27 December, 2022 06:08 PM IST | Mumbai | Sarita Joshi
પદ્મશ્રીનું નામ તો મારા મનમાં નહોતું, પણ ‘પટરાણી’ના પહેલા શો પછી મારા મનમાં એટલું તો હતું જ કે મારી અભિનયની કળાને હું એ સ્તરે વિસ્તારીશ કે મને દેશનું સર્વોચ્ચ સન્માન મળે.
‘પટરાણી’ નાટક પણ સરસ રહ્યું અને અગાઉનું નાટક પણ સરસ ચાલતું હતું. કામ એકધારું ચાલતું આગળ વધતું રહ્યું અને ઘરમાં અંતર વધવાનું શરૂ થયું, કામને લીધે નહીં, પણ વિચિત્ર પ્રકારની આદતો અને ટાઇમિંગને કારણે. હું ઘરે આવું ત્યારે રાજકુમાર ક્લબમાં હોય અને કાં તો આખી રાત પાનાં રમીને સવારે આવીને તે સૂઈ ગયો હોય
વિચારોની તાકાત બહુ મોટી છે અને એમાં પણ સકારાત્મક વિચારોમાં જે સર્જનશક્તિ છે એના જેવી શક્તિ તો બીજી કોઈ નથી. જીવનમાં ક્યારેય નકારાત્મક થતા નહીં, ક્યારેય નહીં. ભલભલી અડચણો અને તકલીફો મારા જીવનમાં આવી છે, જે આજે પણ યાદ આવે ત્યારે કંપારી છૂટી જાય છે; પણ એમ છતાં મેં હકારાત્મકતા અને સકારાત્મકતા ક્યારેય છોડી નહીં.
કલાકારોનું કામ જોઈને તેમને ખુશ કરવા એ રાવ-મહારાવનું કામ હતું. મને અગાઉ અનેક ઇનામ મળ્યાં હતાં. અગાઉ અનેક મહારાવે મારા કામને બિરદાવ્યું હતું, પણ સાહેબ, તમારા કામને તમારી વ્યક્તિ બિરદાવે એનાથી ઉત્તમ બીજું શું હોય.
મેં તમને અમુક ઇનામોની વાતો પણ કરી હતી. બરોડાનાં મહારાણીએ મને એક સરસમજાનો ચાંદીનો ડબ્બો ભેટ આપ્યો હતો, તો ભાવનગરનાં મહારાણીએ પણ મારું નાટક જોયા પછી, મારું કામ જોયા પછી મને ભેટ આપી હતી. કાઠિયાવાડની ટૂર હતી એ દરમ્યાન મારું એક નાટક જોવા માટે લોધિકારાણી આવ્યાં હતાં. નાટક જોઈને લોધિકારાણી એવાં તો ખુશ થયાં કે તેમણે મને પોતાના હાથમાંની વીંટી કાઢીને આપી દીધી. એ સમયે તો હું નાની હતી, મારી આંગળીઓ પણ નાની એટલે મેં તેમની હાજરીમાં જ પ્રેમથી વીંટી મારી આંગળીમાં પરોવી અને પછી થઈ નહીં એટલે મેં તેમને પાછી આપતાં કહ્યું હતું, ‘નથી થતી મને...’
લોધિકારાણી હસી પડ્યાં. મને કહે કે ‘તો પણ રાખ, મોટી થા ત્યારે પહેરજે.’
આ પણ વાંચો : કલાકારોને બિરદાવવાનો સ્વભાવ રાવ-મહારાવમાં અદ્ભુત હતો
આવીએ આપણે ફરી આજની એટલે કે જે સમયની વાત કરીએ છીએ એ પિરિયડ પર. ઈરાની શેઠે એ નાટકમાં મારું કામ જોયું અને તેઓ પણ ખુશ થઈ ગયા. નાટક ચાલુ હતું એ દરમ્યાન તેમણે મનોમન જ નક્કી કરી લીધું હતું કે હું સરિતાને પણ એ જ નાઇટ આપીશ જે લીડ ઍક્ટ્રેસ એટલે કે પદ્માને આપવાનો છું.
તેમણે એવું જ કર્યું અને રૂબરૂ આવીને મને કવર આપી ગયા. સાચું કહું તો કવરમાં રહેલા પૈસા જોઈને મને બહુ આનંદ થયો હતો. સાહેબ, ભલે લોકો કહે કે પૈસો બહુ મહત્ત્વનો નથી. ના, એ મહત્ત્વનો છે અને છે જ. જીવનમાં પૈસો તમને બૂસ્ટ કરે, એક નવી શક્તિ આપે અને એનાથી નવા જ પ્રકારની સકારાત્મક એનર્જી આવે. એવું ક્યારેય નથી હોતું કે એક સમયે તમારું ઘર ૧૦,૦૦૦માં ચાલતું હોય અને પછી તમે ૫૦,૦૦૦ કમાતા થઈ જાઓ એટલે ૪૦,૦૦૦ રૂપિયાની બચત થાય. પાણી અને પૈસાની ફિતરત સરખી છે. એ પોતાની જગ્યા કરી જ લે છે. પૈસાની સાથે જીવનની જરૂરિયાતો પણ બદલાતી હોય છે અને આવશ્યકતાઓમાં પણ, જવાબદારીઓમાં પણ ઉમેરો થતો જાય છે.
ઈરાની શેઠે જે કવર આપ્યું એ કવર સાથે હું ઘરે પાછી ફરતી હતી ત્યારે મારા મનમાં અનેક વિચારો દોડતા હતા. અનેક ખ્વાબ મનમાં ઉમેરાવા માંડ્યાં હતાં. મને રીતસર ખબર પડી હતી કે મેં મારા અભિનયમાં જૂની અને નવી રંગભૂમિનો સંગમ કર્યો હતો અને એ એવો સંગમ હતો જેણે જૂની રંગભૂમિને પણ નવો નિખાર આપવાનું કામ કર્યું હતું.
મેં નક્કી કર્યું કે જો જરાઅમસ્તી ચીવટ આટલું મોટું પરિવર્તન લાવી શકતી હોય તો હું મારી કળા માટે વધારે ને વધારે ગંભીર થઈશ અને એને એવી તો સમૃદ્ધ કરીશ કે લોકો વાહવાહી કરી જાય. મારી કળાને હું નિખાર આપીશ અને હું દેશનો સૌથી મોટો ખિતાબ મેળવીશ.
હા, મેં એ રાતે મનોમન ધાર્યું હતું અને આ ધારણાની સાથે મેં એ પણ નક્કી કર્યું હતું કે હું લેશમાત્ર થાકીશ નહીં, કંટાળીશ નહીં.
એ રાતે નક્કી કરેલી વાત પણ મારા જીવનમાં સાકાર થઈ અને મને, મારા કામ માટે, મારા અભિનય માટે પદ્મશ્રીનું સન્માન મળ્યું. તમે માનશો નહીં, પણ બે વર્ષ પહેલાં મને મળેલા પદ્મશ્રી માટે હું તો વિચારતી સુધ્ધાં નહોતી. મને તો એ યાદ નહોતું, પણ મારા છોકરાઓ અને તેના છોકરાઓ એટલે કે કેતકી અને પૂર્બી અને તેના છોકરાઓ કહ્યા કરે કે તમને કેમ પદ્મશ્રી હજી નથી મળ્યો?
- અને જે દિવસે એની જાહેરાત થઈ એ દિવસે મેં તેમને કહ્યું, લ્યો આ તમારો પદ્મશ્રી. હવે ખુશ?
છોકરાઓ જીદ કરતાં હોય અને મા તેમને જોઈતું હોય એ લઈ આવે એવો જ મારો સૂર હતો, પણ સાહેબ, અંદરખાને મને મારી મહેનત પર ખુશી પણ હતી કે અંતે એ થયું, જે મેં પેલી રાતે ઈરાની શેઠના હાથમાંથી કવર લીધા પછી મનોમન નક્કી કર્યું હતું.
lll
વિચારોની તાકાત બહુ મોટી છે અને એમાં પણ સકારાત્મક વિચારોમાં જે સર્જનશક્તિ છે એના જેવી શક્તિ તો બીજી કોઈ નથી. જીવનમાં ક્યારેય નકારાત્મક થતા નહીં, ક્યારેય નહીં. ભલભલી અડચણો અને તકલીફો મારા જીવનમાં આવી છે, જે આજે પણ મને યાદ આવે ત્યારે કંપારી છૂટી જાય, પણ એમ છતાં મેં હકારાત્મકતા અને સકારાત્મકતા ક્યારેય છોડી નથી અને મને એનું સુખદ પરિણામ પણ મળ્યું છે. તમને પણ હું એ જ કહીશ કે ક્યારેય હકારાત્મકતા છોડતા નહીં. સાચવી રાખજો મારા આ શબ્દો, મોતના મુખેથી પણ પાછા લાવવાનું કામ આ હકારાત્મકતા કરશે.
lll આ પણ વાંચો : જૂનું પકડી રાખીને નવું તરછોડો તો જીવનમાં વિકાસ ન થાય
એ રાતે મેં નક્કી કર્યું કે હું મારી કળાના આધારે જ ગાડીઓ લઈશ, મને ગમે એવો ફ્લૅટ લઈશ. એ બધી સમૃદ્ધિ મેળવીશ જે આજે મારા સપનામાં છે અને એ તમામની પ્રાપ્તિ થઈ. મેં જીવનમાં પૈસાને લઈને ક્યારેય બાંધછોડ નથી કરી અને આ વાત હું ગર્વ સાથે કહું છું. પૈસો તો કલાકારની રિસ્પેક્ટ છે, એનો આદર છે. ક્યારેય કોઈ કલાકારે પોતાના આદરમાં, પોતાના રિસ્પેક્ટમાં બાંધછોડ ન કરવી જોઈએ.
ઈરાની શેઠ સાથે કર્યું એ નાટક સારું ગયું. એના શો શરૂ થઈ ગયા તો નવી રંગભૂમિ પર હું જે નાટક કરતી હતી એ નાટક પણ સારું ચાલતું હતું. કામના ભારણ વચ્ચે ઘરમાં રહેવાનું ઓછું બનતું. એ વાતાવરણમાં કોઈ ખરાબી નહોતી, પણ રાજકુમાર સાથે મળવાનું ઓછું થતું જતું હતું. અમારા બન્નેના સમયનો તાલમેલ જળવાતો નહોતો. રાતે હું પાછી આવું ત્યારે તેઓ ક્લબમાં ચાલ્યા ગયા હોય અને દિવસ દરમ્યાન હું ઘરમાં હોઉં ત્યારે કાં તો તે આવ્યા જ ન હોય અને કાં તો સવારે આવીને સીધા સૂવા જતા રહે.
બહુ દુઃખ થતું કે જીવનની એક બાજુ સરખી થઈ રહી છે ત્યારે અહીં અંતર વધતું જાય છે. વધતા આ અંતર વચ્ચે પણ હું તેમને જુગાર, પત્તાં અને બીજી બધી કુટેવથી દૂર રહેવા માટે સમજાવતી રહેતી, જે તેમને ગમતી નહીં, પણ કરવાનું શું? સાચું કહેવાનું ટાળવું એ મારા લોહીમાં નથી અને સત્ય સાંભળવાની તેમની ક્ષમતા નહોતી.
ઘણી અર્ધાંગિનીની આવી કફોડી હાલત થતી હશે. દારૂ કે જુગારની બાબતમાં નહીં તો પરિવારની બાબતમાં કે પછી સંબંધોની બાબતમાં. એક વાત યાદ રાખજો કે પતિ ભૂલ કરે છે એવું લાગે ત્યારે તમારે કહેતાં અચકાવું નહીં. ક્યારેય નહીં. એ તમારો ધર્મ છે. શાસ્ત્રો કહે છે કે ધર્મ ચૂકનારો ક્યારેય સધાર્મિક નથી બની શકતો. કહેવાનું, ખચકાટ વિના કહેવાનું અને અકળાયા વિના કહેવાનું. કહેતાં રહેશો તો એક દિવસ એની અસર થશે, પણ એ અસર થાય ત્યાં સુધી તમારે તમારી ફરજ નિભાવતાં રહેવાનું અને એનું પાલન કરતાં જવાનું.
ફરજનો એક નિયમ છે, તમારે નિભાવતાં જવાનું અને અપેક્ષા નહીં રાખવાની કે સામેવાળી વ્યક્તિ પોતાની ફરજનું પાલન કરે. જો એ અપેક્ષા રાખશો તો સંબંધ સંબંધ નહીં રહે, વ્યવહાર બની જશે અને જીવનસાથી સાથે વ્યવહારથી નહીં, દિલથી જીવન જીવવાનું હોય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)