મારાં કાશી ડોશીની રામકહાણી

09 June, 2024 11:46 AM IST  |  Mumbai | Sairam Dave

હું જ્યારે પણ કમરથી વળેલાં ને માથે ધોળાં આવી ગયેલાં કોઈ માજીને જોઉંં કે તરત મને કાશી ડોશી યાદ આવે અને સાચું કહું, મારા આખા શરીરમાં ઠંડીનું લખલખું પ્રસરી જાય. કાશી ડોશી હતાં પણ એવાં જ, તમે જ જોઈ લ્યો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમારા ગામમાં એક કાશી ડોશી રહેતાં. દેખાવે સાવ સામાન્ય લાગતાં આ કાકી સમજવામાં બહુ અઘરાં. કાકીની અમુક વર્તણૂક સમજવા માટે તમારે પુરાતત્ત્વ ખાતાની મદદ લેવી પડે. કાશીકાકીને કોઈ દુઃખી ન કરી શકે, પરંતુ કાકી આખા ગામને હેરાન કરવા સક્ષમ હતાં. કાકી સૌનું ભલું ઇચ્છે, પણ જૂના સિદ્ધાંતોમાં બાંધછોડ ન કરે. કોઈનાં પણ લગ્નમાં જાન ડિસ્કો કરવામાં મંડપે મોડી આવે તો કાકી વેવાઈને તતડાવી નાખે. કોઈના બર્થ-ડેમાં જાય તો કૅન્ડલ પ્રગટાવ્યા બાદ એ કૅન્ડલ ઠારવા નો દયે. પશ્ચિમી સંસ્કૃતિનું લાંબું પ્રવચન આપીને સળગતી કૅન્ડલ મંદિરમાં મૂકી આવે અને પછી બે હાથે કેક દાબે. ગામનો કયો જુવાનિયો કઈ કન્યા માટે ક્યાં-ક્યાં ટાયર ઘસે છે એની જાણ કાશી ડોશીને સૌથી પહેલી હોય.

કાશીકાકી એટલે આખા ગામનું પૂછવા ઠેકાણું, સૌનાં સ્વીકાર્ય વડીલ. આખા ગામને ખિજાઈને પણ ખખડાવે અને હસાવીને પણ ખખડાવે. કાશીકાકીના પરિવારમાં મોટી દીકરી સુખી ઘરમાં સાસરે અને દીકરો વહુને લીધે શહેરમાં વસે. પતિ કરસનકાકા યમરાજાથી ન ડરે એટલા કાકીથી બીએ.

કાકી એક વાર શહેરમાં ગયાં. ત્યાં જઈને રિક્ષા બાંધતાં પહેલાં રિક્ષાવાળાને પૂછ્યું, ‘હે ભઈલા, તમે ગુંડા તો નથીને?’

કાકીની નિખાલસતાથી રિક્ષાવાળો પણ હસી પડ્યો અને કાકીને ફ્રીમાં સરનામે ઉતારી ગયો. એક વાર શેરીના કોઈ બાળકે પૂછ્યું, ‘કાકી, આવડા મોટા વિમાનને કલર કેમ કરાતો હશે?’

કાકી કહે, ‘વિમાન જ્યારે આકાશમાં જાય અને નાનકડું થઈ જાય ત્યારે કલરવાળો પીંછો મારી દેતા હશે.’

કાકીને દવાખાનાથી ડર બહુ લાગે. ઘરના મોભારે એકાદ મીંદડી ભાળ્યા પછી જેમ ઉંદરડા ભાગે એમ ઇન્જેક્શનની સોય ભાળીને કાકી ઠેકડાઠેકડ કરવા લાગે. દવાખાનાનું બોર્ડ ભાળીને કાકીને ધ્રુજારી છૂટે અને ઑપરેશન કે સર્જરીની વાતું સાંભળીને તેમને લખલખું આવી જાય. કાકીની તકલીફો પણ મેડિકલ ટર્મિનોલૉજીને ફીણ લેવડાવે એવી હતી. કાકી દવાખાને ન જાય, પણ લગભગ એકાદા ડૉક્ટરને ઘરે તેડાવી લ્યે. ડૉક્ટરને ફોન કરી કાકી નવા-નવા રોગનું નવું વર્ણન કરે. ડૉક્ટર પણ લાલ-લીલી ગોળિયું લઈને તરત જ દોડીને ઘરે આવે. ડૉક્ટરે સાઇકલ પર કારકિર્દીની શરૂઆત કરી હતી, માત્ર પાંચ વરસમાં કાશીકાકીને લીધે ફોર-વ્હીલર ફેરવતા થઈ ગયા.

એક વાર ડૉક્ટરે કહ્યું, ‘કાકી, તમારું ઑલ બૉડી ચેક-અપ કરાવવું છે અને રાજકોટના મોટા ડૉક્ટરને રિપોર્ટ બતાવવા છે. તમને શું-શું થાય છે એ લેટરથી લખી દો.’ ડૉક્ટરના આગ્રહથી કાકીએ પહેલી વાર પાડોશની એક ભણેલી વહુ પાસે પત્ર લખાવ્યો જે વાંચવા જેવો હતો. વાંચો...

ડૉક્ટરસાહેબ, અમરનગરથી કાશીના જાજેથી જેશ્રી ક્રિશ્ન વાંચશો. તમે રૂબરૂ કીધું એટલે બાજુવાળા પાડોશની ભણેલી વવ પાસે આ પત્ર લખાવી રહી છું, જે મેં જ લખ્યો છે એમ સમજજો. બાકી બેટા, હું ક્યાં ભણી છું? હવે તકલીફની વાત માંડીને કહું તો આમ તો મને કાંઈ તકલીફ નથી અને આમ જુઓ તો તકલીફ સિવાય કાંઈ નથી. મારા જમણા કાનમાંથી ક્યારેક-ક્યારેક ધુંવાડા નીકળતા હોય એવું લાગે છે. મારા ડાબા કાનમાં સતત પિપૂડી વાગ્યા કરે છે. ક્યારેક તો મને એમ થાય કે કોઈ મચ્છરનાં લગ્નની પિપૂડી મને સંભળાય છે કે શું? મારા પેટમાં સતત ઘોડા દોડતા હોય એવું લાગે છે. મારા પગનાં તળિયાંમાં કોકે ભીના-ભીના ભમરા મૂક્યા હોય એવું લાગે છે.

બેટા, મને મે’માન આવે તોય નથી ગમતું અને જાય તોય નથી ગમતું. કોઈ લાઇટ કરે એ પણ નથી ગમતું અને અંધારું કરે એ પણ નથી ગમતું. હું ‘અનુપમા’ સિરિયલ જોતી હોઉં એટલી જ ઘડી મારા જીવને નિરાંત થાય છે. જેવી સિરિયલ પતે એટલે મારું ગળું સુકાવા લાગે છે. આમ તો રોજ રાતે સાડાદસ વાગે મારી આંખ્યું ઘેરાય છે, પણ તોય મને સખની નીંદર નથી આવતી. મારા ઓશીકા નીચે કોકે પવનચક્કી મૂકી હોય એવો અવાજ મને આવ્યા કરે છે.

હજી મને આવું તો ઘણુંય થાય છે બેટા! પણ હવે વવને ધાવણું છોકરું હોવાથી તે લખવાની ના પાડે છે એટલે પત્ર ટૂંકાવું છું. દીકરા, ઝટ મારા રોગની દવા મોકલજે.’

લિ. કાશીના જેશ્રી ક્રિશ્ન...

lll

કાશીકાકીના ઘરવાળા કરસનકાકા છાનામુના પોટલી (કોથળી)ના રવાડે ચડ્યા. મને યાદ છે કે અડધી રાતે કાકાને પોતાનું ઘર માંડ મળે. કાકીએ ગામના કેટલાય લોકોને વ્યસન છોડાવ્યાં હતાં, પરંતુ પોતાના પતિદેવને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં. પરિણામે રિવાજ પ્રમાણે આખું ગામ કાશી ડોશીના ઘરે ખરખરે આવ્યું. અવગુણોની જાણ હોવા છતાં ગુણગ્રાહી દૃષ્ટિ રાખી હતી એ કાબિલેદાદ હતી.

એક જ શેરીમાં રહેતાં હોવાથી ટીનેજર હોવા છતાં હું પણ કાકીના ઘરે ખરખરે પહોંચ્યો. મારો ને કાકીનો વાર્તાલાપ બહુ ખતરનાક હતો. મેં પૂછ્યું, ‘શું હતું કાકાને?’

અને કાકીએ નૉન-સ્ટૉપ કાકાનો ગુણાનુવાદ (?) શરૂ કર્યો. કાકી ઉવાચ : ‘કાંઈ નહીં બેટા, તારા કાકા તો તારા કાકા હતા. ચૌદ દિ’એ નહાતા, પણ કદી વાસ ન આવે. ચાર ચોરણી હતી, પણ નાડી એક. કદી ખોટા ખર્ચાની ટેવ નહીં. આંખમાં ફૂલું હતું, પણ નજર મારા સિવાય ક્યાંય પડે નહીં. કેટલું સમજાવ્યા પણ પીવાની લત તેનાથી છૂટી નહીં. પણ બેટા, તારા કાકા બહુ નેકીટેકીવાળા હતા. પીધા પછી એકની એક ગટરમાં બીજી વાર કોઈ દિ’ નથી પડ્યા. તારા કાકાને મારું-તારું નહોતું. તે ગમે તેની સાઇકલ પંચાયતેથી લઈ આવતા, ગમે તેનાં ચંપલ પેરી લેતા. તે એમ કહેતા કે મારું-તારું અજ્ઞાનીને હોય, આ બધું આપણું જ કહેવાય!’

તેર વર્ષની ઉંમરે મેં કાકીને સાંભળ્યા બાદ મને હજી નથી સમજાણું કે આમાં કાકીએ કાકાની નિંદા કરી કે પ્રશંસા? તમને સમજાય તો સમજી લેજો!

બાય ધ વે, કહેવાનું એટલું કે કાકા ને કાકી બેય ગુજરી ગયાં છે.

columnists