સજેશન પણ સૂઝે અને તમે એ બધાને વધારે સારો ઉઠાવ આપી શકો...’
મને ગમ્યું. આ જે નીતિ હતી અને તેમનું જે બિહેવિયર હતું એ મને ગમ્યું. આ આદરની વાત છે અને સાહેબ, એક કલાકાર જ બીજા કલાકારને આદર આપી શકે. તેમણે જે રીતે મારી સામે વાત રજૂ કરી હતી એ જોતાં મારાથી ના પાડી શકાય એમ હતું જ નહીં એટલે મેં પ્રવીણને હા પાડી અને પ્રવીણે તરત જ મને કહ્યું, ‘તો મળીએ આપણે તાજમાં...’
lll

હોટેલ તાજ.

ગેટવ ઑફ ઇન્ડિયા સામે આલીશાન અને છાતી કાઢીને ઊભેલી આ હોટેલ આજે પણ મુંબઈની શાન છે. એ દિવસોમાં તો તાજ જેવી ફાઇવસ્ટાર હોટેલ કોઈ બીજી નહોતી, હવે તો ઘણી થઈ ગઈ છે, પણ સાહેબ કહેવું પડે, તાજની જગ્યા કોઈ લઈ શક્યું નથી અને ક્યારેય લઈ પણ નહીં શકે.

તાજમાં જવું એ આજે પણ સ્ટેટસ છે. તાજમાં અમે બુફે માટે જતાં. એ સમયે વ્યક્તિદીઠ ૧૨પ રૂપિયા ભાવ હતો. સાઠના દસકાની હું વાત કરું છું. આ રકમ એ સમયે બહુ મોટી હતી. બહુ ઓછા લોકો આ ખર્ચ એફર્ટ કરી શકતા. ૧૨૫ રૂપિયા હતા એ સમયથી હું રાજકુમાર સાથે બુફેમાં જતી થઈ. મને આજે પણ યાદ છે કે ઇરોઝ થિયેટરમાં ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ ફિલ્મ આવી હતી. એ જોવા ગયા પછી અમે સીધાં તાજમાં જમવા ગયાં હતાં. રાજકુમારનો ટેસ્ટ પણ લાજવાબ હતો.

લંચ કે ડિનર સિવાય પણ હું તાજમાં જતી. કેક, સૂપ માટેની બ્રેડ સ્ટિક અને એવું કંઈકટલુંયે લેવા હું તાજમાં નિયમિત જતી. તાજમાં જે બેકરી છે એનું લોકેશન હવે ફર્યું છે પણ પહેલાં એ તાજમાં દાખલ થયા પછી ડાબી બાજુએ જતાં આવતી. એ શૉપમાંથી અમારા ઘર માટે બેકરી-આઇટમ ખરીદવામાં આવતી. કહેવાનો મતલબ, તાજ મારે માટે કોઈ મોટી વાત નહોતી, પણ હું જે નાટકના સર્કલમાં હતી એમાં હોટેલ તાજનો ઉલ્લેખ થાય એ મારે માટે ચોક્કસ મોટી વાત હતી.

પ્રવીણે મને તાજની અંદરનું લોકેશન સમજાવતાં કહ્યું, ‘ત્યાં એક પેઇન્ટિંગ છે, ડાર્ક હૉર્સ, જે આગળના બન્ને પગ ઊંચા કરીને ઝાડની જેમ ઊભો થયો છે એ પેઇન્ટિંગ નીચેના ટેબલ પર જ હું બેસતો હોઉં છું... મારી ઑફિસ પણ નજીક જ છે તો મને તાજ અનુકૂળ આવશે. તમે ત્યાં જ આવો, આપણે તમારા માટે ડિઝાઇન થયેલાં કપડાં જોઈ લઈએ. મારા ડિઝાઇનર પણ હાજર હશે એટલે તમારે તેની સાથે વાત પણ થઈ જશે અને તમે તેની બૉડી-લૅન્ગ્વેજ પણ બરાબર જોઈ શકશો.’

હું તો વિચારમાં પડી ગઈ કે ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો આ માણસ મને તાજમાં બોલાવે છે, હોટેલ તાજમાં અને એ પણ કૉસ્ચ્યુમની ચર્ચા કરવા માટે!
નક્કી કરેલા સમયે હું તો તાજમાં પહોંચી ગઈ.

તેમણે જે વર્ણન કર્યું હતું એ પેઇન્ટિંગ મેં જોયું, બહુ સુંદર જગ્યા હતી એ. પાછળ જ કેક-શૉપ હતી અને આગળના ભાગમાં આવેલા ટેબલ પર પ્રવીણ પોતાનું કામ કરતા હતા. તેમની કામ કરવાની સ્ટાઇલ, તેમની વિચારવાની અદા, તેમના ચહેરાના હાવભાવ મને આ ક્ષણે, અત્યારે, આટલા દસકા પછી પણ યાદ છે.

એ કંઈ લખતા હતા અને લખતાં-લખતાં વિચાર પણ કરતા જતા હતા. વિચારોમાં જ અચાનક તેનું ધ્યાન મારા પર ગયું અને તેણે તરત જ ઊભા થઈને મને આવકાર આપ્યો.
‘અરે આવો... આવો...’

મને અત્યારે, આ ક્ષણે એ પણ યાદ છે કે હું એ ટેબલ પાસે ગઈ કે તરત જ તેમણે અદબ સાથે મારા માટે ખુરસી ખેંચી આપી હતી. હું બેઠી એ પછી તે પોતાની જગ્યા પર ગયા અને બેઠા. આ જે તહેઝીબ છે, આ જે શિષ્ટાચાર છે એ માત્ર અને માત્ર એક ડિરેક્ટર અને એક ઍક્ટ્રેસ વચ્ચેના સંબંધો જ નથી દર્શાવતા, પણ આ જે શિષ્ટાચાર છે એ એક પુરુષનો સ્ત્રી પ્રત્યેનો આદર પણ દર્શાવે છે અને એ જ સૌથી વધારે મહત્ત્વનું છે.

તમે જે આદર દર્શાવો છો, તમે જે સન્માન દર્શાવો છો એ જ તમને પ્રાપ્ત થતું હોય છે અને પ્રવીણ સાથે એ જ બન્યું હતું. આજે પણ પ્રવીણનું નામ પડતાં ભલભલાની આંખો ઝૂકી જાય છે, આજે પણ પ્રવીણની વાત સાથે અનેકાનેક લોકોની આંખોમાં પાણી આવી જાય છે, શું કામ? પ્રવીણ પ્રત્યેના આદર અને સન્માનને કારણે અને પ્રવીણ ક્યારેય કોઈને આદર આપવાનું ચૂકતા નહીં. તેનો એ જ સ્વભાવ આજે પણ તેને સન્માન અપાવે છે.

એ પછી હોટેલ તાજમાં શું થયું અને એ મુલાકાત કેવી રીતે પૂરી થઈ એની બહુ રસપ્રદ વાતો કરવાની છે, પણ પ્રવીણની યાદો વચ્ચે ભારે થયેલું મન અને ભીની થયેલી આંખો સાથે અહીં જ અટકું છું. મળીએ આવતા મંગળવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi