14 November, 2023 06:39 AM IST | Mumbai | Manoj Joshi
ફાઈલ ફોટો
ખરેખર આજના દિવસે તો આ સવાલ જાતને એક વાર પૂછી જ લો. પૂછો, આજ સુધી જીવ્યા કે પછી દિવસો કાઢ્યા? જીવવાનું હતું એટલે જીવી લીધું કે પછી દિવસો આવતા હતા એટલે પસાર કરી લીધા? છેલ્લો સવાલ, જીવનની દરેક ક્ષણને તમે માણી કે પછી દરેક ક્ષણને ભારરૂપ ગણીને એને પસાર કરી?
આજે વર્ષનો પહેલો દિવસ છે. જરૂરી પણ નથી કે નવો સુધારો લાવવા માટે વર્ષનો પહેલો દિવસ અનિવાર્ય છે. નવી શરૂઆત માટે, શુભારંભ માટે દરેક દિવસ શ્રેષ્ઠ છે અને એમ છતાં જો તમે ધારતા હો કે નવા વર્ષનો પહેલો દિવસ હોય તો જીવનમાં સુધારો લાવવો તમને ગમે તો આજે એ જ દિવસ અને એ જ ક્ષણ છે. એક સુધારો લાવજો, માત્ર એક સુધારો કે કોઈને ઉપયોગી બનવું છે. બહુ વાસ્તવિક અને એકદમ સરળ રસ્તો છે આ. જો કોઈને મદદરૂપ થઈ શકાતું હોય તો એ તક જતી નથી કરવાની. આવી તક વર્ષ દરમ્યાન તમને નિયમિત મળતી રહેશે અને આવી તક વારંવાર આવ્યા કરશે. ભૂતકાળમાં આવી છે, પણ એમ છતાં એનો ઉપયોગ નથી થઈ શક્યો, પણ હશે; જાગ્યા ત્યારથી સવાર, આંખો ખૂલી ત્યારથી પરોઢ.
તમને લાભ થતો હોય તો સારી વાત છે, પણ ન થતો હોય અને કોઈનું સારું થઈ રહ્યું હોય તો કોઈની પણ ચિંતા કર્યા વિના, કોઈનો પણ વિચાર કર્યા વિના અને મનમાં આર્યભટ્ટ જગાડ્યા વિના મદદ કરજો. મદદ કરવાની તક છોડતા નહીં. સાથી હાથ બઢાના. જો તમે કોઈને માટે હાથ લંબાવી શકશો તો જ કાલ સવારે કોઈ તમારા માટે હાથ લંબાવશે. આપણે મદદ કરવાની ભાવના કેળવવી પડશે. વાજબી આવશ્યકતા છે આ અને અનિવાર્ય સંજોગો છે આ. જો તમે આ કામ નહીં કરો તો કોઈનું કામ અટકી જવાનું નથી, કોઈ લાચાર નથી થઈ જવાનો અને એટલે જ કહું છું કે કોઈને મદદ કરવાની તક આગળ જવા દેવાને બદલે એને ઝડપી લેવાની છે અને એને ઊંચકી લેવાની છે. આ વર્ષની આ એક માત્ર અને સરળ સૈદ્ધાંતિક સમજૂતી જાત સાથે કરવાની છે.
મદદ કરવા માટે તમારે ક્યાંય આગળ-પાછળ કે ઉપર-નીચે જોવાની જરૂર નથી. તમે માત્ર આંખ ખોલશો તો તમને દેખાઈ આવશે કે તમારી આજુબાજુમાં જ કેટલા એવા લોકો છે જેને તમારા હાથની, તમારા સાથની જરૂર છે. મદદ કરવાની તક ન સાંપડે, કોઈ આવીને મદદ ન માગે તો પણ તમે એ કામ કરી શકો એમ છો. જો શક્ય હોય તો એક યાદી બનાવીને રાખો કે તમારી પાસે કઈ ક્ષમતા છે જેનો ઉપયોગ તમે કોઈને મદદ કરવામાં કરી શકો એમ છો. જરૂરી નથી કે દરેક તબક્કે તમે આર્થિક મદદ જ કરી શકો. ના, જરા પણ જરૂરી નથી. તમે રિટાયર્ડ છો, વાંધો નહીં. નાહકનું કોઈને નડવાને બદલે આડોશ-પાડોશનાં બાળકોને ઘરે બોલાવીને નિઃશુલ્ક ટ્યુશન શરૂ કરો. અત્યંત ઉપયોગી એવી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા ઉદાહરણરૂપ પણ છે. જો તમારી પાસે ગૃહઉદ્યોગનું કૌશલ્ય હોય તો એ કળા કોઈને શીખવીને પગભર કરો. એક વાત ખાસ, અક્ષરજ્ઞાન અને રોજગારથી સર્વોત્તમ બીજી કોઈ સેવા નથી. ભૂલતા નહીં. જો એ આપી શકતા હો તો પાછળનાં વર્ષોની તમામ ભૂલ ઈશ્વર માફ કરશે, ગૅરન્ટી મારી.