રક્ષાબંધનના દિવસે કલકત્તાની ઘટનાની વાત કરવી પડે એ કેવું શરમજનક?

19 August, 2024 02:48 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

સજા પણ એટલી કડક હોવી જોઈએ જેથી બીજું કોઈ ભૂલથી પણ આવું કશું કરવાનો વિચાર ન કરી શકે.

પ્રતીકાત્મક તસવીર

આજે રક્ષાબંધન નિમિત્તે આપણો આખો દેશ સરસ અને પવિત્ર કહેવાય એવો તહેવાર સેલિબ્રેટ કરશે તો બીજી તરફ કલકત્તામાં બનેલી પેલી રેપની ઘટનાના પ્રત્યાઘાત પણ ચાલુ છે. આ બીજી એવી ઘટના છે જેણે દેશઆખાને એક કર્યો છે. જીવ બચાવવાનું કામ કરતાં ડૉક્ટર સાથે આવી ભયાનક ઘટના ઘટે, એનો રેપ થાય અને પછી તેની હત્યા કરી નાખવામાં આવે એ ખરેખર બહુ મોટી ઘટના છે. આવી ઘટના ક્યારેય થવી જ ન જોઈએ. દેશમાં જ નહીં, દુનિયામાં પણ આવું ક્યારેય બનવું ન જોઈએ. 
સમય આવી ગયો છે કે આવી ઘટના સમયે આપણે પૉલિટિક્સ કે પછી બીજી બધી વાતો છોડીને એક થઈએ અને એકસાથે માગણી કરીએ કે આ પ્રકારની ઘટના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને વહેલી તકે આરોપીઓને સજા મળે. સજા પણ એટલી કડક હોવી જોઈએ જેથી બીજું કોઈ ભૂલથી પણ આવું કશું કરવાનો વિચાર ન કરી શકે. જેને આપણે લક્ષ્મી કહીએ છીએ, જેને સરસ્વતીનું રૂપ માનીએ છીએ એવી મહિલા સાથે આટલું અત્યાચારી પગલું કોઈ કેવી રીતે લઈ શકે? દલીલ એવી આવતી હોય છે કે નશામાં કે ફિઝિકલ ઉશ્કેરાટ વચ્ચે આવું પગલું લેવાતું હોય છે, પણ અમારું કહેવું એ છે કે આ બન્ને કારણસર ક્યારેય કોઈએ પોતાના પરિવારની બહેન-દીકરી કે મા પર નજર નથી બગાડી. જો નશામાં પણ આટલી સભાનતા રહેતી હોય, ઉશ્કેરાટ વચ્ચે પણ જો પરિવારની મહિલાઓ સામે નજર નથી બગડતી તો પછી અન્ય કોઈની સાથે કેવી રીતે કોઈ આવું કરી શકે?
રેપથી મોટું કલંક સોસાયટી માટે બીજું કોઈ છે જ નહીં અને આપણી સોસાયટીએ પણ આ વાત સમજવી પડશે. સોસાયટીએ પણ અને સોસાયટીમાં મહત્ત્વના સ્થાન પર જે બેઠેલા છે એ સૌએ પણ. હમણાં બનેલી કલકત્તાની ઘટના કે પછી અગાઉ દિલ્હીમાં બનેલી ઘટનાને લીધે દીકરીનાં માબાપની માનસિક હાલત કેવી થતી હશે એ કોઈએ વિચારવાની કોશિશ કરી છે ખરી? રાજકારણીઓથી માંડીને પોલીસ અને ન્યાયાલયમાં બેઠેલા અધિકારીઓએ વિચાર્યું કે આ પ્રકારની ઘટનાઓને લીધે દીકરીઓનાં માબાપ તેમની દીકરીઓ પર કેટલી જાતની રોકટોક લગાવી દે? એ વાત સાચી છે કે સમાજમાં ખરાબ લોકો ઓછા છે, પણ એ ખરાબ લોકોનો પ્રભાવ બહુ મોટો છે એ જેને પણ સમજાયું છે તેમણે આ ખરાબ લોકોને દૂર કરવાનું કામ કડક હાથે કર્યું છે અને અત્યારે એ જ સમય છે, આપણા દેશમાંથી જ નહીં, આ પૃથ્વી પરથી પણ આવા લોકો દૂર થઈ જવા જોઈએ.

kolkata raksha bandhan columnists Rape Case sexual crime