26 December, 2022 06:55 PM IST | Mumbai | Sanjay Goradia
‘ઝીરો બની ગયો હીરો’ નાટકના ૨૦૦મા શોના દિવસે જયા બચ્ચન, ‘કલ હો ના હો’, ‘કુરબાન’, ‘અય દિલ હૈ મુશ્કિલ’ જેવી અનેક ફિલ્મના રાઇટર નિરંજન આયંગર અને હું.
અમે કરેલું ગુજરાતી ‘લાલીલીલા’ નાટક ઓરિજિનલી મરાઠીમાં થયું હતું અને એ દેવેન્દ્ર પેમે લખ્યું હતું અને ડિરેક્ટ કર્યું હતું, પણ મરાઠીમાં એ નાટક ખાસ ચાલ્યું નહીં; કારણ કે એમાં અઢળક ત્રુટિઓ હતી. અમે જ્યારે ગુજરાતી માટે ‘લાલીલીલા’ના રાઇટ્સ લીધા ત્યારે એમાં ઘણા ફેરફાર કર્યા હતા.
હાર્દિક સાંગાણીના ભોળપણ સાથે ઑડિયન્સ એવી તે કનેક્ટ થઈ ગઈ કે અમારું નાટક ‘ઝીરો બની ગયો હીરો’ માર-માર ચાલવા લાગ્યું અને જોતજોતામાં ૨૦૦ શો પર પહોંચી ગયું. અલબત્ત, સનત વ્યાસ, ભક્તિ રાઠોડ અને બીજા કલાકારોનો સુંદર અભિનય અને લેખક-દિગ્દર્શકની કમાલ પણ આમાં સામેલ હતી. ગયા સોમવારે તમને કહ્યું એમ, ૨૦૦ શો થાય એટલે અમે ટ્રોફી-વિતરણનો કાર્યક્રમ રાખીએ. ‘ઝીરો બની ગયો હીરો’નો ૨૦૦મો શો ભાઈદાસ ઑડિટોરિયમમાં હતો અને ટ્રોફી-વિતરણ માટે અમે જયા બચ્ચનને આમંત્રણ આપ્યું હતું.
ટ્રોફીની વાત આવે કે તરત જયાજી મને પૂછે, ‘સંજય ૨૦૦ શો હો ગયે?!’
પોતે નાટક કરી ચૂક્યાં હતાં એટલે તેમને ખબર હતી કે ગુજરાતી નાટક માટે ૨૦૦ શો એટલે કેવડી મોટી વાત કહેવાય. એ સામેથી જ શો પર આવવાની હા પાડી દે અને પછી આખું નાટક જુએ.
‘ઝીરો બની ગયો હીરો’ નાટક જોવા માટે જયાજી તો આવ્યાં જ, પણ તેઓ પોતાની સાથે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ રાઇટર એવા નિરંજન આયંગરને પણ લઈ આવ્યાં. આ નિરંજનની થોડી વધારે વાત કહું. પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરના બહુ ઓછા બેસ્ટ ફ્રેન્ડ છે. કરણે પોતાની બાયોગ્રાફી ‘ઍન અનસૂટેબલ બૉય’માં લખ્યું છે કે ગણ્યાગાંઠ્યા કહેવાય એવા મારા બેસ્ટ ફ્રેન્ડમાં નિરંજન છે. ફિલ્મ-રાઇટિંગની પ્રોસેસ દરમ્યાન જ નહીં, એ સિવાય પણ હું નિરંજન સાથે મહિનો-મહિનો રહ્યો છું. નિરંજને ધર્મા પ્રોડક્શન્સ માટે ઘણી ફિલ્મો લખી છે અને આજે પણ તે ધર્મા પ્રોડકશન્સ સાથે જોડાયેલો છે.
જયાજી અને નિરંજન ઉપરાંત શર્મન જોષી પણ નાટક જોવા આવ્યો હતો અને મારાથી સહેજ નારાજ પણ થયો હતો. શું કામ એ નારાજ થયો એની વાત કહું તમને.
નાટકમાં જે ટ્રોફી-વિતરણનો કાર્યક્રમ હતો એ સામાન્ય રીતે ઇન્ટરવલમાં રાખવામાં આવતો હોય છે, પણ ‘ઝીરો બની ગયો હીરો’નું ટ્રોફી-વિતરણ નાટક પૂરું થયા પછી ગોઠવ્યું હતું. ટ્રોફી-વિતરણ શરૂ થયું એટલે મને થયું કે જયાજીને સ્ટેજ પર બોલાવ્યાં છે તો મારે શર્મનને પણ અમુક ટ્રોફી આપવા માટે સ્ટેજ પર બોલાવવો જોઈએ. શર્મન એ સમયે સ્ટાર બની ગયો હતો અને મને હતું કે મારે તેના આ સ્ટારડમને જાળવવું જોઈએ.
મેં તો આવા ભાવ સાથે શર્મનને પણ સ્ટેજ પર બોલાવ્યો, પણ શર્મન નારાજ થઈ ગયો અને તેણે મને કહ્યું, ‘આ રીતે સ્ટેજ પર બોલાવતાં પહેલાં તમારે મને પૂછવું જોઈએ.’
એ વખતે મારી પાસે ‘સૉરી’ કહેવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. મેં માફી માગી લીધી અને શર્મને પણ ત્યાર પછી ખેલદિલી સાથે અમુક કલાકારોમાં ટ્રોફી-વિતરણ કર્યું તો અમુક કલાકારોનું ટ્રોફી-વિતરણ મેં જયાજીના હાથે કરાવ્યું.
જયાજીને નાટક ખૂબ ગમ્યું અને તેમણે બધા કલાકાર સાથે ફોટો પડાવ્યા. ટ્રોફી સાથે પોતે ઊભાં હોય એવો પણ ફોટો પડાવ્યો, આર્ટિસ્ટ સાથે નિરાંતે વાત કરીને પછી નીકળ્યાં અને આમ અમારા ‘ઝીરો બની ગયો હીરો’નું હૅપી એન્ડિંગ થયું. વાત હતી હવે નવા નાટકની અને એની તૈયારી તો અમે ‘ઝીરો બની ગયો હીરો’ નાટક ઓપન થયાના બીજા જ દિવસથી શરૂ કરી દીધી હતી.
એક મરાઠી નાટક હતું, એ નાટકનું નામ અત્યારે હું ભૂલી ગયો છું, જેનું લેખન-દિગ્દર્શન દેવેન્દ્ર પેમનું હતું. મરાઠી રાઇટર-ડિરેક્ટર દેવેન્દ્ર પેમની તમને સહેજ ઓળખાણ આપું. દેવેન્દ્ર પેમે મરાઠીમાં ‘ઑલ ધ બેસ્ટ’ નામનું નાટક કર્યું હતું, જે એ જ નામે ગુજરાતી અને હિન્દીમાં ભજવાયું અને એ નાટક સુપરડુપર હિટ થયું હતું. ગુજરાતી ‘ઑલ ધ બેસ્ટ’ નાટકનું દિગ્દર્શન શફી ઈનામદારે કર્યું હતું અને એનું રૂપાંતર અરવિંદ જોષીએ કર્યું હતું. એ નાટકમાં શર્મન જોષીએ લીડ કૅરૅક્ટર કર્યું હતું. ખૂબ સરસ નાટક હતું.
દેવેન્દ્ર પેમે ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં રાઇટર-ડિરેક્ટર તરીકે મરાઠીમાં પહેલું નાટક કર્યું એ આ ‘ઑલ ધ બેસ્ટ’. ઓરિજિનલી આ નાટક એકાંકી હતું. એમાં વાત મૂંગા, બહેરા અને આંધળા છોકરાની હતી. મૂંગા, બહેરા અને આંધળા છોકરાની વાતવાળું આવું જ એક નાટક વર્ષો પહેલાં પ્રબોધ જોષીએ કર્યું હતું, જેનું ટાઇટલ ‘તીન બંદર’ હતું. પણ હા, મારે કહેવું રહ્યું કે આ બન્ને નાટકની વાર્તા અલગ હતી.
ઍની વેઝ, મૂળ નાટક એકાંકીરૂપે રજૂ થયું. નાટક એટલું સરસ હતું કે મોહન વાઘ નામના એક નિર્માતાએ દેવેન્દ્રને કહ્યું કે તું આ એકાંકી પરથી ફુલ-લેંગ્થ નાટક બનાવ, હું એ પ્રોડ્યુસ કરીશ અને આમ એ નાટક ફુલ-લેંગ્થ બન્યું, નાટક સુપરડુપર હિટ થયું અને એ પછી આ જ નાટક પરથી ગુજરાતી અને હિન્દી રૂપાંતર પણ થયાં.
દેવેન્દ્ર પેમની બીજી ઓળખાણ આપું. અમે કરેલું ગુજરાતી ‘લાલીલીલા’ નાટક ઓરિજિનલી મરાઠીમાં થયું હતું અને એ દેવેન્દ્ર પેમે જ લખ્યું હતું અને ડિરેક્ટ કર્યું હતું, પણ મરાઠીમાં એ નાટક ખાસ ચાલ્યું નહીં, કારણ કે એમાં અઢળક ત્રુટિઓ હતી. અમે જ્યારે ગુજરાતી માટે ‘લાલીલીલા’ના રાઇટ્સ લીધા ત્યારે અમે એમાં ઘણા ફેરફાર કર્યા હતા. હું વજન દઈને, ગળું ફાડીને કહીશ કે ગુજરાતી ‘લાલીલીલા’ માત્ર અને માત્ર અમારા કારણે ચાલ્યું, કારણ કે એની ખાસિયત અને ખૂબીઓ અકબંધ રાખી અમે એમાંથી દરેક ખામીઓ દૂર કરી અને એમાં અમારા ઇનપુટ ઍડ કરી એને પર્ફેક્ટ બનાવ્યું. આ જ કારણ છે કે ગુજરાતી ‘લાલીલીલા’ આજે પણ ગુજરાતી રંગભૂમિનું એક માઇલસ્ટોન નાટક છે.
આ પણ વાંચો : આપણે સંવાદ કરવા બેઠા છીએ, વિવાદ કરવા નહીં
ફરી પાછા આવીએ દેવેન્દ્ર પેમની વાત પર. દેવેન્દ્ર ચક્રમ માણસ. હા, ખરેખર અને આ હું તેને મોઢા પર પણ કહું. એકદમ ધૂની સ્વભાવની વ્યક્તિ, તેની સાથે ડીલ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ અને આ જ કારણે હું દેવેન્દ્ર સાથે ડીલમાં ઊતરીને વિવાદમાં આવવાનું ટાળું. તેની સાથે બધી ડીલ મારા એ સમયના પાર્ટનર વિનય પરબ અને કૌસ્તુભ ત્રિવેદી જ કરે. દેવેન્દ્રએ લખેલું એક મરાઠી નાટક હતું, જે એકદમ સીધું-સાદું અને સરળ હતું. એ નાટક જોઈને મને થયું કે આના પરથી આપણે ગુજરાતી નાટક કરવું જોઈએ. મરાઠી નાટક ચાલ્યું નહોતું, પણ એની વાત બહુ સરસ હતી એટલે અમે એ નાટકના રાઇટ્સ લઈને કામે લાગ્યા. એક બાજુએ ‘ઝીરો બની ગયો હીરો’ નાટક ચાલે, બીજી તરફ ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ ચાલે અને ત્રીજી તરફ, આ નવા નાટકનું કામ ચાલે. એ નાટક કયું હતું અને એ નાટક પરથી અમે કયું ગુજરાતી નાટક બનાવ્યું એની વાત હવે આપણે કરીશું આવતા વર્ષે, પણ હા, એ પહેલાં એક વાત કહેવાની. કોરોના ફરીથી જાગ્યો છે એવા સમાચાર આવવા માંડ્યા છે, તો પ્લીઝ, બૂસ્ટર ડોઝ ન લીધો હોય તો એ લઈ લેજો અને થોડી કાળજી રાખજો. જો લૉકડાઉન કે પછી એના જેવી હાલત ન જોવી હોય તો. બાકી તમારી મરજી...
મળીએ ત્યારે આવતા વર્ષે.
જોક સમ્રાટ
હું અને ચંદા સામસામે બેસીને ચા પીતાં હતાં અને વચ્ચે ચાની પત્તીનું પૅકેટ પડ્યું હતું. એ પૅકેટ પર લખેલું નામ વાંચીને મને ખરેખર કંપનીવાળા પર માન થઈ ગયું. એ લોકોએ શું પર્ફેક્ટ નામ રાખ્યું હતું, વાઘ બકરી ચા!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)