આ સ્વચ્છતા, આ સફાઈ અને આ ચોખ્ખાઈ

29 March, 2022 02:46 PM IST  |  Mumbai | Sarita Joshi

એ બધા માટે મારે જો આભાર માનવાનો હોય તો હું શાલિનીદીદીનો માનું. દિલ્હીમાં તેણે આપેલી ટ્રેઇનિંગનું એ પરિણામ છે અને એ ટ્રેઇનિંગનો લાભ છેક હમણાં સુધી, કોરોનાકાળના લૉકડાઉનમાં પણ મને પુષ્કળ થયો છે

સોળ વર્ષની સરિતા કેવી લાગતી હતી એ જોવું હોય તો જોઈ લો. આ જે કપડાં છે એ કપડાંની સરસમજાની સ્ટોરી છે, જે હવે પછી તમને કહીશ.

જો સાધનસંપન્ન પરિવારના હો તો ઘરે ડિલિવરી કરવા આવેલાને ગ્લુકોઝ નાખેલું પાણી કે પછી લીંબુપાણી પિવડાવજો. સાહેબ, એ જે દુઆ મળશે એ તમને ક્યાંયના ક્યાંય પહોંચાડી દેશે. મહાદેવને કરાયેલો અભિષેક અને આંગણે આવેલા અજાણ્યાની તરસની તૃપ્તિ વચ્ચે કોઈ ફરક નથી, જરાય ફરક નથી.

કેમ છો?
આપણી વાત શરૂ કરતાં પહેલાં મારે તમને એક વાત કહેવી છે. ઉનાળો કાળઝાળ છે અને તાપ અનહદ છે. આ ઉકળાટ હું, તમે, આપણે કોઈ સહન નથી કરી શકતાં, પણ આપણી પાસે તો ઘર છે, એસી છે, ગાડી છે અને બીજી સુવિધા પણ છે. એ તમામ સુવિધા સામે જોઈને જરા આ પક્ષીઓનું વિચારજો. આપણે તો તેમનાં ઝાડ પણ રહેવા નથી દીધાં. એ બિચારાં ક્યાં જાય. બીજું કશું તમારાથી થઈ ન શકે તો કાંઈ નહીં, પણ જ્યાં જગ્યા મળે ત્યાં ખુલ્લામાં એક પવાલું પાણીનું મૂકજો જેથી એ બિચારાંઓને પાણી નસીબ થાય અને એમની તરસ છિપાય. 
એ સિવાયનું પણ એક નાનકડું કામ કરવાનું છે. ઘરે જેકોઈ આવે તેમને પાણીનું પૂછજો. મહેમાન આવે કે આપણું સગુંવહાલું આવે તેને તો આપણે પૂછતા જ હોઈએ છીએ, પણ હું તેમને પૂછવાનું કહું છું જે મહેમાન નથી, પણ પોતાની ફરજ બજાવવા આવે છે. સફાઈ કરનારું હોય કે પછી ઑનલાઇન તમે જેકંઈ મગાવતા હો એનો ઑર્ડર ડિલિવર કરનારો કોઈ ભાઈ હોય. તેઓ બિચારા તો સતત રસ્તા પર ભાગતા-ફરતા હોય છે અને પોતાની સમયમર્યાદામાં ડિલિવરી કરવાની જહેમતમાં લાગ્યા હોય છે. તેઓ જ્યારે તમારા ઘરના આંગણે આવે ત્યારે તેમને અચૂક પાણીનું પૂછજો. હું તો કહીશ કે જો સાધનસંપન્ન પરિવારના હો તો તેમને ગ્લુકોઝ નાખેલું પાણી કે પછી લીંબુપાણી પિવડાવજો. સાહેબ, એ જે દુઆ મળશે એ તમને ક્યાંયના ક્યાંય પહોંચાડી દેશે. મહાદેવને કરાયેલો અભિષેક અને આંગણે આવેલા અજાણ્યાની તરસની તૃપ્તિ વચ્ચે કોઈ ફરક નથી, જરા પણ ફરક નથી.
હવે આપણે આપણા વિષય પર આવીએ, મારી નૉસ્ટાલ્જિક વાતો પર. ‘એક માત્ર સરિતા’ની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કહ્યું હતું કે અંગ્રેજીમાં જો મારો કોઈ ફેવરિટ શબ્દ હોય તો એ છે નૉસ્ટાલ્જિયા. સંસ્મરણ. બહુ સરસ શબ્દ છે. તમારી આંખ સામે તમારું જ જીવન ફિલ્મની માફક પસાર થતું જાય અને તમે એક પછી એક સીન, એક પછી એક દૃશ્ય જોતા આગળ વધતા જાઓ. એ સમયે તમને રડાવ્યા હોય એ દૃશ્ય આજે તમારા ચહેરા પર સ્મિત લાવી દે અને એ સમયે તમને ખૂબ હસાવ્યા હોય એ દૃશ્ય આજે તમારી આંખોમાં આંસુ લાવી દે. હા, નૉસ્ટાલ્જિયાનું એવું જ છે. જુઓને મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. પ્રવીણની જે વાતોએ મને અઢળક હસાવી હતી એ વાતો અત્યારે યાદ આવે છે તો એ મીઠી વહેણ બદલીને આંખો વાટે વહેવા માંડે છે અને એક નાનકડી ચૉકલેટ માટે કેતકીને ખીજવાઈ એ યાદ આવે ત્યારે ચહેરા પર સ્મિત પ્રસરી જાય છે.
નૉસ્ટાલ્જિયા સાહેબ, નૉસ્ટાલ્જિયા.
હસતાં-હસતાં રડી પડે, ભૈ માણસ છે,
રડતાં રડતાં હસી પડે, ભૈ માણસ છે.
lll
દિલ્હીથી ટ્રેનમાં બેસીને મેં આઈ સાથે ગુજરાતની સફર શરૂ કરી એ સફરમાં દેખીતી રીતે ઇન્દુ હતી, પણ હકીકતમાં એ સફર સરિતા બનવાની દિશામાં આગેકૂચ હતી. ગયા મંગળવારે તમને કહ્યું એમ, બધું સાવ જ અનાયાસ બન્યું હતું અને એ અનાયાસને અત્યારે હું જોઉં છું ત્યારે મને સમજાય છે કે એવું જરાય નહોતું કે શાલિનીદીદીને મારાથી કોઈ પ્રૉબ્લેમ હતો. ના, જરાય નહીં. મારી મોટી બહેન મને બહુ પ્રેમ કરતી હતી. ખવડાવતી-પિવડાવતી, બહુ સારી રીતે રાખતી. સારામાં સારાં કપડાં આપતી અને મારે જેકંઈ કરવું હોય એ કરવાની છૂટ પણ હતી. હા, પણ એ ઘરનાં કામ પછી. ઘરકામની બાબતમાં મને બે વાત બરાબર સમજાય છે; એક, શાલિનીદીદીને પોતાને પણ થોડી આળસ હતી એટલે કદાચ ઘરનાં કામ હું કરી લઉં એવું તે ઇચ્છતી હતી તો સાથોસાથ તેના મનમાં એવું પણ ખરું કે મારી બહેન છે, તેને શીખવવાની જવાબદારી મોટી બહેન તરીકે મારી પણ કહેવાય.
આજે તમને હું કહું કે શાલિનીને આઈ પણ ક્યારેય બહુ કામ આપતી નહીં, કારણ કે શાલિની કામમાં થોડી દિલ-દગડાઈ કરી લેતી. એ લાડકી હતી અમારી ફૅમિલીમાં એટલે કોઈ તેને બહુ કહેતું પણ નહીં. આજે મને સફાઈ બરાબર જોઈએ, સ્વચ્છતા એકદમ પર્ફેક્ટ જોઈએ. મને ઘણી વાર તો મારી દીકરીઓ કહે પણ ખરી કે મમ્મી તું આપણા સફાઈવાળાઓને આટલું કહ્યા નહીં કર, પણ તેને કેમ કહું સાહેબ કે આ બધું તો હું મારી શાલિનીદીદી પાસેથી શીખીને આવી છું.
આજે મારા ઘરની એકેએક ચીજવસ્તુ એટલી ચોખ્ખી હોય છે કે એ જોઈને ભલભલાને આશ્ચર્ય થાય અને એ જ અચરજ થાય છે કે એ શાલિનીદીદીની ટ્રેઇનિંગનું રિઝલ્ટ છે. થૅન્ક યુ શાલિનીદીદી, તારે લીધે આજે મારા ઘરમાં સ્વચ્છતા, સફાઈ અને ચોખ્ખાઈ પહેલા સ્થાને છે. જો કોઈ ન હોય તો હું પોતે-જાતે એકેક ચીજવસ્તુ સાફ કરું, વાસણની સફાઈ કરું, એને લૂંછવાનાં, એને ફરી ગોઠવવાનાં, એટલું જ નહીં, ફર્નિચરને પણ દિવસમાં એક વાર કપડું મારવાનું એટલે મારવાનું જ અને કહ્યું એમ, એ સમયે ઘરમાં કોઈ ન હોય તો હું જાતે કરી લઉં.
કોરોનાકાળમાં જ્યારે સૌકોઈ ઘરમાં કેદ હતા એવા સમયે શાલિનીદીદીએ આપેલી એકેક શીખ મને કામ લાગી હતી. એ સમયે તેણે મારું જે ઘડતર કર્યું હતું એ ઘડતરના આધારે જ હું મારા ઘરમાં સાવ એકલી રહી શકી અને એ પણ બેસ્ટ રીતે. ફરી એક વાર હું શાલિનીદીદીને આદરથી પ્રણામ કરું છું. તેઓ મારાં મોટાં બહેન હતાં, ખૂબ સુંદર હતાં અને મારા ફાધરનાં બહુ લાડકાં હતાં. જીવનમાં જેકંઈ બને એને માણસે તેના ભાગ્ય અને કર્મો સાથે સ્વીકારી લેવું જોઈએ. આ સ્વીકારમાં જ સૌકોઈની ભલાઈ છે. સ્વીકારનો સૌથી સારો ગુણ જો કોઈ હોય તો એ છે સહનશીલતા. સ્વીકારની ક્ષમતા જ માણસને સહનશીલ બનાવતો હોય છે, સહનશક્તિ આપતો હોય છે. સહન કરવું એ પણ એક પ્રકારની શક્તિ જ છે એ ભૂલતા નહીં.
શાલિનીદીદીને લીધે જ આજે મને એક પણ કામનો કંટાળો આવતો નથી. પછી એ મારા વ્યવસાયને લગતું કામ હોય કે પછી ઘરનું કામ હોય કે મારા પર આવેલી કોઈ જવાબદારી હોય. હું હંમેશાં એનો સ્વીકાર કરું અને કહ્યું એમ, સ્વીકારમાં જ સહનશીલતા છે, સ્વીકાર જ સહનશક્તિ આપે છે.
lll
દિલ્હીથી હું વડોદરા પહોંચી. વડોદરા ગયા પછી મને સૌથી પહેલી ઇચ્છા પદ્‍માના દીકરાને જોવાની હતી. આમ તો એ ઇચ્છા દિલ્હીથી જ થતી હતી અને એનું કારણ પણ હતું. હું અને પદ્‍મા બન્ને એક સિક્કાની બે બાજુ જેવાં હતાં. સાથે જ કામે લાગ્યાં અને કામ દરમ્યાન સાથે જ રહેતાં એટલે સ્વાભાવિક રીતે બીજી બધી બહેનો કરતાં મને પદ્‍મામાં મારી બહેનપણી વધારે દેખાતી. આજે હું તમને સાચું કહું, પદ્‍મા સાથેનો મારો સંબંધ જરા સગવડિયો હતો. 
જ્યારે મારે તેને બહેનપણી બનાવી દેવી હોય ત્યારે હું તેને બહેનપણી બનાવી દઉં અને જ્યારે મારે તેને મારી મોટી બહેન બનાવવી હોય ત્યારે હું નાની થઈ જાઉં. બન્ને વાતમાં લાભ તો મારો જ હતો, ફાયદો તો મારો જ થતો અને પદ્‍માને એની ખબર પણ હતી, પણ પદ્‍મા મોટું મન રાખીને પ્રેમથી એવું ચલાવી પણ લે.
વડોદરા ગયા પછી હું પદ્‍માને ત્યાં ગઈ. તેનો દીકરો મેં જોયો. બહુ સરસ અને દેખાવડો દીકરો હતો. નામ એનું હૌશાંગ. મૂળ નામ પર્શિયન પણ ઈરાનીઓમાં આ નામ બહુ પૉપ્યુલર થયું છે. હૌશાંગનો અર્થ થાય જાગ્રત. બીજો પણ એક અર્થ છે આ નામનો, સારી પસંદગીનું પરિણામ.
હૌશાંગ નામદાર ઈરાની. હૌશાંગને જોવા ગઈ ત્યારે એક ઘટના એવી ઘટી જેણે મારી લાઇફનો હેતુ વધારે સ્પષ્ટ કરી નાખ્યો. એ ઘટના વિશે વાત કરીશું આપણે આવતા મંગળવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi