ચર્ચા પ્રૉબ્લેમની નહીં, સોલ્યુશનની કરવાની

08 May, 2023 05:00 PM IST  |  Mumbai | Sanjay Goradia

આ જ મંત્ર સાથે મેં વિનય પરબના ખંડિયેર જેવા ફ્લૅટને ચકચકિત કરી ત્યાં ઑફિસ બનાવી અને જેવી એ પર્ફેક્ટ્લી તૈયાર થઈ ગઈ એટલે વિનય અને કેદાર શિંદેની ઇચ્છા મુજબ સત્યનારાયણની પૂજા કરાવી અમે એમાં પ્રવેશ કર્યો

ઉત્તમ ગડા સાથે કામ કરવાની મારી જે ઇચ્છા હતી એ ઇચ્છા હવે ફળીભૂત થવાની હતી.

વિનય પરબે મને ફ્લૅટની ચાવી આપી અને હું ફ્લૅટ પર ગયો. મને એમ કે ફ્લૅટ બિસમાર હાલતમાં હશે, પણ ના, ફ્લૅટ બિસમાર નહીં, સાવ જર્જરિત હાલતમાં અને ખંડિયેર જેવો થઈ ગયો હતો. મારે બધેબધું નવેસરથી કરવાનું હતું. મને થયું કે હું આમાં કેવી રીતે કામ કરીશ, પણ પછી મને મારો જ મંત્ર યાદ આવ્યો; ચર્ચા પ્રૉબ્લેમની નહીં, સોલ્યુશનની કરવાની. 

અમારા નાટક ‘રૂપિયાની રાણી ને ડૉલરિયો રાજા’નો ભાઈદાસ ઑડિટોરિયમમાં સોલ્ડઆઉટ શો હતો અને બપોરે એ શો પૂરો થયો એ પછી હું, ઉત્તમ ગડા અને વિપુલ મહેતા અમે ત્રણેય બેઠા અને ઉત્તમભાઈએ અમને સ્ટોરી સંભળાવી.

સોશ્યલ કહેવાય એવા એ સબ્જેક્ટમાં વાત દહેજની હતી. એક ઘરમાં નવી વહુ આવે છે. ફૅમિલીવાળા દહેજ માટે બહુ લાલચુ છે એટલે તેઓ વહુને અત્યંત ત્રાસ આપે છે, જુલમ કરે છે. વહુ બિચારી બધું ચૂપચાપ સહન કરે છે અને ફૅમિલી સતત દહેજ માટે તેના પર દબાણ કરતાં-કરતાં જુલમ વધાર્યા કરે છે. વહુ દહેજ લાવતી નથી એટલે એક દિવસ ઘરના બધા મળીને તેને મારી નાખે છે. અહીંથી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે અને વહુ ફરી ઘરમાં આવે છે! બધા હેબતાઈ જાય છે, પણ હકીકત એ છે કે એ વહુની જોડિયા બહેન છે અને બન્ને ડિટ્ટો-ટુ-ડિટ્ટો સરખી દેખાય છે. ઘરમાં આવેલી આ બહેન બધાને સીધાદોર કરે છે. અગાઉ આપણે ફિલ્મોમાં આવી સ્ટોરી જોઈ છે, પણ નાટક માટે આ નવી વાત હતી. અમે મળ્યા ત્યારે વાર્તાનું રૂપ કંઈક જુદું હતું, પણ મેં ઉત્તમભાઈને સજેસ્ટ કર્યું કે આપણે આખી વાતને આ રીતે દેખાડીએ અને એ સાથે મેં સ્ટોરીમાં ઇન્પુટ આપ્યા, જેમાંથી મોટા ભાગના ઉત્તમભાઈએ માન્ય રાખ્યા.

એક સમય હતો જ્યારે ઉત્તમભાઈ પોતાના નાટકની એક લાઇનમાં પણ ફેરફાર થવા દેતા નહીં એ ઉત્તમભાઈમાં પણ હવે સમય મુજબ ચેન્જ આવ્યો હતો. તેમના જેવા બૌદ્ધિકની સામે મારા જેવા ક્ષુલ્લકનાં સજેશન આવે એ વાતને પણ તેઓ સમજીને સ્વીકારી રહ્યા હતા. બીજાં તો મને કોઈ મેજર સજેશન યાદ નથી, પણ અત્યારે તમારી સાથે આ વાત શૅર કરતાં-કરતાં મને એક યાદ આવે છે.

ઉત્તમભાઈની સ્ટોરીમાં એક ઘરજમાઈનું કૅરૅક્ટર હતું, જે કૅરૅક્ટરને કૉમેડી બનાવવું એવું મેં સૂચન કર્યું અને ઉત્તમભાઈએ એ વાત સ્વીકારી લીધી. ઇન શૉર્ટ, કમર્શિયલ રંગભૂમિ માટે જરૂરી કહેવાય એવાં જેકોઈ સજેશન મેં તેમને આપ્યાં એ બધાં તેમણે માન્ય રાખ્યાં અને અમે વાર્તા લૉક કરી.

રંગભૂમિ સિવાયની પણ મારી દુનિયા હવે આગળ વધવા માંડી હતી, જે હતી ટીવી સિરિયલની, પણ એ સિરિયલ-ફ્રન્ટ પર મારી પાસે કંઈ બહુ સારા સમાચાર હતા નહીં. અઢળક પ્રયત્ન કર્યા પછી, ખૂબ ખર્ચા કર્યા પછી પણ અમારી મરાઠી સિરિયલમાં બે પાંદડે થવાય એવું મને દેખાતું નહોતું એટલે મેં કમને ઘણુંબધું મારા હાથમાં લીધું અને ઘણા ખર્ચ પર કાપ મૂક્યો તો સાથોસાથ પ્રોજેક્ટમાં આવી ગયેલા ખોટા લોકોને પણ પ્રોડક્શનમાંથી રવાના કર્યા. મારો પ્રયાસ એક જ હતો કે કોઈ પણ હિસાબે અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ રિકવર કરીએ, પણ અગાઉ કહ્યું હતું એમ, સિરિયલના પ્રી-પ્રોડક્શનમાં એટલો ખર્ચ થઈ ગયો હતો જે અમારા નાનાઅમસ્તા પ્રૉફિટથી સરભર થવાનો નહોતો. 

મેં તમામ પ્રકારની ગણતરી કરી અને છેવટે એ તારણ પર પહોંચ્યો કે જો સિરિયલ લાંબો સમય ચાલી તો અમે નફો નહીં કરીએ. હા, અમે અમારું ઇન્વેસ્ટમેન્ટ છૂટું કરી શકીશું એટલે સારી વાત એક જ દેખાતી હતી કે અમે અમારો લૉસ સરભર કરી લઈશું. એ દિવસોમાં મારા મનમાં એક જ વાત ચાલતી કે કોઈ પણ હિસાબે સિરિયલ ચાલુ રહે, હું મનોમન ઇચ્છતો હતો કે સિરિયલ બંધ ન થાય એવું થજો, પણ એક દિવસ સમાચાર આવ્યા કે ટીઆરપીના અભાવે અમારી સિરિયલ ૨૪૨ એપિસોડમાં બંધ કરવાનું ચૅનલે નક્કી કરી લીધું. ચૅનલ પાસે તો ક્યારેય કોઈનું ચાલ્યું નથી. તમે લડો-ઝઘડો કે પછી કરગરો, એણે જે કરવું હોય એ જ કરે. આ જ વિષય પર આગળ પણ એક વાત આવશે, જેણે મને મારી લાઇફમાં ઑલમોસ્ટ બે વર્ષ પાછળ કરી દીધો, પણ એ વાત આવશે ત્યારે તમને કહીશ. અત્યારે આપણે વાત કરવાની છે, મરાઠી સિરિયલ ‘અજૂનહી ચાંદરાત આહે’ની, જે નાની નુકસાની સાથે બંધ થઈ.

એનું કારણ હતું કે મેં ઝી મરાઠીમાં અમારા આ તોતિંગ સેટના ખર્ચાની ફાઇલ મૂકી હતી અને બહુ લડત બાદ મને એ ખર્ચમાંથી થોડા પૈસા એ લોકોએ આપ્યા હતા. 

મારો પાર્ટનર કેદાર શિંદે તો ઑલરેડી પોતાના ડિરેક્શનની ફી લેતો હતો તો સાથોસાથ તે જે ક્રીએટિવ ઇન્પુટ આપતો એના પણ દર મહિને ફિક્સ પૈસા લેતો હતો. આ જ આવક પર પોતાનું ઘર ચાલે છે એવી ઇમોશનલ વાત કરીને તેણે એ પૈસા જતા કર્યા નહીં. એ સિવાય પણ બધાને પૈસા મળતા હતા, જે કોઈએ જતા કર્યા નહીં એટલે ખોટ માત્ર મારા હિસ્સામાં આવી. આ સિરિયલને કારણે મેં ભોગવેલા માનસિક ત્રાસ અને શારીરિક શ્રમનું મને કોઈ વળતર મળવાનું નહોતું અને મિત્રો, સાચું કહું તો મને એ સ્ટ્રેસ અને ફિઝિકલ લેબર માટે કોઈ તકલીફ નહોતી, તકલીફ હતી એ આર્થિક લૉસની હતી, પણ મારી પાસે એ સ્વીકારવા સિવાય કોઈ છૂટકો નહોતો.

અમારી સિરિયલ પૂરી થઈ એટલે અમે નક્કી કર્યું કે હવે આપણે નવી સિરિયલ પર કામ ચાલુ કરીએ. જગતનો નિયમ છે કે તમે જ્યાં પૈસા ગુમાવ્યા હોય ત્યાંથી તમને પૈસા મળે. આ નિયમને ફૉલો કરતાં અમારી નવી સિરિયલનું કામ શરૂ થયું અને ત્યાં જ કેદાર શિંદેની જે બાંદરાના મ્હાડામાં ઑફિસ હતી એનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવાની વાત આવી. એ જ ઑફિસમાંથી અમે સિરિયલ પ્રોડક્શનનું કામ ચલાવતા હતા. એનું ભાડું મને પોસાતું નહોતું. મને થયું કે જો હું આ ઑફિસના કૉન્ટ્રૅક્ટને રિન્યુ ન કરું તો ખર્ચા પર સારોએવો કાપ આવશે. આવું ધારીને મેં કેદારને ઍગ્રીમેન્ટ વધારવાની ના પાડી દીધી. કેદારે પૂછ્યું કે આપણે કામ ક્યાંથી કરીશું. 

અમારા પાર્ટનર વિનય પરબનો મલાડ લિન્ક-રોડ પર વન બેડરૂમ-કિચનનો એક ફ્લૅટ હતો, જે તેણે વર્ષો પહેલાં ખરીદ્યો હતો. એ ફ્લૅટ તેણે જ્યારે લીધો ત્યારથી હું તેની સાથે જ હતો એટલે મને એ ફ્લૅટની ખબર હતી. ફ્લૅટ લીધા પછી એ ન તો ત્યાં રહેવા ગયો હતો કે ન તો તેણે એ ભાડા પર આપ્યો હતો. ફ્લૅટ એમ જ પડ્યો-પડ્યો સડતો હતો. મેં વિનયને કહ્યું કે તું મને એની ચાવી આપ, આપણે એ ફ્લૅટમાં ઑફિસ શરૂ કરીએ. 

વિનયે ચાવી આપી અને હું ફ્લૅટ પર ગયો. મને એમ કે ફ્લૅટ સાવ બિસમાર હાલતમાં હશે, પણ ના, હું ખોટો પડ્યો. ફ્લૅટ બિસમાર નહીં સાવ જ જર્જરિત હાલતમાં અને ખંડિયેર જેવો થઈ ગયો હતો. મારે બધેબધું નવેસરથી કરવાનું હતું.

મને થયું કે હું આમાં કેવી રીતે કામ કરીશ, પણ પછી મને મારો જ મંત્ર યાદ આવી ગયો. ચર્ચા પ્રૉબ્લેમની નહીં, સોલ્યુશનની કરવાની.

મેં માણસોને બોલાવ્યા અને આખો ફ્લૅટ સાફ કરાવ્યો. પછી ઇલેક્ટ્રિશ્યનને બોલાવીને એડિટિંગ રૂમ માટેનાં જરૂરી કનેક્શન લેવડાવ્યાં, ફર્નિચર બનાવવાનું શરૂ કર્યું અને એ જ ફ્લૅટમાં મારા અને કેદાર શિંદે માટે એક-એક ટેબલ પણ તૈયાર કરાવ્યાં. હવે તાળું ખોલીને સીધી ઑફિસ ચાલુ કરી શકાય એ સ્તરની તૈયારી કરી લીધા પછી અમે ત્યાં સત્યનારાયણની કથા કરાવી, જેમાં કેદાર અને તેની વાઇફ બેલાભાભી બેઠાં. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે હું ભગવાનમાં માનતો નથી, હું નાસ્તિક છું જે અત્યાર સુધીની મારી વાતો વાંચીને કદાચ તમને અણસાર આવી ગયો હોય, પણ મારો પાર્ટનર વિનય ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે અને કેદાર પણ ભગવાનમાં માને એટલે અમે નક્કી કર્યું કે સત્યનારાયણની પૂજા રાખીએ.

પૂજા થઈ અને આમ અમારી સિરિયલ પ્રોડક્શનની નવી ઑફિસની શરૂઆત થઈ. એ ઑફિસમાં ગયા પછી અમે શું કામ કર્યું અને હું વધુ એક વાર કેવી રીતે નુકસાનીમાં ગયો એની પીડાદાયી વાત આગળ આવવાની છે, પણ હવે એ વાત કરીશું હું નૈરોબીથી પાછો આવી જાઉં પછી.

મળીએ ત્યારે નેક્સ્ટ વીક.

જોક સમ્રાટ

એક બ્યુટી પાર્લરની બહાર લખ્યું હતુંઃ
સત્યમ્ છૂપમ્, સુંદરમ્ દિખમ્

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia