24 November, 2024 04:48 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
ગિજુભાઈ બધેકાની વાર્તા પરથી જ મેં બીજી બે વાર્તા પણ બનાવી કાઢી. શું છે, બાળકો પ્રત્યે મને પહેલેથી પ્રેમ અને એનું કારણ મારાં માવતર છે. મને નાનપણમાં એટલો પ્રેમ અને માબાપનો સમય મળ્યો છે કે ન પૂછો વાત. એક ક્લી-શેડ વાર્તા મને અત્યારે યાદ આવે છે. એક બાળકે આખું વર્ષ પોતાની પૉકેટ-મની બચાવી અને પછી એક રાતે તે તેના પપ્પા પાસે ગ્યું. જઈને કહે કે પપ્પા, તમે એક દિવસ ઑફિસ ન જાઓ તો તમારા કેટલા રૂપિયા કપાય? બાપે જવાબ દીધો, સાત હજાર રૂપિયા. પહેલાં તો દીકરાનું મોઢું ઊતરી ગ્યું, પણ પછી તરત તેના ચહેરા પર ચમક આવી ગઈ અને તેણે આગળ જઈને પપ્પાના હાથમાં રૂપિયા મૂક્યા કે આ ચાર હજાર રૂપિયા છે; તમે કાલે અડધો દિવસ રજા લઈને મારી ભેગા રે’જો, મારો બર્થ-ડે છે!
બાળકની લાગણી જુઓ તમે. તે બાપનું નુકસાન થાય એવું પણ નથી ઇચ્છતો, કારણ કે તેને ખબર છે કે પપ્પા કાંય બધુંય બાંધીને ઉપર ભેગું નથી લઈ જાવાના; તે જે કરે છે એ મારા માટે જ કરે છે; પણ સાહેબ, આ જે પાછળનો ભાગ છે એ આપણે ત્યાં કોઈ મોટિવેશનલ સ્પીકર કે’તો નથી. તે તો બાપને ધીબેડ્યા જ કરશે ને બાપ બિચારો ઑફિસ અને ઘર વચ્ચે રહેંસાયા કરશે.
હશે, ચાલો વાત કરીએ વાર્તાની.
હવેની વાર્તાનું નામ છે : એક હતો ડિવૉર્સી ચકો
એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લાવ્યો ચોખાનો દાણો. ત્યાં ચકાના સસરાનો ચકા પર ફોન આવ્યો, ‘અમારી ચકી દાણા લેવા નહીં જાય. અમે એને રાજકુંવરીની જેમ ઉછેરી છે. તમે મગના દાણા મગાવીને તેને મજૂરી કરાવશો તો અમે અમારી દીકરીને પિયર પાછી તેડી જશું અને લગ્નસંબંધમાં છૂટાછેડા લેશું.’
સસરાના અણધાર્યા ફોનથી ચકો તો સ્તબ્ધ થઈ ગયો. ચકા-ચકીના ડિવૉર્સ થવાના છે એ વાત શેરીનો કાળિયો કૂતરો સાંભળી ગયો. કૂતરાએ આ વાત રાજાને સંભળાવી. રાજાના દરબારનું તેડું આવ્યું. ચકા-ચકીનું રાજા-રાણીએ કાઉન્સેલિંગ કર્યું.
‘મગના દાણાની માથાકૂટ’ ચકા-ચકીની મહોબ્બતને ભરખી ગઈ. સાવ ક્ષુલ્લક બાબત સાસુ-સસરાના હસ્તક્ષેપથી જટિલ સમસ્યા બની. બન્નેનાં માતા-પિતા અને શહેરના કેટલાય સજ્જનોએ મધ્યસ્થી કરી, પરંતુ ચકી ટસની મસ ન થઈ.
ચકાએ આપેલી સ્વતંત્રતા ચકીને મન સ્વચ્છંદતા બની ગઈ. પોતાનાં માતા-પિતાની ચડામણીને લીધે ચકીના છૂટાછેડા નક્કી થયા. આ રીતે ચકીની સ્વચ્છંદતાને માતા-પિતાનું અનુમોદન મળ્યું.
પેનલ્ટીમાં ચકાએ બે કિલો ચોખાના દાણા ચકીને હાથોહાથ પંચ સમક્ષ આપવા પડ્યા. હવે ચકો-ચકી બન્ને અલગ થઈ ગયાં છે. રાજાનો કૂતરો ચકા માટે નવી ચકી શોધે છે. બસ, ચકાએ ચોખાની બાધા લઈ લીધી છે અને ચકીને મગનો દાણો દીઠો ગમતો નથી.
આ વાર્તા આજે ઘરે-ઘરે બનવા માંડી છે અને અફસોસની વાત છે કે આપણા માટે એ હવે નૉર્મલ ઘટના બની ગઈ છે. હશે, કરમ આપણાં...
વાત કરીએ નવી વાર્તાની. એનું ટાઇટલ છે : મગર અને માણસાઈ
એક નદીમાં એક મગર રહે. એ નદીકાંઠે રોજ એક વાંદરો પાણી પીવા આવે. એક વાર તો મગર વાંદરાને પીઠ પર બેસાડીને નદી પાર કરાવતો હતો. ત્યાં મગરે કહ્યું, ‘મારે તો તારું કાળજુ ખાવું છે!’
વાંદરો કહે, ‘અરેરેરે! પહેલાં કહેવાયને. મારું કાળજું તો હું નદીકાંઠે ઝાડ પર મૂકીને આવ્યો.’
મગરે તરત પાણીમાં બ્રેક મારી. કાંઠે રહેતા બીજા મગરના મોબાઇલમાં રિંગ કરીને પૂછ્યું, ‘જરા કાંઠાના ઝાડ પર જઈને ચેક કરો તો વાંદરાનું કાળજું ક્યાંય છે?’
વાંદરો તો સ્તબ્ધ થઈ ગયો. થોડી વાર પછી કાંઠા પરથી મગરને ફોન આવ્યો કે વૃક્ષની આજુબાજુનાં પ્રાણીઓના કહેવા મુજબ વાંદરાનું કાળજું તો કેટલાંય વર્ષો પહેલાં ચોરી થઈ ગયું છે.
આ સાંભળીને મગર ગિન્નાયો.
‘જુઠ્ઠા વાંદરા, તું મારી સામે જુઠ્ઠું બોલે છે?’
વાંદરો બહુ ડરી ગયો હતો. એણે ડરતાં-ડરતાં મગરની સામે જોયું.
‘ના મગરજી! મારો આશય તમને છેતરવાનો નથી, પરંતુ મારા વંશજો માણસો ગણાય છે અને બધા માણસો પાસે કાળજું હોવું ફરજિયાત નથી. અમુક લોકો તો માત્ર શ્વાસ લઈને કાળજા વગર જીવે છે! એટલે...!’
આ વાત સાંભળીને મગર ધૂંઆપૂંઆ થઈ ગયો, ‘આ માણસો તારા વંશજ છે?’
વાંદરો કહે, ‘મને શું ખબર? કેટલાક બહુ ભણેલા લોકોએ આ ગતકડું ચલાવ્યું છે!’
‘હટ સાલા! તું મારી પીઠને પણ લાયક નથી!’
કહીને મગરે વાંદરાને નદીના પાણીમાં અધવચ્ચે ફેંકી દીધો.
વાંદરો ડૂબવા લાગ્યો, બચવા માટે બૂમો પાડવા લાગ્યો. કાંઠે ઊભેલા લોકોએ આ દૃશ્ય જોયું પણ ખરું! પરંતુ સૌ મોબાઇલમાં વાંદરાનો વિડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. કોઈ વાંદરાની સહાયે ન આવ્યું. કાંઠે પણ કાળજા વગરના લોકો જ ઊભા હતા. એમ છતાં બીજા દિવસે છાપામાં ભરી-ભરીને સમાચારો છપાયા કે એક વાંદરો નદીના પાણીમાં ડૂબીને મરી ગયો, જ્યારે હકીકતમાં તો નદીકાંઠે માણસાઈ મરી ગઈ હતી.