09 September, 2024 04:56 PM IST | Mumbai | Samir & Arsh Tanna
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફૉરેનની ટૂર વિશે મજાકમસ્તી થતી આવી છે. ઘણા વખતથી આવું બને છે. સોશ્યલ મીડિયાથી લઈને રૂબરૂમાં પણ લોકો પ્રાઇમ મિનિસ્ટરની ફૉરેન ટૂરની મશ્કરી કરે છે; પણ અમે અંગત રીતે માનીએ છીએ કે આવી મજાક ન થવી જોઈએ. આવું માનવા પાછળ અમને થયેલા અનુભવો મહત્ત્વના છે.
અનેક દેશોમાં અમે ફર્યા છીએ. ફૉરેન જઈને અમે ઇવેન્ટ પણ કરી છે. વીસ-પચીસ વર્ષથી અમારે ફૉરેનમાં શો કરવા માટે પણ જવાનું બનતું આવ્યું છે; પણ છેલ્લા એક દશકામાં અમે ભારત માટેનું જે માન, જે અહોભાવ જોઈએ છીએ એ ખરેખર નોંધનીય કહેવાય એ સ્તર પર છે. અજાણ્યા દેશોમાં પણ તમને જોઈને સીધું એવું કહી દેવામાં આવે કે ‘ફ્રૉમ કન્ટ્રી ઑફ મિસ્ટર મોદી...’ એ જરા પણ ઓછી ઊતરતી વાત નથી.
આવું અગાઉ આપણા દેશના ફિલ્મસ્ટાર્સ માટે થતું. શાહરુખ કે સલમાન ખાનનું નામ લઈને ફૉરેનર્સ તમારી સાથે વાત કરતા, તમારી સામે તેમની સ્ટાઇલ કરીને એ લોકો આપણા દેશ પ્રત્યેની પોતાની આત્મીયતા વ્યક્ત કરતા. જોકે આજે વાતાવરણ ચેન્જ થયું છે. હવે લોકો સેલિબ્રિટીના લેવલ પર આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરને ગણે છે, અને તેમણે કહેલી વાત તમારી સામે રિપીટ કરે છે. આ બધું કેવી રીતે શક્ય બન્યું?
વડા પ્રધાનની ફૉરેન ટૂરથી આ પૉસિબલ બન્યું છે એવું અમને લાગે છે. તેમની ફૉરેન ટૂરને કારણે માત્ર ઇન્ડિયન્સ જ નહીં, ફૉરેનર્સમાં ગુજરાતીઓને જોવાની માનસિકતામાં પણ બહુ મોટો ચેન્જ આવ્યો છે અને એ પણ અમેરિકા, બ્રિટન, કૅનેડા કે ઑસ્ટ્રેલિયા જેવા વેલ-ડેવલપ્ડ કન્ટ્રીમાં. આફ્રિકા કે બીજા એશિયન દેશોમાં તો આપણું જે માન વધ્યું છે એના વિશે તેમને સૌને ખબર હશે જેઓ નિયમિત ફૉરેન જતા હશે. તમે જુઓ, છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે એવું નથી સાંભળ્યું કે વાંચ્યું કે બીજા દેશમાં ઇમિગ્રેશન સમયે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા હોય કે તેમની સાથે તોછડાઈ કે ખરાબ વર્તન કરવામાં આવ્યું. રીઝન આ જ છે. આપણે વિદેશમાં જે પ્રકારના આપણા સંબંધો ગાઢ બનાવ્યા છે, આ જે રિલેશનશિપ છે એને કારણે ફૉરેન જઈને ભણતા આપણા સ્ટુડન્ટ્સની લાઇફ પણ ઈઝી થઈ છે તો ત્યાં રહેતા અને કામ કરતા લોકો માટેનું માન પણ વધ્યું છે. પહેલાં થતું એવું વર્તન હવે આપણા ઇન્ડિયન સાથે ફૉરેનમાં નથી થતું અને એનું કારણ આપણા વડા પ્રધાનની ફૉરેન ટૂર્સ છે. એ ટૂર્સને કારણે બે કન્ટ્રી વચ્ચે જે ઇમોશનલ બૉન્ડિંગ ઊભું થતું જાય છે એનો બેનિફિટ અલ્ટિમેટલી આપણને મળી રહ્યો છે.