જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યા, જાણે કાંઠા તોડે કોઈ મહેરામણ હો રામ

13 February, 2024 08:44 AM IST  |  Mumbai | Sarita Joshi

આપણે ત્યાં ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે પ્રેમનો કંઈ એક ચોક્કસ દિવસ નિર્ધારિત થોડો હોય, સાચું જ છે અને એટલે તો આપણે આવતી કાલના વૅલેન્ટાઇન્સ ડેની વાતો આજે કરવાનાં છીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રેમની વાત આવે અને હું શાંત રહું એવું બને ક્યારેય? ના મારા સાહેબ, ક્યારેય નહીં અને કોઈ કાળે નહીં. તમારા બધાના પ્રેમ થકી તો આજનો આ દિવસ જોવા મળ્યો છે. જો તમારા લોકોનો પ્રેમ ન હોત, જો ઑડિયન્સે આટલી મોહબ્બત ન આપી હોત તો તમને ખબર જ છે, એક કલાકાર કશું ન કરી શકે; પણ જો ઑડિયન્સ સાથે હોય, તેનો પ્રેમ, તેની લાગણી જો સાથે હોય તો સામાન્ય કલાકાર પણ કદરદાનોના પીઠબળ સાથે આગળ ક્યાંય નીકળી જાય.

આવતી કાલે વૅલેન્ટાઇન્સ ડે છે. ઘણાને એવું લાગે કે પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ નિશ્ચિત દિવસ થોડો હોવો જોઈએ? સાચું જ છે, તમે તમારો પ્રેમ વ્યક્ત કરો, તમને તમારી ગમતી વ્યક્તિ પાસેથી પ્રેમની અભિવ્યક્તિ મળે એ જ તમારો વૅલેન્ટાઇન્સ ડે, પણ ધારો કે એવું ન થઈ શકે તો દુનિયાએ તમને એક ચોક્કસ દિવસ તૈયાર કરીને આપ્યો કે એ દિવસે તમે તમારા મનની વાત કરીને, તમારી લાગણી વ્યક્ત કરીને પ્રેમની અભિવ્યક્તિ કરી શકો; પણ ધારો કે કાલે તમે એ પણ ન કરી શક્યા તો પણ ચિંતા કરવી નહીં. સાહેબ, જે ઘડીએ મન હળવું કરવાનું મન થાય અને જે ઘડીએ પ્રેમને રજૂ કરવાનું મન થાય એ ઘડીને વૅલેન્ટાઇન્સ ડે માનીને પ્રેમનો ઉત્સવ રંગેચંગે ઊજવી લેવો.

નસીબદાર હોય તેને જ પ્રેમ મળે. નિઃસ્વાર્થ અને નિર્મળ પ્રેમ મળે. હું તો આ બાબતમાં બહુ નસીબદાર છું. મને એટલો પ્રેમ મળ્યો છે, એટલો સ્નેહ મળ્યો છે કે હું મારી જાતને આ બાબતમાં દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે જ જોઉં. આઈ-બાબાથી લઈને છેક પ્રવીણ જોષી અને એ પછી પણ મારાં સંતાનો અને તમારા સૌનો પ્રેમ. અનેક બાબતોમાં ઈશ્વરે મને બે હાથે આપ્યું છું. પ્રેમ પણ એ જ ઈશ્વરે આપેલી બક્ષિસ છે એવું હું કહેતી હોઉં છું.

તમે રસ્તા પર જતા હો, સિગ્નલ પર ઊભા હો કે પછી તમે ક્યાંય કોઈક કાર્યક્રમમાં ગયા હો અને તમને એવું કોઈ આવીને મળે જેને તમે ઓળખતા પણ ન હો અને એ પછી પણ તેની આંખોમાં પ્રેમ ઝળકતો હોય તો એનાથી બીજું મોટું સુખ બીજું કયું હોય સાહેબ? બે સારા શબ્દો સાંભળવા માટે માણસ આખી જિંદગી તડપતો હોય છે, એક મીઠા આશ્વાસનની રાહમાં માણસ આખી જિંદગી પસાર કરી નાખતો હોય છે ને એક સાંત્વના માટે માણસ જન્મારો આખો પસાર કરી નાખે છે ત્યારે તમને એ ડગલે ને પગલે મળતો રહે તો તમારે કબૂલ કરવું જ રહ્યું કે તમે ઈશ્વરના માનીતા છે, તેના પ્રિય છો. આ જ વાત કહેવાની સાથોસાથ હું એ પણ કહીશ કે મળ્યો હોય, મળતો હોય એ પ્રેમ સાચવી રાખજો અને તેની કદર કરજો. મળતા એ પ્રેમને માન આપજો. કારણ કે પ્રેમમાં કોઈ વિનિમયનો નિયમ લાગુ નથી પડતો કે પ્રેમમાં આદાનપ્રદાનની પણ કોઈ વાત નથી હોતી. પ્રેમનો તો સીધો હિસાબ છે. જોઈતો હોય તો આપો અને મળ્યો હોય તો આપો. એટલે જ કહું છું કે પ્રેમ મળ્યો હોય તો એનું સન્માન કરજો, એને ખુલ્લા દિલે અપનાવજો અને મળ્યો હોય એનાથી અનેકગણો પ્રેમ આપવાનો પ્રયાસ કરજો. જરૂરી નથી કે પ્રેમ વ્યક્ત કરવા માટે તમારે કોઈ દુન્યવી ચીજવસ્તુ ખરીદીને આપવી જોઈએ કે આપવી પડે. ના રે, જરા પણ નહીં.

એક નાનો ગજરો પણ પ્રેમની અભિવ્યક્તિ કરી જાય અને રસોઈ બનાવી હોય એ વ્યક્તિની રસોઈનાં વખાણ કરીને પણ તમે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો. પ્રેમની અભિવ્યક્તિ ત્યારે જ કરવી જોઈએ જ્યારે એની અનુભૂતિ થઈ હોય. મારી આ કૉલમ વાંચીને ઘણી બહેનો મને કહે, મેસેજ કરે કે તમારી વાતો વાંચીને અમને થાય કે તમે બહુ નસીબદાર છો, પણ હું કહીશ કે હું જ નહીં, તમે બધાં બહુ નસીબદાર છો. બસ, એ નસીબને જોવાની રીત અને દિશા બદલી નાખો. પુરુષો પણ મને પોતાના મનની વાત કરતાં કહે કે તમે જે રીતે તમારી વાત, તમારી લાગણી વ્યક્ત કરો છો એવી રીતે અમારા ઘરમાં નથી થતું. હું એ પુરુષોને પણ કહીશ કે જરૂરી નથી કે લાગણી વ્યક્ત કરવાની, એ દર્શાવવાની રીત તમામની એકસમાન જ હોય. ના રે, જરાય નહીં. દરેકની પોતપોતાની વાત છે, દરેકની પોતપોતાની રીત છે. કોઈ બોલીને લાગણી દર્શાવે છે તો કોઈ ખામોશ રહીને, ચૂપ રહીને પણ પોતાના વર્તનથી લાગણી વ્યક્ત કરે. આપણે કહીએ છીએને કે એ બહુ કૅર કરે. આ જે કૅર છે એ પણ પ્રેમ છે અને સાહેબ યાદ રાખજો કે ગુસ્સો પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે. પ્રેમ હોય ત્યાં જ ગુસ્સો વ્યક્ત થાય, પણ એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે આપણે ગુસ્સો કરીએ એટલે પ્રેમ વ્યક્ત કરી દીધો કહેવાય. ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. આપણે ત્યાં કહેવાય છેને કે તમે જે વાવો એ જ તમે લણો. લાગણી અને પ્રેમનું પણ એવું જ છે. જો તમે પ્રેમ આપો તો તમને સામે પ્રેમ મળે જ. તમે ઇમોશન્સ બૅન્કિંગ વિશે ક્યારેય વાંચ્યું છે કે સાંભળ્યું છે? 

તમે તમારા બૅન્ક-અકાઉન્ટમાંથી પૈસા ક્યારે ઉપાડી શકો? બહુ સિમ્પલ જવાબ છે, ત્યાં સુધી જ્યાં સુધી તમારા અકાઉન્ટમાં પૈસા પડ્યા હોય. લાગણીઓનું પણ એવું જ છે. તમે તમારી ઇમોશન્સ-બૅન્કમાંથી ત્યાં સુધી જ વિધડ્રૉઅલ કરી શકો જ્યાં સુધી તમારા એ અકાઉન્ટમાં પ્રેમ અને લાગણીઓ જમા હશે. આ જે વિધડ્રૉઅલ છે એ ગુસ્સો છે. તમે જેટલી વાર ગુસ્સો કરો, ઉદ્ધતાઈ કે પછી તોછડાઈ કરો અને તમારી વ્યક્તિ એ ચૂપચાપ ચલાવી લે એનો અર્થ એવો થયો કે તમે અગાઉ આપેલો પ્રેમ એ અકાઉન્ટમાં ડિપોઝિટ થયેલો પડ્યો છે અને એટલે જ તમને વિધડ્રૉઅલ કરવા મળે છે. અજાણ્યો માણસ તમારો ગુસ્સો ચલાવી લેવા તૈયાર નથી થતો એનું પણ આ જ કારણ છે. એ માણસની સાથે તમારું કોઈ ઇમોશન્સનું અકાઉન્ટ છે જ નહીં, તો નૅચરલી એ તમારું વિધડ્રૉઅલ સ્વીકારશે જ નહીં અને તમારા ગુસ્સાનો ચેક તરત જ રિટર્ન થઈ જશે, મતલબ કે તરત તમારો ગુસ્સો કે ઉદ્ધતાઈ બાઉન્સ થઈને સામે આવશે.

જેમ તમને ખબર પડે છે કે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા કરતા રહેવું જોઈએ એ જ રીતે તમને એ પણ ખબર પડવી જોઈએ કે ઇમોશન્સ-બૅન્કમાં પણ તમારી લાગણીઓ જમા થતી રહેવી જોઈએ અને એ પણ નિયમિતપણે, નહીં તો એક દિવસ એવો આવશે કે તમારા અકાઉન્ટમાં બૅલૅન્સ નહીં હોય અને તમારા ચેક બાઉન્સ થશે. આજે પણ જો તમારા ચેક બાઉન્સ થતા તમે જોતા હો તો માનજો કે તમારું અકાઉન્ટ ખાલી થઈ ગયું છે. પ્રેમ જમા કરતા રહેશો તો જ તમે તમારી લાગણીના બીજા સ્વરૂપના સ્વીકારની અપેક્ષા રાખી શકશો, પણ જો પ્રેમ જમા નહીં કરતા હો તો યાદ રાખજો કે ચોક્કસપણે તમારા સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક અંતરાય આવવા માંડશે અને જો સંબંધોમાં અંતર કે અંતરાય ન ઇચ્છતા હો તો તમારા પ્રેમની કૂંપળોને તાજી રાખવાનું કામ કરતા રહેજો. આ વૅલેન્ટાઇન ડેના, આ વસંત પંચમીના દિવસે નક્કી કરો કે સંબંધોમાં રહેલી પ્રેમની એ હૂંફાળી કૂંપળને સહેજ પણ કરમાવા નથી દેવી, એને માટે તમામ પ્રકારની જહેમત તમે લેશો અને સંબંધોમાં પ્રેમસત્ત્વને, સંબંધોના પ્રેમત્વને અકબંધ રાખશો.

હૅપી વૅલેન્ટાઇન્સ ડે ઇન ઍડ્વાન્સ. 

columnists sarita joshi valentines day