રાજનીતિ મેં સામ દામ દંડ ભેદ સબ અપનાયા જાતા હૈ ઝરૂરત પડે તો દુશ્મન કો ભી દોસ્ત બનાયા જાતા હૈ!

16 June, 2024 11:45 AM IST  |  Mumbai | Pravin Solanki

લોકો ચૂંટણીમાં મત આપવા જાય છે ત્યારે પોતે કોને ને શું કામ મત આપે છે એનો વિચાર ભાગ્યે જ કરતા હોય છે. મોટા ભાગના લોકો તો પરંપરાગત રીતે, આગલાં વર્ષોમાં જેના નામ પર સિક્કો માર્યો હોય તેના નામ પર મારીને આવે છે

ફાઇલ તસવીર

ચૂંટણી પતી ગઈ, પરિણામ પણ આવી ગયું. એમ છતાં પરિણામની ચર્ચાઓ હજી બંધ નથી થઈ અને થોડા સમય સુધી બંધ થવાની પણ નથી; કેમ કે પરિણામ એવું અવળચંડું આવ્યું છે કે જે જીતેલા છે એ એવું મહેસૂસ કરે છે કે તેઓ હારેલા છે અને જે હારેલા છે તે એવું મહેસૂસ કરે છે કે તેઓ જીતેલા છે. બન્ને છાવણીમાં પોતપોતાનાં કારણોસર જંપ નથી, અજંપો છે. બન્ને છાવણી જંપી જાય ત્યાં સુધીમાં આપણે ચૂંટણી દરમ્યાન સામાન્ય માણસના મનમાં કેટલાક પ્રશ્નો છે એને ઉકેલીએ, એની જાણ કરાવીએ.

લોકો ચૂંટણીમાં મત આપવા જાય છે ત્યારે પોતે કોને ને શું કામ મત આપે છે એનો વિચાર ભાગ્યે જ કરતા હોય છે. મોટા ભાગના લોકો તો પરંપરાગત રીતે, આગલાં વર્ષોમાં જેના નામ પર સિક્કો માર્યો હોય તેના નામ પર મારીને આવે છે. ઘણા મતદાતાઓ તે લોકસભાનો ઉમેદવાર છે કે વિધાનસભાનો છે એનો પણ વિચાર નથી કરતા. મોટા ભાગના મતદાતાઓ લોકસભા, વિધાનસભા, રાજ્યસભા કે વિધાન પરિષદ એ બધા વચ્ચે શું ફેર છે એ જાણતા જ નથી હોતા. આજે આપણે બહુ સરળ શબ્દોમાં એ વિશે પ્રાથમિક માહિતી જાણીએ.

સૌથી પહેલાં લોકસભા અને રાજ્યસભા વિશે જાણીએ. આ બન્ને સભાઓ દ્વારા સરકાર ચાલે છે. દેશમાં એક જ લોકસભા અને રાજ્યસભા હોય છે. વિધાનસભા દરેક રાજ્યમાં પોતપોતાની હોય છે - ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ છોડીને. ત્યાં રાજ્યપાલ શાસન કરે છે. વિધાન પરિષદની વાત કરીએ તો ભારતમાં ફક્ત છ રાજ્યોમાં વિધાન પરિષદ છે : મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઉત્તર પ્રદેશ.

લોકસભા અને રાજ્યસભાના સભ્યો સંસદસભ્યો તરીકે ઓળખાય છે. લોકસભાના સભ્યોને પ્રજા ચૂંટે છે અને એ ચૂંટાયેલા સભ્યો મેમ્બર ઑફ પાર્લમેન્ટ (MP) તરીકે ઓળખાય છે. રાજ્યસભાના મેમ્બર પણ MP જ કહેવાય છે, પરંતુ તેઓ અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. માત્ર MP રાજ્યસભાના કે લોકસભાના એ સ્પષ્ટ કરવું પડે છે.

 વિધાનસભાના સદસ્યને વિધાયક કહેવાય છે. તેમની ચૂંટણી પણ જનતા સીધી રીતે કરે છે જેને આપણે મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બલી (MLA) તરીકે પણ ઓળખીએ છીએ. વિધાન પરિષદના સદસ્યોને મેમ્બર ઑફ લે​જિસ્લેટિવ કાઉ​ન્સિલ (MLC) કહેવાય છે. અહીં સદસ્યો પણ અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. લોકસભાને ‘લોઅર હાઉસ’ તરીકે ઓળખાવાય છે. લોકસભાના સભ્યો આમજનતા દ્વારા ચૂંટવામાં આવતા હોવાથી ​નિમ્ન સદન કે હાઉસ ઑફ પીપલ કે લોઅર હાઉસ કહેવામાં આવે છે. રાજ્યસભાને અપર હાઉસ કહેવામાં આવે છે અને એના સદસ્યો MLA દ્વારા ચૂંટવામાં આવે છે એટલે કે જનતા દ્વારા ચૂંટાયેલા નથી હોતા.

વિધાન પરિષદની વાત કરીએ તો વિધાન પરિષદમાં ઓછામાં ઓછા ૪૦ સભ્યો હોવા જોઈએ. વિધાન પરિષદના સભ્યોની સંખ્યા હાલ ઉત્તર પ્રદેશમાં ૧૦૦ની, મહારાષ્ટ્રમાં ૭૮ની, બિહારમાં ૭૫ની અને કર્ણાટકમાં પણ ૭૫ની છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં ફક્ત ૫૮ની છે. પરિષદના કુલ સભ્યોના ૧/૩ સભ્યોની નિમણૂક વિધાયકો કરે છે; ૧/૩ સભ્યોને નગર નિગમ, નગરપાલિકા, ગ્રામપંચાયતના સભ્યો ચૂંટે છે.

લોકસભાના સંસદસભ્યોની મહત્તમ સંખ્યા એક સમયે ૫૫૨ની હતી જે અત્યારે ૫૪૩ની છે. રાજ્યસભાના સંસદસભ્યોની સંખ્યા ૨૫૦ની હોય છે જેમાંના ૧૨ સભ્યો રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.

વિધાનસભાના સભ્યોની સંખ્યાનો આધાર જે-તે વિધાનસભાના વિસ્તાર અને વસ્તી પર નિર્ભર છે. લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પણ એ સ્થાયી નથી. લોકસભાનો ભંગ થઈ શકે છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને વડા પ્રધાન લોકસભાનો ભંગ કરવાની સલાહ આપી શકે છે. અરાજકતા કે અંધાધૂંધીના કાળમાં વડા પ્રધાન આવું પગલું લઈ શકે છે.

રાજ્યસભાનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે અને દર વર્ષે ૧/૩ સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યા પર બીજા ૧/૩ સભ્યોની નિમણૂક થાય છે.

વિધાનસભાનો કાર્યકાળ પણ પાંચ વર્ષનો હોય છે અને લોકસભાની માફક એ પણ સ્થાયી નથી. રાજ્યપાલની સલાહ લઈને વડા પ્રધાન એનો પણ ભંગ કરી શકે છે. વિધાન પરિષદ સ્થાયી છે, એનો ભંગ થઈ શકતો નથી.

લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાવા માટે ઓછામાં ઓછી વય ૨૫ વર્ષની છે અને એ ભારતનો નાગ​રિક હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની વય ઓછામાં ઓછી ૩૦ વર્ષની જરૂરી છે અને એ જ રીતે વિધાન પરિષદના સભ્યોની પણ.

લીડર ઑફ ધ હાઉસ પ્રધાનમંડળ ચૂંટે છે અને એ મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન ગણાય છે. રાજ્યસભાના લીડરની ચૂંટણી એના સભ્યો કરે છે. વિધાનસભાનો લીડર ઑફ ધ હાઉસ મુખ્ય પ્રધાન હોય છે. વિધાન પરિષદના સભ્યો પણ એમનો લીડર ઑફ ધ હાઉસ ચૂંટી શકે છે.

સ્પીકરની વાત કરીએ તો રાજ્યસભાના સ્પીકર તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે. બાકી લોકસભા-વિધાનસભા વગેરેના સ્પીકરની ચૂંટણી એના સભ્યો દ્વારા થાય છે.

સ્પીકર લોકસભાના પ્રતિનિધિ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભા કોઈ પણ સંસદસભ્યને નિલંબિત નથી કરી શકતી, પણ લોકસભા કરી શકે છે. લોકસભા સર્વોપરી છે.

વાચકમિત્રો, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદની આ એક સરળ અને સાદી રૂપરેખા છે.

સમાપન
સિયાસત કરની હૈ તો ઇસ બાત પે ગૌર ફરમાઓ 
જો દેખ સકતા હૈ ઉસે પહલે અંધે બનાઓ! 

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Pravin Solanki