10 January, 2023 05:38 PM IST | Mumbai | Sarita Joshi
ફિલ્મ ‘રમત રમાડે રામ’માં એક ગીત મારા અને સંજીવકુમાર પર હતું, એ ગીતની તસવીરી યાદ.
‘રમત રમાડે રામ’ ફિલ્મ સરસ હતી, બૉક્સ-ઑફિસ પર પણ સરસ ચાલી. મા સરસ્વતી પ્રસન્ન થઈ અને તે પોતાની સાથે લક્ષ્મીજીને પણ લઈને આવી. ‘રમત રમાડે રામ’ પછી તો લક્ષ્મીજી નિયમિત આવવા માંડ્યાં. ફિલ્મોની દુનિયા ખૂલી, તો આ બાજુ રંગભૂમિ પર પણ કામ સરસ ચાલતું હતું.
આપણે વાત કરતા હતા મારી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ની, જેમાં હું અને સંજીવકુમાર પહેલી વાર સાથે આવ્યાં. અમારા બે ઉપરાંત ફિલ્મમાં ઍક્ટ્રેસ તરલા મહેતા પણ હતાં. અરે હા, એક વાત કહેતાં તો ભૂલી ગઈ તમને. આ ફિલ્મમાં મારી ક્રેડિટ સરિતા ખટાઉના નામે આવી હતી. અમે ત્રણ મુખ્ય કલાકારોમાં અને એ સિવાય પણ આપણી ગુજરાતી રંગભૂમિના અનેક કલાકારો હતા; વનલતા મહેતા, આશુતોષ મહેતા, અરવિંદ પંડ્યા અને બીજા અનેક કલાકારો. સંજીવકુમાર પણ એ સમયમાં નવા-નવા, પણ હા, તેઓ સ્ટાર બની ગયા હતા, પણ તેમનાથી પણ મોટાં સ્ટાર તરલા મહેતા હતાં એટલે ફિલ્મમાં તેમની ક્રેડિટ પહેલાં આવતી.
‘રમત રમાડે રામ’ના પ્રોડ્યુસર મનુભાઈ પટેલ, ડિરેક્ટર દિનેશ રાવલ અને મ્યુઝિક, ગયા મંગળવારે કહ્યું એમ, અવિનાશ વ્યાસનું. ફિલ્મનાં ગીતો કોણે-કોણે ગાયાં હતાં એની તમે કલ્પના કરી શકો. મોહમ્મદ રફી, મન્ના ડે, આશા ભોસલે જેવા દિગ્ગજ ગાયકો આ ફિલ્મના પાર્શ્વ ગાયનમાં હતાં અને કેવાં ગીતો સાહેબ, આહાહાહા...
ફિલ્મનું ટાઇટલ-સૉન્ગ આ તો, ‘રમત રમાડે રામ’ના શબ્દો હજી પણ મને યાદ છે. ગીતનો પહેલો અંતરો સાંભળો, એટલે કે વાંચો.
‘વિધાતા પણ કેવી વર્તે,
નારી તારે માથે...
અગ્નિપરીક્ષા સીતા સમીની,
રામચંદ્રને હાથે...
અબોલ રહીને પીએ હળાહળ,
તોયે તું બદનામ...
આ તો રમત રમાડે રામ...’
શબ્દોમાં રહેલી નારી માટેની ભાવના જુઓ તમે. કેવી નરી વાસ્તવિકતા ગીતના શબ્દોમાં દર્શાતી હતી. આ ફિલ્મ બ્લૅક ઍન્ડ વાઇટ હતી.
‘અગમ-નિગમની રમત રામની
કુદરત એનું નામ,
ભૂલ કરી ભોગવવા તારે
તારાં બૂરાં કામ,
બગડી બાજી લે સુધારી,
હૈયે રાખે રામ...’
આ પણ વાંચો : સંબંધો વ્યવહારમાં ન પરિણમે એ જોતા રહેજો
ઈશ્વર પર આવનારી તકલીફો અને મુશ્કેલીઓને દૂર કરવાનું કામ પણ રામ કરતો હોય છે, કુદરત કરતી હોય છે એ વાત આ જ ટાઇટલ-સૉન્ગમાં ગીતકારે કરી હતી. ગીતકારનું નામ હું ગયા મંગળવારથી શોધવાનું કામ કરતી હતી જે છેક આ રવિવારે મને મળ્યું અને જેવું નામ મળ્યું કે તરત જ હું બધાં કામ પડતાં મૂકીને તમારે માટે આ લેખ લખવા બેસી ગઈ. ગીતકાર પણ અવિનાશ વ્યાસ જ હતા. મારા મનમાં હતું કે ગીતો ઉપેન્દ્ર વધીરાજે લખ્યાં હતાં, પણ ના, ફિલ્મની સ્ટોરી તેમની હતી. ગીતો અવિનાશભાઈએ જ લખ્યાં હતાં. અવિનાશભાઈ જેવો હુન્નર બહુ ઓછામાં હોય છે. અવિનાશભાઈએ અઢળક ગીતો લખ્યાં અને એમાંથી અનેક ગીતો સુપરહિટ થયાં. ગુજરાતી ફિલ્મના ગોલ્ડન પિરિયડમાં આ ગીતોનો પણ બહુ મોટો ફાળો હતો.
‘રમત રમાડે રામ’માં મારા અને સંજીવકુમાર પર પણ એક સૉન્ગ હતું, ‘ઊભી રે બજારે નજર લાગી ગઈ રે રામ, નજર લાગી ગઈ,કોરા મારા કાળજાની કોર ભાંગી ગઈ રામ, નજર લાગી ગઈ...’ એ સમય આજે પણ આંખ સામે આવે છે ત્યારે ખરેખર શરીરમાં ધ્રુજારી પ્રસરી જાય છે, રોમાંચનું લખલખું પસાર થઈ જાય છે.
અવિનાશભાઈ સાથે વાતો કરવાની, તેમની વાતો સાંભળવાની બહુ મજા આવતી. અવિનાશભાઈએ મને કહ્યું કે ‘સરિતા તારી આંખો બહુ બોલકી છે. તું ધારે તો ડાયલૉગ બોલ્યા વિના પણ તારે જે કહેવું હોય એ તું આંખોથી કહી શકે છે.’ અવિનાશભાઈ સંપૂર્ણ કલાકારનો જીવ. અમારાં નાટકોની ટૂર અમદાવાદ ગઈ હોય તો તેઓ ત્યારે પણ મળવા આવે. તેમને બધા કલાકારો ઓળખતા હોય, બધા સાથે તેમની ભાઈબંધી. અવિનાશભાઈ આવે એ રાતે જલસો જ જલસો. અમે વાતો કરતાં આખી રાત પસાર કરી નાખીએ.
અવિનાશભાઈ અંબેમામાં બહુ આસ્થા ધરાવતા. જો કલાકારોમાંથી કોઈ અંબાજી જવાનું બોલે કે તરત અવિનાશભાઈ રેડી. બધાં કામ પડતાં મૂકીને તેઓ બધાને લઈ અંબેમાનાં દર્શને પહોંચી જાય. મેં અગાઉ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું છું કે અવિનાશભાઈ ગુજરાતનું ગૌરવ છે, એને સાચવજો, એનું નામ હજી વધારે ઉજાળજો અને અવિનાશભાઈનો જીવ જ્યાં હોય ત્યાં તેમને ગર્વ થાય એવું કામ કરતા રહેજો અને વધુ ને વધુ મહેનત કરજો. આજે હવે અવિનાશભાઈના સ્તરના કલાકારો જન્મવા બહુ અઘરું છે. અમે એ સમય જોઈ લીધો, અમને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, જેને માટે મારા જેવા અઢળક કલાકારો ધન્યતા અનુભવે છે.
‘રમત રમાડે રામ’ ફિલ્મ સરસ હતી અને એ બૉક્સ-ઑફિસ પર પણ બહુ સરસ ચાલી. મા સરસ્વતી પ્રસન્ન થઈ અને મા સરસ્વતી હવે તો પોતાની સાથે લક્ષ્મીજીને પણ લઈને આવી. ‘રમત રમાડે રામ’ પછી તો લક્ષ્મીજી પણ નિયમિત ધોરણે આવવા માંડ્યાં અને આ બાજુ, એટલે કે રંગભૂમિ પર પણ કામ સરસ ચાલતું હતું. ‘રમત રમાડે રામ’ અને નાટક ‘મંગળફેરા’ બન્ને લગભગ સાથે જ આવ્યાં હતાં એવું મને યાદ છે. એ નાટક પણ સરસ ચાલ્યું. ‘મંગળફેરા’માં હું લીડ રોલમાં હતી અને ફિલ્મની હિરોઇન શારદા સાઇડ રોલમાં હતી. અગાઉ મેં શારદા સાથે કામ કર્યું હતું. કહો કે ચોથી કે પાંચમી હરોળની ઍક્ટ્રેસ હોય એ રીતે.
આ પણ વાંચો : સંજીવકુમાર અને હું પહેલી વાર ફિલ્મમાં સાથે આવ્યાં
નાટક હતું ‘પૃથ્વીરાજ’. એ નાટકમાં પૃથ્વીરાજના કૅરૅક્ટરમાં અશરફ ખાન હતા અને સંયુક્તાનો રોલ શારદા કરતાં, જેમાં મેં તેમની સખીનો રોલ કર્યો હતો. સંયુક્તાની સખી તરીકે હું સાઇડ રોલમાં અને ‘મંગળફેરા’માં એ વાત બદલાઈ ગઈ. એમાં બીજી કોઈ વાત કારણભૂત નહોતી, મહેનત જ જવાબદાર હતી. ‘મંગળફેરા’માં હું ગામડાની ગોરી તરીકે આવતી અને એમાં મને નામદેવની ભવાઈ બહુ કામ આવી. ભવાઈ જોવી મને બહુ ગમે અને નામદેવ એમાં એકદમ એક્સપર્ટ એટલે હું તો તેની પાસે ભવાઈ શીખવા બેસી જતી. આ જે ભવાઈનું ફૉર્મ હતું એને મેં ‘મંગળફેરા’માં ઉમેર્યું અને આજના સમયની વાત સાથે મેં વીસરાતી કલાનું મિશ્રણ ઊભું કરીને એવું પર્ફોર્મ કર્યું કે તમે વિચારી પણ ન શકો.
સાહેબ, એક પણ એવો શો નહીં જેમાં મને એકધારી એકેક મિનિટ સુધી ક્લૅપ ન મળી હોય. નાટકમાં વચ્ચે હું ભવાઈ ઉપાડું એને મારે અટકાવી દેવી પડે, ભવાઈ કરતાં-કરતાં મારે વચ્ચે ઊભી રહી જવું પડે. ઑડિયન્સ તાળીઓ પાડે એટલે પછી ફરી હું મારો પર્ફોર્મન્સ શરૂ કરું. ‘મંગળફેરા’ સુપરડુપર હિટ થયું. કોઈએ ધાર્યું પણ નહોતું કે નવી દેખાતી છોકરી આ સ્તરે ઑડિયન્સનાં મન જીતી જશે. અઢી અને ત્રણ કલાકનું નાટક તાળીઓ અને વન્સમોરને કારણે ૨૦-૨૫ મિનિટ લંબાઈ જતું અને સાહેબ, થિયેટરના માલિકો પણ એનો કોઈ વિરોધ કરે નહીં. વિરોધ ક્યાંથી કરે, એ પણ ક્લૅપ આપવામાં અને વન્સમોરના નારા લગાવવામાં ઑડિયન્સની સાથે હોય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)