15 May, 2023 05:14 PM IST | Mumbai | Sanjay Goradia
બિનિતા દેસાઈ. પચીસ વર્ષની ખાસ્સી જર્ની પછી અમારે બન્નેને વાત થઈ
ગુજરાતી સિરિયલ હતી એટલે બજેટ નાનું હશે એનો મને અંદાજ તો હતો જ, પણ એ બજેટ તો મરાઠી સિરિયલ કરતાં ખૂબ જ બહુ ઓછું હતું. બજેટ ફાઇનલ થયું એ સમયે મને ડર હતો કે આટલા પૈસામાં કામ કેમ થાય? જોકે એ ડર વચ્ચે મને એ પણ ખબર હતી કે કામ કરીએ તો બીજું કામ મળે.
ટીવી-સિરિયલમાં અમે ત્રણ પાર્ટનર. એમાંના એક એવા મારા પાર્ટનર વિનય પરબના મલાડના લિન્ક રોડ પર વન બેડરૂમ કિચનના જર્જરિત ફ્લૅટને મહામહેનતે બેસવા લાયક બનાવી ત્યાં મેં અમારી સિરિયલ પ્રોડક્શનની ઑફિસ બનાવી અને એ પછી વિનય અને કેદાર શિંદેની ઇચ્છાથી અમે સત્યનારાયણની કથા કરાવીને ઑફિસ શરૂ કરી. ગયા સોમવારે તમને કહ્યું એમ હું ભગવાનમાં માનતો નથી, માણસાઈ અને મહેનતમાં માનું છું. ઍનીવે, પૂજા થઈ અને આમ અમારી સિરિયલ પ્રોડક્શનની નવી ઑફિસનો આરંભ થયો.
ઑફિસ શરૂ થયા પછી સવારનો મારો એક નિયમ બની ગયો. હું મારા લોખંડવાલાના ફ્લૅટથી નીકળીને ઑફિસે આવી જઉં. તમે કહો કે મેં મારો આ રોજિંદો નિયમ જ કરી નાખ્યો, પણ અમે જેના આધાર પર ટીવી-સિરિયલ પ્રોડક્શનની ઑફિસ શરૂ કરી હતી તે કેદાર શિંદે ઑફિસમાં ક્યારેય આવ્યો જ નહીં! હા, જે દિવસે અમે પૂ્જા રાખી હતી એ દિવસે કેદાર આવ્યો, પણ એ પછી તેણે ક્યારેય ઑફિસે આવવાની દરકાર દેખાડી જ નહીં. સાચું કહું તો હું હવે મૂંઝાયો હતો. અમારે મરાઠીમાં સિરિયલ કરવાની હતી, પણ કમનસીબે મરાઠી ચૅનલોમાં મારી કોઈ ઓળખાણ નહીં એટલે મને-કમને હું બધું ભૂલીને કેદારની પાછળ પડ્યો. કેદારની એક જ વાત કે હું તમને સિરિયલ લાવી આપીશ, તમે ટેન્શન કરો નહીં. કેદાર આ જ વાત સાથે ઑફિસમાંથી ઍડ્વાન્સ પેમેન્ટ પણ લેતો રહ્યો.
મેં તેને ઘણા રૂપિયા આપ્યા, જે આજ સુધી મને પાછા મળ્યા નથી. અફસોસની વાત એ છે કે મને મોડે-મોડે ખબર પડી કે કેદારે ક્યારેય મરાઠી સિરિયલ માટે કોઈ પ્રયત્નો કર્યા જ નહોતા. હા, અમારી મરાઠી સિરિયલ ‘અજૂનહી ચાંદરાત આહે’ પછી અમે ‘મહારાષ્ટ્રાચી લોકધારા’ નામની મહારાષ્ટ્રનાં લોકગીતો પર એક સિરિયલ કરી હતી, જેના દસથી બાર જ એસિપોડ હતા. એ સિરિયલ માટે અમને ખાસ્સું મોટું બજેટ મળ્યું હતું, પણ એ સિરિયલમાં ખર્ચો પણ બહુ હતો. કેદાર શિંદેએ એ સિરિયલ પણ અમારી પાસે એટલા માટે કરાવી હતી કે તેને કોઈ ઇન્વેસ્ટર જોઈતો હતો. અહીં તમને ટીવી-ચૅનલની એક વાત કહું.
ચૅનલવાળા ક્યારેય શરૂઆતમાં તમને પૈસા આપતા નથી. એ તો તમને ત્યારે જ પેમેન્ટ કરવાનું શરૂ કરે જ્યારે એપિસોડ ઑન-ઍર થાય અને તમને પેમેન્ટ કરવાની તારીખ આવે. એ તારીખ પણ નેવું દિવસ પછીની હોય છે. એ જે સિરિયલ હતી એમાં એક વાત એટલી સારી બની કે કોઈ લૉસ થયો નહીં અને અમારો ખર્ચ સરભર થયો.
હું કેદારની પાછળ ચક્કર લગાવતો રહ્યો અને એક દિવસ મને ખાતરી થઈ ગઈ કે કેદાર અમને મૂરખ બનાવે છે. બન્યું એમાં એવું કે હું મારી ઑફિસમાં બેઠો હતો અને મેં બારીમાંથી જોયું કે કેદાર બાજુના જ બિલ્ડિંગમાં એડિટિંગ કરવા માટે આવ્યો હતો. પોતાનું કામ કરાવીને તે નીકળી ગયો, મને મળવા સુધ્ધાં આવ્યો નહીં. બસ, એ દિવસે મને ખાતરી થઈ ગઈ કે કેદાર ક્યારેય અમારી સાથે કામ કરવાનો નથી. તેને પૈસા જોઈએ છે એટલે તે સિરિયલ નામનો ગોળ અમને કોણીએ લગાવેલો રાખે છે. બાકી તેને કામ કરવામાં કોઈ રસ નથી.
હવે? હવે કરવું શું?
મેં ઑફિસ ચાલુ કરી દીધી હતી, પ્રોડક્શન માટે જરૂરી કહેવાય એવાં મશીનો આવી ગયાં હતાં, એડિટિંગ માટે અગત્યના કહેવાય એવા સૉફ્ટવેર ખરીદી લીધા હતા. આ બધાનો હેતુ એક જ હતો કે ઘરનું સેટઅપ હોય તો ખર્ચ ઘટી જાય. જોકે હવે તો અમારી પાસે કામ જ નહોતું.
મશીન, સૉફ્ટવેર, ઑફિસનું કરવાનું શું?
મેં અઢળક ખર્ચ કરી નાખ્યો હતો. મારે એ બધી રિકવરી કરવાની હતી, પણ કામ વિના રિકવરી થાય કેવી રીતે? નસીબજોગે એક દિવસ મને બિનિતા દેસાઈનો ફોન આવ્યો કે તમારે ઈટીવી માટે ગુજરાતી સિરિયલ પ્રોડ્યુસ કરવી છે? અત્યારે જે કલર્સ ગુજરાતી છે એ ચૅનલ હકીકતમાં એક સમયે ઈટીવી ગુજરાતી હતી, જે ત્યાર પછી નેટવર્ક ૧૮ ગ્રુપે ખરીદી અને એનું નામ ચેન્જ થઈને કલર્સ ગુજરાતી કર્યું.
ઈટીવી અને કલર્સની વાત કર્યા પછી હવે તમને આ બિનિતા દેસાઈની ઓળખાણ આપું. મારા અભિનયવાળું એક નાટક હતું ‘હિમકવચ’. એમાં બિનિતાએ રોલ કર્યો હતો. નાટકમાં મુખ્ય ભૂમિકા ભૈરવી વૈદ્યની હતી, પણ બિનિતાનો બહુ સરસ રોલ હતો. એ નાટક બંધ થયા પછી બિનિતા સાથે મારો સંપર્ક તૂટી ગયો. ત્યાર પછી તે વિપુલ મહેતાની અસિસ્ટન્ટ તરીકે કામ કરવા માંડી અને ત્યાર પછી બિનિતાએ એકતા કપૂરની પણ ઘણી સિરિયલો લખી. આ બિનિતા દેસાઈ મારા સંપર્કમાં ત્યારે આવી જ્યારે ‘અજૂનહી ચાંદરાત આહે’ સિરિયલની ટીઆરપી વધારવા માટે બિનિતા દેસાઈને ઝી મરાઠી તરફથી લાવવામાં આવી અને ત્યારે બિનિતનો મને ફોન આવ્યો કે સંજયભાઈ, તમે આ સિરિયલના પ્રોડ્યુસર છો એ મને ખબર જ નહોતી. લગભગ પચ્ચીસ વર્ષ પછી મારી અને બિનિતાની વાત થઈ હશે.
બિનિતાની આ પચ્ચીસ વર્ષની જર્ની દરમ્યાન તેની ઓળખાણ સંજય ઉપાધ્યાય સાથે થઈ. સંજય ઉપાધ્યાય સિરિયલ ડિરેક્શન અને પછી પ્રોડક્શનમાં આવ્યા અને એ પછી તે ઈટીવી ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ બન્યા એટલે તેમણે બિનિતાને ગુજરાતી સિરિયલ પ્રોડ્યુસર વિશે પૂછપરછ કરી અને બિનિતાએ મારો સંપર્ક કર્યો. નૅચરલી, હું તો તૈયાર જ હતો એટલે મેં તરત હા પાડી. મિત્રો, એ સમયે મને ઑફર આવી ત્યારે મારા પેટમાં પતંગિયાં ઊડવાનાં શરૂ થઈ ગયાં હતાં, પણ મારો એ નિર્ણય સાવ ખોટો હતો જે સમય જતાં મને સમજાયું.
ગુજરાતી સિરિયલ હતી એટલે બજેટ નાનું હશે એનો મને અંદાજ તો હતો જ, પણ એ બજેટ તો મરાઠી સિરિયલ કરતાં ખૂબ જ બહુ ઓછું હતું. બજેટ ફાઇનલ થયું એ સમયે મને ડર હતો કે આટલા પૈસામાં કામ કેમ થાય? જોકે એ ડર વચ્ચે મને એ પણ ખબર હતી કે કામ કરીએ તો બીજું કામ મળે અને એક હકીકત એ પણ હતી કે હવે ઑફિસની જવાબદારી મારી હતી, કેદારને કોઈ રસ નહોતો અને મારે મારી નુકસાનીની સાથોસાથ મારી ઑફિસનો રોજબરોજનો ખર્ચ પણ કાઢવાનો હતો.
મેં સિરિયલની હા પાડી દીધી અને ટીવી-સિરિયલ નામના કાદવમાં હું વધારે ઊંડો ઊતરવાનો શરૂ થયો. કેવી રીતે એની ચર્ચા કરીશું હવે આપણે આવતા સોમવારે.
જોક સમ્રાટ
કાકાને ઑપરેશન માટે લઈ ગયા એટલે કાકાએ ડૉક્ટરને કહ્યું.
કાકા : સાહેબ, ખર્ચ ભલે ગમે એ થાય પણ મારી સેવા માટે નર્સ બે હાઈ ક્લાસ રાખજો.
ડૉક્ટર : કાકા, આ ઉંમરે આવું વિચારો છો તે શરમ નથી આવતી?
કાકા : અરે ના, તમે ખોટું સમજ્યા. દેખાવડી નર્સનું મેં એટલા માટે કહ્યું કે મારો દીકરો તેને મળવાના બહાને સવાર-સાંજ મારી ખબર કાઢવા તો આવશે...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.