07 February, 2023 05:24 PM IST | Mumbai | Sarita Joshi
કાન્તિ મડિયા અને અમરીશ પુરી
‘અરે સરિતાજી... ઐસી બાત નહીં હૈ...’ દિગ્દર્શકે વાતને પૂર્ણવિરામ આપતાં કહ્યું, ‘આજ કે બાદ કભી ઐસા નહીં હોગા... અબ આપ બતાઓ, સ્ક્રિપ્ટ આપકો અચ્છી લગી કી નહીં?’
‘હા, વો તો અચ્છી હૈ...’
‘શાયદ કમ પૈસે હો તો...’
તેમની વાત કાપતાં જ મેં જવાબ આપી દીધો...
‘અગર ઐસા હૈ તો વહ આપ મુઝ પે છોડ દીજિયે...’ મારી વાતમાં સ્પષ્ટતા હતી, ‘જો મને સ્ક્રિપ્ટ સારી લાગી હશે અને મારે ઓછા પૈસામાં કામ કરવું હશે તો પણ હું કરીશ, પણ તમે મને સ્ક્રિપ્ટ અને પેમેન્ટ પહેલાં કહી દો અને બાકીનું મારા પર છોડી દો...’
મારા શબ્દોમાં નરી વાસ્તવિકતા હતી. મેં તેમની સામે જોયું અને પછી ધીમેકથી કહ્યું, ‘મારો જવાબ તમારે આપવાની કે નક્કી કરવાની જરૂર નથી. એ મને નક્કી કરવા દેશો તો મને વધારે ગમશે...’
સાહેબ, એ દિવસ અને આજનો દિવસ, આજની આ ઘડી.
મેં મારી દરેક પ્રોફેશનલ વાતમાં સ્પષ્ટતા રાખી છે અને એ સ્પષ્ટતાએ ઍટ લીસ્ટ મને તો નિરાંત આપવાનું કામ કર્યું જ છે. જો મારે કોઈ કામ કરવું હોય અને એ કામ કરવાની મને બહુ ઇચ્છા હોય તો એમાં હું ઓછા પૈસામાં પણ કામ કરું, પણ મારા વતી એ નિર્ણય કેવી રીતે કોઈ ત્રાહિત લઈ શકે? મને એવી ઇચ્છા છે કે મારે અભિષેક સાથે કામ કરવું છે કે પછી મને એવી ઇચ્છા છે કે મારે શાહરુખ ખાન સાથે કામ કરવું છે અને એ માટે મને પૈસા નહીં મળે તો પણ ચાલશે; પણ આ ‘ચાલશે’વાળી જે વાત છે એનો જવાબ હું જ નક્કી કરીશ, એનો અધિકાર કોઈ બીજાનો નથી. તમે પણ આ વાત યાદ રાખજો અને તમે પણ એટલું મનમાં સ્ટોર કરીને રાખજો કે તમારો નિર્ણય તમારે લેવાનો છે અને તમે જ એ લેજો. તમે નિર્ણય લીધો હશે તો એનો અફસોસ ઓછો થશે કે નહીં થાય, પણ જો તમે તમારી બાગડોર અન્ય કોઈના હાથમાં મૂકી તો એ નૅચરલી તમને ભવિષ્યમાં દુઃખી કરશે. જો દુઃખી ન થવું હોય, જો તમારે હેરાન ન થવું હોય તો તમારો નિર્ણય તમારે જ લેવો. જીવનની કેટલીક વાત, કેટલીક સલાહ સુવર્ણ અક્ષરોની બનેલી હોય છે અને આ એવા જ ગોલ્ડન વર્ડ્સ છે. ક્યારેય ભૂલતા નહીં.
* * *
સ્ક્રિપ્ટ સારી હતી, મને ગમી હતી એટલે એ પછી અમારી વચ્ચે જે વાત થઈ એ વાતમાં મેં નાટકના શોનું પેમેન્ટ નક્કી કર્યું અને એ નક્કી થયા પછી વાત આવી રિહર્સલ્સની એટલે તેમણે મને કહ્યું કે સાંજે પાંચ વાગ્યાનાં રિહર્સલ્સ રહેશે.
‘પોણાપાંચ વાગ્યે હું હાજર હોઈશ...’ તે મને તાજુબથી જોતા રહ્યા એટલે મેં તેમને સહજ રીતે કહ્યું, ‘જે દિવસે પોણાપાંચની ઉપર પાંચ મિનિટ થાય એ દિવસે મારા તરફથી બધાને પાર્ટી...’
‘કૉન્ફિડન્સ અચ્છા હૈ...’
આ પણ વાંચો : કોઈ પાસે નિઃશુલ્ક કામ કરાવવાની માનસિકતા ક્યારેય કેળવવી નહીં
‘તાકી મૈં વક્ત ઔર કામ કો પૂરી શિદ્દત સે નિભાતી હૂં...’
તેમની પાસે કોઈ જવાબ હતો નહીં એટલે વાત આવી રિહર્સલ્સના લોકેશનની. એ સમયે મોટા ભાગનાં રિહર્સલ્સ ટાઉન સાઇડ પર જ થતાં હતાં. વેસ્ટર્ન સબર્બ્સ જેવું કંઈ હતું જ નહીં. છૂટીછવાયી વસ્તી હશે, પણ લોકો એ બાજુએ જવાનું રીતસર ટાળતા અને રાતના સમયે તો કોઈ જતું પણ નહીં. જંગલ જ હતું બધું. અત્યારનો જે આ લોખંડવાલા વિસ્તાર છે એનો પણ જન્મ નહોતો થયો.
એક જગ્યાનું નામ આપીને મને તેમણે રિહર્સલ્સનું લોકેશન કહ્યું.
‘બ્રીચ કૅન્ડી સામે...’
એ જગ્યાનું નામ હું અત્યારે ભૂલું છું, પણ એ સમયે મોટા ભાગનાં એક્ઝિબિશન ત્યાં જ થતાં અને રિહર્સલ્સ પણ ત્યાં થાય. મોટા ભાગે હિન્દી નાટકોવાળા એ જગ્યા વધારે પસંદ કરતા હતા.
‘નાટકમાં ત્રણ કૅરૅક્ટર છે, જે તમે જોઈ લીધું...’ દિગ્દર્શકે મને ચોખવટ કરતાં કહ્યું, ‘તમારી હા છે એટલે એક કૅરૅક્ટર તમે કરો છો અને તમારા સિવાય કાન્તિ મડિયા હશે અને તમારા બન્ને સાથે અમરીશ પુરી છે.’
અમરીશજી એ સમયે નાટકો કરતા હતા. ફિલ્મોનો તેમનો યુગ હજી શરૂ નહોતો થયો. એ સિત્તેરનો દશક ઊતરતાં આરંભ થયો અને એ પછી તો તેમણે એવાં-એવાં કૅરૅક્ટર્સ કર્યાં જેનો આજે પણ બૉલીવુડનાં યાદગાર પાત્રોમાં સમાવેશ થાય છે. તમને એક વાત કહું. અમરીશજી ગેટ-અપની બાબતમાં બહુ ચીવટ રાખતા. તેમને જેવું કૅરૅક્ટર સંભળાવવામાં આવે એટલે તરત જ તેમના મનમાં એ કૅરૅક્ટરના ગેટ-અપના વિચાર શરૂ થઈ ગયા હોય. તમે અમરીશ પુરીની ફિલ્મો જુઓ. તમને દેખાશે કે તેમણે એવા-એવા ગેટ-અપ કર્યા છે જે ભાગ્યે જ અગાઉ આપણે જોયા હોય. ડાકુનો રોલ મળ્યો હોય તો તેઓ એવો લુક ડેવલપ કરાવે કે ખરેખર જો કોઈ નાના બાળકની સામે જઈને તે ઊભા રહી જાય તો તરત જ સામેવાળાને પરસેવો છૂટી જાય. જોકે આપણે જે સમયની વાત કરીએ છીએ એ સમયે અમરીશ પુરી ફિલ્મો કરતા નહોતા અને મને યાદ છે ત્યાં સુધી ફિલ્મો તેમનો ગોલ પણ નહોતો.
નાટકોમાં અમરીશજીને ભરપૂર આનંદ આવતો અને તેઓ એનાથી ખુશ હતા. આ જે હું કહું છું એ અમારા નાટક ‘ઇન્કલાબ’ સમયે સહજ રીતે થયેલી વાતો પરથી કહું છું. ઍનીવે સાહેબ, આ રીતે મને ખબર પડી કે નાટકમાં હું, કાન્તિ મડિયા અને અમરીશ પુરી એમ ત્રણ લીડ ઍક્ટર.
‘નાટકના દિવસે હું તમને સાડી આપીશ અને એક પરફ્યુમ આપીશ... તમારે એ જ પહેરીને સીધા શો પર આવવાનું.’
‘હા, પણ શો પર હું ટૅક્સીમાં આવીશ. તમારે મને ટૅક્સીના ભાડાના પૈસા આપવા પડશે.’ તે કંઈ કહે એ પહેલાં મેં ચોખવટ કરતાં કહ્યું, ‘આવીશ પણ ટૅક્સીમાં અને જઈશ પણ ટૅક્સીમાં...’
તેમણે મને હસીને હા પાડી અને આમ મારા હિન્દી નાટકની કરીઅરનો શુભારંભ થયો. આ નાટકમાં સત્યદેવ દુબે પણ એક રોલમાં હતા અને તમને જાણીને નવાઈ લાગશે પણ કાકા એટલે કે આપણા પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના એ સમયે આ નાટકના કોરસમાં હતા!
આ વાત કહેવાનો ભાવાર્થ એ કે કોઈની આજનો વિચાર ન કરવો. ક્યારે, કોણ, ક્યાં પહોંચી જાય એની તમને ખબર નથી હોતી. વિધાતા પોતાનો રોલ બહુ સરસ રીતે અદા કરે છે અને આજે ચટ તો બીજા દિવસે પટની નીતિ રાખીને આગળ વધતી રહે છે. આપણને સૌને પણ આમ જ આગળ ધકેલતી રહે છે. વિધાતાએ અમરીશ પુરી અને રાજેશ ખન્નાને એ સ્તર પર બેસાડી દીધા કે બન્ને ઍક્ટરોએ એવો સમય જોયો કે તેમના વિના ફિલ્મનો વિચાર સુધ્ધાં કોઈ નહોતું કરતું. આ જે તબક્કો છે એ તબક્કો મહેનતના આધારે તેમના જીવનમાં આવ્યો અને જીવનમાં આવેલા આ સમયે તેમને બૉલીવુડના સરતાજ બનાવ્યા.
સરતાજ પણ અને શહેનશાહ પણ...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)