03 December, 2023 12:25 PM IST | Mumbai | Chandrakant Sompura
સરદાર વલ્લભભાઈ પટેલ
આપણી ચર્ચા ચાલી રહી છે સોમનાથ મંદિરની અને એ પછી આપણે વાત શરૂ કરવાના છીએ અયોધ્યાના રામમંદિરની. રામમંદિરનું કામ ખાસ્સુંએવું આગળ વધી ગયું છે એવા સમયે એની ઘણી વાતો એવી શૅર કરવાની રહેશે જે વાચકો માટે બહુ મહત્ત્વની બનવાની છે, પણ એ વાતો શૅર કરતાં પહેલાં આપણે વાત કરી લઈએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના કાર્યની.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના કાર્યમાં જે એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તે એ કે મૂળ જે મંદિર હતું એ મંદિરના રહેલા અવશેષોને ડિસ્ટર્બ કર્યા વિના નવા મંદિરનું પ્લાનિંગ કરવાનું હતું. આ કામ બહુ સુખરૂપ રીતે થયું. આમ તો તમે જૂના ફોટોગ્રાફ્સ જોશો તો તમને સમજાશે કે એ મંદિરમાં ખાસ કંઈ બચ્યું નહોતું, ઇમલો જ વધ્યો હતો; પણ એ ઇમલાની સાથે પણ લોકોની આસ્થા જોડાયેલી હતી એટલે એને દૂર કરીને સંપૂર્ણ ગ્રાઉન્ડ બનાવવાને બદલે એ જે ભાગ હતો એના પર જ નવું મંદિર ઊભું થાય એ માટે કાર્ય થયું અને એ કાર્ય પણ બહુ ખૂબીપૂર્વક થયું.
સરદાર વલ્લભભાઈ પટેલે પણ એની સરાહના કરી હતી તો કનૈયાલાલ મુનશીએ પણ પોતાના એક પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. કનૈયાલાલ મુનશી જે સ્તર પર સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા હતા એ અકલ્પનીય હતી. જો આપણે હિસાબ કરવા બેસીએ તો મુનશીજી તેમના જીવનકાળ દરમ્યાન હજારો વખત સોમનાથ મંદિરે આવ્યા હશે. જામ દિગ્વિજયસિંહ સાથે સતત કો-ઑર્ડિનેશનમાં રહેનારા સરદાર અને મુનશીના સપનાના સોમનાથ મહાદેવ મંદિરને તૈયાર કરવામાં જે કોઈ સમયગાળો રહ્યો એ સમય દરમ્યાન આ ત્રણ મહાનુભાવમાંથી એક પણ મહાનુભાવ એવા નહોતા જે સોમનાથથી દૂર રહ્યા હોય. આજે જે રીતે અયોધ્યાના રામમંદિરની રજેરજ માહિતી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે છે એ જ પ્રકારે એ સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની દરેક વાત, નાનામાં નાની માહિતી તેમના સુધી પહોંચતી અને એ દિશામાં તેમનું કામ પણ એ જ સ્તર પર ચાલતું.
આઝાદીના આ સમયગાળા દરમ્યાન અનેક અન્ય પ્રશ્નો પણ હતા. દેશ નવો-નવો આઝાદ થયો હતો એટલે ઍડ્મિનિસ્ટ્રેશન લેવલ પર પણ પુષ્કળ કામ ચાલતું હતું તો દેશના થયેલા ભાગલાને કારણે વિસ્થાપિતોનો પ્રશ્ન પણ બહુ મોટો હતો. સ્વાભાવિક રીતે એ અવસ્થામાં કામમાંથી સમય કાઢવાનું કામ સહેજ પણ નાનું નહોતું. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાસે દિવસમાં ચોવીસ જ કલાકનો સમય હોય છે! અને એમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે પૂરતો સમય આપતા. અનેક વખત એવું બન્યું છે કે માત્ર દિવસે જ નહીં, રાતના પણ મોડે સુધી ગૃહપ્રધાન કાર્યાલય કામના કારણે ચાલુ રહ્યું હોય અને એ પછી મોડી રાતે ઘરે આવીને સરદારે સોમનાથ મંદિર માટે બેઠક કરી હોય તો અનેક વખત એવું પણ બન્યું છે કે આખોઆખો દિવસ તેમણે માત્ર ને માત્ર સોમનાથ મંદિરના કાર્યને આપ્યો હોય.
સરદાર વલ્લભભાઈની હયાતી હોત તો હજી પણ મંદિરની સિકલ જુદી હોત એવું કહેવામાં જરા પણ ખોટું નહીં કહેવાય, પણ સરદારના અવસાન પછી એક તબક્કે એવું પણ લાગવામાં આવતું કે મંદિરના કામને નાનું કરીને એને આટોપી લેવામાં આવી શકે છે. જોકે એવું ન થાય એની તકેદારી બે વ્યક્તિએ રાખી હતી. એક હતા કનૈયાલાલ મુનશી અને બીજા હતા જામ દિગ્વિજયસિંહ જાડેજા. સરદારની ગેરહયાતીમાં પણ જવાહરલાલ નેહરુએ મંદિરના કામની બાબતમાં પોતાની જાતને અળગી રાખી હતી. તેમની ઇચ્છા હતી કે આઝાદ ભારતના મંત્રાલય સાથે જોડાયેલો પ્રધાન કે પદાધિકારી પણ તેમના જેવું જ વલણ રાખે. અરે, તે તો ઇચ્છતા હતા કે કૉન્ગ્રેસ સાથે જોડાયેલી દરેક વ્યક્તિએ એવું જ કરવું જોઈએ અને ધર્મનિરપેક્ષતા પુરવાર કરવા માટે મંદિરના પુનઃનિર્માણના કાર્યથી જાતને દૂર રાખે. જોકે કનૈયાલાલ મુનશી અને રાજેન્દ્ર પ્રસાદે એવું કર્યું નહીં. અગાઉ કહ્યું હતું એમ ‘ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્ડ આફ્ટર’માં દુર્ગાદાસ લખે છે કે રાજેન્દ્ર પ્રસાદે લેખિતમાં આપી દીધું હતું કે હું મારા ધર્મમાં શ્રદ્ધા ધરાવું છું, વિશ્વાસ ધરાવું છું; હું મારી જાતને એનાથી દૂર રાખી ન શકું. પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે ‘પુનઃનિર્માણની તાકાત તબાહીની તાકાત કરતાં અનેકગણી ચડિયાતી હોય છે જે આજે ફરી વાર પુરવાર થયું. આજે આઠ વર્ષ પછી મને ફરી અહીં આવવા મળ્યું છે ત્યારે કહીશ કે આ કીર્તિ અને શ્રદ્ધા અનંતકાળ સુધી અકબંધ રહે.’ વાત ખોટી પણ નથી અને જુઓ એવું જ બન્યું પણ છે. સોમનાથ મંદિરની કીર્તિ અને શ્રદ્ધા આજે પણ અકબંધ છે અને એ અનંતકાળ સુધી અકબંધ રહેવાની છે.