કેદારનાથ, ફ્લડ અને સનત વ્યાસ

12 February, 2024 11:37 AM IST  |  Mumbai | Sanjay Goradia

૨૦૧૩માં બનેલી ઘટનાના આધારે ડિરેક્ટર વિપુલ મહેતાએ એક વાર્તા ઘડી, જેના આધારે અમે નાટક બનાવ્યું ‘સ્વજન રે જૂઠ મત બોલો’

સત્યઘટના પર આધારિત નાટક ‘સ્વજન રે જૂઠ મત બોલો’ના વિષયમાં ક્યાંક ને ક્યાંક સનત વ્યાસને કેદારનાથમાં થયેલો અનુભવ પણ કારણભૂત બન્યો હતો.

એક તરફ અમારું નાટક ‘મારી વાઇફ મૅરી કૉમ’ ચાલે તો બીજી તરફ મારું ધ્યાન અમારી નવી સિરિયલ ‘કુમકુમનાં પગલાં પડ્યાં’ પર અને ત્રીજી તરફ મારો દીકરો અમાત્ય પ્રોફેશનલ રાઇટર બનવાની દિશામાં આગળ વધવા પર. બસ, અમારી લાઇફ આગળ વધતી હતી એવામાં એક દિવસ વિપુલ મહેતા મારી પાસે એક આઇડિયા લઈને આવ્યો. વિપુલે મને કહ્યું કે એક મસ્ત સોશ્યલ-કૉમેડી સબ્જેક્ટ છે. મેં તમને કહ્યું એમ, વિપુલ ફ્રી નહોતો એટલે જ અમે નવા નાટક પર કામ કરતા નહોતા, બાકી અમારા નવા નાટકનો સમય તો થઈ જ ગયો હતો.

વિપુલે આવીને મને જે વાર્તા સંભળાવી એ વાર્તા પહેલાં તમારી સાથે શૅર કરું.

વાર્તા ફૅમિલી ઓરિયેન્ટેડ હતી. એક મા-બાપ છે, લોઅર મિડલ ક્લાસ ફૅમિલી છે. આ માબાપની જાત્રા કરવા જવાની બહુ ઇચ્છા અને એ ઇચ્છા પૂરી કરવા માટે વર્ષોથી બચત કરે. બચત થઈ એટલે માબાપે નક્કી કર્યું કે આપણે કેદારનાથની જાત્રાએ જઈએ. તેઓ ગયાં, પણ કેદારનાથમાં એ જ વખતે વાદળ ફાટ્યું અને ચિક્કાર વરસાદ પડ્યો. અનેક જગ્યાએ પૂર આવ્યાં અને એમાં આ માબાપ પણ અટવાયાં. ઘટનાની ખબર પડી એટલે સંતાનોએ માબાપને શોધવાના બહુ પ્રયાસ કર્યા, પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. આ જ પિરિયડમાં ઉત્તરાખંડ સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે રાહત જાહેર કરી. આ જે માબાપ હતાં તેમના ઘરે સરકારમાંથી ઇન્શ્યૉરન્સવાળો આવે છે અને કહે છે કે તમારાં માબાપ ગુજરી ગયાં છે તો અમે તમને સહાયરૂપે આટલા લાખ રૂપિયા આપી દઈએ છીએ. સંતાનો એ પૈસા લઈ લે છે. કારણ કે તેમને ઘણા લોકોનું કરજ ચૂકવવાનું બાકી છે. નૅચરલી તેમને માબાપ ગુજરી ગયાં હોવાનું દુઃખ છે, તો સાથોસાથ પૈસા મળવાથી થયેલી રાહતની ખુશી પણ છે કે માબાપે અંતિમ ક્ષણોમાં પણ પરિવારની આર્થિક હાલતમાં મદદ કરી, પણ કહાની મેં ટ્વિસ્ટ આવે છે. પેલાં માબાપ જીવતાં ઘરે પાછાં આવે છે. હવે કેવી રીતે એ સંતાનો ગવર્નમેન્ટના અધિકારીઓથી માબાપને છુપાવીને રાખે છે અને કઈ રીતે જે આર્થિક સહાય પાછી મળી છે એ પાછી ન આપવી પડે એની આખી મથામણ ચાલે છે. આ મથામણમાંથી કમઠાણ શરૂ થાય છે. 

મને આ વાર્તા બહુ ગમી ગઈ. મેં વિપુલને તરત જ કહી દીધું કે આપણે આ નાટક કરીએ છીએ. આગળ વધતાં પહેલાં તમને કહી દઉં કે વિપુલને આ સ્ટોરીનો આઇડિયા ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો?

તમને યાદ હોય તો કેદારનાથમાં ૨૦૧૩માં આ જ પ્રકારની ઘટના બની હતી, જેને લીધે ત્યાં ફ્લડ આવ્યું અને અનેક લોકોનાં મૃત્યુ થયાં. એ સમયે કેદારનાથ જાત્રા કરવા જનારાઓમાં મોટા ભાગના ગુજરાતી ટૂરિસ્ટ્સ હતા. એ ટૂરિસ્ટમાં આપણા નાટકના જાણીતા કલાકાર સનત વ્યાસ અને તેમનાં પત્ની પણ મિત્રો સાથે ગયાં હતાં. ફ્લડ પછી પાંચ દિવસ સુધી સનતભાઈનો કોઈ પત્તો લાગ્યો નહોતો અને પછી લકીલી તેમનો સંપર્ક થયો અને અમને ખબર પડી કે તેઓ હેમખેમ છે. સનતભાઈએ ત્યાં કેવો અનુભવ કર્યો અને તેમની એ યાત્રા, ફ્લડ પછીના તેમના અનુભવ પર ગુજરાતી ‘મિડ-ડે’એ વિગતવાર ઇન્ટરવ્યુ કર્યો હતો, જે તેમના જ શબ્દોમાં પેપરમાં છપાયો હતો. વિપુલને એ બધી ખબર હતી એટલે વિપુલને સનત વ્યાસ સાથે જે ઘટના ઘટી એના પરથી આ વાર્તા સૂઝી અને પછી તેણે એ ડેવલપ કરી. આ વાર્તામાં ફ્લડને કારણે માબાપ ખોવાઈ જાય છે એટલી જ વાર્તા સનતભાઈની લાઇફ સાથે લાગુ પડે છે. બાકીની વાર્તા વિપુલે પોતે ડેવલપ કરી.

નાટક માટે મેં હામી ભરી એટલે વાત આવી કાસ્ટિંગની. કાસ્ટિંગ પર આવતાં પહેલાં આ નાટકની ટેક્નિકલ ટીમનો પરિચય આપી દઉં. કલા છેલ-પરેશની હતી, તો પ્રકાશ-આયોજન રોહિત ચિપલૂણકરનું હતું. સંગીત સ્ટૉક મ્યુઝિકમાંથી વાપર્યું હતું એટલે એમાં ક્રેડિટ લાલુ સાંગોને આપવામાં આવી, તો પ્રચારની જવાબદારી દીપક સોમૈયાની હતી. નાટકનો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર વિશાલ ગોરડિયા હતો, જ્યારે લેખનની જવાબદારી વિનોદ સરવૈયા અને દિગ્દર્શન વિપુલ મહેતાનું. 

આ નાટકની પબ્લિસિટીમાં અમે લખતા પણ હતા કે ૨૦૧૩ની સત્યઘટના પર આધારિત, જે ક્યારેય ભુલાશે નહીં. હવે નાટકના કાસ્ટિંગ પર આવી જઈએ.નાટકમાં જે માબાપ કેદારનાથ જાય છે એ કપલ તરીકે અમે મારા ખાસ ભાઈબંધ એવા જગેશ મુકાતી અને મનીષા મહેતાને લીધાં. જગેશ અમારો ફેવરિટ ઍક્ટર, તે હંમેશાં તમને અપેક્ષા મુજબનું ડિલિવર કરે જ કરે. મારે સ્વીકારવું રહ્યું કે જગેશ ગયા પછી મેં અમુક પ્રકારનાં નાટકો પ્રોડ્યુસ કરવાનું છોડી દીધું છે. જો અત્યારે તે હયાત હોત તો હું ચોક્કસપણે જગેશ માટે વર્ષે એકથી બે નાટક કરતો જ હોત. 

જગેશ મુકાતી અને મનીષા મહેતા પછી અમે દીકરાના રોલમાં નીલેશ પંડ્યા અને પરાગ શાહને કાસ્ટ કર્યા, તો તેમની પત્નીના રોલમાં માર્ગી કુલકર્ણી અને મેઘના સોલંકીને લીધાં. ગવર્નમેન્ટ ઑફિસરના રોલમાં અમે પ્રતીક દવેને લીધો, તો વિમલ પટેલ પણ એક બહુ અગત્યના રોલમાં હતો. આમ અમારી ટીમ તૈયાર થઈ અને અમે રિહર્સલ્સ પર લાગ્યા. એક તરફ નાટક લખાતું જાય અને બીજી બાજુએ નાટક સેટ થતું જાય. આ અમારો હંમેશનો ક્રમ રહ્યો છે. બાઉન્ડ સ્ક્રિપ્ટ હોય તો પણ અમે કામ કરીએ, પણ નાટક લખાયું ન હોય અને રિહર્સલ્સ ચાલુ કરવાનું આવે તો પણ અમને ટેન્શન બહુ રહે નહીં. નાટકના ટાઇટલમાં સામાન્ય રીતે અમને તકલીફ પડતી હોય, પણ આ નાટકનું ટાઇટલ અમને તરત જ મળી ગયું. ટાઇટલ હતું, ‘સ્વજન રે જૂઠ મત બોલો.’
આ ટાઇટલ હકીકતમાં ગીતકાર શૈલેન્દ્રના એક બહુ પૉપ્યુલર સૉન્ગની પંક્તિ છે, જે કદાચ તમને યાદ હશે...

‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ...’સજનને બદલે અમે નાટકને અનુરૂપ કહેવાય એવો ફેરફાર કર્યો અને ‘સ્વજન’ કર્યું. કહેવાનો ભાવાર્થ એટલો હતો કે તમે તમારાં માબાપના સ્વજન છો એ યાદ રાખો અને ખોટું બોલીને પૈસા ન લો.

૨૦૧પની ૧ માર્ચ અને રવિવાર.
બપોરે ૪ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમ અને રાતે ૯ વાગ્યે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમ, એમ બે શો સાથે અમે અમારું ૭૯મું નાટક ઓપન કર્યું. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. શું કામ આ દિવસ મારા માનસપટ પર છપાઈ ગયો છે એની વાત હું તમને આવતા સોમવારે કહીશ, પણ હા, ફરી એક વાર યાદ દેવડાવી દઉં, ‘કમઠાણ’ જોવા જવાનું ચૂકતા નહીં. ખરેખર પ્રફુલ્લિત કરી દે એવી ફિલ્મ છે. 

columnists gujarati community news Sanjay Goradia