09 January, 2023 05:54 PM IST | Mumbai | Sanjay Goradia
નિનાદ લિમયે બહુ સારો ઍક્ટર. મૂળ મરાઠી. પણ હવે તેણે ગુજરાતી રંગભૂમિ પર પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે.
મરાઠી રંગભૂમિ પર થિયેટરની તારીખોનું બહુ જ મોટું કૌભાંડ ચાલે છે. મરાઠી નાટક માટે પોતાની જે ડેટ અલૉટ થઈ હોય એ ડેટ તમે અમુક દિવસોમાં બીજા કોઈ પણ ગ્રુપ કે પ્રોડ્યુસરને નાટક માટે આપી શકો. નિયમોમાં છીંડાં શોધીને મરાઠી નિર્માતા અને થિયેટરના બુકિંગ ક્લર્કો એનો પૂરો ગેરલાભ લે છે.
તમને ગયા સોમવારે કહ્યું એમ અમારું નવું નાટક ‘બાબલાભાઈ કે બેબલીબેન’ ભૂંડી રીતે ઘૂસી ગયું એટલે અમને તાત્કાલિક નવા નાટકની જરૂર પડી. નાટકને બચાવવા માટે અમે અમારી રીતે તમામ પ્રયાસો કરી લીધા, પણ નાટક બચે એવું દેખાયું નહીં એટલે અમે મળ્યા પ્રવીણ સોલંકીને. પ્રવીણભાઈની સૌથી મોટી ખાસિયત એ કે તમે તેમને કાળી રાતે ઊંઘમાંથી જગાડીને પણ નાટક માગો એટલે એ તેમની પાસે હોય જ હોય.
પ્રવીણભાઈએ અમને એક વાર્તા સંભળાવી. વાર્તા અમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. તમને એની વનલાઇન કહું. શહેરનો એક બહુ મોટો લૉયર છે. બહુ હોશિયાર અને સિદ્ધહસ્ત કહેવાય એવો લૉયર. મોટામાં મોટા ક્રિમિનલથી માંડીને કાળા ધંધા કરતા પૉલિટિશ્યનોને કોર્ટમાં બચાવવાનું કામ એ લૉયર કરે છે, જેને કારણે તે બહુ પૈસા કમાય છે. પૈસા કમાવા એ જ તેનું ધ્યેય છે અને એટલે તે કોઈ પ્રકારના સિદ્ધાંત કે આદર્શને ફૉલો કર્યા વિના ખોટા લોકોને સજા અપાવવાને બદલે ખોટા લોકોને છોડાવવાનું કામ કરતો રહે છે.
આ જે લૉયર છે તેની માને દીકરાનું આ કામ ગમતું નથી. દીકરો અસત્યને સતત સાથ આપે છે એ વાતનો તે વિરોધ પણ કરે છે તો માની સાથોસાથ વકીલની વાઇફને પણ પતિનું આ કામ ગમતું નથી. બન્ને વચ્ચે ફરક છે. વાઇફ બિચારી બોલી નથી શકતી એટલે તે મન મારીને ચૂપ રહે છે, પણ મા દીકરાનો વિરોધ કરતી રહે છે. એક દિવસ ઘરમાં એક બાઈ આવે છે અને વકીલને કહે છે કે મારો પતિ નિર્દોષ છે, પણ તેને ખોટા કેસમાં ફસાવીને પોલીસ પકડી ગઈ છે અને જેલમાં ધકેલી દીધો છે. બાઈ વકીલના પગ પકડે છે કે પ્લીઝ, તમે મારા પતિને બચાવો.
બાઈની મજબૂરી એ છે કે તેની પાસે પૈસા નથી. પેલો લૉયર એ કેસ લડવાની ના પાડી દે છે અને એ જ સમયે ઘરમાં પૉલિટિશ્યન આવે છે. પૉલિટિશ્યન વકીલના હાથમાં લાખો રૂપિયાની ફી મૂકીને એ જ કેસ લડવા માટે કહે છે અને વકીલ કેસ લડવા તૈયાર થઈ જાય છે. કેસ ચાલુ થયા પછી વકીલને ખબર પડે છે કે તે જેનો કેસ લડે છે એ તેનો જ કોઈ સગો છે. આ હૃદય પરિવર્તનનો પૉઇન્ટ છે અને કઈ રીતે વકીલ સાચા રસ્તે આગળ વધે છે એની આખી વાત છે.
આ પણ વાંચો : અગાઉથી જાણ કર્યા વિના જ શર્મનને સ્ટેજ પર બોલાવી લીધો એટલે તે નારાજ થયો
અમને નાટકની સ્ટોરી ગમી ગઈ. ગમી શું કામ એનું કારણ પણ કહું. આ એક સામાજિક નાટક હતું જે બધાં જૈન સોશ્યલ ગ્રુપ અને અન્ય સોશ્યલ ગ્રુપમાં બહુ સરળતાથી ઍક્સેપ્ટ થાય એમ છે. એ સમયે અમને મેક-ટુ-ઑર્ડર કહેવાય એવું જ નાટક જોઈતું હતું. ફટાફટ નાટક બને, શો વેચાય અને પબ્લિક શો માટે અમે જે ડેટ્સ લીધી હોય એ પણ વપરાશમાં આવી જાય એ જ અમારો હેતુ હતો. મિત્રો, મારે અહીં કહેવું છે કે ગુજરાતી રંગભૂમિ પર નાટકોની ડેટ્સ મૅનેજ કરવી એ બહુ મોટું કમઠાણ છે.
મોટા ભાગનાં થિયેટરોમાં તમારે ત્રણ મહિનાના ક્વૉર્ટર માટે, ત્રણ મહિના પહેલાં તો અમુક થિયેટરોમાં તમારે બે મહિના પહેલાં ઍપ્લિકેશન કરવાની. એ પછી તમને ડેટનું અલૉટમેન્ટ આવે. ડેટ્સ મળે એટલે તમારે તરત ભાડું ભરી દેવાનું. મુંબઈનાં મોટા ભાગનાં થિયેટરોમાં અંદર-અંદર એટલે કે બે પાર્ટી એકબીજા સાથે ડેટની એક્સચેન્જ કરી શકે; પણ હા, એ સમયે તેજપાલમાં આવી કોઈ છૂટ નહોતી એટલે જો તેજપાલમાં તમે એક વાર ભાડું ભરી દીધું હોય અને તમે એ દિવસે શો ન કરી શકો તો તમારું ભાડું જાય. ધારો કે તમે ભાડું ભરી દીધું હોય તો પછી તમે એ ડેટ ખાલી પણ ન રાખી શકો. કાં તો નાટક કરો અને નહીં તો તેજપાલને ડેટ સરેન્ડર કરો, જેથી તેજપાલનું મૅનેજમેન્ટ બીજાને ઑડિટોરિયમ આપી શકે. હા, એ પણ કહેવાનું કે બીજું કોઈ એ દિવસ માટે ઑડિટોરિયમ રાખી લે તો એની પાસેથી જે ભાડું આવે એ તેજપાલને જ મળે. તમારું તો ભાડું ગયું જ.
જોકે બીજાં થિયેટરોમાં પણ તારીખો બદલવાના ઘણા કડક નિયમો છે જે બહુ જરૂરી છે, કારણ કે મરાઠી રંગભૂમિ પર થિયેટરોની તારીખોનું બહુ જ મોટું કૌભાંડ ચાલે છે. એમાં એવું છે કે મરાઠી નાટક માટે પોતાને જે ડેટ અલૉટ થઈ હોય એ ડેટ તમે અમુક દિવસોમાં બીજા કોઈ પણ ગ્રુપ કે પ્રોડ્યુસરને નાટક માટે આપી શકો. નિયમોમાં છીંડાં શોધીને મરાઠી નિર્માતા અને થિયેટરોના બુકિંગ ક્લર્કો એનો પૂરો ગેરલાભ લે છે અને પોતાની પ્રીમિયમ ડેટ બ્લૅકમાં વેચે છે. આવું દૂષણ ગુજરાતી રંગભૂમિમાં ન ઘૂસે એટલે આપણે ત્યાં નિયમો કડક રહ્યા છે અને એ જ કડક નિયમોને લીધે આપણે ત્યાં ડેટ્સના બ્લૅક કરવાની પ્રવૃત્તિ ઘૂસી નથી.
ઍનીવે, અમારી પાસે ડેટો લાઇન-અપ થયેલી હતી. નાટક ‘બાબલાભાઈ કે બેબલીબેન’ માટે અમે પહેલેથી બધી તૈયારી કરી હતી, પણ અનફૉર્ચ્યુનેટ્લી અમારું નાટક ફ્લૉપ થઈ ગયું. સોલ્ડ-આઉટ શોની પાર્ટી પણ રાહ જોઈને ઊભી હતી. નવું નાટક ઊભું કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ છૂટકો જ નહોતો. લાઇન-અપ થયેલી ડેટ્સને સાચવી લેવા અને સોલ્ડ-આઉટ શોની પાર્ટીને ધ્યાનમાં રાખીને અમે નવા નાટકના કાસ્ટિંગ પર લાગ્યા.
આ નવા નાટકમાં વકીલનો મેઇન રોલ હતો, જેના માટે અમે નિનાદ લિમયેને લીધો. નિનાદ મૂળ મરાઠી રંગભૂમિનો ઍક્ટર. મરાઠી એકાંકી અને મરાઠી ઇન્ટર-કૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં તે અઢળક ઇનામો જીત્યો છે. એવો તે મંજાયેલો ઍક્ટર કે તેનું એક નાટક છેક ‘થેસપો’માં ગયું હતું અને ત્યાં પણ એ ફાઇનલમાં પહોંચ્યું હતું.
આ પણ વાંચો : ઊંટનાં અઢારેઅઢાર અંગ વાંકાં
આ ‘થેસપો’ શું છે એના વિશે જરા તમને કહી દઉં.
‘થેસપો’ એક પ્રકારની ઇન્ટરનૅશનલ થિયેટર કૉમ્પિટિશન જેવું છે. એમાં ઇન્ડિયા, બંગલા દેશ, પાકિસ્તાન એમ જાતજાતના દેશોમાંથી નાટકો પસંદ કરીને લાવવામાં આવે અને એ સો-સવાસો નાટકમાંથી પાંચ નાટક પસંદ કરીને ફાઇનલમાં પહોંચે. એ પાંચ નાટકોનો પૃથ્વી થિયેટરમાં ફેસ્ટિવલ યોજાય અને એ પછી એમાં પ્રાઇઝ મળે. આ ‘થેસપો’ અલેક પદમશીના દીકરા કૌસર અને બીજા યંગસ્ટર્સે શરૂ કર્યું છે. અલેક પદમશી ઍડ્વર્ટાઇઝમેન્ટના ફીલ્ડમાં બહુ મોટું નામ તો ઇંગ્લિશ થિયેટરમાં પણ એટલું જ વજનદાર અને રિસ્પેક્ટેડ નામ. કૌસરે શરૂ કરેલી આ ‘થેસપો’માં મારા દીકરા અમાત્યનું નાટક પણ આવ્યું હતું, પણ એ વાત સમય આવશે ત્યારે કરીશું. અત્યારે આપણે પાછા આવી જઈએ અમારા નવા નાટક પર.
નિનાદ બહુ સારો ઍક્ટર. ડિરેક્ટર વિપુલ મહેતાએ ઇન્ટર-કૉલેજિયેટમાં બહુ કામ કર્યું હતું એટલે તેમને અને નિનાદને સારી ઓળખાણ. નિનાદને થોડુંઘણું ગુજરાતી ફાવે અને તેણે ગુજરાતી નાટક કરવાની તૈયારી દર્શાવી એટલે અમે નિનાદને કાસ્ટ કર્યો. એ પછી વાત આવી વકીલની વાઇફના રોલની. એમાં અમે શ્રુતિ ઘોલપને કાસ્ટ કરી.
શ્રુતિ મૂળ મહારાષ્ટ્રિયન, પણ વડોદરામાં રહીને તે સવાઈ ગુજરાતી બની ગઈ છે. શ્રુતિ એમ. એસ. યુનિવર્સિટીમાં ભણી અને પછી મુંબઈ આવીને તેણે ઍક્ટિંગ કરીઅર શરૂ કરી. શ્રુતિનો અવાજ પણ બહુ સરસ છે. બરોડાની હોવાને લીધે ગુજરાતી પર પૂરું પ્રભુત્વ. આ નાટક પછી શ્રુતિએ અમારાં બીજાં ઘણાં નાટકો કર્યાં. શ્રુતિ ફાઇનલ થઈ એટલે અમને અમારા નાટકની લીડ પેર મળી ગઈ અને હવે અમે કામે લાગ્યા અમારા અન્ય કાસ્ટિંગ પર, જેની વાત આપણે કરીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
ટીચર : સાપની પૂંછડી પર પગ મૂકવો કહેવતનો અર્થ સમજાવો?
ઢબ્બુ : પત્નીને પિયર જતાં રોકવી...
એ દિવસથી ટીચર ઢબ્બુ પાસે ટ્યુશન લે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)