29 November, 2022 05:49 PM IST | Mumbai | Sarita Joshi
ફિલ્મ હેલ્લારો રેવા અને મેડલ
આપણે સતત ફરિયાદ કરતા રહીએ છીએ કે સારી ફિલ્મો બનતી નથી, આવતી નથી, પણ એ ફરિયાદને તરછોડીને જ્યારે સારી ફિલ્મ આવે ત્યારે એને મસ્તક પર મૂકીને પ્રેમથી, સન્માનપૂર્વક એનું સામૈયું કાઢો. ખરાબ કામને વખોડવાનો હક તેને જ મળે, જે સારા કામને સત્કાર આપી જાણે.
નમસ્કાર પ્રેક્ષકો અને મારા વાચકો.
આજની વાત શરૂ કરતાં પહેલાં જરા બીજા વિષય પર વાત કરવી છે. ગયા વીકમાં હું એક ગુજરાતી ફિલ્મના પ્રીમિયર શોમાં ગઈ હતી. પહેલી વાત, સામાન્ય રીતે હું પ્રીમિયરમાં જતી નથી, પણ હમણાં-હમણાં ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર હોય અને સમય હોય તો હું જવાની ચોક્કસ કોશિશ કરું છું. તમારી માતૃભાષા અને મારી કર્મભાષા છે સાહેબ એ તો. એને માટે તો સમય કાઢીએ એટલો ઓછો. જે ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં હું ગઈ હતી એની વાત કરતાં પહેલાં એક ચોખવટ કરી દઉં કે હું પ્રીમિયરમાં જવાનું શું કામ ટાળતી હોઉં છું.
નાહકનું, વગર કારણનું અને કોઈનું અહિત થતું હોય એવું જૂઠું બોલતાં મને આવડતું નથી અને ખાસ તો એવા સમયે, જે સમયે મારો પ્રેક્ષક છેતરાતો હોય. ના, હું એવું જૂઠું બોલી ન શકું અને પ્રીમિયરમાં ગયા હોઈએ એટલે ફિલ્મ સાથે સંકળાયેલા મોટા ભાગનાઓની ઇચ્છા હોય કે તમે સારું-સારું બોલો, પણ સાહેબ, સારું તો હોવું જોઈએ. સારું કંઈ હોય નહીં તો જે પ્રેક્ષકોએ આપણને બનાવ્યા, જેણે આ સ્તર, આ માન, આ સન્માન આપ્યું એને કેવી રીતે ખોટું કહી શકાય. એવું ખોટું બોલવા કરતાં બહેતર છે કે અલિપ્ત રહો, ઘરમાં રહો અને ખુશ રહો. જોકે ગુજરાતી ફિલ્મો માટે મેં આ નિયમમાં સહેજ ફેરફાર કર્યો છે. પહેલેથી જ કહી દઉં કે મારી સામે કૅમેરા ધરીને એવું નહીં પૂછવાનું કે ફિલ્મ કેવી લાગી. હું સાચેસાચું કહીશ, તમારી ઇચ્છા મુજબનું નહીં, મારા અનુભવ મુજબનું કહીશ. બહેતર છે કે મને ફિલ્મ બહુ સારી લાગી હશે, એના વિશે બે શબ્દો મારે કહેવા હશે તો હું સામેથી જ તમારી પાસે આવીશ.
અને બસ, આવી ગઈ તમારી સામે.
ફિલ્મ ‘મેડલ’ની વાત લઈને. મને થયું કે મારે આ ફિલ્મ વિશે તો મારા પ્રેક્ષકોને થોડું કહેવું જ જોઈએ. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ નવકાર પ્રોડક્શન્સના ધ્રુવ દક્ષેશ શાહે બનાવી છે તો એનું ડિરેક્શન ધવલ શુક્લનું છે. ધવલને આમ પણ હું પહેલેથી ઓળખું. અમારી સિરિયલ હતી, ‘બા, બહૂ ઔર બેબી’. એ સિરિયલમાં ધવલ અસિસ્ટન્ટ હતો. હું કહીશ કે આતિશ અને જેડીને ત્યાં આ છોકરો બહુ સરસ રીતે તૈયાર થયો અને તેણે પોતાની પહેલી ફિલ્મમાં બહુ સરસ રીતે વાતને રજૂ કરી હતી.
બહુ મજા આવી મને. કહો કે વર્ષો પછી આટલી મજા આવી. જે સરસ રીતે ભાષાનો ઉપયોગ થયો છે, જે સુંદર રીતે સંવાદો એમાં ભળ્યા છે. બહુ સરસ, એ સાંભળવાનો જે આનંદ છે એ આનંદ અત્યારે તમારી સમક્ષ આ લેખ લખતી વખતે પણ મારા મનમાં અકબંધ છે. મને ઇચ્છા થાય છે ‘સંતુ રંગીલી’નું નામ લેવાની, પણ એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે વાત કરીએ ‘મેડલ’ની. એમાં જે બોલી વાપરવામાં આવી છે એમાં લોહચુંબક જેવું અટ્રૅક્શન હતું, પહેલાં તો હું ફોનેટિકલી સાંભળતી રહી અને પછી હું એમાં રીતસર ઓતપ્રોત થઈ ગઈ.
‘મેડલ’ જેવો સબ્જેક્ટ પસંદ કરવા માટે લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યુસર ખરેખર અભિનંદનને પાત્ર છે. કલાકારોએ બહુ સરસ રીતે કામ કર્યું છે. એટલા સિમ્પલ કે કૅરૅક્ટર પર હાવી ન થાય અને તૈયારી એટલી સરસ અને સાદગીભરી કે તમને કૅરૅક્ટર જ દેખાય. મહાન કોઈ ટેક્નિક નહીં. અહીંથી આ શૉટ અને ત્યાંથી બીજો શૉટ. કૅમેરા ઍન્ગલ્સમાં પણ ઑડિયન્સને આફરીન કરી દેવાની મથામણ નહીં. હું કહીશ કે આ સબ્જેક્ટને વફાદાર રહેવાની નિશાની છે.
ફિલ્મમાં આપણા ગુજરાતના ગામડાની વાત છે, જે જોવાની મજા આવી. હ્યુમર સાથે પણ ડેપ્થને પૂરેપૂરી અકબંધ રાખીને જે વાત કહેવાની હતી એ વાત ઑડિયન્સ સુધી પહોંચાડી છે. તમારા મનને ઝંઝોડી નાખે સાહેબ. દિમાગને પણ ઝંઝોડે અને વિચાર કરતું કરી મૂકે એ સ્તરે ડેપ્થ અકબંધ રહી છે. મને આનંદ થાય છે, ગર્વ થાય છે કે મારી ગુજરાતી ભાષામાં પણ ફિલ્મો આટલી સુંદર રીતે રજૂ થવા લાગી છે અને લોકો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. એક નાનકડી અરજ છે.
આપણે સતત એવી ફરિયાદ કરતા રહીએ છીએ કે સારી ફિલ્મો નથી બનતી, સારી ફિલ્મો નથી આવતી, પણ એ ફરિયાદને તરછોડીને જ્યારે સારી ફિલ્મ આવે ત્યારે એને મસ્તક પર મૂકીને પ્રેમથી, સન્માનપૂર્વક એનું સામૈયું કાઢો. ખરાબ કામને વખોડવાનો હક તેને જ મળે, જે સારા કામને સત્કાર આપી જાણે. સત્કાર આપવાનો સમય આવી ગયો છે. ગુજરાતી ફિલ્મો એની કાચલીમાંથી બહાર આવી રહી છે.
‘હેલ્લારો’, ‘રેવા’, ‘મેડલ’ જેવી સરસમજાની ફિલ્મો આવવા માંડી છે તો એને પ્રેમથી વધાવો, એ જોવા જાઓ અને બીજાને પણ એને માટે તૈયાર કરો. આપણા ગુજરાતીની શું ક્ષમતા છે એ તમને કોઈને ક્યાં કહેવા કે સમજાવવાની જરૂર છે.
lll
ગુજરાતી મહાત્મા ગાંધી દુનિયાભરને અહિંસાનો સંદેશો આપી સૌકોઈના આદરણીય બની જાય તો ગુજરાતી સરદાર પટેલ શામ-દામ-દંડ-ભેદની તૈયારી સાથે દેશભરનાં રજવાડાંને એક કરી જાણે. આજે પણ જુઓ તમે, એક ગુજરાતીને કારણે દુનિયાભરમાં આપણે હિન્દુસ્તાનીઓ કેવા માનવંતા બની ગયા. દેશના વડા પ્રધાનની વાત છે અને એ પણ આપણા ગુજરાતી જ છે સાહેબ. ગૃહપ્રધાન જોઈ લો દેશના, એ પણ ગુજરાતી, આપણા અમિત શાહ. પાડોશી દુશ્મન-દેશને પણ ચૂપ થઈ જવા મજબૂર કરી દે એવી તાકાત એ ગુજરાતીમાં છે. સંજય ભણસાલી પણ ગુજરાતી છે અને મ્યુઝિક-ડિરેક્ટર સચિન-જિગર પણ ગુજરાતી છે. સાહેબ, ગુજરાતીઓ હવે ક્યાંય પાછળ નથી. જયંતીલાલ ગડા ગુજરાતી છે અને બૉલીવુડમાં ટોચના પ્રોડ્યુસર છે. જે. જે. રાવલ ગુજરાતી છે અને સ્પેસ-સાયન્સની વાત આવે ત્યારે સૌથી પહેલું તેમનું નામ લખવામાં આવે છે. એવું જ તો આપણા જેડીનું છે. ટીવી-સિરિયલોનું નામ આવે અને સૌની નજર જેડી પર સૌથી પહેલી જાય. કેટકેટલા ગુજરાતીનાં નામ તમને આપું સાહેબ, એક ભૂલો અને બીજો યાદ આવે એવું લાંબું લિસ્ટ છે ગુજરાતીઓનું, તો પછી આ જ ગુજરાતી ફિલ્મોના ઑડિયન્સ તરીકે કેમ ઊણો ઊતરે, હં!
દર્શાવવાનું છે, દેખાડવાનું છે અને પુરવાર કરવાનું છે કે આપણે ક્યાંય પાછળ નથી. આપણે કોઈનાથી ઊતરતા નથી. વધાવી લો એવી તમામ ફિલ્મોને જે ખરેખર સરસ છે. જે ખરેખર ગુજરાતી ભાષાનું સ્તર ઉપર લઈ જવાનું, આગળ વધારવાનું કામ કરે છે.
જેમ સારી ફિલ્મ બનાવવી એ મેકર્સનું કામ છે એવી જ રીતે સારી ફિલ્મ વધાવવી એ આપણી ઑડિયન્સનું કામ છે. જો તમે આ વધામણામાં પાછળ પડશો, ઓછા ઊતરશો તો તમારી સામે જ એ બધું મૂકવામાં આવશે જે તમને નથી જોવું, તો મારા બાપલા, જે જોવું છે એ આવ્યું હોય ત્યારે બધાં કામ પડતાં મૂકીને એ જોવા જાઓ અને માણો મજા.
lll
‘મેડલ’ સારી ફિલ્મ છે. બધાએ સરસ કામ કર્યું છે અને સૌથી સારી વાત એ છે કે એમાં સંયમને સાચી રીતે જોવા-લેવામાં આવ્યો છે. કોઈ કૅરૅક્ટરની બહાર નથી નીકળતું, જે ખૂબ જરૂરી છે. બદલાતા ભારતને આપણે જે રીતે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ એ વાતને આ ફિલ્મમાં જરા જુદી રીતે અને નવી નજરથી રજૂ કરવામાં આવી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)