‘ચૂપ રહો ખુશ રહો’ નાટક ઍવરેજ રહેવાનું કારણ શું?

27 March, 2023 05:27 PM IST  |  Mumbai | Sanjay Goradia

જવાબ છે, હું. કારણ કે નાટક બનાવતી વખતે અમુક મુદ્દાઓ પર હું ફોકસ કરી શક્યો નહીં અને એને લીધે બન્યું એવું કે સરવાળે નાટક જેવું બનવું જોઈએ એવું બન્યું નહીં

‘ચૂપ રહો ખુશ રહો’ નાટક ઍવરેજ રહ્યું અને માત્ર ચાલીસ શોમાં એ બંધ થયું.

એ સમયે મને ડિરેક્શનનો મહાવરો નહોતો. ડિરેક્શનની જે વ્યાખ્યા છે એ મારા માટે બહુ જ બહોળી છે અને એવી જ હોવી જોઈએ. ડિરેક્ટર આખી શિપનો કૅપ્ટન છે, તેનું ધ્યાન દરેકેદરેક ડિપાર્ટમેન્ટ પર હોય અને તે એ બધા ડિપાર્ટમેન્ટને ગાઇડ કરે.

આપણે વાત કરતા હતા અમારા નવા નાટકની, જેની મારી પાસે માત્ર વનલાઇન હતી. એ વનલાઇન મેં સુરતમાં રહેતા જાણીતા કવિ, અનુવાદક, સંચાલક અને પ્રોફેશનલી ડૉક્ટર એવા રઈશ મનીઆરને વાત કરી. રઈશભાઈની હાસ્યકવિતાઓ અદ્ભુત હોય છે. અમારા નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’માં અમે રઈશભાઈની એક કવિતા વાપરી હતી એ સમયથી અમારા સંબંધો ઘનિષ્ઠ થતા ગયા. ઘણી વાર અમારી વચ્ચે વાત થઈ હતી કે આપણે સાથે નાટક કરીએ, પણ કમનસીબે એવો મોકો નહોતો આવતો, પણ આ વખતે મને થયું કે મોકો આવી ગયો છે.

મેં રઈશભાઈને વાર્તા કહી અને તેમણે તરત જ કહ્યું કે આપણે આ નાટક કરી શકીએ, સ્ટોરીમાં દમ છે અને આમ અમારા પ્રોડક્શન-હાઉસમાં વધુ એક નવા રાઇટરને અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા. રઈશ મનીઆર લેખક હતા જ. મને ખબર નથી, પણ બને કે કદાચ તેમણે સુરતમાં ચાલતી નાટ્યપ્રવૃત્તિમાં રસ લીધો હોય અને નાટક લખ્યાં હોય, પણ મુંબઈની રંગભૂમિ પર તેમને લાવવાનું કામ મારા દ્વારા થયું, જેની ખુશી મને આજે પણ છે. રઈશભાઈએ નાટકનું કામ શરૂ કર્યું અને અમે પહેલાં આખી વાર્તા સેટ કરી લીધી. એ પછી તેઓ સીન લખવા પર લાગ્યા અને હું કાસ્ટિંગ પર આવ્યો. આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું આ નાટકમાં લીડ રોલ નહીં કરું, પણ સેકન્ડ લીડ રોલ કરીશ.

હિન્દી નાટક ‘ચૂંગચિંગ’માં શફી ઇનામદાર લીડ રોલ કરતા હતા, એ રોલ માટે અમે કાસ્ટ કર્યા પ્રતાપ સચદેવને. પ્રતાપ સાથે અગાઉ મેં ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’, ‘બાને ઘેર બાબો આવ્યો’ જેવાં નાટકો કર્યાં હતાં એટલે અમારી બન્નેની ઑન-સ્ટેજ કેમિસ્ટ્રી મૅચ થતી હતી, ઑડિયન્સને પણ અમારા બન્નેમાં મજા આવતી. લીડ રોલમાં પ્રતાપ સચદેવ આવ્યા પછી સેકન્ડ લીડ રોલ જે અશોક ઠક્કર કરતા હતા એ રોલ મેં મારા માટે રાખ્યો. 

ત્યાર પછી અમે આવ્યા ફીમેલ કાસ્ટિંગ પર, જેને માટે મેં અલ્પના બુચનો કૉન્ટૅક્ટ કર્યો અને અલ્પનાને અમે પ્રતાપ સચદેવની વાઇફના રોલમાં લીધી. અલ્પનાનો પહેલી વાર ઉલ્લેખ આવે છે એટલે તમને સહેજ કહી દઉં કે અલ્પના બુચ હિન્દી સિરિયલોમાં ખાસ્સું કામ કરી ચૂકી છે. છેલ-પરેશવાળા છેલભાઈ વાયડાની દીકરી અલ્પના અત્યારે સ્ટાર પ્લસની ‘અનુપમા’ સિરિયલ કરે છે, જે આજે પણ રેકૉર્ડબ્રેક ટીઆરપી લઈ આવે છે.

પ્રતાપ સચદેવ અને અલ્પના બુચની પૅર બની ગઈ એ પછી મેં મારી વાઇફના રોલમાં દિશા સાવલાને લીધી. આ દિશા વિશે મેં તમને અગાઉ વાત કરી છે. દિશા મારા નાટક ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં હતી અને કૉમેડીમાં મારી સામે બરાબરની ટક્કર લીધી હતી. દિશા અત્યારે મારા મિત્ર અને સમાંતર રંગભૂમિને જીવંત રાખવાની ભેખ લઈને બેઠેલા મનોજ શાહના ‘મિસ્ટર ઍપલ’ નાટકમાં છે. એ પછીના કાસ્ટિંગમાં અમે વૈશાલી ત્રિવેદી, નયન શુક્લ, ફૅની ગડા અને દર્શક પટેલને લીધાં, પણ મારે એક કાસ્ટિંગની વાત તમને ખાસ કરવી છે.

બન્યું એવું કે આ નાટકનું કાસ્ટિંગ ચાલતું હતું એ દરમ્યાન અમારી સાથે કામ કરી ચૂકેલી દ્રુમા મહેતાએ મને ફોન કરીને કહ્યું કે તમને મળવા માટે એક છોકરીને મોકલું છું, જો તેને લાયક કામ હોય તો તેને કહેજો. ટેડી બેઅર જેવી એ છોકરી મને મળવા આવી, નામ એનું પ્રાર્થી ધોળકિયા. પ્રાર્થીની ઓળખાણ પહેલાં આપી દઉં.

પ્રાર્થી અત્યારે કલર્સ ગુજરાતી પર સિરિયલ લખે છે અને તેણે ઘણી ફિલ્મોના સ્ક્રીનપ્લે-ડાયલૉગ્સ લખ્યા છે. જો તમે મારી વેબ-સિરીઝ ‘ગોટીસોડા’ જોઈ હોય તો એમાં પ્રાર્થી મારી વાઇફનો રોલ કરે છે, જે ૨૪ કલાક મારા મગજની નસ ખેંચવાનું કામ કરે છે. આ પ્રાર્થી જ્યારે મને મળવા આવી ત્યારે મને ખબર નહોતી, મને છેક હમણાં ખબર પડી કે એ ત્યારે લેખક બનવા માટે આવી હતી, પણ તેને જોયા અને મળ્યા પછી મને લાગ્યું કે તે ઍક્ટ્રેસ બનવા માગે છે અને મેં તેને અમારા આ નવા નાટકમાં કાસ્ટ કરી લીધી. એ દિવસ અને હમણાં મને ખબર પડી ત્યાં સુધી, બસ આમનું આમ જ અમારી વચ્ચે ચાલતું રહ્યું અને મજાની વાત જુઓ, જેને ઍક્ટ્રેસ નહોતું બનવું એ પ્રાર્થી ઍક્ટ્રેસ તરીકે પણ બહુ સરસ રીતે પ્રસ્થાપિત થઈ ગઈ. અમારા પ્રોડક્શન-હાઉસમાં તેણે ઘણાં નાટકો કર્યાં. હું તેને કાસ્ટ કરું અને તે કોઈ જાતની આનાકાની વિના નાટક કરવા માટે રેડી થઈ જાય. ભોળી અને પ્રેમાળ સ્વભાવની પ્રાર્થી નાટકમાં કાસ્ટ થઈ અને એ સાથે અમારું કાસ્ટિંગ પૂરું થયું અને રિહર્સલ્સ શરૂ થયાં.

૨૦૧૧ની ૨૩ ઑક્ટોબરે રવિવારે અમે અમારું નાટક ‘બા રિટાયર થાય છે’ ઓપન કર્યું હતું અને માત્ર ૨૦ દિવસમાં અમે અમારું આ નવું નાટક તૈયાર કર્યું. ટાઇટલ એનું ‘ચૂપ રહો ખુશ રહો.’
૨૦૧૧ની ૨૦મી નવેમ્બર, રવિવાર અને પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ.

આ પણ વાંચો: લૅન્ડમાર્ક નાટક જોવાનો હક સૌને છે

‘ચૂપ રહો ખુશ રહો’નો શુભારંભ થયો અને અમારું આ નાટક ઍવરેજ રહ્યું. નાટકના માત્ર ૪૦ જ શો થયા, પણ જેણે નાટક જોયું તેમને એમાં મજા આવી હતી એ પણ એટલું જ સાચું. હા, આ નાટક મેં ડિરેક્ટ કર્યું હતું. અગાઉ પણ તમને કહેવાનું ચૂકી ગયો છું કે ફરીથી અમે ઓપન કરેલું ‘બા રિટાયર થાય છે’ નાટક પણ મેં ડિરેક્ટ કર્યું હતું. ખરું કહું તો આ નાટક ઍવરેજ બન્યું હતું, પણ હા, એ પણ એટલું જ સાચું કે નાટકમાં અમે આર્થિક લૉસ કર્યો નહોતો. લો બજેટનું નાટક હતું એટલે નાટકમાંથી અમે અમારો ખર્ચ રિકવર કર્યો અને એ પછી ડીવીડી રાઇટ્સ આપ્યા, જે અમારા માટે પ્રૉફિટેબલ બની રહ્યા.

આ નાટકની વાત કરતી વખતે મારે બીજી પણ એક વાત કહેવી છે.

એ સમયે મને ડિરેક્શનનો મહાવરો નહોતો. ડિરેક્શનની જે વ્યાખ્યા છે એ મારા માટે બહુ બહોળી હોય છે અને એવી જ હોવી જોઈએ. ડિરેક્ટર આખી શિપનો કૅપ્ટન છે, તેનું ધ્યાન દરેકેદરેક ડિપાર્ટમેન્ટ પર હોય અને તે એ બધા ડિપાર્ટમેન્ટને ગાઇડ પણ કરે. રાઇટરથી માંડીને મ્યુઝિક ડિરેક્ટરથી માંડીને ઍક્ટર અને પ્રકાશ-સંચાલન કરતા એકેએક વ્યક્તિને દિશાસૂચન કરવાનું કામ ડિરેક્ટરનું છે. ડિરેક્ટર એ બધા ડિપાર્ટમેન્ટ પાસેથી પોતાને જોઈતું કામ કરાવતો હોય છે, પણ મેં કહ્યું એમ, એ સમયે મને એ બધાનો બહુ મહાવરો નહીં. વાર્તાની સેન્સ મારી ખૂબ સારી, પણ ડિરેક્શન અને બધા ડિપાર્ટમેન્ટને એક તાંતણે બાંધવાના અનુભવના અભાવની અસર અમારા આ નાટક પર સીધી દેખાઈ એને લીધે નાટક ઍવરેજ રહ્યું. ‘ચૂપ રહો ખુશ રહો’ અમારા પ્રોડક્શનનું ૬૩મું નાટક. 

એ પછીના અમારા નાટક અને મારી કરીઅરનો ગ્રાફ કઈ દિશામાં આગળ વધ્યો એની વાત હવે કરીશું આપણે આવતા સોમવારે.

જોક સમ્રાટ

મારા એક જૈન મિત્રએ દુકાન કરી એટલે હું તેની દુકાને ગયો.
સાંગો : બાકી શું રાખો છો દુકાનમાં?
જૈન : બાકી સિવાય બધું.

જૈન મિત્રના એ જવાબ પછી મેં ખરીદીએ જવાનું બંધ કરી દીધું છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia