02 May, 2023 05:54 PM IST | Mumbai | Sarita Joshi
મારો આ ફોટોગ્રાફ ‘ચંદરવો’ નાટકના ગેટઅપ સાથેનો છે.
કિશોર ભટ્ટે સ્ક્રિપ્ટ વાંચવાનું ચાલુ કર્યું અને મેં આંખો બંધ કરીને એ શબ્દો મન અને હૃદયમાં ભરવાનું શરૂ કર્યું. જ્યાં અજાણ્યો શબ્દ આવે કે તરત જ હું તેમને રોકું અને એ શબ્દ તેમની સામે ઉચ્ચારીને સાચું ઉચ્ચારણ પણ શીખી લઉં અને એ શબ્દનો અર્થ અને ભાવાર્થ સમજવાની સાથોસાથ એના પર્યાય શબ્દ પણ પૂછી લઉં.
અને આમ સાહેબ, મેં ‘ચંદરવો’ માટે હા પાડી દીધી.
આજે, આટલાં વર્ષે જો હું પાછળ ફરીને કહું તો આ જે નાટક હતું એ નાટક મેં માત્ર અને માત્ર પ્રવીણ જોષીને ધ્યાનમાં રાખીને જ કર્યું હતું. અફકોર્સ નાટક સરસ હતું, મારો રોલ સરસ હતો. સ્ટારકાસ્ટ સરસ હતી, પણ મારે માટે આ નાટકમાં પ્રવીણ સિવાય કોઈ મહત્ત્વનું નહોતું. તેના ક્રાફ્ટને હવે હું ઓળખવા-સમજવા માંડી હતી. મારે એ ક્રાફ્ટ શીખવો હતો, મારે એને મારી લાઇફમાં ઉમેરવો હતો અને એટલે જ મેં ‘ચંદરવો’ માટે હા પાડી હતી, પણ સાહેબ, એક મોટો લોચો હતો.
મને ગુજરાતી લખતાં-વાંચતાં આવડે નહીં અને બીજો લોચો, ગુજરાતીના અમુક એવા શબ્દોનું ઉચ્ચારણ પણ ફાવે નહીં. મને ખબર હતી કે રિહર્સલ્સના પહેલા જ દિવસે આ બાબત ધ્યાનમાં આવશે અને મેં નક્કી રાખ્યું હતું કે તમારી કોઈ પણ નબળી બાજુ કોઈના ધ્યાનમાં ક્યારેય આવવી જોઈએ નહીં.
તમે પણ યાદ રાખજો કે તમને બહુ માન આપતા હોય, સન્માનનીય નજરથી જોતા હોય એવી વ્યક્તિના ધ્યાનમાં તમારી નબળી વાતો જ્યારે આવે ત્યારે તેનું મન ઝડપથી ખાટું થઈ જતું હોય છે. જો એવું ન થવા દેવું હોય તો બહેતર છે કે તમે તમારી એ નબળી બાબતોને સબળી બનાવવાનું કામ ત્વરિત રીતે શરૂ કરી દો. મેં પણ આ જ રસ્તો અપનાવ્યો અને ગુજરાતી પ્રત્યે મારી જે લાચારી હતી એ લાચારીને કવર-અપ કરવાના કામે હું તરત લાગી ગઈ. કેવી રીતે મેં મારી ગુજરાતી સુધારી અને કેવી રીતે હું સ્ક્રિપ્ટને લાયક બની એની વાત વધારે ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ પહેલાં તમને હું નાટકનું કાસ્ટિંગ કહી દઉં.
‘ચંદરવો’માં હું હતી તો મારી સાથે ડી. એસ. મહેતા, તરલા જોષી અને કિશોર ભટ્ટ હતાં. કિશોર ભટ્ટનું નામ સાંભળીને મને હાશકારો થયો કે હાશ, એક તો એવું છે જે મને તૈયારી કરવામાં મદદરૂપ બનશે. કિશોર ભટ્ટને હું લાંબા સમયથી ઓળખું અને મારે તેમની સાથે બને પણ સારું. નાટક ‘મંગળફેરા’માં રિપ્લેસમેન્ટ આવ્યું ત્યારે આ જ કિશોર ભટ્ટે રોલ કર્યો હતો. મેં તરત કિશોર ભટ્ટને ફોન કર્યો. એ વખતે મોબાઇલ તો હતા નહીં, આપણા પેલા ટ્રિન-ટ્રિનવાળા કાળા ફોન હતા. ફોન કરીને મેં કિશોર સાથે વાત કરી.
‘હું પ્રવીણ જોષીનું ‘ચંદરવો’ નાટક કરું છું...’
થોડી આડીઅવળી વાત પછી મેં તેમને કહ્યું અને તેઓ રીતસર ઊછળી પડ્યા. તેમને ખબર નહીં કે હું પણ નાટકમાં છું.
‘અરે વાહ સરિતા... ‘ચંદરવો’માં તો હું પણ છું.’
‘મને એક નાનકડી મદદ જોઈએ છે...’ તેમણે તત્પરતા દેખાડી એટલે મેં મારી મજબૂરી કહી દીધી, ‘મને બરાબર સ્ક્રિપ્ટ વાંચતાં ફાવતી નથી અને અમુક ગુજરાતી શબ્દોનાં ઉચ્ચારણ પણ...’
‘અરે હું છુંને, તમે ચિંતા નહીં કરો...’ કિશોરે દોસ્તી દેખાડી, ‘આપણે સાથે મળીને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખીશું...’
‘રિહર્સલ્સ ચાલુ થવામાં છે તો આપણે એક કામ કરીએ...’ મેં તૈયારી દેખાડી, ‘આપણે ક્યાંક મળીએ, તમે એક વાર સ્ક્રિપ્ટ મારી સામે વાંચી જાઓ તો મારી તૈયારી પૂરી થઈ જાય...’
હા સાહેબ, એ સમયે મારી મેમરી એવી કે કોઈ બે વાર મારી સામે સ્ક્રિપ્ટ વાંચે એટલે વાત પૂરી થઈ જાય. આખેઆખી સ્ક્રિપ્ટ મારા મગજમાં છપાઈ જાય. એ સમયે હું ભલે બે છોકરાની મા રહી, પણ મારી ઉંમર તો નાની જ હતી એ પણ પ્લસ પૉઇન્ટ હતો.
‘એમાં શું થઈ ગયું?’ કિશોર ભટ્ટે તરત જ કહ્યું, ‘કાલે તમારા ઘરે જ મળીએ.’
lll
બીજા દિવસે તેઓ ઘરે આવી ગયા. તેમનો ઉત્સાહ ગજબનાક હતો. તેઓ બહુ ખુશ હતા કે હું પણ એ નાટકમાં છું. મારી પાસેથી જ તેમને બીજા કાસ્ટિંગની ખબર પડી એટલે વધારે ઉત્સાહમાં આવી ગયા અને દરેક નામ સાથે તેઓ એક જ વાત કરે,
‘વાહ, વાહ... મજા આવી જશે...’
‘હવે વાહ-વાહ પછી કરજો...’ મેં તેમને કહ્યું હતું, ‘ચાલો સ્ક્રિપ્ટ વાંચવાનું શરૂ કરો એટલે કામ શરૂ થાય.’
કિશોર ભટ્ટે સ્ક્રિપ્ટ વાંચવાનું ચાલુ કર્યું અને મેં આંખો બંધ કરી એ શબ્દોને મન અને હૃદયમાં ભરવાનું શરૂ કર્યું. જ્યાં પણ એવું લાગે કે પછી કોઈ એવો શબ્દ આવે જેનાથી હું અજાણ હોઉં તો તરત જ તેમને રોકું અને એ શબ્દ તેમની સામે ઉચ્ચારીને સાચું ઉચ્ચારણ પણ શીખી લઉં અને એ શબ્દનો અર્થ અને ભાવાર્થ સમજવાની સાથોસાથ એના પર્યાય શબ્દ પણ પૂછી લઉં.
એક વખત, બે વખત અને પછી આવ્યો
ત્રીજી વખત સ્ક્રિપ્ટ વાંચવાનો વારો એટલે મેં કિશોર ભટ્ટને કહ્યું કે હવે મારા ડાયલૉગ વાંચવાનું રહેવા દો અને બીજાના ડાયલૉગ્સ જ વાંચો. કિશોરે એ ચાલુ કર્યું અને મારા ડાયલૉગ હું બોલતી જાઉં.
અને રિહર્સલ્સનો દિવસ આવી ગયો.
lll
‘ચંદરવો’નાં રિહર્સલ્સના પહેલા દિવસે જેવું કામ ચાલુ થયું કે તરત જ મેં મારા ડાયલૉગ બોલવાનું ચાલુ કર્યું. હાથમાં સ્ક્રિપ્ટ પણ નહીં અને મારા ડાયલૉગ હું કડકડાટ બોલું. કડકડાટ અને પૂરેપૂરા ભાવ સાથે.
‘સરિતા...’ પ્રવીણની તો આંખો એકદમ ઓપન રહી ગઈ, ‘આ કેવી રીતે આમ...’
‘એ તો કાલે મેં બે વખત તેને સ્ક્રિપ્ટ સંભળાવી, એમાં તેણે બધું મનમાં સ્ટોર કરી લીધું...’
કિશોરે જવાબ આપ્યો અને પ્રવીણ મારી સામે જોતા જ રહ્યા. પ્રવીણ જ નહીં, બીજા જેકોઈ ત્યાં હાજર હતા એ બધાની આંખોમાં તાજ્જુબ પ્રસરી ગયો.
સાહેબ, આ મારી શરૂઆત હતી પ્રવીણ જોષી સાથે.
રિહર્સલના પહેલા દિવસે પ્રવીણ મને જોયા જ કરે. રિહર્સલ્સ પૂરાં થયાં અને બધા રવાના થતા હતા ત્યારે પ્રવીણે મને બોલાવી, ‘એ છોકરી, અહીં આવ...’ હું પ્રવીણ પાસે ગઈ એટલે તેણે ખુલ્લા મને કહ્યું, ‘તેં તો કમાલ કરી નાખી, ગજબ. મજા આવી ગઈ.’
આ સિવાય પણ તે ઘણું બધું બોલ્યા હતા, પણ એ કોઈ શબ્દો મને યાદ નથી રહ્યા. યાદ રહ્યો તો એક જ શબ્દ, ‘એ છોકરી...’
‘તમે’માંથી ‘એ છોકરી’ની આ સફર ક્યાં પહોંચશે એ અમારા બેઉમાંથી કોઈ જાણતું નહોતું, પણ હા, એટલી ખબર પડી હતી કે હવે અમે બન્ને એકબીજાની લાઇન વધારે ને વધારે લાંબી કરવાનું કામ કરતાં આગળ વધીશું અને સંગાથે સુખ શોધીશું...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)