સંજીવકુમાર અને હું પહેલી વાર ફિલ્મમાં સાથે આવ્યાં

03 January, 2023 05:41 PM IST  |  Mumbai | Sarita Joshi

‘રમત રમાડે રામ’ ફિલ્મ માટે સપોર્ટિંગ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો અને એ ફિલ્મને કારણે સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે પુષ્કળ વાતો કરવાનો અવસર પણ મળ્યો

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ગોલ્ડન પિરિયડમાં સંગીતશિરોમણિ અવિનાશ વ્યાસનો પણ બહુ મોટો ફાળો છે.

ગુજરાતી ફિલ્મના ગોલ્ડન પિરિયડમાં અવિનાશભાઈનો ફાળો બહુ મોટો હતો. હું તો કહીશ કે ગુજરાત સરકારે અવિનાશભાઈના આ કાર્યને આજીવન યાદ રાખવા માટે કંઈક બહુ મોટા પાયે કરવું જોઈએ અને ઊગતા સંગીતકારોને અવિનાશ વ્યાસના નામના અવૉર્ડથી સન્માનિત કરવા જોઈએ.

 

વિશ યુ વેરી હૅપી ન્યુ યર.
૨૦૨૨નું વર્ષ પૂરું થયું અને ૨૦૨૩ શરૂ થઈ ગયું, બે દિવસ તો આપણે પાર પણ કરી ગયા છીએ. નવા વર્ષની આ શુભ શરૂઆતના સમયે મારે તમને એટલું જ કહેવાનું કે જેમનું ગયું વર્ષ સારું ગયું છે તેમનું આ નવું વર્ષ અતિ સારું પસાર થાય અને જેમણે ગયા વર્ષે તકલીફનો સામનો કરવો પડ્યો હોય તેમની તમામ તકલીફ ભગવાન આ વર્ષે દૂર કરે, તેમને સુખનો સૂર્યોદય દેખાડે. 
નવા વર્ષે ઘણા લોકો અલગ-અલગ રેઝોલ્યુશન લે. હું એવું નથી કરતી હવે, હા, એવું નક્કી દર વખતે કરું કે આ વર્ષે પણ એક એવું કામ કરું જે મારી કરીઅરને આગળ લઈ જાય અને સાથોસાથ મારી કર્મભૂમિ એવી ગુજરાતી રંગભૂમિને નવી ઊંચાઈએ લઈ જવામાં પણ મને નિમિત્ત બનાવે, જેથી હું એ રંગભૂમિએ મને જે આપ્યું છે એનું ઋણ ઉતારવાનો પ્રયાસ કરું. આમ તો ઋણ ક્યારેય કોઈનું ઉતારી નથી શકતો, ક્યારેય નહીં, પણ એનો પ્રયાસ તો સતત થતો રહેવો જોઈએ. 
 
પ્રયાસનું નામ જ જીવન છે, પ્રયાસનું નામ જ જિંદગી છે. આ જ પ્રયાસે મારું જીવન બહેતર બનાવ્યું અને આપણે એ જ વાત કરી રહ્યા છીએ. ગયા મંગળવારે આપણે જે વાત કરતા હતા એનું અનુસંધાન જોડીને વાત આગળ ધપાવતાં પહેલાં ફરી એક વાર, વિશ યુ વેરી હૅપી ન્યુ યર.
 
lll આ પણ વાંચો : સંબંધો વ્યવહારમાં ન પરિણમે એ જોતા રહેજો
 
ઈરાની શેઠ સાથે કર્યું એ નાટક સારું ગયું. એના શો શરૂ થઈ ગયા તો નવી રંગભૂમિ પર હું જે નાટક કરતી હતી એ નાટક પણ સારું ચાલતું હતું. કામના ભારણ વચ્ચે ઘરમાં રહેવાનું ઓછું બનતું. એ વાતાવરણમાં કોઈ ખરાબી નહોતી, પણ રાજકુમાર સાથે મળવાનું ઓછું થતું જતું હતું. અમારા બન્નેના સમયનો તાલમેલ જળવાતો નહોતો. રાતે હું પાછી આવું ત્યારે તે ક્લબમાં ચાલ્યા ગયા હોય અને દિવસ દરમ્યાન હું ઘરમાં હોઉં ત્યારે કાં તો તે આવ્યા જ ન હોય અને કાં તો સવારે આવીને સીધા સૂવા જતા રહે.
 
બહુ દુઃખ થતું કે જીવનની એક બાજુ સરખી થઈ રહી છે ત્યારે અહીં અંતર વધતું જાય છે. સાહેબ, જ્યારે આવું બને ત્યારે વ્યક્તિ પાસે બીજા કોઈ રસ્તા ન રહે. એક જ રસ્તો બાકી બચે; જે છે, જે ગમે છે અને છે એના પર કૉન્સન્ટ્રેટ કરો. મારે માટે પણ એ જ બનતું જતું હતું. જીવનમાં ધ્યેય સ્પષ્ટ થતું જતું હતું, બાળકો અને કારકિર્દી. દરેક સ્ત્રીની એક ખાસિયત હોય છે. જ્યારે પણ જીવનમાં તે એકલી પડે ત્યારે તે પોતાનું વર્તુળ નાનું કરી નાખે અને એમાં તો મને કોઈ વાંધો પણ નહોતો. નાના ઘરમાંથી આવ્યા હોય તેનું વર્તુળ પહેલેથી આમ પણ સીમિત હોય અને એ સીમિત વર્તુળ વધે એ પહેલાં જ જીવનમાં ઊભા થવા માંડેલા અંતરોએ ફરી એ વર્તુળને સીમિત કરવાનું કામ શરૂ કર્યું.
મારી પાસે આ મોટી કળા, મેં સાચવી રાખેલી એ કળા મને આગળ જતાં બહુ કામ લાગી છે. જ્યારે પ્રવીણ નહોતા ત્યારની વાત કરું છું. 
 
તમે તમારા કામ પર એટલુંબધું વર્ચસ્વ નાખી દો અને સાથોસાથ તમારી જેકોઈ ફરજ હોય એ તમામ ફરજને પૂરા મનથી, દિલથી અદા કરો. બાળકો પ્રત્યેની ફરજ, તેમની તંદુરસ્તી, તેમનું ભણતર અને સાથોસાથ તમારી સાથે તેમનો પણ આર્થિક વિકાસ.
 
મારો પહેલેથી નેચર રહ્યો છે કે મારી સમૃદ્ધિ એ મારાં બાળકોની સમૃદ્ધિ અને સાથોસાથ મારા ઘરની, મારી ફૅમિલીની, મારી મા-બહેન, ભાઈઓ બધાં જ એમાં આવી ગયાં અને તેમને એ સમૃદ્ધિ આપવાનું પહેલું પગલું એટલે તમે સમૃદ્ધ થાઓ. 
 
હું મારાં બાળકો અને પરિવારની તમામ ફરજ અને જવાબદારીઓ અદા કરતી. હા, મારે એક વાત કહેવી છે કે રાજકુમાર એ બાબતમાં કશું બોલતા નહીં. ક્યારેય નહીં અને એને માટે હું તેમનો જીવનભર આભાર માનીશ. અનેક વખત હું તેમને કહેવાની કોશિશ કરું કે મારી પાસે આટલા પૈસા આવ્યા છે, એ પૈસા હું મારી આઈને...
 
‘ઇન્દુ, હું પૂછું છું તને કાંઈ?’
‘ના, પણ કહેવાની મારી ફરજ તો છેને...’
એનો તરત જ જવાબ આવે.
જરૂરિયાત પૂરી કરવાની છે અને એ તું કરી રહી છે. જો તું એમાં અટકે કે કંઈ ઘટે તો તારે મને કહેવાનું.’
 
આ બાબતમાં મારે કહેવું જ રહ્યું કે રાજકુમાર જેવો સ્વભાવ સૌનો હોય. આજના પતિઓની વાત જુદી છે. તે પત્નીના પૈસા પર નજર રાખતો હોય છે. મેં જોયા છે અમુક ઘરોમાં, પણ હું એમ નહીં કહું કે એવું બધાના ઘરમાં છે. ના, પણ અમુક ઘરમાં છે ખરું. એ દૂર થાય અને પત્નીઓને આ બાબતમાં પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળે એવી આશા આપણે સૌ સેવીએ. 
ફરીથી રાજકુમારની વાત પર આવું. રાજકુમાર, તમારો ખૂબ-ખૂબ આભાર કે તમે મને ક્યારેય આ બાબતમાં કોઈ રોકટોક, અરે, રોકટોક શું, પૃચ્છા સુધ્ધાં નથી કરી. થૅન્ક યુ  વેરી મચ. મારા આ આશીર્વચન તેમનાં દરેક બાળકોના જીવનમાં સુખ પાથરે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
 
lll આ પણ વાંચો : કલાકારોને બિરદાવવાનો સ્વભાવ રાવ-મહારાવમાં અદ્ભુત હતો
 
નાટકોની મારી મહેનત જબરદસ્ત ફળી અને એક પછી એક નાટકો હિટ પર હિટ પર હિટ. ઇન્દુમાંથી સરિતા બનેલી તમારી આ ઍક્ટ્રેસ તો ખળખળ વહેતી નદીની જેમ રંગભૂમિ પર આગળ વધતી જ ગઈ અને એવામાં મારી પાસે આવ્યું ‘મંગળફેરા’ અને સાથે આવી સંજીવકુમારની ફિલ્મ ‘રમત રમાડે રામ’. હું, સંજીવકુમાર, તરલા મહેતા. ફિલ્મના ડિરેક્ટર હતા દિનેશ રાવલ અને પ્રોડ્યુસર અમારા મનુભાઈ. મનુભાઈને ગુરુ દત્ત સાથે બહુ સારા સંબંધ અને જો હું ભૂલતી ન હોઉં તો તેમણે ગુરુ દત્તની ફિલ્મોમાં પણ ફાઇનૅન્સ કર્યું હતું. સંજીવકુમાર સાથેની આ ફિલ્મ માટે મને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. હું અને સંજીવ બન્ને પહેલી વાર સાથે આવ્યાં હતાં. ગુજરાતી ફિલ્મ, મ્યુઝિક એનું ખૂબ હિટ થયું હતું. સંગીત અવિનાશ વ્યાસનું હતું. 
 
અવિનાશભાઈની એક ખાસિયત કહું. તેઓ મ્યુઝિક બનાવતાં પહેલાં બધાને મળે. કલાકારોને પણ મળે અને તેમની સાથે વાતો કરે. હકીકતમાં એ કલાકારોની બોલવાની, વાતો કરવાની સ્ટાઇલ જોતા હોય તો સાથોસાથ તેમનાં એક્સપ્રેશન પણ નોટિસ કરતા હોય. આ બધું તેમને મ્યુઝિક ડેવલપ કરવાથી માંડીને ગીતોના શબ્દો શોધવામાં અને એ બધામાં બહુ હેલ્પફુલ થતું. અમે ખૂબ બેઠાં અવિનાશભાઈ સાથે. તેમની સાથે થયેલી એ બધી વાતો આજે પણ મને યાદ છે. અવિનાશભાઈ એકદમ હસમુખા. તેમની એ જ લાઇવલીનેસ હતી એ તેમના મ્યુઝિકમાં પણ રીતસર ઝળકતી.
 
ગુજરાતી ફિલ્મના ગોલ્ડન પિરિયડમાં અવિનાશભાઈનો ફાળો બહુ મોટો હતો. હું તો કહીશ કે ગુજરાત સરકારે અવિનાશભાઈના આ કાર્યને આજીવન યાદ રાખવા માટે કંઈક બહુ મોટા પાયે કરવું જોઈએ અને ઊગતા સંગીતકારોને અવિનાશ વ્યાસના નામના અવૉર્ડથી સન્માનિત કરવા જોઈએ.
 
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
columnists sarita joshi