સાઇડ રોલની કૉમેડીમાં સંજય બહુ ચાલે

24 April, 2023 05:43 PM IST  |  Mumbai | Sanjay Goradia

મેઇન રોલમાં હું પુરવાર થઈ ચૂક્યો હતો એ પછી પણ વિપુલ મહેતાના મગજમાં આ વાત ઠસી ગઈ હતી

‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ નાટકનાં રિહર્સલ્સમાં સમય ખેંચાતો હતો એટલે ફાઇનલી મેં મામાનો સાઇડ રોલ સ્વીકારી લીધો.

અમારા એક સમયના પાર્ટનર વિનય પરબને એવું લાગતું કે સંજય ગોરડિયા સાઇડ રોલમાં આવતાં કૉમેડી કૅરૅક્ટર તરીકે ખૂબ ચાલે, પણ મેઇન રોલમાં ન ચાલે. આ વાત વિપુલે પકડી લીધી. એ પછી વિપુલ હંમેશાં મારી પાસે સાઇડ રોલ કરાવવા માગતો હતો, પણ મારે એવું નહોતું થવા દેવું.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટક ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ની. મારી દૃષ્ટિએ આ નાટકથી મારા અને વિપુલ મહેતા વચ્ચેના મતભેદ સપાટી પર આવવાના શરૂ થયા. તમને ગયા મંગળવારે કહ્યું હતું એમ, અમે વાર્તા ફાઇનલ કરીને રાઇટિંગનું કામ મુકેશ જોષી અને હિતેન આનંદપરાને સોંપ્યું અને એ પછી અમે લાગ્યા કાસ્ટિંગ પર. નાટકના લીડ રોલ માટે વિપુલ મહેતાએ ટીવી-સિરિયલો કરતી ઈશા કંસારાનું નામ આપ્યું, જે નામ સાથે હું રાજી નહોતો. 

‘સંજયભાઈ, બહુ સરસ ઍક્ટ્રેસ છે અને લુક પણ સરસ છે...’

વિપુલે આવી કંઈક દલીલ કરી હતી અને મેં તેને કહ્યું હતું કે આ બન્ને બાબતમાં મને કોઈ શંકા નથી, પણ મને ટીવી-સિરિયલોના ઍક્ટર્સની ક્રેડિબિલિટી પર શંકા છે. મેં વિપુલને સમજાવ્યો,
‘જે સમયે ઈશાને સિરિયલ કે ફિલ્મ મળશે એ સમયે તે નાટક છોડીને નીકળી જશે. નાટકમાં કયા અને કેવા પ્રકારનું કમિટમેન્ટ હોય એની તેને ખબર જ નથી એટલે આપણે એમાં આગળ વધવું ન જોઈએ.’

નાટકલાઇનમાં અમુક અનરિટર્ન રૂલ્સ છે જે તમારે પાળવા જ રહ્યા, પણ વિપુલે જીદ પકડી રાખી કે આપણે ઈશાને જ લઈએ એટલે ફાઇનલી અમે ઈશાને મુખ્ય ભૂમિકામાં લીધી, પણ ઈશા વિશે અમારી ચર્ચા ચાલતી હતી એ દરમ્યાન અમે નાટકમાં ચારુલ ભાવસાર, મુકુંદ પંચાલ અને અજિંક્ય સંપટને અલગ-અલગ કાસ્ટમાં લઈ લીધાં હતાં. જો તમને આ કલાકારોની વાત કરું તો અજિંક્ય અત્યારે ભારતીય વિદ્યાભવન ચોપાટીમાં મૅનેજરની જવાબદારી સંભાળે છે અને બહુ સરસ કામ કરે છે, તો મુકુંદ પંચાલ લાઇન છોડીને હવે કાયમ માટે કૅનેડા સ્થાયી થઈ ગયો છે. ચારુલ હજી પણ લાઇનમાં જ છે. તેણે ગુજરાતી ફિલ્મો કરી છે તો અમુક ટીવી-સિરિયલો પણ કરી છે. 

આ બધા કલાકારો અને એ પછી ઈશા કંસારાને ફાઇનલ કર્યા પછી કાસ્ટ કર્યો હર્ષિવ દવેને. હર્ષિવ આમ અમદાવાદનો, પણ તે રહે મુંબઈમાં અને અત્યારે તે કલર્સ ગુજરાતી ચૅનલમાં પ્રોગ્રામિંગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર પોઝિશન પર છે. ત્યાર પછી અમે સુનીલ સુચકને ફાઇનલ કર્યો. આ સુનીલ સુચકે ઍક્ટિંગ ઉપરાંત ડિરેક્ટર તરીકે પણ ખાસ્સું કામ કર્યું હતું. મારી વેબ-સિરીઝ ‘ગોટીસોડા’ની પહેલી બન્ને સીઝન તેણે જ ડિરેક્ટ કરી અને શૂટના છેલ્લા દિવસે તેને સેટ પર જ મેસિવ હાર્ટ-અટૅક આવ્યો અને તે આપણને સૌને છોડીને જતો રહ્યો.

નાટકની ટીમ ખાસ્સી મોટી હતી. આ બધા કલાકારો પછી અમે એક રોલમાં અલ્પના બુચને ફાઇનલ કરી તો જય જોષી અને સૌરભ ઠક્કરને પણ લીધા, તો અમુક બૅક-સ્ટેજના આર્ટિસ્ટ પણ રોલ કરે એ રીતે અમે મૅનેજ કર્યું. કાસ્ટિંગ પૂરું થયું એટલે વાત આવી ટેક્નિકલ ટીમની, જેમાં કલા છેલ-પરેશ, સંગીત લાલુ-સાંગો, વસ્ત્ર પરિકલ્પના સ્મિતા મદલાણી અને પ્રચાર દીપક સોમૈયાના હતા, તો આ વખતે નાટકનો સેટ અને નાટકની વાત જુદા પ્રકારની હતી એટલે અમે પ્રકાશ-આયોજનની જવાબદારી અજિંક્ય સંપટને સોંપી. 

અલબત્ત, આ બધું નક્કી થયા પછી હજી પણ એક કાસ્ટિંગ અટકતું હતું, જે હતું મામાનું. એ રોલ માટે શરૂઆતમાં જ મને વિપુલે રોલ કરવાનું કહ્યું હતું, પણ મેં ના પાડી દીધી અને એ કૅરૅક્ટર માટે હું કલાકાર શોધવામાં લાગી ગયો. બહુ ટ્રાય કર્યા પછી પણ કોઈ કલાકાર મળતો નહોતો એટલે એ રોલ માટે મને વિપુલે ફરી પૂછ્યું અને મેં પુરજોશમાં એનો વિરોધ કર્યો. મિત્રો, આ અગાઉ પણ મેં ‘બાને ઘેર બાબો આવ્યો’ અને એ પછી ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં જરૂર હતી એટલે કૅરૅક્ટર રોલ ભજવ્યો હતો અને નાટક માટે જરૂરી કહેવાય એવો નિર્ણય લઈ લીધો હતો, પણ મારે એ પ્રકારના કોઈ સાઇડ રોલ કરવા નહોતા એટલે આ વખતે મેં સ્પષ્ટ ના પાડીને વિપુલને કહ્યું કે હું માત્ર ને માત્ર મુખ્ય ભૂમિકા જ કરવાનો છું.

અહીં તમને એક નાનકડો રીકૅપ આપી દઉં.

અમારા એક સમયના પાર્ટનર વિનય પરબને એવું લાગતું કે સંજય ગોરડિયાને તમે સાઇડ રોલમાં આવતા કૉમેડી કૅરૅક્ટર તરીકે લો તો એ ખૂબ ચાલે, નાટકને સુપરહિટ કરી દે, પણ મેઇન રોલમાં સંજય ન ચાલે અને એ વિપુલે પકડી લીધી. ત્યાર બાદ વિપુલ હંમેશાં મારી પાસે સાઇડ રોલ જ કરાવવા માગતો હતો, પણ મારે એવું નહોતું થવા દેવું. મેઇન રોલમાં આવીને મેં રિઝલ્ટ દેખાડી દીધું હતું એટલે એ રીતે પણ મારી માગ ખોટી નહોતી.

મામાના એ રોલ માટે અમારે ખૂબ રકઝક થઈ અને એ રકઝક વચ્ચે અમારા બધાનો સમય જતો હતો. ફાઇનલી મેં ખચકાતા મને એ રોલ માટે હા પાડી દીધી, કારણ કે મારા માટે નાટક અને મારી અંદર રહેલો નિર્માતા ઍક્ટર કરતાં મહત્ત્વનો હતો અને કાયમ રહેશે. મારું નાટક અટકતું હોય તો હું મારી અંદરના ઍક્ટરનો ભોગ લઈને પણ મારા નાટકને આગળ લઈ જવાનું કામ કરું. આ મારી નીતિ પહેલેથી રહી છે અને ભવિષ્યમાં પણ હું આ જ નીતિ રાખીશ. મૉરલ ઑફ ધ સ્ટોરી, ફાઇનલી મામાની ભૂમિકામાં હું આવી ગયો. આમ તો એ કહેવા ખાતર જ સાઇડ રોલ હતો, પણ વિપુલની અંદર રહેલા ડિરેક્ટરને બરાબર ખબર હતી કે ઍક્ટર સંજય ગોરડિયા એ રોલને બરાબર પુલ કરશે અને આખા નાટકને ખેંચી જવાનું કામ કરશે એટલે જેમ-જેમ નાટક લખાતું જતું હતું એમ-એમ તે આ રોલ વધારતો જતો હતો અને ક્લાઇમૅક્સમાં પણ મારા પર ઘણો બધો ભાર મૂકી દેવામાં આવ્યો અને એ રોલ મેં સુપેરે ભજવી પણ દેખાડ્યો.
રિહર્સલ્સ પૂરાં થયાં અને ફાઇનલી નાટક ઓપન કરવાનો સમય આવી ગયો.

૨૦૧૨ની ૧૮મી માર્ચ, રવિવાર.

સાંજે ૭.૪પ મિનિટ અને તેજપાલ ઑડિટોરિયમ.

અમારું ૬પમું નાટક ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’ ઓપન થયું. નાટક ઓપન થાય એ પહેલાં જ અમને અલ્પના બુચે કહી દીધું હતું કે હું લાંબી લાંબી ટૂર નહીં કરું. અલ્પનાની આ ચોખવટને કારણે મને ખબર હતી કે નાટકની જ્યારે અમદાવાદની લાંબી ટૂર થશે ત્યારે મારે એને રિપ્લેસ કરવાની રહેશે અને એ પછી પણ મેં તેને હા પાડી હતી. ઍક્ચ્યુઅલી મને એના કારણની ખબર હતી. અત્યારે અલ્પના સિરિયલ ‘અનુપમા’ કરે છે અને હવે તે ફુલટાઇમ ઍક્ટ્રેસ છે, પણ એ સમયે તે મુંબઈ રેડિયોમાં કામ કરતી હતી.

નાટકની અમારી લીડ ઍક્ટ્રેસ ઈશા કંસારાએ પણ થોડા શો પછી નાટક છોડી દીધું અને એ છોડતી વખતે તેણે જરા પણ ગ્લાનિ કે અફસોસ વ્યક્ત કરવાની તસ્દી પણ નહોતી લીધી. એક દિવસ તેણે આવીને અમને કહી દીધું કે મને બીજી સિરિયલ મળી ગઈ છે એટલે ફલાણી તારીખથી હું નાટક નહીં કરું. એ વખતે મેં વિપુલને કહ્યું કે જે વાત મેં તને નાટક પહેલાં કરી હતી એ અત્યારે બની રહી છે, આ જરાય યોગ્ય નથી, પણ... કરવાનું શું?

શો મસ્ટ ગો ઑન.

અમારે તો નાટક આગળ વધારવાનું જ છે એટલે બીજી બધી ચર્ચામાં પડ્યા વિના અમે કામે લાગ્યા કે ઈશાની જગ્યાએ હવે કોને લેવી?

‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’માં એ પછી કોણ આવ્યું અને નાટકનું રિઝલ્ટ કેવું આવ્યું એની ચર્ચા હવે આપણે કરીશું આવતા સોમવારે. 

જોક સમ્રાટ

વિદાય સમયે ધ્રુસકે-ધ્રુસકે રડતી કન્યાને તેની માએ બાથમાં લીધી અને પછી ધીમેકથી કાનમાં કહ્યુંઃ ‘રડ નહીં દીકરા, મેકઅપ વીંખાય જશે, અને મેકઅપ વીંખાશે તો જાન પાછી ચાલી જશે.’

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists Sanjay Goradia