22 May, 2023 06:00 PM IST | Mumbai | Sanjay Goradia
ઘરમાં કોઈ લેખનક્ષેત્ર સાથે સંકળાયેલું હોય એ વાત જ મને બહુ ખુશ કરી દે અને ગોરડિયા ફૅમિલીમાં અમાત્ય પહેલો એવો નીકળ્યો જેણે નાટક લખવાનું શરૂ કર્યું.
જાનકી ખૂબ સારી ક્લાસિકલ ડાન્સર. તેણે હેમામાલિની સાથે ઘણા શો કર્યા છે અને એ સમયે પણ તે હેમામાલિનીના ડાન્સ-ગ્રુપમાં હતી એટલે જાનકીને મળ્યા પછી મેં તેને સૌથી પહેલાં એ પૂછ્યું હતું કે નાટક ચાલુ હોય એ દરમ્યાન તને ડાન્સનો કોઈ પ્રોગ્રામ મળે તો તું મારા નાટકનું શું કરશે?
આપણે વાત કરતા હતા હું કેવી રીતે ગુજરાતી સિરિયલના પ્રોડક્શનમાં આવ્યો એ વિશેની. તમને કહ્યું એમ બિનિતા દેસાઈનો એક દિવસ મને ફોન આવ્યો કે તમારે ગુજરાતી સિરિયલ પ્રોડ્યુસ કરવી છે અને મેં તરત હા પાડી. બિનિતા સાથે ઑલમોસ્ટ પચ્ચીસ વર્ષ પછી મારો કૉન્ટૅક્ટ થયો હતો. હું નાટકો પ્રોડ્યુસ કરું છું એ વિશે તેને ખબર, પણ મરાઠી સિરિયલના પ્રોડક્શન સમયે અમારી સિરિયલ ‘અજૂનહી ચાંદ રાત આહે’ની ટીઆરપી વધારવા ચૅનલ તેને લાવી ત્યારે છેક તેને ખબર પડી હતી કે હું સિરિયલ પ્રોડક્શનમાં પણ છું.
બિનિતાએ જેવું મને પૂછ્યું કે હું તરત જ તૈયાર થઈ ગયો, પણ એ સમયે મને ખબર નહોતી કે મારો આ નિર્ણય પણ ઊલટો પડવાનો છે અને હું ટીવી-સિરિયલ નામના કાદવમાં વધારે ઊંડો ઊતરવાનો છું. જોકે એ વાતને આગળ વધારતાં પહેલાં તમને સાઇડ-બાય-સાઇડ ચાલતી બીજી ઘટનાઓની પણ વાત કરતો જઉં.
મારો દીકરો જે લંડન ફરી ભણવા ગયો નહીં અને મીઠીબાઈ કૉલેજમાં ભણતો હતો તે અમાત્ય એક દિવસ મારી પાસે આવીને મને કહે કે પપ્પા, મેં એક નાટકની વાર્તા વિચારી છે અને હું એના પરથી નાટક બનાવવા માગું છું. આ વાત જ્યારે તેણે મને કરી ત્યારે હું ખૂબ ખુશ થયો. મારા મતે ઘરનું કોઈ લેખનક્ષેત્ર સાથે જોડાયેલું હોય એ બહુ ઉમદા વાત કહેવાય અને આવી ઉત્તમ કળા બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. આ જ તો કારણ છે કે આપણે ત્યાં લેખક અને કવિ બહુ ઓછા જોવા મળે છે. એક સમયે હું માનતો કે હું બહુ સારો વાચક છું, પણ લેખક નથી અને એ હકીકત પણ છે. આજે પણ મૌલિક કંઈ લખવાનું આવે તો મને સહેજ ખચકાટ થઈ જાય. કોરા કાગળ પર શબ્દો માંડવા અને શબ્દો લખાયા હોય એ કાગળ પર સુધારો કરવો એ બન્ને બહુ જુદી વાત છે. સારાને વધારે સારું બનાવવાનું કામ કોઈ પણ કરી શકે, પણ કંઈ હોય જ નહીં એ કાગળ પર સારું લખવું એ અઘરું કામ છે.
અમાત્યની વાત મારા માટે થોડી સરપ્રાઇઝ જન્માવે એવી હતી, પણ મનમાં જન્મેલી ખુશી વચ્ચે એ સરપ્રાઇઝ ક્યાંય દબાઈ ગઈ અને મેં અમાત્યએ વિચારી હતી એ વાર્તા સાંભળી. વાર્તા બહુ સરસ હતી અને એટલી જ ચૅલેન્જિંગ હતી. બે જ કૅરૅક્ટરની એ વાર્તા હતી. એક પાગલ અને બીજો પાગલનો ડૉક્ટર. બન્ને વચ્ચે સંવાદ થાય છે, જેના અંતે ખબર પડે છે કે જે પાગલનો ડૉક્ટર છે એ હકીકતમાં પાગલ છે અને જે પાગલ છે તે ડૉક્ટર છે. મનોદશા માણસના જીવનમાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. આ જે વિચાર હતો એ વિચાર જ મને ખૂબ ગમી ગયો. મેં તેને કહ્યું કે તારે આ નાટક કરવું જ જોઈએ.
અમાત્યએ આ નાટક ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં કર્યું. નાટક ઠીક-ઠીક રહ્યું, પણ મને એનાથી કોઈ ફરક પડતો નહોતો. મારા માટે તો એ જ મહત્ત્વનું હતું કે અમાત્ય નાટક લખે કે ડિરેક્ટ કરે અને એ નાટક ભજવાય. જીવનમાં દરેક વખતે જીત મહત્ત્વની નથી હોતી, પ્રક્રિયા મહત્ત્વની હોય છે. જો પ્રક્રિયા થાય તો જ ભવિષ્યમાં એને લાયક પરિણામ મળે. અમાત્યને એવું પરિણામ પણ મળ્યું. એ પરિણામ કયું અને તેણે પોતાનું કામ કરતાં-કરતાં કેવી હરણફાળ ભરી એની વાત સમય આવ્યે કરીશું, પણ અત્યારે આપણે ત્રીજા એન્ડ પર ચાલતી અમારા નવા નાટકની વાત કરીએ.
સિરિયલ અને અમાત્યના નાટકની સાથોસાથ અમારા નવા નાટકની તૈયારી પણ ચાલતી હતી, જેના લેખક ઉત્તમ ગડા હતા. નાટકનું લેખન ચાલુ થઈ ગયું એટલે અમે કાસ્ટિંગમાં લાગ્યા. આ નાટકમાં સૌથી મહત્ત્વનું જો કોઈ કૅરૅક્ટર હતું તો એ હિરોઇનનું હતું, જે મેં અગાઉ કહ્યું એમ ડબલ રોલવાળું હતું. ટ્વિન્સ એવી એ છોકરીમાંથી એક પુત્રવધૂ બને છે જે છોકરી ખૂબ ભોળી અને શાંત સ્વભાવની. તેના પર સાસુ-સસરા અતિશય જુલમ કરે છે. આ ત્રાસ સહન કરતી છોકરી એટલી ભોળી લાગવી જોઈએ કે ઑડિયન્સની તેને સિમ્પથી મળે અને એવું તો જ બને જો ચહેરો સાવ નવો હોય.
અમે નવી છોકરીની શોધમાં હતા એ દરમ્યાન મને ક્યાંકથી ખબર પડી કે ઍક્ટ્રેસ ભૈરવી વૈદ્યની દીકરી જાનકી નાટકોમાં કામ કરવા માગે છે. નાટક લાઇનની આ જ ખૂબી છે. ઍક્ટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારોનાં સંતાનો હંમેશાં નાટક, ફિલ્મ કે ટીવીલાઇનમાં જવા માગતાં હોય છે અને એ સ્વાભાવિક પણ છે. તમે નાનપણથી એક માહોલ જોઈને મોટા થયા હો એટલે નૅચરલી તમારી માનસિકતા એ જ પ્રકારની બનવા માંડી હોય.
જાનકી ખૂબ સારી ક્લાસિકલ ડાન્સર. તેણે હેમામાલિની સાથે ઘણા શો કર્યા છે અને એ સમયે પણ તે હેમામાલિનીના ડાન્સ-ગ્રુપમાં હતી. એટલે જાનકીને મળ્યા પછી મેં તેને સૌથી પહેલું એ પૂછ્યું હતું કે નાટક ચાલુ હોય એ દરમ્યાન તને ડાન્સનો કોઈ પ્રોગ્રામ મળે તો તું મારા નાટકનું શું કરશે?
આ ચોખવટનું મુખ્ય કારણ એ કે મારા અને ભૈરવીના સંબંધો બહુ ખરાબ હતા. અગાઉ ભૈરવીએ મારાં અનેક નાટકો અધવચ્ચે છોડી દીધાં હતાં, જેની વાત પણ મેં તમને જે-તે નાટકો વખતે કહી છે. કોઈમાં હું ઍક્ટર હોઉં તો કોઈમાં હું પ્રોડ્યુસર રહ્યો હોઉં અને એ નાટકમાં ભૈરવી હોય અને એક દિવસ અચાનક જ તે આવીને કહી દે કે હું નાટક છોડું છું. મારે ખેદ સાથે કહેવું પડે છે કે ભૈરવીએ રંગભૂમિના અમુક વણલખ્યા નિયમો છે એ ક્યારેય ફૉલો નથી કર્યા. નાટક લાઇનમાં પણ ભૈરવીનું નામ બહુ ખરાબ, પણ એનાથી જાનકી કે તેની કરીઅરને કોઈ ફરક ન પડવો જોઈએ. હું પોતે જાનકીને એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, ઍક્ટ્રેસ તરીકે જોતો હતો. જાનકીના પપ્પા વિપુલ વૈદ્ય આજે પણ મારું ઇન્શ્યૉરન્સનું બધું કામ સંભાળે છે. મારે તેમની સાથે ખૂબ સારા સંબંધો તો ભૈરવી સાથે પણ સારા સંબંધો, પણ હું ભૈરવીને નાટકમાં લેતાં ખચકાઉં અને આ જ વાતની સાથોસાથ હું એ પણ કહીશ કે જાનકી મારી દીકરી જેવી ગણાય. હું તેને તેની મમ્મીના વ્યવહારથી જજ કરું એ યોગ્ય ન કહેવાય અને કોઈએ એવું કરવું પણ ન જોઈએ.
જાનકીને મળીને મારે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, એક સૅપરેટ ઍક્ટ્રેસ તરીકે તેની સાથે વાત કરવી હતી. મેં તેને મળવા બોલાવી અને વાતચીત શરૂ કરતાંની સાથે જ સ્પષ્ટતા સાથે પૂછી લીધું કે વચ્ચે તને ડાન્સના શો આવે એવા સમયે મારા નાટકનું શું?
જાનકીએ પૂરેપૂરા કૉન્ફિડન્સ સાથે કહ્યું કે એવું નહીં બને, ડાન્સના શો આપણા નાટકમાં વચ્ચે ક્યાંય નહીં આવે.
મેં તેને સો માર્ક આપી દીધા. મારો આ સ્વભાવ છે. હું કોઈને પણ પહેલી વાર મળું ત્યારે તેને સો માર્ક આપી દઉં. એ સો માર્ક જાળવી રાખવાની જવાબદારી તેની. મારે શું કામ દરરોજ તેના માર્કનાં લેખાંજોખાંમાં સમય બગાડવાનો?
મેં જાનકીને વાર્તા સંભળાવી અને એ વાર્તા સાંભળીને તે ખુશ થઈ ગઈ. સ્વાભાવિક છે કે પહેલા જ નાટકમાં તેને સીધો ડબલ રોલ મળતો હતો. સંજય ગોરડિયા પ્રોડક્શન જેવું માતબર બૅનર તેને ઑફર કરતું હોય, દિગ્ગજ એવા ઉત્તમ ગડા નાટકના લેખક હોય, સુપરહિટ નાટકો આપતા જતા ડિરેક્ટર વિપુલ મહેતા સાથે કામ કરવાનું હોય અને કૌસ્તુભ ત્રિવેદી જેવા ધુરંધર પ્રેઝન્ટર હોય તો પછી કોણ ખુશ ન થાય?
(અન્ય કાસ્ટિંગ અને નાટક તથા સિરિયલની વધારે વાતો હવે આવતા સોમવારે)
જોક સમ્રાટ
૩૬ ડિગ્રી તાપમાં પણ પરસેવે રેબઝેબ થઈ જઈએ, પણ રાજકોટવાળા ૪પ ડિગ્રી ગરમીમાં પણ ઘરની બહાર નીકળ્યા પછી લારીવાળાને પૂછેઃ
ગાંઠિયા ગરમ છેને?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)