03 April, 2023 05:34 PM IST | Mumbai | Sanjay Goradia
‘તું જ મારી મોસમ’ રીઓપન થતું હોય તો પછી નાટકનું ટાઇટલ પણ અમારે એવું જ પોએટિકલ રાખવું જોઈએ એમ ધારીને અમે એ નાટકને નામ આપ્યું, ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ...’
મેં ઍક્ટિંગ કરી હોય એવાં મારા નિર્માણ કરેલાં જે કોઈ નાટકો છે એ એક પણ નાટકમાં મેં લૉસ નથી કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો કે મેં ઍક્ટર તરીકે એવી ગુડવિલ બનાવી હતી કે લોકો બૉક્સ-ઑફિસ સુધી આવે અને નાટક જુએ.
‘ચૂપ રહો ખુશ રહો’ અમારા પ્રોડકશનનું ૬૩મું નાટક, જેના માત્ર ચાલીસ શો થયા પણ હા, આ નાટકમાં અમારું કોઈ આર્થિક નુકસાન થયું નહીં. નાટકના શોમાંથી અમે ખર્ચ સરભર કર્યો તો એના ડીવીડી રાઇટ્સ વેચીને અમે થોડોઘણો પ્રૉફિટ પણ કમાયા. આ નાટક ઍવરેજ રહેવા પાછળનું કારણ પણ મેં તમને ગયા સોમવારે કહ્યું. હું ડિરેક્ટર તરીકે નવો-નવો હતો. બધા મોરચે લડવાનો મને અનુભવ નહીં, જેની અસર નાટક પર પડી પણ હા, મારે એ પણ કહેવું છે કે આ ભૂલ મેં અત્યારે નથી પકડી. મેં એ જ સમયે મારી ભૂલ પકડી એના પર કામ ચાલુ કરી દીધું જેથી હું ભવિષ્યમાં ક્યારેય આ બાબતમાં હેરાન ન થાઉં કે મારી અણઆવડતના ભોગ મારા નાટકે બનવું ન પડે. ભૂલને સુધારવી એ વ્યક્તિની પોતાની ફરજ છે, પણ એ સુધારવા માટે પહેલાં તો ભૂલને ઓળખવી અત્યંત આવશ્યક છે. આજે અમારું નાટક ‘બે અઢી ખીચડી કઢી’ માર-માર ચાલે છે. એ નાટક પણ મેં જ ડિરેક્ટ કર્યું છે. ભૂતકાળમાં પણ મેં જે કોઈ નાટકો કર્યાં એને પણ એવી જ જ્વલંત સફળતા મળી. કારણ માત્ર એક, મેં ભૂલ શોધવાનો પ્રયાસ કર્યો અને ભૂલ મળી ગયા પછી મેં એ સુધારવાની સઘન કોશિશ કરી.
અહીં મારે બીજી પણ એક વાત કહેવી છે. મેં ઍક્ટિંગ કરી હોય એવાં મારાં નિર્માણ કરેલાં જે કોઈ નાટકો છે એ એક પણ નાટકમાં મેં લૉસ નથી કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો કે મેં ઍક્ટર તરીકે એવી ગુડવિલ બનાવી હતી કે લોકો બૉક્સ-ઑફિસ સુધી આવે અને નાટક જુએ.
૨૦૧૧ની ૨૦મી નવેમ્બરે અમે ‘ચૂપ રહો ખુશ રહો’ નાટક ઓપન કર્યું ત્યાં સુધીમાં અમારા પ્રોડક્શન હાઉસનું ડિરેક્શન સંભાળતો વિપુલ મહેતા પણ ફ્રી થઈ ગયો હતો, પણ અમારી મજબૂરી એ હતી કે અમારી પાસે કોઈ વાર્તા તૈયાર નહોતી તો સામે મોટો પ્રૉબ્લેમ પણ એ હતો કે ‘ચૂપ રહો ખુશ રહો’ નાટકે ખાસ કોઈ કમાલ દેખાડી નહોતી. પરિણામે અમારે તાત્કાલિક નવું નાટક શરૂ કરવું પડે એમ હતું.
નાટકની જરૂર અને હાથમાં કોઈ નાટક નહીં.
આવી સિચુએશન જ્યારે પણ ઊભી થાય ત્યારે અમને સંકટની સમયની સાંકળ એવા અમારા લેખક પ્રવીણ સોલંકી યાદ આવે.
અમે ગયા પ્રવીણભાઈ પાસે અને તેમને કહ્યું કે તાત્કાલિક કોઈ નાટક અમને આપો. અમે સ્પષ્ટતા પણ કરી કે કોઈ જૂનું નાટક પણ ચાલશે. હું, પ્રવીણભાઈ અને વિપુલ બેઠા હતા ત્યારે વાત-વાતમાં વિપુલે પ્રવીણભાઈને યાદ કરાવ્યું કે તમે સિદ્ધાર્થ રાંદેરિયાનું એક નાટક ‘તું જ મારી મોસમ’ કર્યું હતું, મારે એ નાટક કરવું છે.
‘તું જ મારી મોસમ’ નાટકની વનલાઇન તમને કહી દઉં.
એક છોકરી છે જે પોતે યાદશક્તિ ગુમાવી બેસે છે અને બધાને ભૂલી જાય છે, પણ તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે એટલે પતિ એ છોકરીને પોતાની યાદ અપાવવાના પ્રયાસોમાં ઘરડો થઈ જાય છે પણ પેલીને કશું જ યાદ આવતું નથી. આ એ નાટકની સ્ટોરીલાઇન. કહેવાનો ભાવાર્થ એવો કે પ્રેમમાં ક્યારેય પ્રયાસ પડતા નહીં મૂકવાના.
એ નાટક મને પણ યાદ હતું અને વિપુલ મહેતાને તો એ નાટક મનમાં વસી ગયું હતું. વિપુલે કહ્યું કે મારે એ નાટક કરવું છે અને અમે એ મીટિંગમાં જ એ નાટક પર મત્તું મારીને નક્કી કરી નાખ્યું કે આપણું નવું નાટક આ હશે. નાટકની જે વાર્તા હતી એ વાર્તા તો અમારી પાસે તૈયાર જ હતી એટલે અમારી સામે કાસ્ટિંગ પણ ક્લિયર હતું.
મીટિંગમાંથી છૂટા પડીને અમે તરત જ નાટકના કાસ્ટિંગ પર લાગ્યા, જેમાં અમે લીડ ઍક્ટર તરીકે નિનાદ લિમયેને લીધો. નિનાદે અગાઉ અમારાં નાટકોમાં કામ કર્યું હતું એ નાટકની વાત વખતે તમને નિનાદનો થોડો પરિચય તો આપી જ દીધો હતો. એમ છતાં કહી દઉં, નિનાદ મૂળ મરાઠી પણ ગુજરાતી પર ઘણી સારી પકડ. અત્યારે તો નિનાદ મરાઠી થિયેટરમાં ખૂબ જ વ્યસ્ત હોય છે તો મરાઠી નાટકોની સાથોસાથ તે વેબ-સિરીઝો પણ કરે છે.
લીડ રોલમાં અમે નિનાદને કાસ્ટ કર્યો એટલે વાત આવી લીડ ઍક્ટ્રેસની, જેના માટે અમે કાસ્ટ કરી ભક્તિ રાઠોડને. માર-માર ચાલતા અમારા નાટક ‘બા રિટાયર થાય છે’ના શો પૂરા થવાની તૈયારીમાં હતી અને ભક્તિ અમારા એ નાટકમાં મોટી વહુનો રોલ કરતી હતી પણ ભક્તિ ફ્રી થઈ જશે એવું લાગતાં અમે નિનાદની સામે ભક્તિને લીધી અને એ પછી અમે શરૂ કર્યું બીજા આર્ટિસ્ટ કાસ્ટ કરવાનું. એમાં અમે હવે અમદાવાદ ફરી સેટલ થઈ ગયેલા નિર્મિત વૈષ્ણવ, અમિતા રાજડા, વિમલ પટેલ અને જગેશ મુકાતીને લીધાં. તમને ખબર જ છે, મારો જિગરજાન એવો જગેશ હવે હયાત નથી અને વિમલ પટેલ પણ ઇન્ડિયા છોડીને કૅનેડા સેટલ થઈ ગયો છે. ઍનીવેઝ, સમય-સમયની વાત છે.
અમે કાસ્ટિંગ પર લાગ્યા એ વખતે પ્રવીણભાઈ નાટક પર લાગ્યા. તેમણે નવેસરથી નાટક લખવાનું નહોતું પણ કન્ટેમ્પરરી એટલે કે આજના સમયના પ્રમાણમાં એમાં થોડાઘણા ચેન્જિસ કરવાના હતા. અમારું કાસ્ટિંગ ચાલતું હતું એ દરમ્યાન તેમણે પોતાનું કામ પૂરું કરી નાખ્યું અને રિહર્સલ શરૂ થયાં. આ નાટકની મેકિંગ પ્રોસેસ બિલકુલ સ્મૂધ હતી અને એ જ કારણ છે જેને લીધે નાટક પણ બહુ સ્મૂધલી ઓપન થયું.
૨૦૧૨ની ૮મી જાન્યુઆરી અને રવિવાર.
અમે અમારું આ નવું નાટક ઓપન કર્યું. આ નાટકની પહેલાં અમે ૨૦ નવેમ્બરે ઓપન કર્યું હતું. ‘ચૂપ રહો ખુશ રહો’ નાટક રિલીઝ થયાના પચાસ દિવસમાં અમે નવા નાટક સાથે તૈયાર હતા. અમારા આ નવા નાટકનો શુભારંભ ચોપાટીસ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે થયો. આ નાટકનું ટાઇટલ હતું, ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’. મૂળ નાટક ‘તું જ મારી મોસમ’ જાણીતા કવિ રમેશ પારેખની એક કવિતાનું મુખડું હતું તો એવી જ રીતે અમે જે ટાઇટલ રાખ્યું હતું એ ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ જાણીતા કવિ તુષાર શુક્લના ગીતનું મુખડું હતું. આ અમારું ૬૪મું નાટક. અમારી ધારણા મુજબ જ નાટક સારું ચાલ્યું અને અમે એના ૧૧૯ શો કર્યા, પણ હા, મારે અહીં એક વાત કહેવી છે. ગુજરાતી રંગભૂમિ પર સોલ્ડઆઉટ શોની જે આખી વ્યવસ્થા છે એને કારણે આ નાટક સારું ગયું હતું. બૉક્સ-ઑફિસ પર આ નાટક ફ્લૉપ ગયું હતું એવું કહું તો ચાલે પણ સોલ્ડઆઉટ શોના કારણે અમે ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટકમાંથી પ્રૉફિટ કર્યો.
‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ નાટક પછી મારું ફોકસ શું હતું અને હું શું કરવા પર લાગ્યો એની વાત હવે આપણે કરીશું આવતા સોમવારે. યુ સી, સ્થળસંકોચ...
જોક સમ્રાટ
ભૂરો કમ્પ્યુટર ઑપરેટરની જૉબ માટે ઇન્ટરવ્યુ આપવા ગયો.
ઇન્ટરવ્યુઅરઃ તમને એક્સએલ ફાવે?
ભૂરોઃ જરાક ઢીલું પડે...
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.