14 September, 2024 11:41 AM IST | Mumbai | Pallavi Acharya
સનત વ્યાસ
ગુજરાતી રંગભૂમિના વિખ્યાત ઍક્ટર સનત વ્યાસ ટીવી-સિરિયલો અને ફિલ્મોમાં પણ જોવા મળે છે એટલું જ નહીં, તેઓ પડદા પાછળનું કામ રેકૉર્ડિંગ એટલે કે ડબિંગ પણ કરે છે.
ખરા અર્થમાં નાટકોને પ્રેમ કરતા ૭૪ વર્ષના સનત વ્યાસનું નાટક ‘ડેથ વૉરન્ટ’ હાલ ચાલી રહ્યું છે જેના ૭૫ શો થઈ ચૂક્યા છે. કારકિર્દીના પાંચ દાયકામાં લગભગ દોઢસો નાટકો તેમણે કર્યાં છે.
સનતભાઈના ફાધર ગિજુભાઈ વ્યાસ આકાશવાણી અને દૂરદર્શન સાથે સંકળાયેલા હતા. તેઓ ડિરેક્ટર જનરલ ઑફ દૂરદર્શન હતા. ઍડ્મિનિસ્ટ્રેશનમાં તેમનો બહુ મોટો રોલ હતો. રાજકોટ આકાશવાણી સાથે હોવાથી ગુજરાતી લોકસાહિત્યને રેડિયો સુધી લઈ આવવામાં તેમનું બહુ મોટું પ્રદાન હતું. સનતભાઈના ફાધર ગિજુભાઈ અને મમ્મી જસુબહેન હાલ હયાત નથી.
બચપન કે દિન
સનતભાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં પણ તેમના પિતા સરકારી કર્મચારી એટલે તેમનું સ્કૂલિંગ પટના, રાજકોટ, અમદાવાદ, જાલંધર એમ અલગ-અલગ જગ્યાએ થયું. ગ્રૅજ્યુએશન અમદાવાદની LD આર્ટ્સ કૉલેજથી ઇકૉનૉમિક્સ ઍન્ડ જ્યોગ્રાફીમાં કર્યું. છેલ્લે તેઓ પંજાબમાં હતા અને પંજાબ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી વચ્ચે અફિલિયેશન નહીં હોવાથી તેમણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી LD આર્ટ્સ કૉલેજથી BA કર્યું, નહીં તો મુંબઈથી ગ્રૅજ્યુએશન કર્યું હોત. અમદાવાદમાં તેઓ હૉસ્ટેલમાં રહીને ભણ્યા. સનતભાઈ કહે છે, ‘મારા ફાધરની સરકારી નોકરીના કારણે મારે અલગ-અલગ જગ્યાએ ભણવાનું થયું. અમે હિજરતીઓની જેમ ફર્યા કરતા અને એના કારણે ભણવાનું ઘણું બગડ્યું એ ત્યારે ખબર નહોતી પડતી, પણ
પછીથી સમજાયું. એ વખતે જો મને કેન્દ્રીય વિદ્યાલયમાં મૂક્યો હોત તો સારું પડત, બદલીઓ થતી હોવાથી સરકારી કર્મચારીઓનાં સંતાનો માટેના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતર હોય તો કશું બગડે નહીં.’
કાયદાનું ભણતર
સનતભાઈ ગ્રૅજ્યુએશન પછી ૧૯૭૩માં મુંબઈ આવી ગયા હતા. મારા પરિવારમાં મારા બે કાકા ઍડ્વોકેટ એટલે મને પણ કહે કે તું પણ કાયદાનું ભણ એમ જણાવી જીવનના એક મહત્ત્વના પડાવની વાત કરતાં સનતભાઈ કહે છે, ‘વકીલ તો મારે બનવું જ નહોતું પણ પરિવારે કહ્યું કે લૉનું ભણ એટલે એ ભણવા ખાતર હું ગ્રૅજ્યુએશન પછી ભણતો હતો, પણ મારું મન કહેતું કે આ તારું કામ નથી. પણ કહેવું કોને? એવામાં નાટક માટે ઑફર આવી. એમાં થયું એવું કે હું લૉના બીજા વર્ષમાં હતો ત્યારે છાપામાં ઑડિશન માટે એક જાહેરાત આવી. એક નાટ્યસંસ્થાને નવા કલાકારોની જરૂર હતી તેથી એની ઑડિશન માટે તેમણે જાહેરાત આપી હતી. મારા પપ્પાના ફ્રેન્ડ અજિત મર્ચન્ટ (આંખનો અફીણી ગીતવાળા)એ આ જાહેરાત વિશે કહ્યું અને મારા પપ્પાને કહ્યું કે સનતને રસ હોય તો મોકલ. કોઈ જ ઓળખાણ વિના જેન્યુઇન ઑડિશન થયું અને મારું સિલેક્શન થયું. નાટ્યસંસ્થાએ બધા નવા કલાકારો સાથે નાટક ‘વાયદાના ફાયદા’ બનાવ્યું જે ૧૯૭૪માં કમર્શિયલ થિયેટરોમાં ભજવાયું. બસ, એ પછી મેં પાછું વાળીને જોયું નથી. લૉ ના બીજા વર્ષમાં હતો ત્યારે થિયેટરમાં મારું કામ ચાલુ થઈ ગયું એટલે વકીલાતનો સેકન્ડ યર પછીનો અભ્યાસ બાજુ પર જ રહી ગયો.’
જોકે સનતભાઈમાં નાટકનાં બીજ તો તે સ્કૂલમાં હતા ત્યારથી જ રોપાયાં હતાં અને એમાં અમદાવાદની ઉસ્માનપુરા ખાતેની તેમની સ્કૂલ વિદ્યાનગર હાઈ સ્કૂલનો બહુ મોટો ફાળો હતો. એની વાત કરતાં સનતભાઈ કહે છે, ‘૧૯૬૫થી ૧૯૬૯ દરમિયાન હું અમદાવાદની ઉસ્માનપુરા ખાતેની વિદ્યાનગર સ્કૂલમાં હતો. આ સ્કૂલ કલ્ચરલી અત્યંત રિચ હતી. પ્રિન્સિપાલ હિંમતભાઈ કપાસીની મ્યુઝિક, ચિત્રકામ, નાટ્ય, રમતગમતમાં સારી સૂઝ હતી, હથોટી હતી તેથી આ સ્કૂલમાંથી ક્રિકેટર, નૃત્યાંગના સ્મિતા શાસ્ત્રી, રૂપા દિવેટિયા અને કેટલાક વૈજ્ઞાનિકો જેમાંથી એકાદ નાસામાં છે તેમના સહિત અનેક સારા વિદ્યાર્થીઓ બહાર પડ્યા છે. નાટકનો છંદ મને લાગ્યો મારા ગુજરાતીના ટીચર વિનોદભાઈ જાની પાસેથી. ‘પ્રીત, પિયુ ને પાનેતર’ નાટક જેના હજારો શો થયા હતા એ નાટકના તેઓ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઍક્ટર છે. ગુજરાતી રંગભૂમિ પર એનો ઇતિહાસ છે. વિનોદભાઈ અમને નાટકોની વાતો કરતા રહેતા ત્યાંથી મને ઘણું શીખવા મળ્યું અને નાટકના સંસ્કાર સિંચાયા. સુષુપ્ત અવસ્થામાં પડેલી આ વાતો, આ સંસ્કારે ઍક્ટર બનવાનાં બીજ રોપ્યાં.’
સ્કૂલથી જ સનતભાઈ નાટકો કરવા લાગ્યા હતા. તે કહે છે, ‘નાઇન્થમાં રેડિયો-ડ્રામા કૉમ્પિટિશનમાં મને ઇનામ મળ્યું હતું. આ ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં અમારી સ્કૂલે પાર્ટ લીધો હતો અને તે પ્રથમ આવી હતી. આમ સ્કૂલથી જ નાટકની પ્રવૃત્તિઓ ચાલતી હતી. કૉલેજમાં દૂરદર્શનમાં બિહાઇન્ડ કૅમેરા અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. પછી ડિરેક્ટર-પ્રોડ્યુસર બન્યો પણ આ કામ કૉન્ટ્રૅક્ટ પર ચાલતું હતું, પર્મનન્ટ જૉબ નહોતી. આ સાથે ઑડિયો રેકૉર્ડિંગનું કામ ચાલતું હતું. એ કામ વધતું ગયું એમ દૂરદર્શનનું કામ છૂટતું ગયું.’
એમ તો સ્કૂલ સમયમાં સનતભાઈ ખૂબ સારા ક્રિકેટર હતા. તે કહે છે, ‘સચિન તેન્ડુલકર પેદા નહોતો થયો એ સમયમાં હું સરસ ક્રિકેટ રમતો હતો, મને ફ્રીશિપ મળતી હતી. કૉલેજમાં પણ હું ક્રિકેટ અને ટેબલટેનિસ પ્લેયર હતો. સાથે નાટ્યપ્રવૃત્તિઓ તો ચાલતી જ હતી. અમિત દિવેટિયા અમને નાટકો કરાવતા હતા. નાટકોમાં તે મને પરાણે ભાગ લેવડાવતા હતા.’
શું ચાલી રહ્યું છે?
હાલ સનત વ્યાસનું નાટક ‘ડેથ વૉરન્ટ’ ચાલી રહ્યું છે. ટીવી-સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં કેટલાક એપિસોડ છે. પુષ્પાના બચપણના સ્કૂલના ટીચરનો રોલ તેમનો છે. તેથી તેને જૂની યાદ આવે અથવા તે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એપિસોડ શૂટ થાય છે. આ શૂટિંગ ગુજરાતના પાટણમાં થયું છે.
હંસલ મહેતાની ‘ગાંધી’ નામની તેમની હિન્દી વેબ-સિરીઝ આવશે. બાકી રેકૉર્ડિંગનું કામ સતત ચાલુ હોય છે. ઍડ ફિલ્મો; હિન્દી, ગુજરાતી ફિલ્મો; ફૉરેનની ફિલ્મોનું ગુજરાતીમાં ડબિંગ; ડૉક્યુમેન્ટરી ફિલ્મો અને પ્રેરણાસ્રોતરૂપ પ્રસંગો, ઘટનાઓ વગેરેનું રેકૉર્ડિંગ ચાલુ હોય છે.
સૌંદર્ય બન્યું ડરામણું
વાંચવું અને કુદરતે જ્યાં મહેર કરી હોય એવી જગ્યાઓએ ફરવું એ સનતભાઈના શોખ છે. તે કહે છે, ‘જ્યાં માણસો ઓછા હોય, એકાંત હોય, કુદરત જ્યાં મન મૂકીને વરસતી હોય એવી જગ્યાઓ મને ગમે છે. ઉત્તરાખંડ, કાશ્મીર, સાઉથનાં રાજ્યો, સાઉથ ગુજરાત, સોમનાથ, વિદેશમાં હોલૅન્ડ અને અમેરિકા, બ્રિટન કે કોઈ પણ દેશમાં મને મૅનમેડ કરતાં કુદરતી જગ્યાઓ બહુ ગમે છે અને ત્યાં ફરવું ગમે છે. મારા મામા મિલિટરીમાં હતા એટલે હું કાશ્મીરમાં રાજૌરી - દુશ્મન દેશ પાકિસ્તાનની સરહદ સુધી જઈ આવ્યો છું. ચાર ધામ પણ જઈ આવ્યો છું.’
૨૦૧૩માં કેદારનાથમાં જે હોનારત થઈ ત્યારે સનતભાઈ કેદારનાથમાં હતા. એ સમયે માંડ બચીને આવ્યા હતા. આ ઘડી, આ સમય, આ ઘટનાને તેઓ ક્યારેય ભૂલી શકે એમ નથી. તેઓ આજેય એ ઘટનાને યાદ કરતાં કહે છે, ‘કેદારનાથની વાદીઓની સુંદરતા વિશે હું મારી પત્નીને વાત કરી રહ્યો હતો કે અહીં કુદરતે મન મૂકીને સંપત્તિ વેરી છે. ધોધ સુકાઈ જાય અને પછી જે સફેદ ડાઘ રહી જાય એ પણ એની સુંદરતાને નિખારતા હતા. હું મારી પત્નીને કહેતો હતો કે આ ધોધ પડતા હશે ત્યારે જોવાની કેવી મજા આવતી હશે. આ બધું જોઈને હું ખૂબ ખુશ હતો, હૅપી હતો. અમે કેદારનાથની તળેટીમાં હતા. બીજા દિવસે વાતાવરણ પલટાયું, વાદળ ફાટ્યું અને ધોધના ડાઘ હતા ત્યાં ધસમસતા ધોધ પડવા લાગ્યા. એ સુંદર ધોધ ડરામણા બની ગયા. બેથી ત્રણ દિવસ અમે ત્યાં ફસાયેલા રહ્યા, જીવ પડીકે બંધાઈ ગયો હતો. કેદારનાથનું સૌંદર્યભર્યું અને રૌદ્ર બન્ને રૂપ અમે જોયાં. એક સમયની સુંદરતા ડરામણી બની ગઈ હતી. ત્યાંનું સોહામણું એકાંત ભયાનક બની ગયું. સુખ ઘડીકમાં દુઃખમાં પલટાઈ ગયું. હું બચી ગયો, પણ આ ઘટના ક્યારેય નહીં વીસરી શકાય. હવે ફરી મારે ચાર ધામ જવું છે. હું જઈશ. આવી એકાંત જગ્યા પર નિરાંતે રહેવાની મારી પ્રબળ ઇચ્છા છે.’
અંગત-સંગત
જામનગરનાં મીનાબહેન સાથે સનત વ્યાસનાં અરેન્જ્ડ મૅરેજ છે. સનતભાઈ અમદાવાદ દૂરદર્શનમાં કૅમેરા સાથે કામ કરતા હતા ત્યારે મીનાના ફાધર સનતભાઈની જાણ બહાર જ તેમને જોવા આવ્યા હતા અને ઇમ્પ્રેસ થઈને દીકરીનું નક્કી કર્યું હતું. હાલ તેઓ પરિવાર સાથે દહિસર ઈસ્ટમાં રહે છે. તેમને એક દીકરી શૈલી છે. શૈલી પરીખ IT ફીલ્ડમાં કામ કરતી હતી, પણ દીકરાના જન્મ પછી તે પણ ફિલ્મો અને ઍડ ફિલ્મોમાં રેકૉર્ડિંગનું મોટા ગજાનું કામ કરે છે. શૈલીને ૧૩ વર્ષનો દીકરો ઓમ છે. તે પણ અંગ્રેજી ફિલ્મો અને ઍડ ફિલ્મોમાં રેકૉર્ડિંગનું કામ કરે છે. આમ સનતભાઈની ત્રીજી પેઢીએ રેકૉર્ડિંગ ફીલ્ડમાં યોગદાન જાળવી રાખ્યું છે.
ગાડી લૉક કરી કે નહીં?
સનતભાઈને એક વિચિત્ર કહી શકાય એવો ફોબિયા છે. તે કહે છે, ‘જ્યારથી વાહન વસાવ્યું છે ત્યારથી ગાડી લૉક કરું તો પણ મને આમ તો સામાન્ય કહી શકાય એવો બહુ મોટો ફોબિયા છે. મને થાય કે મેં મારી કાર લૉક નથી કરી, ગાડીનો દરવાજો લૉક નથી કર્યો, ગાડીનો કાચ નથી ચડાવ્યો, ગાડીની લાઇટ ચાલુ રહી ગઈ છે... અને મારે પાછું એ ચેક કરવા જવું પડે છે.’