06 March, 2023 06:44 PM IST | Mumbai | Sanjay Goradia
કેદાર શિંદે બહુ સારો લેખક, પણ અમારી સિરિયલ તે માત્ર ડિરેક્ટ કરતો હતો.
કેદાર શિંદે બહુ સારો રાઇટર, તેના નાટક ‘સહી રે સહી’ના રાઇટ્સ લઈને અમે શર્મન જોષી સાથે ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ નાટક કર્યું, જે સુપરહિટ રહ્યું, તો કેદારના જ ‘શ્રીમંત દામોદર પંત’ પરથી અમે ‘આ નમો બહુ નડે છે’ નાટક કર્યું હતું.
હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટ.
આ અમારા પ્રોડક્શન-હાઉસનું નામ, જેમાં હું, કેદાર શિંદે અને વિનય પરબ અમે ત્રણ સરખા પાર્ટનર. કેદાર શિંદેની મરાઠી સિરિયલ પાસ થઈ હતી અને મને પણ સતત થયા કરતું હતું કે મારે કશું નવું કરવું જોઈએ અને વિનય પરબ મારી પાસે આ ઑફર લાવ્યો અને મેં એમાં ઝંપલાવી દીધું.
અમારી કંપની શરૂ થઈ અને એક-બે દિવસનું શૂટ પણ થયું અને એ પછી વિનય-કેદાર અને મારી એક મીટિંગ થઈ, જેમાં વિનયે પૂછ્યું કે સિરિયલમાં લૉસ થાય તો શું?
ત્યારે કેદારે કહ્યું કે સિરિયલ પ્રોડક્શનમાં નુકસાની શું કામ થાય? તેણે અમને કહ્યું કે ચૅનલ આપણને એપિસોડદીઠ બાંધેલા પૈસા આપશે, એ બાંધેલા પૈસામાં આપણે પ્રૉફિટ માર્જિન રાખીને બાકીની રકમમાંથી સિરિયલ બનાવવાની એટલે એમાં નુકસાનીની કોઈ વાત જ નથી આવતી. વિનયે પૂછ્યું કે એ પછી પણ ધારો કે લૉસ થયો તો?
ત્યારે મેં કહ્યું કે ધારો કે લૉસ થયો તો એ નુકસાનીના પૈસા હું ચૂકવીશ.
સાવ સાચું કહું મિત્રો, આ મારીજિંદગીનો સૌથી ખરાબમાં ખરાબ નિર્ણય હતો, જે મને આગળ જતાં ખૂબ મોટી ફાઇનૅન્શિયલ ક્રાઇસિસમાં મૂકી દેવાનો હતો. ઍનીવેઝ, એ સમય આવ્યે તમને પણ ખબર પડશે. અત્યારે આપણે વાત કરીએ અમારા નવા પ્રોજેક્ટની.
જે મરાઠી સિરિયલ હતી એનું ટાઇટલ હતું ‘મધુ ઇથે ચંદ્ર તિથે’. સુહાગરાત કે પછી મૅરેજ પછીની જે ફર્સ્ટ નાઇટ હોય એને ગુજરાતીમાં મધુરજની કહે છે એવી રીતે મરાઠીમાં ફર્સ્ટ નાઇટ માટે ‘મધુચંદ્ર’શબ્દ છે. હું એ સિરિયલના રાઇટરનું નામ અત્યારે તો ભૂલી ગયો છું, પણ એની કથાવસ્તુ મને હજી પણ યાદ છે. ‘મધુ ઇથે ચંદ્ર તિથે’ એટલે કે મધુ અહીં અને ચંદ્ર ત્યાં એવો ભાવ નીકળે. એ લેખકે સુહાગરાતના બહુ બધા ઇન્ટરેસ્ટિંગ કિસ્સા લખ્યા હતા, જેમાં અનેક કિસ્સા સત્યઘટના પર આધારિત હતા. અમુક કિસ્સા તો ખરા અર્થમાં અસામાન્ય કે અકલ્પનાતીત કહેવાય એવા હતા. મધુરજની જેલમાં વીતી હોય કે પછી મધુરજનીની એટલે કે પહેલી રાતે જ હસબન્ડ-વાઇફ બન્ને અલગ થઈ ગયાં હોય કે પહેલી રાતે જ કોઈકની તબિયત બગડી હોય અને એને લીધે એવી દોડધામ થઈ હોય અને એને કારણે મધુરજની ઊજવી ન શક્યાં હોય. એ જે બુક કે રાઇટઅપ્સ હતા એના રાઇટ્સ લઈને ઝી મરાઠી પર કેદાર શિંદે આ સિરિયલ તૈયાર કરતો હતો. કન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. મર્યાદા માત્ર એટલી કે મરાઠી સિરિયલ હતી એટલે એમાં મરાઠી સ્ટારનું કાસ્ટિંગ કરવાનું અને ગેસ્ટ તરીકે સેલિબ્રિટી લાવવાની.
કેદાર શિંદે વિશે આપણે વાત થઈ નથી એટલે તેની પણ તમને ઓળખાણ આપી દઉં. આપણે ત્યાં જે ડાયરાના કલાકારો હોય છે એવા જે કલાકારો હોય એને મરાઠીમાં શાહીર કહે છે. મરાઠી લોકકલાકારોમાં બહુ મોટું નામ ધરાવતા શાહીર સાબળેનો દોહિત્ર એટલે કે દીકરીનો દીકરો એટલે કેદાર શિંદે. શાહીર સાબળે મરાઠીમાં લેજન્ડરી નામ કહેવાય. મરાઠીમાં એક ફેમસ ગીત છે, ‘જય જય મહારાષ્ટ્ર માઝા...’ એ પણ શાહીર સાબળેએ લખ્યું છે. હવે તો શાહીર સાબળેની લાઇફ પર ફિલ્મ બનાવવાની પણ વાત છે. કેદાર શિંદે તેમનો દોહિત્ર. કેદારે પોતે પણ ખૂબ મરાઠી નાટકો લખ્યાં છે. કેદાર શિંદેનું નાટક ‘સહી રે સહી’ના રાઇટ્સ લઈને અમે શર્મન જોષી સાથે ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ નાટક કર્યું હતું, તો કેદારના જ નાટક ‘શ્રીમંત દામોદર પંત’ પરથી અમે ‘આ નમો બહુ નડે છે’ નાટક કર્યું હતું, જેની વાત સમય જતાં આગળ આવશે. ટૂંકમાં કેદાર શિંદે રાઇટર તરીકે બહુ મોટું નામ, પણ આ સિરિયલનું લેખનકાર્ય કેદાર નહોતો કરતો, તે આ સિરિયલ માત્ર ડિરેક્ટ કરતો હતો.
ટીવી-સિરિયલના પ્રોડક્શનમાં મેં ધીમે-ધીમે રસ લેવાનું શરૂ કર્યું. એ સમયે મારી પાસે ઑફિસ નહોતી એટલે હું કમ્પ્યુટર પર ઘરે બેસીને જ અલગ-અલગ બજેટ બનાવતો અને કમ્પ્યુટર પર થતાં બીજાં કામ જોતો. એ વખતે કેદારની ઑફિસ બાંદરામાં મ્હાડાની ઑફિસની નજીકમાં જ હતી. પ્રોડક્શનનું બાકીનું કામ કેદારની ઑફિસે થતું. સિરિયલના નિર્માતા તરીકે મારું અને કેદારનું નામ આવતું હતું.
આ પણ વાંચો: સૉરી સર, આ મારો છેલ્લો શો...
શૂટિંગ શરૂ થયા પછી ધીમે-ધીમે હું પણ સેટ પર જવા માંડ્યો અને ત્યાં જઈને પ્રોડક્શનનાં બીજાં કામ સમજવા લાગ્યો, તો સાથોસાથ બજેટ વિશે પણ વધારે સ્ટડી કરવા માંડ્યો. સિરિયલ શરૂ થઈ એ પહેલાં કેદારે અમને એવું કહ્યું કે શરૂઆતમાં માત્ર અમુક રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આપણું કામ થઈ જશે, એ પછી તો ચૅનલનું પેમેન્ટ આવવા માંડશે અને આપણે આગળનું કામ એમાંથી કરતા જઈશું, પણ કામ શરૂ કર્યાના બીજા કે ત્રીજા જ દિવસે મને રિયલાઇઝ થઈ ગયું કે કેદાર કહે છે એટલા રૂપિયાથી કંઈ વળવાનું નથી. કારણ કે ચૅનલનું પેમેન્ટ સિરિયલ શરૂ થયાના સાઠ દિવસ પછી આવવાનું છે એટલે એ પેમેન્ટ આવે ત્યાં સુધી અમારે ગાંઠના પૈસાથી એપિસોડ બનાવતા જવાનું છે, જેને માટે કેદારે કહ્યું હતું એના કરતાં ત્રણ ગણા વધારે પૈસા જોઈશે.
બધા પ્રકારના હિસાબ અને તાળાં મેળવીને હું મારા પાર્ટનર વિનય પરબ પાસે ગયો અને તેને જઈને કહ્યું કે ખૂબ વધારે પૈસાની જરૂર પડશે એટલે તું એ તૈયાર રાખજે. અમારી પાસે એવું કર્યા સિવાય છૂટકો પણ નહોતો. મોઢા પર સાબુ લાગી ગયો હતો અને એક ગાલ પર અસ્ત્રો પણ ફરવાનો ચાલુ થઈ ગયો હતો. હવે પૂરી દાઢી મૂંડાવ્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
પ્રોડક્શનના કામમાં રસ લેતાં-લેતાં મને સમજાવા લાગ્યું કે પ્રોડક્શન સંભાળતા કેદાર શિંદેના જે માણસો છે એ બરાબર નથી. એ લોકો બેફામ ખર્ચ કરતા હતા, તો અમુક ખર્ચો માત્ર કાગળ પર એટલે કે ખોટો દેખાડતા હતા. થોડા જ સમયમાં હું એ તારણ પર આવી ગયો કે જો આમ જ ચાલતું રહ્યું તો કોઈ કાળે અમે સિરિયલમાંથી કમાઈ શકીશું નહીં, ઊલટું અમારે મોટી નુકસાની જોવી પડશે.
ધીમે-ધીમે મેં મારા હાથમાં સૂત્રો લેવાનું શરૂ કર્યું અને ઇનડિરેક્ટલી મારું ઇન્વૉલ્વમેન્ટ વધારવાનું શરૂ કરી દીધું. મારાથી તરત ડિરેક્ટલી ઇન્વૉલ્વ થઈ શકાય એમ નહોતું, જેની પાછળ બે કારણો હતાં; એક, કેદારની ઑલરેડી એક ટીમ હતી, જે આખું પ્રોડક્શન જોતી હતી. જો તે નારાજ થાય અને રાતોરાત બધું છોડી દે કે પછી હું તેમને રવાના કરી દઉં તો એનું રિપ્લેસમેન્ટ મારી પાસે નહોતું, અને અમુક કામ મને ખુદને પણ નહોતાં આવડતાં. અગાઉ મેં ટીવી-સિરિયલમાં ઘણાં પ્રોડક્શન કર્યાં હતાં તો ૧૯૮૨માં ફિલ્મ ‘બાઝાર’માં પણ હું પ્રોડક્શન અસિસ્ટન્ટ હતો, પણ એ વાતને ત્રણ દસકા વીતી ગયા હતા, એટલે અત્યારના સમય મુજબનું નૉલેજ મારી પાસે નહોતું અને એવા કોઈ સંપર્કો પણ રહ્યા નહોતા કે હું તરત જ જઈને હેલ્પ લઈ શકું.
મારી હાલત બરાબરની કફોડી થઈ હતી. વિનય પરબને હું પ્રૉમિસ કરીને બેઠો હતો કે જો નુકસાની આવી તો એ મારી એકલાની અને હું જ્યાંથી પ્રોજેક્ટ જોતો હતો એમાં મને નુકસાની સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. એ પછી શું થયું અને કેવી રીતે મેં આ તકલીફનો સામનો કર્યો એની ઇન્ટરેસ્ટિંગ વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે, પણ મિત્રો, આવતી કાલે ધુળેટી છે. મજા કરજો, પણ સંયમ છૂટે નહીં એનું ધ્યાન પણ રાખજો.
મળીએ ત્યારે આવતા સોમવારે...
જોક સમ્રાટ
જો તમારા બે મીઠા શબ્દોથી કોઈને શેર લોહી ચડતું હોય તો એ રક્તદાન સમાન છે.
(જેઓ રક્તદાન નથી કરી શકતા તેઓ આ વાતનું આશ્વાસન લઈ શકે છે)
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.