તમે ઊંડા શ્વાસ લો છો?

07 February, 2024 07:55 AM IST  |  Mumbai | Ruchita Shah

બીજું કંઈ જ ન આવડે તો સતત અવેરનેસ સાથે માત્ર ઊંડા શ્વાસ લેવાની ટેવ કેળવવામાં આવે તો પણ એ તમારા શરીરની ઘણી સમસ્યાઓથી તમને છુટકારો આપી શકે એમ છે

યોગ કરતી સ્ત્રીની પ્રતીકાત્મક તસવીર

ડીપ બ્રીધિંગ વિશે તમે ઘણું વાંચ્યું હશે અને ઘણું સાંભળ્યું પણ હશે. આપણે પણ ભૂતકાળમાં આ કૉલમ અંતર્ગત ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવાના મહત્ત્વ પર ચર્ચા કરી ચૂક્યા છીએ. ઘણીબધી ટૉપની ઇન્સ્ટિટ્યૂટ ડીપ બ્રીધિંગના ફાયદા વિશે પેટ ભરીને ચર્ચા કરી ચૂકી છે. હાર્વર્ડ હેલ્થ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટમાં સ્ટ્રેસની બૉડી પર થતી નકારાત્મક અસરની માત્ર ડીપ બ્રીધિંગ પ્રૅક્ટિસથી કન્ટ્રોલ કરી શકાય એવું પુરવાર થઈ ચૂક્યું છે. લાભ ઘણા છે અને સૌકોઈ કરી શકે એવી વ્યવસ્થા છે અને છતાં શું કામ લોકોમાં ડીપ બ્રીધિંગનો અભ્યાસ રૅર થતો જાય છે? શું કામ લોકો સિમ્પલ લાંબા અને ઊંડા શ્વાસ લેવામાં ગોથું ખાઈ જતા હોય છે? ઊંડા શ્વાસ લેવાના નામે લોકો કઈ ભૂલો કરી બેસતા હોય છે એ સમજવાની કોશિશ કરીએ. ઊંડા શ્વાસ લેવાની સાચી રીત સમજીને એના લાભ વિશે પણ વિગતવાર ચર્ચા કરીએ. 

સાચી રીત કઈ?
ઘણા લોકો ઊંડા શ્વાસ લેવાના નામે છાતીના ભાગને ખેંચવાની અથવા તો ખભા ઉલાળવાની પ્રૅક્ટિસ કરતા હોય છે જે અભ્યાસ અને જે રીત ખોટાં છે. ઊંડા શ્વાસ લેવામાં કોઈ એફર્ટ્સ લેવા પડે તો એ રીત જ ખોટી છે એ સૌથી પહેલાં તો મગજમાં ઉતારી લો. તમારે પ્રયાસ કરવા પડે પણ એ પ્રયાસ સાચી દિશામાં હોવા જોઈએ. શ્વાસ લેતી વખતે ત્રણ ભાગમાં મૂવમેન્ટ થવી જોઈએ. સૌથી પહેલાં પેટના ભાગમાં જે ડાયાફ્રામ નામના સ્નાયુઓના હટવાને કારણે લંગ્સને જગ્યા મળે અને લંગ્સ ફુલાય, જેને કારણે પેટ પર એનો પ્રભાવ પડે. એ પછી થૉરેસિક રીજન એટલે કે છાતીનો મધ્ય ભાગ ફુલાય, એક્સપાન્ડ થાય. એ પછી નંબર આવે છાતીના ઉપલા ભાગનો, જે ભાગ પણ થોડાક અંશે ફુલાય અથવા તો સહેજ ઊંચકાય. હવે જ્યારે તમે શ્વાસ લો છો તો ચેક કરો કે આ ત્રણ ભાગમાં કોઈ હલનચલન છે અને છે તો એ કેટલું છે. એના આધારે તમારા બ્રીધિંગને તમે જાતે જ રેટ કરી શકો. 

ઊંડા શ્વાસ લો ત્યારે પેટ ફુલાવું જોઈએ એને બદલે જો એટલું મનમાં નિશ્ચિત કરી નાખો કે શ્વાસ લો ત્યારે પેટ ફુલાય તો એ પણ એક બહુ જ પૉઝિટિવ આદત કલ્ટિવેટ કરવાનું કામ કરશે. સરળ નિયમ કે શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર આવવું જોઈએ અને શ્વાસ બહાર આવે ત્યારે પેટ અંદર જવું જોઈએ. 

અનલિમિટેડ લાભ
એક નહીં પણ અનેક સર્વેક્ષણોએ આ વાતની સાક્ષી પૂરી છે કે તમારા બ્લડ-પ્રેશરથી લઈને હૉર્મોન્સને લગતી કોઈ પણ સમસ્યામાં સિમ્પલ ડીપ બ્રીધિંગનો નિયમિત અભ્યાસ ચમત્કારી પરિણામ આપી શકે છે. ઊંડા શ્વાસથી તમારા શરીરના સ્ટ્રેસને ટૅકલ કરવાની ક્ષમતા બમણી થઈ જાય છે અને એટલે જ તમારો ટૉલરન્સ એટલે કે કોઈ પણ વિપરીત સંજોગો સામે ટકી રહેવાની સહનશક્તિ વધી જાય છે. હૃદયને લગતી સમસ્યામાં, મેન્ટલ ડિસઑર્ડરમાં, હૉર્મોનલ ડિસઑર્ડરમાં, શ્વાસને લગતા રોગોમાં ઊંડા શ્વાસનો અભ્યાસ ઉપયોગી છે. તમારા શરીરની દરેકેદરેક સમસ્યાને કાબૂમાં રાખવા અથવા તો એનાથી થોડીક રાહત આપવામાં સિમ્પલ ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કરો અને જુઓ એની અસર. શરત માત્ર એટલી છે કે તમારે આદત કેળવવી પડશે અને આ એક બાબતને ૩૬૫ દિવસ ચોવીસ કલાક માટે તમારી જીવનશૈલી સાથે જોડવી પડશે. જીવનની અનેક સમસ્યાઓ માટે એ રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે.

health tips columnists yoga