પહેલાંના નાટકના ટાઇટલમાં કૃતિની સુગંધ હતી જે આજનું ઑડિયન્સ સ્વીકારી શકે નહીં

23 October, 2024 04:09 PM IST  |  Mumbai | Sarita Joshi

સંજય ગોરડિયાના આગામી નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ના પોસ્ટર ઉપરાંત એના ટાઇટલ સામે પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિખ્યાત અભિનેત્રી સરિતા જોષીનાં મંતવ્યો જાણીએ આજનાં નાટકોનાં શીર્ષકો વિશે, તેમના પોતાના જ શબ્દોમાં...

સંતુ રંગીલીનું પોસ્ટર

સંજય ગોરડિયાના આગામી નાટકત્રંબક ત્રણ બાયડીવાળોના પોસ્ટર ઉપરાંત એના ટાઇટલ સામે પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિખ્યાત અભિનેત્રી સરિતા જોષીનાં મંતવ્યો જાણીએ આજનાં નાટકોનાં શીર્ષકો વિશે, તેમના પોતાના શબ્દોમાં...

તમે જુઓ તો ખરા, પહેલાંનાં નાટકોનાં ટાઇટલ અને અત્યારનાં નાટકોનાં ટાઇટલ. તમને એમ થાય કે આ શું છે, પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે નાટકો ખરાબ હોય છે. આજનાં નાટકો પણ સારાં હોય છે. હા, એ આજની ડિમાન્ડ મુજબનાં છે અને કોઈ પણ માણસ કામ કરવા નીકળ્યો હોય તો એ લોકોની ડિમાન્ડ તો જુએને? મને લાગે છે કે હવે માણસોની મેન્ટાલિટી જ થઈ ગઈ છે કે તેને નાટકમાં પણ કૉમેડી જોઈએ છે અને નાટક કૉમેડી છે એ જાણવા માટે તેની પાસે ટાઇટલ એકમાત્ર ઑપ્શન છે એટલે નાટકનાં ટાઇટલ પણ કૉમેડીવાળાં હોય છે. મારા આટલાં વર્ષોના અનુભવ પરથી હું તમને મારું આ તારણ કહું છું; પણ હા, હું એ તો કહીશ કે પહેલાંના સમયના ટાઇટલમાં જે મજા હતી, જે એનું વજન હતું એ હવેના સમયનાં નાટકોના ટાઇટલમાં નથી હોતાં.

‘સખા-સહિયારા’, ‘દેવકી’, ‘કાકાની શશિ’, ‘ધુમ્મસ’, ‘શરત’, ‘ચાનસ’, ‘મંત્રમુગ્ધ’, ‘ચંદરવો’, ‘કુમારની અગાસી’ અને એવાં બીજાં અનેક ટાઇટલો જે વાંચતાં કે સાંભળતાં જ તમારા મનમાં થાય કે આપણે આ નાટક જોવું જોઈએ. અરે, ‘સંતુ રંગીલી’ કેમ ભુલાય? તમને આ ટાઇટલનો એક નાનકડો કિસ્સો કહું.

‘સંતુ રંગીલી’નાં રિહર્સલ્સ ચાલતાં હતાં ત્યારની વાત છે. હું ગીત ગણગણતી હતી...

ગામમાં કેમ રહેવાય રે,

કે મારું નામ પાડ્યું સંતુ રંગીલી રે...

પીટ્યાનું નામ મોહનિયો રે,

ને મને બોલાવે સંતુ રંગીલી રે...

બે-ત્રણ દિવસ મારા મોઢે આ ગીત સાંભળ્યા પછી નાટકના ડિરેક્ટર પ્રવીણ જોષીએ મને બોલાવી અને મને પૂછ્યું કે તું આ શું ગાય છે? મેં તેને કીધું કે અમારી દેશી રંગભૂમિના એક નાટકનું આ ગીત છે. પ્રવીણે મારી પાસેથી એ ગીતકારનું નામ લીધું. ઉંમરના કારણે હું તેમનું નામ તો ભૂલી ગઈ છું પણ તેની અટક દ્વિવેદી હતી. પછી એ જઈને તેમને મળ્યા અને બા-કાયદા તેમની પાસેથી લેખિતમાં રાઇટ્સ લઈને નાટકનું ટાઇટલ રાખ્યું ‘સંતુ રંગીલી’. બીજો કોઈ હોય તો આવું ન કરે, પણ પ્રવીણે કર્યું. એનું કારણ છે કે મારે મારા નાટકની એકેએક વાતમાં હન્ડ્રેડ પર્સન્ટ આપવા છે.

મને લાગે છે કે પહેલાંના સમયમાં નાટકના ટાઇટલમાં પણ સર્જનાત્મકતા હતી. એ વાંચતાં ખબર પડતી કે આપણે એક કૃતિ જોવા જઈએ છીએ. હવેનાં ટાઇટલ વાંચતાં ખબર પડી જાય કે આપણે કૉમેડી જોવા જઈએ છીએ. મારી દીકરી કેતકી દવેના નાટકના ટાઇટલને જ જુઓને, ‘હાઉસ વાઇફની હુતુતુ’. નાટકનો વિષય એટલો સરસ, કૉમેડી પણ એમાં ખૂબ બધી પણ ટાઇટલ આજના સમય મુજબનું છે. પહેલાંનાં ટાઇટલ જોઈને તમને જિજ્ઞાસા થતી કે નાટકમાં શું હશે. આવી જિજ્ઞાસા હવેનાં ટાઇટલ વાંચ્યા પછી નથી થતી. તમને મેસેજ મળી જાય કે ટાઇટલ કૉમેડી છે, નાટક કૉમેડી છે અને ઑડિયન્સને પણ કદાચ આટલા જ મેસેજની જરૂર છે.

પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેશ દવે જેમ નાટકના વિષયના બાદશાહ હતા એવા જ બાદશાહ ટાઇટલ શોધવામાં પણ હતા. તેમની આંખો સતત ટાઇટલ શોધવામાં ફર્યા કરતી. ઘણી વાર તો એવું થતું કે ટાઇટલ મળ્યું હોય અને એ પછી તેમને મહિનાઓ પછી એ ટાઇટલને અનુરૂપ સબ્જેક્ટ મળે અને એ લોકો નાટક લખવા/લખાવવાનું શરૂ કરે, પણ હવે એવું થતું હોય એવું મને નથી લાગતું.

હમણાંના ટાઇટલની વાત કરું તો ‘એકલવ્ય’ ટાઇટલ મને ગમ્યું. ટાઇટલના કારણે જ મને આ નાટક જોવાનું મન થયું અને નાટક પણ મને બહુ ગમ્યું. નાટકના વિષયને એકદમ અપ્રોપ્રિએટ ટાઇટલ છે. અરે, હવે તો મોટા ભાગનાં નાટકોનાં ટાઇટલ રાખી દીધાં પછી એને જસ્ટિફાય કરવા માટે છેલ્લા સીનમાં કે પછી વચ્ચે-વચ્ચે એ ટાઇટલ બેચાર વખત બોલાવી લેવામાં આવે એટલે વાત પૂરી, જવાબદારી પૂરી.

આ બધું કહ્યા પછી મારે બીજી પણ એક વાત કહેવી છે.

નાટકનાં ટાઇટલ હોય કે વિષય હોય, એ સમય મુજબનાં જ રહેવાનાં. હિન્દી ફિલ્મોમાં પણ એવું જ થયું છેને? તમે જુઓ, પહેલાંનાં ગીતો અને આજનાં ‌ગીતો, હાથીઘોડાનો ફરક છે. આજનું ગીત આપણાથી સહન પણ નથી થતું અને એ ગીતો સુપરહિટ થાય છે. એનો અર્થ એવો નહીં કરવાનો કે પહેલાંનાં ગીતો જેવાં ગીતોની કે વિષયની ડિમાન્ડ નથી, પણ લોકોને વધારે મહેનત નથી કરવી. હવે પ્રોજેક્ટ બને છે અને પ્રોડક્ટ વેચવામાં આવે છે, પણ પહેલાં એવું નહોતું. પહેલાં લોકોને એવું સર્જન કરવું હતું જે તેમને સંતોષ આપે. હવે લોકોને એવું સર્જન કરવું છે જે
તેમને સંપત્તિ આપે એટલે આખી વાત સમય-સમયની છે અને માન તો સાહેબ, સમયને જ આપવું પડે.

columnists sarita joshi Gujarati Natak Sanjay Goradia life and style Gujarati Drama gujaratis of mumbai