‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ ઓપન થયું અને તરત નવી સિરિયલનું કામ ચાલુ થયું

10 April, 2023 05:39 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઝી મરાઠીએ આપેલી બીજી મરાઠી સિરિયલમાં પણ અમે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ જ પૈસા તોડવાનું શરૂ કરી દીધું અને હું લાચારીથી જોતો રહ્યો. મારાથી કશું થઈ શકે એમ નહોતું

ઝી મરાઠીની અમારી સિરિયલ ‘અઝૂનહી ચાંદરાત આહે’નું એક દૃશ્ય.

સામાન્ય રીતે ધનતેરસના દિવસે લોકો ઘરમાંથી પોતાનું ધન બહાર મોકલતા નથી. આવું જ બહાનું હું પણ આપી શક્યો હોત, પણ હું આ બધી બાબતોમાં માનતો નથી. આ બધાં પૈસા ન આપવાનાં બહાનાં છે. મેં વિચાર્યું કે જો ધનતેરસના દિવસે હું બધાને પૈસા આપીશ તો બધાની દિવાળી સુધરી જશે અને મને ખૂબ બધી દુઆ મળશે.

પ્રવીણ સોલંકીએ લખેલા ‘તું જ મારી મોસમ’ નાટકને રીઓપન કરી અમે ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટક બનાવ્યું અને એ નાટક સોલ્ડ-આઉટ શોમાં ખૂબ સરસ ચાલ્યું. આ નાટકના અમે ૧૧૯ શો કર્યા, પણ હા, બૉક્સ-ઑફિસ પર આ નાટક જોઈએ એવી કમાલ દેખાડી શક્યું નહોતું, પણ સોલ્ડ-આઉટ શોને કારણે નાટકમાંથી અમે પ્રૉફિટ કર્યો.

એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન વિપુલ મહેતાએ મને નવા નાટકની વાત કરી, પણ એ વાત થઈ એ પહેલાં બનેલી બીજી ઘટના વિશે આપણે વાત કરી લઈએ. 
અમે એટલે કે હું, વિનય પરબ અને કેદાર શિંદે હવે એક સિરિયલનો અનુભવ ધરાવતા હતા અને અમારા આ અનુભવને ધ્યાનમાં રાખીને ઝી મરાઠીએ અમને બીજી સિરિયલ આપી, જેનું ટાઇટલ હતું ‘અઝૂનહી ચાંદરાત આહે’. સિરિયલનો સબ્જેક્ટ આમ સોશ્યલ હતો, પણ એમાં સુપર નૅચરલ વાતોનું પૂરણ પણ હતું. અમારી કંપની હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટમાં આ પ્રોજેક્ટ કરવાની હતી. કેદાર શિંદએ અમને કહ્યું કે ચેમ્બુરના એસેલ સ્ટુડિયોમાં જે હવેલી છે એ હવેલી આપણી આ સિરિયલમાં મુખ્ય સેટ હશે. ઘણી વખત વાર્તામાં લોકેશન બહુ મહત્ત્વનું બનતું હોય છે અને સુપર નૅચરલ કે પછી હૉરર સબ્જેક્ટ હોય એમાં તો એવું ખાસ બનતું હોય છે. અમારી સિરિયલની વાર્તામાં પણ એવું જ હતું કે એક હવેલી છે અને હવેલીમાં જાતજાતની ને ભાતભાતની ઘટનાઓ ઘટે છે. ગુજરાતીમાં જેને હવેલી કહે છે એને મરાઠીમાં વાડા કહેવામાં આવે છે, આજે પણ પુણેમાં આવા અનેક વાડા છે. 

કેદારના મનમાં હતું કે સ્ટુડિયોમાં જે હવેલી છે એને રીફર્બિશ કરી એને મરાઠી સ્ટાઇલના વાડામાં કન્વર્ટ કરવી અને એમાં શૂટ કરવું. ચેમ્બુરનો આ જે એસેલ સ્ટુડિયો છે એ ખાસ્સો દૂર હતો એવું મેં કહ્યું, પણ વધારે આર્ગ્યુમેન્ટ કર્યા વિના મેં સહમતી આપી દીધી. મારા માટે આ રીતે સીધી વાત સ્વીકારવાની જે નીતિ છે એ બહુ ટફ હતી અને એવું બધા સાથે હોય. તમારી સામે જો સારા અને સાચા બીજા ઑપ્શન હોય અને એ પછી પણ કોઈની વાત માની લેવા માટે તમે માનસિકતા બનાવી લો તો તમારી સામે હેરાનગતિ સહન કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી, પણ વધારે દલીલ વિના હું કૂદી પડ્યો અને મેં કામ શરૂ કરી દીધું. મિત્રો, કૂદી પડવું એ મારો સ્વભાવ છે અને મારા આ સ્વભાવે મને લાભ પણ કરાવ્યો છે, તો આ જ સ્વભાવને કારણે મારે નુકસાની પણ ભોગવવી પડી છે.

‘મિડ-ડે’ની આ કૉલમ પણ મારા કૂદી પડનારા નેચરને કારણે જ શરૂ થઈ. એક દિવસ મને ‘મિડ-ડે’ના રશ્મિન શાહનો ફોન આવ્યો. એ દિવસોમાં મારા અમદાવાદમાં નાટકના શો ચાલતા હતા. તેણે મને કૉલમની વાત કરી અને મેં પહેલે જ ઝાટકે કહી દીધું કે ચાલો લખીએ અને બસ, કૉલમ શરૂ થઈ ગઈ. નવરાશના સમયમાં આ કૉલમે સરસ ટાઇમપાસ કરાવ્યો તો ફૉરેનની ટૂર સમયે કે પછી ફિલ્મ કે વેબ-સિરીઝનું શૂટિંગ ચાલતું હોય એ સમયે આ જ કૉલમ માટે ટાઇમ કાઢવાનું પણ બહુ અઘરું પડતું, પણ આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને દેખાય છે કે ઘણી એવી વાતો શબ્દસ્થ થઈ ગઈ, જે વાતો કાં તો કાયમ માટે ધરબાયેલી રહેવાની હતી અને કાં તો મારી સાથે લાકડે બળવાની હતી. ઍનીવેઝ, પાછા આવીએ ચેમ્બુરના પેલા સ્ટુડિયોની હવેલી પર.

ચેમ્બુરના એસેલ સ્ટુડિયોમાં જે હવેલી હતી એ આખી રીફર્બિશ કરવામાં અમારા પુષ્કળ પૈસા લાગી ગયા અને ધાર્યો નહોતો એવો ખર્ચ અમારે થયો, તો એ ખર્ચ ઉપરાંત અમારા સેટ-ડિઝાઇનરથી લઈને અમારા પ્રોડક્શન-મૅનેજરો અને બીજા બધા લોકોએ રીફર્બિશની એ પ્રોસેસમાં પુષ્કળ ખાયકી કરી અને એ અટકાવવામાં હું લાચાર હતો.

રોજેરોજ લોખંડવાલાથી ચેમ્બુર જવું મારા માટે શક્ય નહોતું એટલે હું એ ખાયકીને આડે હાથ પણ મૂકી શકું એમ નહોતો. જોકે મેં શક્ય હોય એટલો પ્રયાસ કર્યો, પણ એ ખાયકી સંપૂર્ણપણે તો રોકી શક્યો જ નહીં એ પણ મારે કબૂલ કરવું રહ્યું. આ બધાને લીધે અમારું પ્રી-પ્રોડક્શન બજેટ ધાર્યું હતું એના કરતાં ખાસ્સું વધી ગયું. જે અમારા માટે ઘાતક પુરવાર થઈ શકે એમ હતું.

‘અઝૂનહી ચાંદરાત આહે’ સિરિયલ રિલીઝ થાય એ પહેલાં ઝી મરાઠીએ એની પબ્લિસિટી ખૂબ કરી તો સિરિયલના પ્રોમોએ પણ સિરિયલની બહુ સરસ હવા બનાવી દીધી, પણ ખાટલે મોટી ખોડ, કેદારે અગાઉ આ પ્રકારની સિરિયલ કરી નહોતી. તેણે સિરિયલ ઘણી કરી હતી, તો નાટકો પણ પુષ્કળ કર્યાં હતાં, પણ એ બધાં કૉમેડી હતાં. કેદાર કૉમેડીનો માણસ અને અમારી સિરિયલ ડેઇલી સોપ. ડેઇલી સોપમાં ભાતભાતનાં પૉલિટિક્સ ચાલતાં હોય, પણ એ પૉલિટિક્સ છાના ખૂણે, કિચનમાં રમાતાં હોય અને કેદાર એમાં પાછળ પડ્યો. કેદાર કિચન પૉલિટિક્સ કરી શક્યો નહીં એટલે સિરિયલમાં અઢળક ફેરફાર કરવામાં આવતા અને એ પછી થાકીને કેદારે સિરિયલનું ડિરેક્શન છોડી દીધું અને તેનો ભાઈ ડિરેક્શનમાં આવી ગયો. બાજી બગડતી દેખાઈ એટલે પ્રોડક્શન-સાઇડ પર મેં ખાસ્સું ઇન્વૉલ્વમેન્ટ લઈ લીધું હતું. મને આજે પણ સિરિયલ ચાલતી હતી એ સમયના દિવાળીના દિવસો યાદ છે.

સિરિયલનું પેમેન્ટ અમારે કલાકારો અને ડિરેક્ટર-રાઇટરને બે મહિના એટલે કે સાઠ દિવસે કરવાનું હોય, પણ ટેક્નિશ્યન ટીમને તો અમારે પેમેન્ટ સૅલેરીની જેમ દર મહિને જ કરવાનું હોય, પણ દિવાળી આવી ગઈ અને જે તારીખે મારે બધાને પેમેન્ટ કરવાનું હતું એ દિવસ હતો ધનતેરસનો. સામાન્ય રીતે ધનતેરસના દિવસે લોકો ઘરમાંથી પોતાનું ધન બહાર મોકલતા નથી. આવું જ બહાનું હું પણ આપી શક્યો હોત, પણ હું આ બધી બાબતોમાં માનતો નથી. આ બધાં પૈસા ન આપવાનાં બહાનાં છે. મેં વિચાર્યું કે જો ધનતેરસના દિવસે હું બધાને પૈસા આપીશ તો બધાની દિવાળી સુધરી જશે અને મને ખૂબ બધી દુઆ મળશે.

ધનતેરસના દિવસે સવારે હું સેટ પર ગયો અને મેં ટીમના તમામ મેમ્બરોને કહી દીધું કે બધાના ચેક તૈયાર છે, જતાં પહેલાં લેતા જજો અને અમારી સિરિયલના એકેક વ્યક્તિના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. સૌકોઈના ચહેરા પર સ્પષ્ટ વંચાતું હતું કે તેમની દિવાળી સુધરી ગઈ. ધનતેરસ કે મંગળવાર કે પૂનમના દિવસે હું કોઈને પેમેન્ટ કરતો નથી એ બધાં પૈસા ન ચૂકવવાનાં બહાનાં છે અને હું એ બધી વાતોમાં માનતો નથી અને તમને પણ કહીશ, એવી કોઈ વાતમાં માનતા નહીં. 

અમારી સિરિયલનું કામ ચાલતું હતું એ દરમ્યાન અમારા નવા નાટક ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’નું કામ પણ ચાલતું હતું અને આ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ આવી ગયાં. તમને ખબર જ છે કે જો નાટક પર્ફેક્ટ હોય તો ગ્રૅન્ડ રરિહર્સલ્સ દરમ્યાન અમે નવી વાર્તા પર કામ ચાલુ કરી દઈએ. એ દિવસે પણ એવું જ થયું, પણ એ વાર્તા કઈ અને એ દિશામાં અમે કેવી રીતે આગળ વધ્યા એની ચર્ચા હવે આપણે કરીશું આવતા સોમવારે, કારણ કે શૉટ માટે બોલાવે છે. હા, નવી ફિલ્મનું શૂટ શરૂ થયું છે, જેને માટે હું અત્યારે મધ્ય પ્રદેશ આવ્યો છું.
મળીએ આવતા સોમવારે.

જોક સમ્રાટ

ભૂરો : આપણાં લગન નહીં થઈ શકે.
ભૂરી : કાં, વાંધો શું છે?
ભૂરો : હું શાદી ડૉટકૉમમાં રજિસ્ટર છું ને તું જીવનસાથી ડૉટકૉમ પર...
ભૂરી : તો શું થઈ ગ્યું?
ભૂરો : મારા બાપા બીજી કોમમાં લગન કરવાની ના પાડે છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia