29 October, 2023 10:29 AM IST | Mumbai | Samir & Arsh Tanna
પ્રતીકાત્મક તસવીર
ગયા રવિવારે તમને કહ્યું એમ આ વર્ષની નવરાત્રિ બધી રીતે સોળે કળાએ ખીલેલી હતી પણ એક વાતની કમી દેખાઈ અને એ વાતની જ આ વખતે આપણે વાત કરવાની છે.
આપણે કહેતા હોઈએ કે દાંડિયા રમવા જવું છે પણ દાંડિયા કોઈ લેતું જ નહોતું. હા, ખરેખર. નવરાત્રિ દરમ્યાન ભાગ્યે જ કોઈના હાથમાં દાંડિયા અમને જોવા મળ્યા હશે. કૉસ્ચ્યુમ્સમાં આપણું કલ્ચર દેખાતું હતું પણ સ્ટેપ્સની વાત કરીએ તો એમાં બૉલીવુડ મિક્સ થયું હોય એવું દેખાઈ આવે. એ પણ થોડું ચાલે કે વેરિએશન લાગે પણ અમુક-અમુક જગ્યાએ તો સાલ્સા પણ થતો હતો, જે જોઈને આપણને ખરાબ લાગે. તમે ગરબા રમવા આવ્યા છો તો ગરબા રમોને અને એવું જરા પણ નથી કે આપણા ગરબાનાં સ્ટેપ્સ ખતમ થઈ ગયાં હોય. ના રે, આજે પણ ગરબાનાં બહુ બધાં સ્ટેપ્સ એવાં છે જે હજી પણ અજાણ્યાં છે. એ સ્ટેપ્સ એક્સપ્લોર કરો કે પછી અગાઉનાં સ્ટેપ્સમાં તમે વેરિએશન લાવવાની કોશિશ કરો પણ સાલ્સા ગરબા?
તમે સાલ્સાની કૉમ્પિટિશનમાં જાઓ અને ત્યાં જઈને ગરબા કરો તો કેમ તમને રિજેક્ટ કરવામાં આવે અને એ સમયે તમે એવી ભૂલ કરતા પણ નથી તો પછી અહીં, ગરબામાં શું કામ એવું કરવાનું? અરે, તમને જે ફૉરેનર્સની વાત કરી એ લોકો માટે તો વેસ્ટર્ન ડાન્સ ફૉર્મ એમના પોતાના છે અને એ પછી પણ એ લોકો ગરબા સમયે ગરબા જ લે છે તો પછી આપણે શું કામ એ સાલ્સા અને વેસ્ટર્નમાં જવું. હા, સહેજ વેરિએશન માટે સ્વીકારી પણ લઈએ પણ એ વેરિએશન વચ્ચે જ આખી કૉમ્પિટિશન કે નવેનવ દિવસ પસાર કરવામાં આવે તો અમને તો વાજબી નથી લાગતું. કહ્યું એમ, આપણી પાસે બહુ બધાં ગરબાનાં સ્ટેપ્સ છે જ તો પછી શું કામ બહાર જવાનું? આ વખતે જે સ્તર પર એવું જોવા મળ્યું એવું પહેલાં જોવા નહોતું મળતું.
ફૉરેનર્સની સૌથી સારી વાત જો કોઈ હોય તો એ જ કે એ જે પણ કલ્ચરમાં હોય એમાં મિક્સ થઈ જાય. એ લોકો જ્યારે ગરબા રમે છે ત્યારે ગરબા જ રમે છે. એ લોકોને સાલ્સા આવડે છે, પણ ગરબા રમતી વખતે પ્રૉપર તાળી અને ચપટી સાથે ગરબા રમે છે.
બીજી પણ એક વાત કહેવી છે જે જોઈને દુઃખ થયું છે.
અમુક છોકરીઓ બૉય્ઝ કરે એ પ્રકારના ડાન્સનાં સ્ટેપ્સ કરતી જોવા મળી. ડબલ જમ્પ અને એવાં હાર્ડ સ્ટેપ્સ જે બૉય્ઝ કરતા હોય. એક કે બે વાર ઠીક છે પણ તમે એકધારું એવું કરો એ અમને તો બરાબર ન લાગ્યું. તમારાં એવાં કરતબ નથી જોવાં, ગરબા રમો, તાળી પાડો, ચપટી લો અને જે કરો એ ગ્રેસફુલ કરો. અમે કહીશું કે છોકરીઓમાં એની ગ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે સર્કસ.
આજકાલ દરેક ડાન્સ ફૉર્મ જિમ્નૅસ્ટિક્સનાં સર્કસી કરતબ બની ગયાં હોય એવું લાગે છે પણ આપણે એને ગરબાથી દૂર રાખીએ તો વધારે સારું છે. કહ્યું એમ, ગ્રેસ સાથે કરવામાં આવતા ગરબા આપોઆપ જ એક લેવલ અપ થઈ જતા હોય છે. ગરબા તમને ફાવે, રમો સરસ, તાલમાં પણ હો, ગ્રેસ પણ અકબંધ હોય પણ જજ જેવા આવે એટલે તરત કરતબ ચાલુ થઈ જાય. આ રીતસર અમે નોટિસ કર્યું છે. એમને એવું લાગે છે કે એવું કરીએ તો પ્રાઇસ મળે, રૅન્ક આવે પણ ના, એવું નથી. એ બધું જોઈને તમને અપ્રિશિએટ કરીએ પણ એક-બે વખત એવું દેખાડ્યા પછી તમે ગરબા તો દેખાડો, તમે ગરબા કૉમ્પિટિશનમાં આવ્યા છો અને એની માટે જ તમારી પસંદગી થવાની છે. જો તમે ગરબા દેખાડો નહીં તો પછી કેવી રીતે તમારા કરતબ પર અમે સિલેક્શન કરીએ. ઘણાને એવું પણ લાગે કે અમે આટલી મહેનત કરી પણ અમને ખરેખર સૌકોઈને કહેવું છે કે મહેનત જે દિશામાં કરવાની હોય એ દિશામાં મહેનત નથી થઈ એ પણ તમને ખબર હોવી જોઈએ.
જે વિષય સાથે આપણે વાતની શરૂઆત કરી એના પર આવીએ.
ગયા શનિવારની વાત છે, અમે ફાલ્ગુની પાઠકમાં હતાં. એક તો રાતે બાર વાગ્યા સુધી દાંડિયા રમવાની પરમિશન અને એમાં પણ વીક-એન્ડનો પહેલો દિવસ. આખું મેદાન કહીએને, હકડેઠઠ ભર્યું હતું. મેદાનમાં અંદાજે પાંત્રીસ હજાર ખેલૈયાઓ હતા અને અફસોસની વાત એ છે કે એ પાંત્રીસ હજાર લોકોમાં માત્ર બે જણ દાંડિયા રમતા હતા. હા, બે જણના હાથમાં દાંડિયા હતા!
કહેવું જ પડેને કે આપણા દાંડિયા ખોવાઈ રહ્યા છે. પ્લીઝ નહીં કરો એવું, કહીએ છીએ દાંડિયા તો દાંડિયાને યાદ રાખો અને એની સાથે રમવાનું રાખો. આપણી પરંપરા મુજબ રમો અને છોકરીઓ ખાસ યાદ રાખે, ગ્રેસને જાળવી રાખો. એ તમારું ઘરેણું છે.