21 May, 2019 10:03 AM IST | | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું
વો ભી ક્યા દિન થે: એ સમયની જાહેરખબરનો એક નમૂનો. કમ્પ્યુટરાઈઝેશન નહીં હોવાના કારણે બ્લૉક બેઝ્ડ જાહેરખબર ઘણું ટેક્નિકલ નૉલેજ માગી લેતી હતી.
‘સંજય આપણે બન્ને પાર્ટનરશિપમાં ઍડ એજન્સી શરૂ કરીએ.’
લતેશ શાહે ‘ચિત્કાર’ના રિહર્સલ્સ દરમ્યાન આવું કહ્યું અને હું તો હેબતાઈ ગયો. મને થયું કે આ શું વળી, બનાવવું છે નાટક તો પછી હવે આ જાહેરખબરની એજન્સી શું કામ ચાલુ કરવાની?
મિત્રો, ગયા વીકમાં મેં તમને કહ્યું એમ, એ સમયે મનહર ગઢિયા અને વૃજલાલ વસાણી (તેમની કંપનીનું નામ હતું પારસ પબ્લિસિટી) આ બે જણ નાટકોની જાહેરખબરો વધારે કરતા હતા. આઇએનટીનાં નાટકોની જાહેરખબરના લેઆઉટ અને એનું મેટર પ્રવીણ જોશી જાતે જ તૈયાર કરતા તો નિરંજન મહેતા મુખ્યત્વે કાન્તિ મડિયાનાં નાટકોની જાહેરખબરનું કામ સંભાળતા. આ ઉપરાંત જગદીશ શાહ પણ એમનાં નાટકોની જાહેરખબર પોતે જ કરતા. આ જાહેરખબરનું કામ કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. એમાં ટેક્નિકલ સૂઝ બહુ જોઈએ. એ વખતે અત્યારની જેમ કમ્પ્યુટરાઇઝેશન હતું નહીં. તમારે નાટકની જાહેરખબરનો બ્લૉક આપવાનો હોય, એ પછી પેન્સિલથી ડિઝાઇન બનાવવી પડે અને એમાં જે લખવાનું હોય એનો જગ્યા મુજબનો હિસાબ કરતાં જવાનું હોય. તમને થોડું સમજાવું.
એ સમયે છાપાની કૉલમ સાડાચાર સેન્ટિમીટરની હતી. હવે આપણે ડિઝાઇનની બાબતમાં ઇન્ટરનૅશનલ થયા છીએ એટલે આપણા પેપરની કૉલમની સાઇઝ પણ હવે નાની થઈ છે, પણ પહેલાં એ મોટી હતી. હવે ધારો કે તમારે બે કૉલમની જાહેરખબર આપવાની હોય તો સાડાચાર ગુણ્યા બે એટલે કે નવ સેન્ટિમીટરની જગ્યા ગણીને તમારે તમારી મેટરનો બધો તાળો એમાં બેસાડવાનો. આટલી જગ્યામાં ચોવીસ પૉઇન્ટના કેટલા અક્ષરો આવી શકે એનું જ્ઞાન તમને હોવું જોઈએ. સૌથી નાના અક્ષરો પાયકા કહેવાતા એટલે એ પાયકાની સાઇઝના કેટલા શબ્દો આવી શકે એ પણ તમને સમજાતું હોવું જોઈએ. બારના, ચૌદના, સોળના અને અઢાર પૉઇન્ટ સાઇઝના કેટલા શબ્દો આવી શકે એની જાણકારી પણ તમને હોવી જોઈએ. આ તો થયું ટેક્નિકલ જ્ઞાન, પણ આ ઉપરાંત તમને એ વાતની સૂઝ પણ પડવી જોઈએ કે નાટકને વર્ણવતું કયું કૅપ્શન કઈ પૉઇન્ટ સાઇઝમાં મૂકવાથી તમારી જાહેરખબર વધારે દીપી ઊઠશે અને દર્શક એનાથી આકર્ષાશે. આ ક્રિયેટિવ કામ છે. ટેક્નિકલ કામ બધા શીખી શકે, પણ ક્રિયેટિવ કામ બધાને શીખવી ન શકાય.
જાહેરખબર બનાવતાં આ બધા લોકો દિગ્ગજ હતા, પણ એ બધા દિગ્ગજોમાં નાટકની જાહેરખબરના લેઆઉટ બનાવવાની બાબતમાં નિરંજન મહેતા મારા ઑલટાઇમ ફેવરિટ રહ્યા છે. તેમના જેવી જાહેરખબરની સેન્સ મેં બીજા કોઈનામાં જોઈ નથી. હવે તો ઉંમરના કારણે તેમણે કામ ઘણું ઓછું કરી નાખ્યું છે, પણ તેમના જેવી સારી જાહેરખબરો આજ સુધી કોઈ બનાવી શક્યું નથી એ હકીકત છે. અફ કોર્સ, મનહર ગઢિયાએ ખૂબ જ ચમકારા કર્યા છે. ઘણી વાર એવું પણ બન્યું છે કે પ્રોડ્યુસર વૃજલાલ વસાણીના અકાઉન્ટમાં જાહેરખબર બુક કરાવે, પણ એનો લેઆઉટ મનહર ગઢિયાને ત્યાં તૈયાર થાય. એ સમયે મનહરભાઈ એક છાપામાં નોકરી કરતા. એ નોકરી દરમ્યાન તેમના હાથમાં પ્રવીણ જોશી અને નિરંજન મહેતા દ્વારા તૈયાર થયેલી નાટકોની જાહેરખબરો આવે એટલે તે એ સ્ટડી કરે અને આમ તેઓ જાહેરખબર બનાવતાં શીખ્યા. એક પૉઇન્ટ પછી મનહરભાઈએ નોકરી છોડી દીધી અને પછી પોતાની સ્વતંત્ર એજન્સી શરૂ કરી. મનહરભાઈએ ઘણું ક્રિયેટિવ કામ કર્યું જે આપણે નોંધવું જ પડે.
આજે સાંપ્રત ગુજરાતી રંગભૂમિ ઉપર દીપક સૌમૈયાનું નામ પણ ખૂબ જ મોટું છે. આ દીપક સોમૈયા એ સમયે મનહર ગઢિયાને ત્યાં નોકરી કરતો. બન્ને એકબીજાનાં દૂરનાં સગાં પણ ખરાં. મારે દીપક સાથે ત્યારની દોસ્તી છે. મનહર સાથે પણ દોસ્તી ખરી, પણ હા, એટલું સાચું કે દીપક સાથે મારે વધારે બનતું. એ દીપક સૌમૈયા જે મનહરને ત્યાં નોકરી કરતો એ આજે ટોચનો પબ્લિસિસ્ટ બની ગયો છે. તમે જો નાટકોની જાહેરખબર જોશો તો એ જાહેરખબરોમાંથી મોટા ભાગની જાહેરખબરમાં તમને દીપક સોમૈયાનું નામ વંચાશે. કહેવાનો મતલબ એ જ કે માત્ર સંજય ગોરડિયા જ નહીં, પણ દર બીજા માણસની આવી સક્સેસ સ્ટોરી હોય છે અને માટે જ મને આ બધી વાર્તાઓમાં વધુ રસ પડે છે. નવલકથાઓ મેં ખૂબ ઓછી વાંચી છે, હ્યુમન સ્ટોરી વાંચવી મને વધારે ગમે. આત્મકથાઓ કે સત્યઘટનાઓ પર આધારિત નૉવેલ પણ આ જ કારણે મને વાંચવી વધુ ગમે. જીવનમાં ઘણા માણસોએ આ જ રીતે એમનું ફૉર્ચ્યુન બનાવ્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે. મનહર ગઢિયા, દીપક સોમૈયા મારી જેમ મિડલ ક્લાસમાંથી ઉપર આવેલા છે. આ બન્ને સાથેનું મારું બીજું પણ એક કનેક્શન છે. અમે ત્રણેય સી-વૉર્ડના એટલે કે ખેતવાડી, કુંભારટુકડા, પારસીવાડામાં રહેતા અને ત્યાંથી ધીરે-ધીરે મહેનત કરતાં આગળ આવ્યા.
ફૂડ ટિપ્સ
મિત્રો, નેશવિલનો શો પતાવીને અમારે ડ્રાઇવ કરીને કૅલિફોર્નિયા જવાનું હતું, જ્યાં અમારા પાંચ શો હતા. કૅલિફોર્નિયામાં ઉકાયા નામનું એક નાનકડું ગામ છે, જ્યાં પહેલી વાર નાટકનો શો થતો હતો. આ ઉકાયાની બાજુમાં નાપાવેલી નામની જગ્યા છે. નાપાવેલીમાં દ્રાક્ષ પુષ્કળ થાય છે, આ દ્રાક્ષમાંથી વર્લ્ડ ફેમસ કૅલિફોર્નિયન-વાઇન બનાવવામાં આવે છે. ઉકાયાનો શો પૂરો કરીને રાત્રે અમે જમતા હતા ત્યારે એક ભાઈએ મને બુડીન બેકરી વિશે કહ્યું કે સાન ફ્રાન્સિસ્કો જાવ તો આ બેકરીની મુલાકાત અચૂક લેજો. આપણે તો નક્કી કર્યું કે મારા માટે નહીં તો તમારા માટે પણ આ બુડીન બેકરી જવું તો પડે જ. ઉકાયાથી નીકળીને મેડફર્ડ, ત્યાંથી સેક્રેમેન્ટો અને ત્યાંથી લૉસ ઍન્જલસ ગયા અને પછી અમે સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. અહીંયાં હું અમારાં પ્રમોટર જાગૃતિબહેન સાથે નીકળ્યો પેલી બુડીન બેકરીની મુલાકાતે.
બુડીન બેકરીની સ્થાપના 1849માં ફ્રાન્સના બરગંડી નામના એક નાનકડા ગામમાં થઈ હતી. મિત્રો, મારા યુરોપપ્રવાસ વખતે આ બરગંડી હું ગયો છું, ત્યાં ગયા પછી મને ખબર પડી કે આપણે ત્યાં સાડીઓ પસંદ કરતી વખતે કે કપડાં પસંદ કરતી વખતે જે બરગંડી કલર બોલીએ છીએ એ પર્પલ અને બ્લુની વચ્ચેનો કલર છે અને એ કલરને આવું નામ કેવી રીતે મળ્યું એ જણાવું. હકીકતમાં આ બરગંડી ગામમાં ઊગતી દ્રાક્ષ અને દ્રાક્ષમાંથી બનતો વાઇન, અસલ પેલા બરગંડી કલર જેવો છે. રંગશાસ્ત્રમાં આવા રંગનું કોઈ નામ હતું નહીં એટલે આ રંગને જન્મ આપનારા ગામનું નામ જ આપી દેવામાં આવ્યું, બરગંડી. આજે આપણે જે વાત કરીએ છીએ એ બુડીન બેકરીનો સ્પેલિંગ જુદો છે, પણ આખા જગતમાં ફ્રેન્ચ લોકો વિચિત્ર છે. આ ફ્રેન્ચ લોકો લખે કંઈક અને બોલે કંઈક.
આ બુડીન બેકરીની વિશેષતા એ કે એ બેકરીના પાંઉમાં થોડી ખટાશ હોય છે, આ પાંઉ લુખ્ખો ખાવ તો પણ એ સ્વાદિષ્ટ લાગે. બન્યું એવું કે 1948માં જ્યારે સાન ફ્રાન્સિસ્કોમાં ખોદકામ કરવાથી સોનું મળ્યું એટલે દુનિયાભરમાંથી લોકોએ કૅલિફોર્નિયા જવા માટે દોટ મૂકી. આ જ ઘટના પરથી ચાર્લી ચૅપ્લિને ‘ગોલ્ડ રશ’ નામની ફિલ્મ પણ બનાવી છે. કૅલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં થોડા જ સમયમાં ત્રણેક લાખ લોકો આવી ચડ્યા અને બધાએ પોતપોતાની રીતે ખોદકામ શરૂ કરી દીધું. તકલીફ એ થઈ કે બહારથી આવેલા આટલી મોટી સંખ્યાના લોકો માટે રાજ્યમાં અનાજ તો પાકતું નહોતું એટલે આ લોકોને જમાડવા કઈ રીતે?
આ પણ વાંચો : કૉલમ : ચિત્કાર કે પછી મિત્કાર?
બોલાવવામાં આવી બુડીન બેકરીને, આ બેકરીએ ખાણમાં કામ કરતાં મજૂરો માટે ખાટો બ્રેડ બનાવવાનું ચાલુ કર્યું, આ ખાટા બ્રેડને ‘સાર ડફ’ કહેવાય છે, જે એ લોકોને ખૂબ ભાવ્યો, ‘સાર ડફ’ના કારણે એ લોકોએ બમણા જોરથી કામ પણ કર્યું અને ખાણના માલિકોને ખૂબ સોનુ મળ્યું, આ બુડીન બેકરી સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થઈ અને હવે તો એની ઘણી બ્રાન્ચો પણ થઈ ગઈ છે. એક વખત જો સાન ફ્રાન્સિસ્કો આવવાનું થાય તો બુડીન બેકરીમાં જરૂર આવજો અને આ ક્લાસિક ‘સાર ડફ’માંથી બનાવેલો બ્રેડ અવશ્ય ટેસ્ટ કરજો. મારી ફેવરિટ ડિશ ફ્રેન્ચ ટોસ્ટ ‘સાર ડફ’ના પાંઉમાંથી બનાવેલો ફ્રેન્ચ ટોસ્ટ છે. આ બ્રેડને સિનામન-વેનિલા ક્રીમમાં ઝબોળે, પછી એને ટોસ્ટ કરે અને ઉપરથી બેરીઝ છાંટીને સર્વ કરે.