માત્ર ક્રાફ્ટ નહીં, કલાકારોને પણ પગભર કરવામાં પ્રવીણનો બહુ મોટો ફાળો રહ્યો છે

02 April, 2024 08:13 AM IST  |  Mumbai | Sarita Joshi

નવ દિવસની અમદાવાદની ટૂર અને બુકિંગ ઓપન કર્યાના પહેલા જ દિવસે બધેબધા શો હાઉસફુલ. સાહેબ, એવી ઑડિયન્સ આજે ક્યાં જોવા મળે છે?

પ્રવીણ જોશી

અવેતન અને સવેતન રંગભૂમિ વચ્ચે પ્રવીણ જોષીએ કલાકારોને સવેતન રંગભૂમિ તરફ વાળવાનો અને કલાકારોને સારું વળતર મળે એ માટે સઘન પ્રયાસ કર્યા, જેનું પરિણામ એ આવ્યું કે કલાકારો રંગભૂમિ પર નિર્ભર થયા અને ધીમે-ધીમે ફુલટાઇમ કલાકાર બન્યા

નવ દિવસની અમદાવાદની ટૂર અને બુકિંગ ઓપન કર્યાના પહેલા જ દિવસે બધેબધા શો હાઉસફુલ. સાહેબ, એવી ઑડિયન્સ આજે ક્યાં જોવા મળે છે? તમને એ ઑડિયન્સની વાત કરું તો તમને પોતાને એમ થશે કે ખરેખર ઑડિયન્સ તરીકે આપણે બહુ બધું ગુમાવી ચૂક્યા છીએ. એ દિવસોમાં કૉમ્પ્લીમેન્ટરી ટિકિટની કોઈ પરંપરા જ નહોતી. અરે, કહો કે કૉમ્પ્લીમેન્ટરી ટિકિટ મળે એવું કોઈના મનમાં પણ નહીં. ગુજરાતની અમારી એક નાટકની ટૂર દરમ્યાન અમદાવાદના એ સમયના અને આજના પણ બહુ મોટા ન્યુઝપેપરના માલિકને નાટક જોવું હતું અને નાટક તો હાઉસફુલ હતું એટલે તેમણે પોતાની ઓળખાણ લગાડીને આઇએનટીનાં નાટકોનું જે બુકિંગ સંભાળે એ રાજુભાઈ ગાંધીનો કૉન્ટૅક્ટ કર્યો અને તેમને ટિકિટ માટે કહ્યું. આમ તો સામાન્ય રીતે ટિકિટ કોઈ રાખે નહીં પણ પ્રવીણ જોષીનું નાટક હોય એટલે અચાનક કોઈ પણ વીઆઇપીની અરેન્જમેન્ટ કરવાનું આવે તો વાંધો ન આવે એવા હેતુથી રાજુભાઈ બેપાંચ ટિકિટ પોતાની પાસે રાખે.

પેપરના શેઠે ટિકિટ માટે કહેવડાવ્યું એટલે રાજુભાઈએ બે ટિકિટ પહોંચાડી કે વળતી મિનિટે એ પેપરના માલિકે ટિકિટના પૈસા મોકલાવ્યા અને રાજુભાઈએ પૈસા લેવાની ના પાડી ત્યારે એ શેઠે સંદેશો મોકલ્યો કે કોઈની કલા ક્યારેય નિઃશુલ્ક જોવી ન જોઈએ! સાહેબ, આ ખાનદાની કહેવાય અને આવી જ ખાનદાન ઑડિયન્સ એ દિવસોમાં હતી. પ્રવીણ સાથે પહેલું નાટક કર્યું એ પહેલાં પણ ઍક્ટ્રેસ તરીકે સરિતા ખટાઉનો સિક્કો તો પડતો જ હતો એટલે સરિતા અને પ્રવીણ બન્ને નામ સાથે આવ્યાં એટલે ઑડિયન્સને વધારે મજા પડી ગઈ. ૯ દિવસના ૯ શોના પહેલા શો પછી આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયું. મને આજે પણ એ રાત યાદ છે, એ રાતે દિનેશ હૉલ...

હા, એ સમયે અમે દિનેશ હૉલમાં નાટકના શો કરતાં. ૭૦૦-૮૦૦ ઑડિયન્સનું થિયેટર અને બાલ્કની પણ ખરી. આજે જેમ ઍરકન્ડિશન્ડ થિયેટર હોય છે એવું નહીં. પંદર-વીસ ફુટ લાંબા સળિયામાં લટકતા ચાર અને પાંચ પાંખવાળા પંખા હોય, જે ફરતા રહેતા હોય. સામાન્ય રીતે તો એ પંખા પણ ચાલુ ન કરવા પડે એવી સીઝનમાં જ અમારા ગુજરાતમાં શો થાય.
શિયાળો શરૂ થવામાં હોય ત્યારે ગુજરાતની ટૂર થાય. મોટા ભાગે દિવાળી પછી લાભપાંચમથી આઇએનટીનું બુકિંગ ખૂલે. ગુજરાતમાં ઠંડક થઈ ગઈ હોય એટલે હૉલમાં પંખાની જરૂર પડે નહીં અને પંખા કરવા પણ પડે તો પણ એનો અવાજ કલાકારોને ડિસ્ટર્બ કરે નહીં. સરસમજાનું નાનકડું થિયેટર અને બાલ્કનીમાં જવા માટે ગોળાકાર આકારનાં પથ્થરનાં સ્ટેરકેસ. મને આજે પણ એ સીડી, એનાં પગથિયાં બધું યાદ છે. ઑડિયન્સની ડિસિપ્લિન પણ મને હજી સુધી ભુલાઈ નથી.

ત્રીજી બેલે તો ઑડિયન્સ આખું હૉલમાં હોય અને પિન-ડ્રૉપ સાઇલન્સ હોય. બાળકો તો કોઈ લાવે જ નહીં અને મોબાઇલનું દૂષણ એ સમયે જન્મ્યુ નહોતું એટલે એની ચિંતા કરવાની નહોતી, પણ બાજુબાજુમાં બેસીને વાતો સુધ્ધાં ન કરે. એ સમયે ત્રિઅંકી નાટકો હતાં એટલે બે ઇન્ટરવલ પડે પણ બન્ને ઇન્ટરવલ પછી પણ તમને ઑડિયન્સનું શિસ્ત જોવા મળે. કૅન્ટીનમાંથી મળતું ખાવાનું કોઈ લઈને અંદર આવે જ નહીં અને બેલ પડે એટલે ખાવાનું પડતું મૂકીને પ્રેક્ષક સીધો હૉલમાં દાખલ થઈ જાય અને ધારો કે એકાદ મિનિટ તે મોડો પડ્યો તો તેણે બહાર ઊભા રહેવાનું, ત્યાં સુધી જ્યાં સુધી બ્લૅકઆઉટ ન આવે.

એક વખત તો ગુજરાતના ચીફ મિનિસ્ટર નાટક જોવા આવ્યા અને હૉલ પહોંચવામાં તેમને પાંચેક મિનિટ મોડું થઈ ગયું. પ્રવીણે નાટક સમયસર શરૂ કરવાનો આગ્રહ રાખ્યો. બધાને ટેન્શન કે આમાં ચીફ મિનિસ્ટરને ખરાબ લાગી જાય તો શું કરવું પણ પ્રવીણની એક જ વાત, મારે માટે બધી ઑડિયન્સ એકસરખી છે. એક માટે હું મારી બાકીની ઑડિયન્સને હેરાન ન કરી શકું અને પ્રવીણે નાટક શરૂ કરાવ્યું. ચીફ મિનિસ્ટર આવ્યા એટલે પ્રવીણે જ તેમને મેઇન ડોર પર રોક્યા કે સાહેબ, નાટક શરૂ થઈ ગયું છે. તમારે બ્લૅકઆઉટ સુધી રાહ જોવી પડશે.
જો મારી ભૂલ ન થતી હોય તો જીવરાજ મહેતા ચીફ મિનિસ્ટર હતા. મારું જ એ નાટક હતું. જીવરાજ મહેતા તો અદબ સાથે બહાર ઊભા રહી ગયા. પહેલો સીન પૂરો થયો, બ્લૅકઆઉટ થયો એટલે પ્રવીણ જ ટૉર્ચની લાઇટમાં તેમને લઈને ચૅર સુધી મૂકી ગયા અને પછી ઇન્ટરવલમાં માફી માગતાં કહ્યું પણ ખરું કે થિયેટરના કેટલાક પ્રોટોકૉલ હોય, એને પાળવા જરૂરી છે એટલે તમને બહાર ઊભા રાખવા પડ્યા. 

આજની ઑડિયન્સ આ પ્રોટોકૉલ ભૂલ્યા છે તો ક્યાંક ને ક્યાંક આજના નિર્માતા પણ આંખની શરમ વચ્ચે દબાયા છે. પ્રવીણે ચીફ મિનિસ્ટરને ઊભા રાખ્યા એમાં ક્યાંય તેમનો અહમ્ નહોતો, કહ્યું એમ થિયેટરનું શિસ્ત હતું. પ્રવીણ માનતા કે રંગભૂમિના કલાકારોને આદર મળવો જોઈએ, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ કલાકારો છે, રસ્તા પર ખેલ કરતા ભાંડ નથી કે તમે પસાર થતાં-થતાં તેમના પર નજર નાખતા જાઓ અને તમારું કામ પણ ચાલુ રાખો. આજે પ્રવીણને લોકો તેમના દિગ્દર્શન, તેમના ક્રાફ્ટને કારણે યાદ કરે છે, પણ જે કલાકારોએ તેમની સાથે કામ કર્યું છે એ કલાકારોને ખબર છે કે ગુજરાતી રંગભૂમિની આજની પેઢીને જે માન મળે છે, જે સન્માન મળે છે, જે આર્થિક વળતર મળે છે એમાં પણ પ્રવીણનો બહુ મોટો ફાળો રહ્યો છે. પ્રવીણ કહેતા કે મારો કલાકાર માત્ર નિજાનંદ માટે કામ શું કામ કરે. તેનો નિજાનંદ જ તેને આજીવિકા આપે અને તે એવો સક્ષમ થાય કે તેણે બહાર બીજે ક્યાંય કામ કરવું ન પડે અને માત્ર રંગભૂમિ પર જ તે પોતાનું જીવન ગુજારી શકે. ગુજરાતી રંગભૂમિ અવેતન અને સવેતન એમ બે પ્રકારમાં વહેંચાયેલી રંગભૂમિ હતી. અવેતન રંગભૂમિ પર માત્ર આનંદ માટે કામ થતું અને સવેતન રંગભૂમિ પર નામ પૂરતું વળતર મળતું પણ પ્રવીણે આવીને રીતસર ટૅલન્ટ મુજબના વળતરની દિશામાં કામ કર્યું અને એ પણ એવું અસરકારક કર્યું કે લોકો રાજી થઈને પોતાની બીજી જૉબ છોડીને આજીવન માત્ર નાટકો પર નિર્વાહ ચલાવવાનું વિચારી શક્યા.

આજે તો કલાકારો પાસે બહુ બધા ઑપ્શન થઈ ગયા છે પણ એ સમયે આટલા ઑપ્શન નહોતા. રંગભૂમિ અને ફિલ્મ એ બે જ ઑપ્શન હતા અને ફિલ્મોમાં પણ એવું કંઈ વળતર નહોતું. એ સમયના કલાકારો રીતસર ઝનૂનપૂર્વક મચેલા રહેતા. દિવસઆખો બૅન્કની કે પછી બીજી જેકોઈ નોકરી હોય એ નોકરી કરે અને સાંજે ૬ વાગ્યે નોકરીમાંથી નીકળીને રિહર્સલ્સ કરે. રાતે ૯-૧૦ વાગ્યા સુધી રિહર્સલ્સ ચાલે અને પછી રાતે અગિયાર-બાર વાગ્યે ઘરે પહોંચી સવારે સાત વાગ્યાથી પાછી આ જ રફતાર પર કામે લાગી જાય. 

‘મારા કલાકારને મન હોય અને તે બીજું કામ કરે તો મને વાંધો નથી, પણ મજબૂરીથી તો તેણે બીજે કામ કરવા ન જ જવું જોઈએ.’
આ પ્રવીણના શબ્દો હતા અને પ્રવીણે પોતાના શબ્દો પાળી બતાવ્યા. તેમની સાથે કામ કરનારો એકેક કલાકાર આ વાતનો સ્વીકાર કરશે.  
પૂછજો એક વાર.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists sarita joshi