01 May, 2023 04:36 PM IST | Mumbai | Sanjay Goradia
‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’નું પોસ્ટર. આ પોસ્ટરમાં અમે ઈશા કંસારાને હાઇલાઇટ કરતા, પણ એમ છતાં ઈશાનું મન તો ટીવી ને ફિલ્મની દિશામાં જ રહ્યું.
ઉત્તમ ગડાની સ્ક્રિપ્ટની એક લાઇન પણ તમે તેમને પૂછ્યા વિના બદલી ન શકો. તેમણે ‘મિડ-ડે’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું લખું છું ત્યારે પૂર્ણવિરામ અને અલ્પવિરામ પણ વિચાર્યા વિના વાપરતો નથી તો પછી સ્વાભાવિક છે કે મેં લખેલો દરેક શબ્દ અર્થપૂર્ણ જ હોવાનો.
૨૦૧૨ અને ૧૮મી માર્ચ, રવિવાર.
સાંજે ૭ઃ૪પ કલાક અને તેજપાલ ઑડિટોરિયમ.
અમારા નવા નાટક ‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’ ઓપન થયું અને નાટક સરસ ગયું પણ નાટકના જેવા થોડા શો થયા કે તરત અમારી લીડ ઍક્ટ્રેસ ઈશા કંસારાએ આવીને કહ્યું કે મને બીજી સિરિયલ મળી ગઈ છે, જેનું શૂટિંગ ચાલુ થવાનું હોવાથી હું ફલાણી તારીખથી નાટક નહીં કરું.
મને ખાતરી હતી કે ઈશાના કેસમાં આવું જ બનવાનું છે પણ... કરવાનું શું?
શો મસ્ટ ગો ઑન.
અમારે તો નાટક આગળ વધારવાનું જ છે એટલે બીજી ચર્ચામાં પડ્યા વિના અમે કામે લાગ્યા કે ઈશાની જગ્યાએ હવે કોને લેવી? એક વર્ષ અગાઉ સુરેશ રાજડાના નાટકની વર્કશૉપમાં લેક્ચરર માટે ઇન્વિટેશન આવ્યું હતું. એ વર્કશૉપની વાત કરતાં પહેલાં તમને સુરેશ રાજડાનો પરિચય આપી દઉં. આમ તો એ વ્યક્તિ એવી કે તેમના પરિચયની કોઈ જરૂર જ નથી એમ છતાં આ ફૉર્માલિટી પૂરી કરીએ.
ઇન્ડિયન નૅશનલ થિયેટર સમયથી સુરેશ રાજડા નાટક લાઇનમાં સક્રિય. એક સમયે તેમનાં સસ્પેન્સ-થ્રિલર નાટકોની જબરદસ્ત ડિમાન્ડ હતી. રાજડા દર વર્ષે સમર વેકેશનમાં ડ્રામા વર્કશૉપ કરતા. આ વર્કશૉપમાં તેઓ ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા અમુક લોકોને ગેસ્ટ લેક્ચર માટે પણ બોલાવે. એક વર્ષે પહેલાં તેમણે મને બોલાવ્યો હતો અને એ વર્કશૉપમાં મારી નજર એક છોકરી પર સ્થિર થઈ.
વર્કશૉપમાં તો ઘણા સ્ટુડન્ટ હતા પણ એ બધામાં એક છોકરી મને બહુ બ્રાઇટ લાગી. નામ તેનું તોરલ ત્રિવેદી. તેની વાત કરવાની, પ્રશ્નો પૂછવાની રીતભાતમાં એક સ્પાર્ક હતો. ઈશા કંસારાના રિપ્લેસમેન્ટ સમયે મેં વિપુલને વાત કરી કે તોરલ ત્રિવેદીને આપણે આ નાટકમાં લઈએ, તે આ રોલ બહુ સરસ રીતે કરી શકશે અને આમ એસ્ટાબ્લિશ્ડ ઍક્ટ્રેસ એવી ઈશા કંસારાની સામે અમે ન્યુકમર કહેવાય એવી તોરલને લાવ્યા. આંકડાની દૃષ્ટિએ તમને કહું તો ઈશાએ લગભગ ચાલીસેક શો કર્યા હતા અને નાટક કુલ ૧૯૧ શો ચાલ્યું. મતલબ કે તોરલે દોઢસો શો કર્યા. એક પણ જગ્યાએથી આ રિપ્લેસમેન્ટ માટે બૂમાબૂમ થઈ નહીં. ઑડિયન્સને તોરલનું કામ બહુ ગમ્યું અને એટલે જ તોરલે ઈશા કરતાં ઑલમોસ્ટ સાડાત્રણગણા શો કર્યા. ત્યાર બાદ અમદાવાદની લાંબી ટૂરને કારણે અમે અલ્પના બુચની જગ્યાએ ભાવિશા ઠાકુરને લાવ્યા. ભાવિશા હવે ગોહિલ થઈ ગઈ છે. તેણે નાટ્યનિર્માતા તેજસ ગોહિલ સાથે લગ્ન કર્યાં છે. ભાવિશાનું આ મુંબઈની ગુજરાતી રંગભૂમિ પરનું પહેલું નાટક હશે. એક વાર ભાવિશા મને પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ પર મળવા આવી અને નાટકમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી અને આમ એ ‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’માં આવી. નાટક સુપરડુપર હિટ થયું. ચૅરિટી શોમાં તો તેણે રીતસર ધમાલ મચાવી તો બૉક્સ-ઑફિસ પર પણ એ ઠીક રહ્યું. આ નાટકમાં હું મેઇન રોલમાં નહોતો પણ હું ભૂમિકા તો કરતો જ હતો. નાટક સુપરહિટ થવા પાછળ મારું પણ એક પ્રદાન હતું એવું હું નમ્રભાવે કહીશ, કારણ કે નાટકમાં મારી સાઇડ ભૂમિકા હોવા છતાં પણ એની ઍડમાં મારો ફોટો મોટો આવતો અને ઑડિયન્સ એ ફોટો જોઈને નાટક જોવા આવતા.
માર્ચ મહિનો ચાલતો હતો અને ૨૦૧૨ને શરૂ થયાને હજી માંડ ત્રણ મહિના થયા હતા પણ ત્યાં અમારાં બે નાટક આવી ગયાં. ૨૦૧૧ની વાત કરું તો એ એક વર્ષમાં અમે ‘બાબલાભાઈ કે બેબલીબહેન’, ‘સંસારની સેમી ફાઇનલ’, ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’, ‘એક સાંવરિયો બીજો બાવરિયો’, ‘બા રિટાયર થાય છે’ અને ‘ચૂપ રહો ખુશ રહો’ એમ છ નાટકો કર્યાં હતાં.
‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’ સ્ટ્રીમ-લાઇન થયા પછી અમે ફરીથી વિચારણામાં લાગ્યા કે હવે કયું નાટક કરવું. અમારી વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી એ દરમ્યાન જ એક દિવસ મને ઉત્તમ ગડાનો ફોન આવ્યો. ઉત્તમ ગડા એટલે ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ લેખકો પૈકીના એક, ખૂબ વિદ્વાન. વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ નાટ્યલેખનમાં ૧૯૮૦થી કાર્યરત. આપણા સૌના કમનસીબે તેમનું દોઢ-બે વર્ષ પહેલાં જ કૅન્સરના કારણે નિધન થયું. ઉત્તમભાઈએ ખૂબ સરસ નાટકો ગુજરાતી રંગભૂમિને આપ્યાં, જેમાંથી અમુક નાટકો તો એ સ્તરનાં હતાં કે ઑડિયન્સ માટે પચાવવાં પણ અઘરાં પડે. ઉત્તમભાઈની એક બીજી વાત કહું, એ પરેશ રાવલના ફેવરિટ લેખક. પરેશભાઈ સાથે તેણે ‘મહારથી’, ‘મૂળરાજ મૅન્શન’ જેવાં અનેક નાટકો કર્યાં છે. કહેવાનો ભાવાર્થ એ કે પરેશભાઈની કરીઅરમાં ઉત્તમભાઈનો બહુ મોટો ફાળો.
એક સમયે ગુજરાતી રંગભૂમિ પર કહેવાતું કે ઉત્તમ ગડાની સ્ક્રિપ્ટની એક લાઇન પણ તમે તેમને પૂછ્યા વિના બદલી ન શકો એવો તેમનો રોફ હતો અને એ રોફ વાજબી પણ હતો. તેમણે ‘મિડ-ડે’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે હું લખું છું ત્યારે પૂર્ણવિરામ અને અલ્પવિરામ પણ વિચાર્યા વિના વાપરતો નથી તો પછી સ્વાભાવિક છે કે મેં લખેલો દરેક શબ્દ અર્થપૂર્ણ જ હોવાનો.
જો તમારે તેમની સ્ક્રિપ્ટમાં કોઈ ચેન્જ કરવો હોય તો તમારે તેમની પરમિશન લેવાની, એ હા પાડે તો જ તમે એમાં ચેન્જ કરી શકો. પણ મિત્રો, અમે રહ્યાં જંગલનાં પ્રાણીઓ, ત્યાં જ ઊછર્યાં ને ત્યાં જ મોટાં થયાં. અમને આ પ્રકારનાં કોઈ બંધનો ફાવે નહીં અને આમ પણ મારે તો મારા શફી ઇનામદાર અને શૈલેશ દવે જાતે જ ઊભા કરવાના હતા એટલે અમુક સ્થાપિત લોકોને બાજુ પર મૂકી હું નવા-નવા લોકો સાથે કામ કરવા લાગ્યો હતો અને મિત્રો, આજે પણ હું એ જ નીતિ રાખું છું. નવો કોઈ પણ આવે હું તેને આવકારું અને જો તેનામાં દમ હોય તો બીજી જ ક્ષણે હું તેને ટીમમાં સામેલ પણ કરી લઉં. ઍનીવેઝ, ફરી આવીએ ઉત્તમભાઈવાળી વાત પર.
અમે અમારા મુજબ સ્ક્રિપ્ટમાં નાના-નાના ફેરફારો કરતા જ હોઈએ અને એ જરૂરી પણ હોય, જો અમે લેખકને પૂછવા કે એની પરમિશનની રાહ જોવા ઊભા રહીએ તો અમારું કામ ધાર્યા સમયમાં પૂરું ન થાય એટલે ઉત્તમભાઈનો ફોન આવ્યો ત્યારે મને પહેલો વિચાર તો આ જ મનમાં આવ્યો હતો કે આમની સાથે કામ કરવું અઘરું પડી શકે. આ જ વિચારની સાથે મનમાં એ વાત પણ બહુ સ્પષ્ટ હતી કે ઉત્તમભાઈ સાથે કામ તો કરવું જ જોઈએ. આવી જ મારી ઇચ્છા મધુ રાય સાથે કામ કરવાની રહી છે, જે હજી સુધી પૂરી થઈ નથી એ તમારી જાણ ખાતર.
ઉત્તમભાઈ ઘણા સમયથી નાટક લખતા નહોતા એ મારા ધ્યાનમાં હતું પણ એ દિવસે તેમણે ફોન કરીને મને કહ્યું કે સંજય મારી પાસે એક વાર્તા છે, જે મારે તને સંભળાવવી છે.
મને આજે પણ યાદ છે એ દિવસ.
‘રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા’નો એ દિવસે ભાઈદાસમાં સોલ્ડઆઉટ શો હતો. બપોરનો એ શો પૂરો થયા પછી હું, ઉત્તમભાઈ અને વિપુલ મહેતા અમે ત્રણેય બેઠા અને તેમણે અમને સ્ટોરી સંભળાવી. એ સ્ટોરી કઈ હતી અને અમે એના પરથી નાટક બનાવ્યું કે નહીં એની ચર્ચા હવે આપણે કરીશું આવતા સોમવારે. અત્યારે મારે અમારું નવું નાટક લઈને દાર-એ-સલામ નીકળવાનું છે અને બોર્ડિંગ શરૂ થઈ ગયું છે.
મળીએ આવતા સોમવારે.
જોક સમ્રાટ
પતિના ખરાબ મૂડ અને પત્નીના ખરાબ મૂડ વચ્ચે બહુ ફરક છે.
પતિનો ખરાબ મૂડ વાઇરલ ફીવર જેવો છે, એને જ અકળાવ્યા કરે પણ પત્નીનો ખરાબ મૂડ કોરોના જેવો છે. સંપર્કમાં આવનારા બધાને અડફેટે લે.
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.