23 January, 2023 04:50 PM IST | Mumbai | Sanjay Goradia
ફિલ્મ ‘ગાંધી માય ફાધર’માં દર્શન જરીવાલાએ મહાત્મા ગાંધીને અદલોઅદ્દલ રજૂ કરીને દેશ-દુનિયામાં વાહવાહી મેળવી હતી.
રંગભૂમિ પરથી ટીવી કે ફિલ્મોમાં ગયેલો કલાકાર જ્યારે પણ ફ્રી થાય કે તરત તેને સ્ટેજ યાદ આવે અને નાટક કરવાનું રીતસર શૂરાતન ચડે. અઢળક કલાકારો એવા છે જેઓ ટીવી અને ફિલ્મો પછી ફરીથી સ્ટેજ પર પાછા આવ્યા છે. એનું કારણ પણ છે. અહીં તમને તાળીઓ પણ તરત જ મળે અને ગાળો પણ ઑડિયન્સ ઇમિજિયેટલી આપી દે.
‘એવરીબડી’ઝ ફાઇન’. હા, આ ફિલ્મ પરથી ડિરેક્ટર વિપુલ મહેતાને એક નાટક કરવાનું સૂઝ્યું અને અમે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. ફ્રૅન્ક્લી કહું તો મને એ સબ્જેક્ટમાં બહુ મજા નહોતી આવી, પણ વિપુલને કૉન્ફિડન્સ હતો એટલે મેં હામી ભણી અને આમ અમારા નવા નાટકનું કામ શરૂ થયું. ‘એવરીબડી’ઝ ફાઇન’ની સ્ટોરી મેં તમને ગયા સોમવારે કહી હતી. વાર્તા એક એવા માણસની હતી જેના સ્વભાવને કારણે તેને ફૅમિલીના લોકો છોડી દે છે અને એક દિવસ એ માણસને આત્મજ્ઞાન થાય છે કે આ યોગ્ય નથી. તે હવે નક્કી કરે છે કે હું મારાં દીકરા-દીકરીના ઘરે જઈને તેમની સાથે ફરી સંબંધો સ્થાપવાના પ્રયત્નો કરીશ અને અહીંથી એ માણસની જર્ની શરૂ થાય છે.
હવે વાત આવી કે નાટક લખાવીએ કોની પાસે? અને મારા મનમાં પહેલું જ નામ આવ્યું મિહિર ભુતાનું. મિહિર સાથે મારો સંબંધ ચાલીસ વર્ષ જૂનો. ચાલીસ વર્ષ પહેલાં મારા ગુજરાતી બાળનાટક ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’નાં ગીતો મિહિરે લખ્યાં હતાં. મિહિર ખૂબ જ સારો લેખક. તેણે ‘ચાણક્ય’ નામનું યુગસર્જક નાટક લખ્યું જે બધા જ જાણે છે. આ ઉપરાંત પણ તેણે અનેક સિરિયલો લખી, સરદાર પટેલ પર ફિલ્મ બનાવી અને નાટક પણ કર્યું. કહેવાનો ભાવાર્થ એ કે મિહિરે પુષ્કળ કામ કર્યું છે. આ મિહિરની બીજી પણ એક વાત કહું. નરેન્દ્ર મોદી સાથે તેને ખૂબ સારા સંબંધો. એમ કહું તો પણ ચાલે કે મિહિર અને તેની વાઇફ માધવી પર નરેન્દ્ર મોદીને અંગત પ્રીતિ. જોકે મિહિરે ક્યારેય એ વાતનો દેખાડો નથી કર્યો એ તેની સૌમ્યશીલતા. ઍનીવે, ફરી પાછા આવી જઈએ આપણે નાટક પર.
મારા મનમાં નામ આવ્યું મિહિરનું એટલે અમે લોકો ગયા મિહિર પાસે. મિહિરને મેં નાટક લખવા કહ્યું તો તરત જ તેણે હા પાડી.
‘પેમેન્ટ્સ ટર્મ્સ શું રહેશે?’ મેં સહજ રીતે જ ચોખવટ સાથે પૂછી લીધું, ‘તું પૈસા કેટલા લેશે?’
મિહિરે જે જવાબ આપ્યો એ સાંભળીને હું ખરેખર દંગ રહી ગયો.
‘નાટક માટે પૈસા ગૌણ છે. તારે જે આપવું હોય એ આપજે.’
મને આ જવાબ ખૂબ જ ગમ્યો. અફકોર્સ, મિહિરના આ જવાબને અમે ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાને બદલે તેને પ્રૉપર પેમેન્ટ જ કર્યું હતું. જોકે વાત અહીં અપ્રોચની છે. તમે ક્યાં કામ કરો છો અને તમને એ સ્થાનેથી કેવું મહત્ત્વ પ્રાપ્ત થયું છે એ કોઈએ ભૂલવું ન જોઈએ. મેં અગાઉ પણ કહ્યું છે કે મારા માટે દરેક તબક્કે પૈસો મહત્ત્વનો નથી હોતો અને એવું જ હોવું જોઈએ. કામ મહત્ત્વનું છે. જો કામમાં તમે યોગ્યતા જાળવી રાખો તો પૈસો બાય-પ્રોડક્ટ તરીકે આવવાનો જ આવવાનો. મિહિર જેવો જ સ્વભાવ અમારા એક કવિ મિત્રનો પણ છે. નામ તેમનું મુકેશ જોશી. બહુ મોટું નામ. ઘણું કામ તેમણે કર્યું છે.
મુકેશ જોષી પાસે મેં એક વાર ટીવી-સિરિયલનું ગીત લખાવ્યું. સિરિયલનું ટાઇટલ સૉન્ગ હતું. તેમને સિચુએશન અને સબ્જેક્ટની વનલાઇન નરેટ કર્યાના બીજા જ દિવસે તેમણે મને ગીત લખીને મોકલી દીધું. મેં તેમને પૂછ્યું કે પેમેન્ટ કેટલું કરવાનું છે? તો તેમણે હસતાં-હસતાં મને કહ્યું કે આના તે કઈ પૈસા હોતા હશે, કોઈ પેમેન્ટ નથી કરવાનું સંજયભાઈ. કહેવાનો મતલબ એ કે આજે પણ આપણે ત્યાં આવા લેખક-કવિ છે જે ખરેખર સરસ્વતીની આરાધના કરતા હોય એ જ સ્તર પર ભાવનાત્મક કામ કરે છે.
આપણે ફરી આપણા નાટકની વાત પર આવીએ એ પહેલાં ટીવી-સિરિયલની વાત નીકળી છે તો અત્યારે એટલું માત્ર કહી દઉં કે ૨૦૧૧માં મેં ટીવી પ્રોડક્શન કંપની શરૂ કરી હતી, જેમાં ગુજરાતી-મરાઠી સિરિયલોનું પ્રોડક્શન કરતો. જોકે એની વિગતે વાત ત્યારે જ્યારે આપણે ૨૦૧૧ના વર્ષમાં પ્રવેશીએ. અત્યારે આપણે વાત કરવાની છે નવા નાટકની. નાટકમાં લેખક તરીકે મિહિર ભુતા ફાઇનલ થયા પછી વાત આવી કાસ્ટિંગની.
નાટકમાં મુખ્ય ભૂમિકા જેની હતી એ બાપના રોલ માટે અમને કોઈ વજનદાર નામ જોઈતું હતું, એવું વજનદાર નામ જેને જોવા માટે ઑડિયન્સ થિયેટર સુધી ખેંચાઈ આવે. તમને ગયા સોમવારે જ કહ્યું હતું કે હવે રંગભૂમિ એ તરફ ખેંચાતી હતી જ્યાં મોટું નામ કે કૉમેડી સબ્જેક્ટની બોલબાલા રહેતી.
આ પણ વાંચો : ડેટ્સનું લાઇનઅપ અને સોલ્ડ-આઉટ પાર્ટીના શોનું ટેન્શન
અમે દર્શન જરીવાલાને લીડ રોલ માટે પૂછ્યું અને દર્શને વાર્તા સાંભળીને તરત જ હા પાડતાં કહી દીધું કે મારે આ નાટક કરવું છે. મિત્રો, દર્શન અત્યારે તો ફિલ્મો અને વેબ-સિરીઝ, ટીવી-સિરિયલમાં બહુ બિઝી રહે છે અને એ સમયે પણ એવું જ હતું. તેણે કરેલી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’નાં ક્રિટિકલી બહુ વખાણ થયાં હતાં અને ફિલ્મ છેક નૅશનલ અવૉર્ડ સુધી પહોંચી અને દર્શનને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો, પણ એ સમયે વેબ-સિરીઝ કે ટીવી-સિરિયલનું પ્રોડક્શન આ સ્તરે વિસ્તર્યું નહોતું એટલે દર્શન થોડોક અવેલેબલ હતો. બીજી વાત, દર્શન હંમેશાં ચૂઝી રહ્યો છે એટલે કંઈ પણ આવી જાય એવું કરવામાં પણ તે માને નહીં. આ સિવાયની એક ઓર વાત કહું. રંગભૂમિમાંથી ટીવી કે ફિલ્મોમાં ગયેલો કલાકાર જ્યારે પણ ફ્રી થાય કે તરત તેને સ્ટેજ યાદ આવે અને નાટક કરવાનું રીતસર શૂરાતન ચડે. તમે જુઓ, અઢળક કલાકારો એવા છે જે ટીવી અને ફિલ્મો પછી ફરીથી સ્ટેજ પર પાછા આવ્યા છે એનું કારણ પણ આ જ છે. લાઇવ આર્ટની આ જ મજા છે. તમને તાળીઓ પણ તરત જ મળે અને ગાળો પણ ઑડિયન્સ ઇમિજિયેટલી આપી દે.
ઍનીવે, દર્શન જરીવાલાએ લીડ રોલ માટે હા પાડી દીધી એટલે મને થોડોઘણો હાશકારો થયો અને અમે લાગ્યા અન્ય કાસ્ટિંગ પર.
ડ્રગ્સના રવાડે ચડી ગયેલા દર્શનના દીકરાનો રોલ પણ અગત્યનો હતો, જેના માટે અમે મિહિર રાજડાને કાસ્ટ કર્યો. મિહિર અત્યારે મરાઠી સિરિયલમાં ખૂબ મોટું નામ થઈ ગયું છે, જબરદસ્ત ફેમસ પણ થયો છે. મિહિર પોતે ખૂબ સારો લેખક પણ છે. મિહિર નાટકમાં આવ્યો એ પછી અમે નિર્મિત વૈષ્ણવને કાસ્ટ કર્યો. નિર્મિતનો અવાજ ખૂબ સારો અને તે ઍક્ટર પણ એટલો જ સરસ. નિર્મિત હવે તો અમદાવાદ સ્થાયી થઈ ગયો છે અને અમદાવાદમાં ‘બૉમ્બે સ્ટ્રીટ’ નામની રેસ્ટોરાં ચલાવે છે. ‘બૉમ્બે સ્ટ્રીટ’માં તમને મુંબઈનું મોટા ભાગનું સ્ટ્રીટ-ફૂડ મળી રહે. ભાઈદાસ સામે મળતા અને ટિપિકલ ચટણી ધરાવતા ઢોસા જેવા જ ઢોસા પણ તમને મળે અને વડાપાંઉ પણ તમને મળે. ઑથેન્ટિસિટી અકબંધ રાખવા નિર્મિત ખાસ મુંબઈથી કારીગર લઈ ગયો છે.
નિર્મિત એ સમયે મુંબઈમાં હતો અને અમે તેને નાટકમાં કાસ્ટ કર્યો. એ પછી અમે કાસ્ટ કરી દ્રુમા મહેતાને. દ્રુમાની એક ખાસ વાત કહું. તે બહુ સારી તબલાવાદક છે. અમારા આ નાટક સમયે તે અમદાવાદથી નવી-નવી જ મુંબઈ આવી હતી. દ્રુમા પછી અમે કાસ્ટ કર્યો સ્વપ્નિલ અઝગાંવકરને. તેની સાથે હું ફરી વાર નાટક કરતો હતો. સ્વપ્નિલની ઓળખાણ અગાઉ આપી છે એટલે તેના વિશે અત્યારે વાત નથી કરતો. દ્રુમા અને સ્વપ્નિલ પછી અમે અનાહિતા જહાંબક્ષ નામની ઓરિજિનલ સુરતની એવી પારસી છોકરીને કાસ્ટ કરી. પારસી હોવા છતાં અનાહિતા બહુ સરસ ગુજરાતી બોલે. ઍક્ટ્રેસ પણ સરસ એટલે અનાહિતાને અમે કાસ્ટ કરી. એ પછી વાત આવી બાળકલાકારની. આ બાળકલાકાર તરીકે અમે કાસ્ટ કર્યો પ્રથમ ભટ્ટને. પ્રથમ હવે તો મોટો થઈ ગયો છે અને ખૂબબધાં નાટકો કરે છે. અત્યારે તે ‘કાકા કો કુછ કુછ હોતા હૈ’માં ઍક્ટિંગ કરે છે તો તેણે લખેલું નાટક ‘તારી મારી મગજમારી’ થોડા સમય પહેલાં જ ઓપન થયું. એ મારી વેબ-સિરીઝ ‘ગોટીસોડા’માં મારા દીકરાનો રોલ પણ કરે છે.
કાસ્ટિંગ પૂરું થયું અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. રિહર્સલ્સ અને એ સિવાયની બીજી વાતો સાથે આપણે મળીએ હવે આવતા સોમવારે.
જોક સમ્રાટ
વાઇફ : સાંભળો, આ મેઇડ ચોરી કરે છે. બે ટુવાલ ઘરમાંથી ગુમ છે.
હસબન્ડ : કયા બે ટુવાલ?
વાઇફ : આપણે શિમલા ગયા ત્યારે હોટેલમાંથી લીધા હતા એ બે ટુવાલ...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)