હુએ રે ખુદ સે પરાએ હમ, કિસી સે નૈના જોડ કે

29 March, 2024 09:00 AM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

અમિતાભ ભટ્ટાચાર્ય અને પ્રીતમે તૈયાર કરેલા ફિલ્મ ‘કલંક’ના ટાઇટલ-સૉન્ગની તાકાત એવી છે કે જો આ સૉન્ગ તમે સવાર-સવારમાં સાંભળી લીધું હોય તો તમારો આખો દિવસ ઉદાસ પસાર થાય અને તમને દિવસભર તમારો જૂનો પ્રેમ યાદ આવ્યા કરે!

વરુણ ધવન, અલિયા ભટ્ટ

અમિતાભ ભટ્ટાચાર્ય અને પ્રીતમે તૈયાર કરેલા ફિલ્મ ‘કલંક’ના ટાઇટલ-સૉન્ગની તાકાત એવી છે કે જો આ સૉન્ગ તમે સવાર-સવારમાં સાંભળી લીધું હોય તો તમારો આખો દિવસ ઉદાસ પસાર થાય અને તમને દિવસભર તમારો જૂનો પ્રેમ યાદ આવ્યા કરે!

‘બ્રધર્સ’, ‘કલંક’ અને ‘જુગ જુગ જિયો.’ 
ધર્મા પ્રોડક્શન્સની સૌથી વાહિયાત કહેવાય એવી ફિલ્મોનું લિસ્ટ બનાવવા બેસો કે તરત તમને આ ત્રણ ફિલ્મ યાદ આવી જાય. આ ત્રણ ફિલ્મને ઍક્ચ્યુઅલી ફિલ્મ કહી પણ ન શકાય. રિયલમાં એ ફિલ્મો પ્રોજેક્ટ હતી. આંકડાની જગ્લરી અને એમાંથી ઊભો થયેલો પ્રોજેક્ટ. નુકસાન થવાનું નથી એની પહેલેથી જ ખબર પડી જાય પછી જે ફિલ્મ બને એ આ ફિલ્મો જેવી હોય અને એટલે જ કદાચ કરણ જોહરને આ ફિલ્મોના રિઝલ્ટ માટે કોઈ અફસોસ ન હોય એવું પણ બની શકે, પણ મને છે. હા, મને બે વ્યક્તિ અને એક સૉન્ગ માટે બહુ અફસોસ છે. એ બે વ્યક્તિ એટલે પ્રીતમ અને અમિતાભ ભટ્ટાચાર્ય. બન્નેએ ‘કલંક’ માટે એટલું અદ્ભુત ટાઇટલ-સૉન્ગ આપ્યું પણ ફિલ્મ ખરાબ હોવાને લીધે એ સૉન્ગ નજરઅંદાજ થયું. ‘કલંક’ના એ ટાઇટલ-સૉન્ગના શબ્દો જુઓ તમે. અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલા શબ્દો તમારા દિલમાં નાસૂર બનીને તમને જબરદસ્ત પીડા આપશે.

હવાઓ મેં બહેંગે, ઘટાઓં મેં રહેંગે
તૂ બરખા મેરી, મૈં તેરા બાદલ પિયા
જો તેરે ના હુએ, તો કિસી કે ના રહેંગે
દીવાની તૂ મેરી, મૈં તેરા પાગલ પિયા.

શબ્દોમાં જે પીડા છે એ પીડા અરિજિત સિંહ સિવાય કોઈ લાવી ન શકે. અરિજિતે ગાયેલું આ ટાઇટલ-સૉન્ગ એ સ્તરે પેઇનફુલ છે કે જો તમે એ ભૂલથી પણ સવારના સમયે સાંભળી લીધું હોય તો તમારો દિવસ અપસેટનેસ સાથે પસાર થાય અને એ જ કામ અમિતાભ ભટ્ટાચાર્ય, પ્રીતમ, અરિજિતે કરવાનું હતું. એક વાત મારે કહેવી છે કે જ્યારે તમને વિલન પર ગુસ્સો ચડે ત્યારે તમારે એ ઍક્ટરનાં વખાણ કરવાં જોઈએ કે તેણે એ જ કરી દેખાડ્યું જે તેના ભાગે કરવાનું આવ્યું હતું. એવું જ સૉન્ગનું છે. જે સમયે તમારા મનમાં પીડા ભરી દે એવી રિધમ ઊભી થાય, એવા શબ્દો હોય, તમારી આંખમાં આંસુ આવી જાય એ સમયે માનવું કે એ કામ તેમને સોંપવામાં આવ્યું હતું અને એ આખી ટીમે એ જ કામ કરી દેખાડ્યું. ‘કલંક’ના ટાઇટલ-સૉન્ગમાં એ જ કામ થયું છે. જે પ્રકારની રિધમ હતી અને જે પ્રકારની ફીલિંગ્સ લાવવાની હતી એને માટે અરિજિત સિંહે સૌથી વધારે મહેનત કરવાની હતી. તમે કલ્પના નહીં કરો, પણ અરિજિતે આ સૉન્ગ માટે બેચાર કે છ ટેક નહીં, પણ બારસો, હા ૧૨૦૦ ટેક આપ્યા અને એ ૧૨૦૦ ટેક પછી આ સૉન્ગનું ફાઇનલ વર્ઝન આપણી સામે આવ્યું અને આવ્યું એ કેવું આવ્યું?! અકલ્પનીય, અદ્ભુત અને અવિસ્મરણીય.

હઝારોં મેં કિસી કો તકદીર ઐસી
મિલી હૈ એક રાંઝા ઔર હીર જૈસી
ના જાને યે ઝમાના, ક્યૂં ચાહે રે મિટાના?
કલંક નહીં, ઇશ્ક હૈ કાજલ પિયા.

‘કલંક’ની સૌથી મોટી વીકનેસ એ હતી કે ફિલ્મની સ્ટોરીમાં કાંદાની જેમ એક પછી એક બહુ બધાં પડ હતાં અને એ પડને પૂરતું વેઇટેજ નહોતું મળ્યું. માધુરી દીક્ષિત અને સંજય દત્તની એક લવસ્ટોરી હતી, જે કાયમ માટે અધૂરી રહી અને સંજય દત્તે સમાજના ડરથી બીજે લગ્ન કરી લેવાં પડ્યાં હતાં. બન્નેને એક બાળક હતું, વરુણ ધવન. વરુણ ધવનને માધુરીએ પણ છોડી દીધો હતો એટલે એ એક લુહારને ત્યાં મોટો થયો. ‘કલંક’ અધૂરી લવસ્ટોરીનો ખજાનો હતો. સંજય દત્તને ઑફિશ્યલ વાઇફથી એક દીકરો છે, આદિત્ય રૉયચૌધરી. આદિત્યનાં મૅરેજ સોનાક્ષી સાથે થયાં છે, પણ સોનાક્ષી મરવાની છે એટલે તે ઇચ્છે છે કે આદિત્યની લાઇફમાં અત્યારથી જ સેકન્ડ વાઇફ આવી જાય. સોનાક્ષી આદિત્યની લાઇફમાં આલિયા લાવે અને પછી તેનું મોત થાય. આ લવસ્ટોરી એ રીતે અધૂરી રહી ગઈ. આલિયા આવે છે આદિત્યની લાઇફમાં, પણ તેને પ્રેમ થાય છે વરુણ સાથે. વરુણ અને આદિત્ય બન્ને ભાઈ છે, પણ બન્નેની મા જુદી-જુદી છે એ તમને ખબર છે. આદિત્ય અને વરુણ પણ ટેક્નૉલૉજીના મુદ્દે આમનેસામને આવી ગયા છે, પણ એ બન્ને વચ્ચે ગજગ્રાહ ઊભા થાય એ પહેલાં પાર્ટિશનની પ્રક્રિયા શરૂ થાય છે અને આદિત્યની ફૅમિલી ઇન્ડિયા શિફ્ટ થાય છે. 

બધા જતા હોય છે એ દરમ્યાન ભાગલાવિરોધી એક ટોળું ત્યાં આવી જાય છે. એ લોકો ટ્રેન પર હુમલો કરે છે અને વરુણ મહામહેનતે આલિયાને ટ્રેનમાં રવાના કરી પોતે પાછળ પેલા ટોળાનો શિકાર થઈ જાય છે. આ રીતે આલિયા અને વરુણની લવસ્ટોરી પણ અધૂરી રહી જાય છે. ત્રણ અધૂરી લવસ્ટોરીની કથા એટલે ‘કલંક’ અને બીજા શબ્દોમાં કહીએ તો ત્રણ લવસ્ટોરીની ખીચડી એટલે ‘કલંક’, દરેકના પ્રેમને કલંક માનવામાં આવે છે અને એ જ કારણે આ ગીત દ્વારા કહેવાયું છે કે ના, પ્રેમ એ કલંક નથી. 

દુનિયા કી નઝરોં મેં યે રોગ હૈ
હો જિનકો વો જાને, યો જોગ હૈ
ઇક તરફા શાયદ હો દિલ કા ભરમ
દો તરફા હૈ તો યે સંજોગ હૈ
લાઇ રે હમેં ઝિંદગાની કી કહાની કૈસે મોડ પે
હુએ રે ખુદ સે પરાયે હમ, કિસી સે નૈના જોડ કે

અમિતાભ ભટ્ટાચાર્યને હું નવી જનરેશનના ગુલઝાર તરીકે મૂલવવામાં જરા પણ ખચકાટ નહીં અનુભવું. ખરા અર્થમાં તે ગુલઝાર છે. તેમના શબ્દોમાં સાદગી હોય છે તો જરૂર પડે ત્યાં એ શબ્દોના શેન વૉર્ન બનીને ગૂગલી પણ ફેંકી શકે છે. ‘કલંક’ના ટાઇટલ સૉન્ગમાં તેણે એ જ કર્યું છે. ‘દો તરફા યે હૈ તો સંજોગ હૈ...’એકેક લાઇન તમે જુઓ, એકેક શબ્દનો ભાવાર્થ તમે સમજો. તમને ખબર પડશે કે અમિતાભ ભટ્ટાચાર્યએ ખરા અર્થમાં બોલતી બંધ કરી દીધી તો સાથોસાથ લાગશે કે એ માણસે અધૂરા પ્રેમની વ્યાખ્યા બદલી નાખી. માત્ર આ એક સૉન્ગ થકી. આ ગીતમાં મુખડું છે અને એક જ અંતરો છે અને એ પછી પણ એણે એક આખા સૉન્ગની માવજત ઊભી કરી દીધી છે. 

દેખીતી રીતે જે બીજો અંતરો લાગે છે એ ખરેખર તો અંતરો નથી પણ એમાં માત્ર શબ્દોની માવજત છે. તમે પોતે જુઓ.
મૈં તેરા, હો મૈં તેરા
મૈં ગહરા તમસ, તૂ સુનહરા સવેરા
મૈં તેરા, હો મૈં તેરા
મુસાફિર મૈં ભટકા, તૂ મેરા બસેરા
મૈં તેરા, હો મૈં તેરા
તૂ જુગનૂ ચમકતા, મૈં જંગલ ઘનેરા
મૈં તેરા, હો પિયા મૈં તેરા...

ખેલદિલી સાથે શબ્દો સાથે રમવાનું મૅક્સિમમ કામ પ્રીતમે અમિતાભ ભટ્ટાચાર્ય સાથે કર્યું છે અને એનું કારણ પણ છે. અમિતાભ ભટ્ટાચાર્ય પાસે એ સ્કિલ છે અને જેની પાસે સ્કિલ હોય એની જ સાથે તમને રમવાની મજા આવે. ‘કલંક’નું આ જ ટાઇટલ-સૉન્ગ ડ્યુએટમાં પણ છે પણ એક વાત કહીશ, જે પેઇન અરિજિતવાળા સોલો સૉન્ગમાં છે એ વાત ડ્યુએટમાં નથી જ નથી અને કદાચ એટલે જ ફિલ્મમાં ડ્યુએટ રાખવામાં આવ્યું પણ નહોતું.

columnists bollywood buzz varun dhawan alia bhatt