08 December, 2023 04:16 PM IST | Mumbai | RJ Dhvanit Thaker
અમિતાભ બચ્ચન
હું જ સાચો છું. હું જ સાચો છું. હું જ સાચો છું.
કહો જોઈએ, આ એક વાક્ય તમે મનોમન કેટલી વાર બોલ્યા હશો? મનોમન એટલે ગણગણીને નહીં, પણ અંદરખાને પણ આ જ વાત મનમાં ચાલતી હોય એ પણ કાઉન્ટ કરવાનું અને એ પણ ગણવાનું જેમાં આપણા મનના વિચારોમાં આ વાત વારંવાર પડઘા પાડતી હોય અને કહેતી હોય આ જ ચાર શબ્દો,હું જ સાચો છું. હું જ સાચો છું. હું જ સાચો છું.કહો જોઈએ કેટલી વાર તમે બોલ્યા હશો? કેટલી વખત મનમાં આ વાત આવતી હશે અને કેટલી વખત તમે ત્રાહિત પાસે આ વાત કરી હશે કે હું જ સાચો છું, પણ એ માનતા નથી કે સમજતા નથી. કેટલી વાર, પૂછો એક વાર જાતને અને પછી કહો. કહેવાનું તમારે મને નથી, પણ જાતને જ છે કે તમે કેટલી વાર આવું બોલો કે માનો છો?
જવાબ નહીં આપો તો ચાલશે, કારણ કે આ જવાબ એવો છે જેની ગણતરી શક્ય જ નથી. અગણિત વખત આપણે આવું માનતા હોઈએ છીએ અને અગણિત વખત આપણે જાતને કહીએ છીએ કે ‘હું જ સાચો છું’ પણ આ એક વાક્યની સાચી અસર શું છે એની ખબર છે તમને? ચાર શબ્દનું આ એક વાક્ય જેટલી વાર મનોમન બોલાતું હોય છે એટલી વખત આપણે હેરાન થતા હોઈએ છીએ. અંદર દ્વંદ્વ હોય છે, તોફાન હોય છે, અંદર ઘમસાણ સંઘર્ષ ચાલતો હોય છે કે હું સાચો છું અને અંદર ચાલતી આ ચકમક બહાર આગ લગાડે છે. હા, આગ લગાડે છે. રિલેશનશિપ પર અસર કરે છે, સંબંધો પર અસર કરે છે, લાગણીઓ પર અસર કરે છે, સંવેદનાઓ પર અસર કરે છે. આ એક વાક્યને લીધે શરૂ થતી અંદરની ચકમક અને એ ચકમકને લીધે લાગતી આગને લીધે અબોલા થઈ જાય કે સંબંધ પણ તૂટી જાય.
કેમ? શું કામ?
જવાબ એ જ ચાર શબ્દો છે.
હું જ સાચો છું.
વૉટ્સઍપ કે ફેસબુક પર લોકો લડ્યા કરે છે. જોયું, અમે તો પહેલેથી જ કહેતા હતા કે તેનો ભરોસો ન થાય, લાયક જ નથી એ માણસ વિશ્વાસને. ફલાણો તો આમ ને ઢીંકણો તો આમ. પેલો સ્ટાર તો આવો અને પેલો ક્રિકેટર તો આવો. ફલાણો પૉલિટિશ્યન આમ ને ઢીંકણો માણસ આમ. અરે, ભાઈ મૂકને, એમાંનો એક પણ માણસ તારું ઘર ચલાવવા આવવાનો છે?
પોતાનું ઘર બાળીને બીજાના ઇન્ટીરિયર જોવા બેઠો છે એ પહેલાં ઘરની આગને જરા ઠંડી કરને વહાલા. બાળક બિચારું કહે કે મમ્મી ફોન મૂકને, પણ મમ્મી? મમ્મી તો સાવ જુદી જ દુનિયામાં છે અને દેકારો કર્યા કરે છે, ‘તને કેમ ખબર નથી પડતી?’, ‘આખો દિવસ શું છે તારે?’
અરે, બાળક પણ એ જ પૂછી રહ્યું છે કે એવું તે શું છે આ ફોનમાં કે તું ઉપર જોવા પણ રાજી નથી. એવું તે શું દાટ્યું છે કે તું આમ સામું જોવા પણ રાજી નથી. મારો ચહેરો, મારી આંખો, મારું સ્માઇલ નથી દેખાતું તને અને ખરેખર એવું જ છે સાહેબ. બાળક જન્મે અને જરાઅમસ્તું સ્માઇલ કરે કે તરત મોબાઇલ શોધવા બેસશે. શું કામ તો જવાબ છે, ફોટો લેવા. અરે, જે મળે છે એને માણવાને બદલે આ શું માંડ્યું છે આપણે. એક વાત યાદ રાખજો કે યાદો ભેગી કરવાનો શોખ ધરાવનારાઓ ક્યારેય એ યાદોની હૂંફને માણી નથી શકતા. બાળક એક વખત ઊભું રહ્યું કે તરત દોડે મોબાઇલ લેવા. શું કામ, વિડિયો-કૉલ કરવા. દુનિયાને હવે સાથે રાખવાની જે લાય મનમાં જન્મી ગઈ છે એ લાયે માણસને અંદરથી એકલા કરવાનું ચાલુ કરી દીધું છે. યાદ રાખજો કે મોબાઇલ તમને કંપની નથી આપતો, પણ આ મોબાઇલ તમારી પાસેથી કંપનીઓ છીનવી રહ્યો છે. અત્યારે આપણો ટૉપિક આ મોબાઇલ છે પણ નહીં એટલે આપણા વિષય પર પાછા આવીએ.આપણે અંગત સંબંધો જતા કરીને દુનિયાને સુધારવા, વિશ્વને સમજવા નીકળી પડ્યા છીએ. મને બરાબર યાદ છે કે મારા બાળપણના દિવસો, જ્યારે મારા પપ્પા અને દાદા બન્ને પૉલિટિક્સની ઉગ્ર ચર્ચાએ ચડતા. બન્ને સાવ એટલે સાવ જુદા.
એક કહે ‘એ’ તો બીજું કહે ‘ઝેડ’. એક
કહે ‘ઉત્તર’ તો બીજું કહે ‘દક્ષિણ’. બન્ને
બિલકુલ એક્સ્ટ્રીમ.
એ દિવસની રાત મને આજે પણ યાદ છે. એ રાતે જમ્યા પછી તેમની ચર્ચાઓ શરૂ થઈ અને ચર્ચા ઉગ્ર બની અને એ ઉગ્રતાએ ચરમસીમા પકડી. મને એ પણ યાદ છે કે એ વખતે ડરીને હું રસોડામાં ચાલ્યો ગયો હતો અને મમ્મીને પૂછતો હતો કે મારે ટીવી જોવું છે, ક્યારે પૂરું થશે આ લોકોનું? ફૉર્ચ્યુનેટલી, પૉલિટિક્સની એ ઉગ્ર ચર્ચા એ જ સમયે પૂરી થઈ જ્યારે મારું ચિત્રહાર શરૂ થયું. હું તો એ સમયે ગીતો જ સાંભળતો હતો અને મને એ પણ યાદ છે કે મારે માટે એ સમયે એ બધા શબ્દો ગીત જ હતાં; એક ગીત, બે ગીત અને ત્રીજું ગીત.‘દેશપ્રેમી’ ફિલ્મમાં માસ્ટરજી બનેલા અમિતાભ બચ્ચન ગાય છે એ ગીત આવ્યું. એક બસ્તીમાં માસ્ટરજી રહે છે અને ત્યાં રહેલા લોકો વચ્ચે અંદરોઅંદર લડાઈ શરૂ થાય છે, જેની વચ્ચે પડીને માસ્ટરજી આ ગીત ગાય છે. મને એ ગીત બહુ ગમે, ટીવીની સાથોસાથ હું પણ એ ગાતો હતો,
‘
ઓ મેરે દેશપ્રેમિયોં,
આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમિયોં...
દાદા મને પૂછે કે ગાય છે. મને તો એ વખતે ખબર ન પડી, પણ દાદા હસીને જતા રહ્યા. પપ્પા બીજી રૂમમાં હીંચકો ખાતા હતા. તેઓ ગયા સીધા તેમની પાસે અને એકાદ મિનિટ પછી મને તેમનો બન્નેનો હસવાનો અવાજ આવ્યો અને તેમનો ઝઘડો ફોક થઈ ગયો.
‘આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમિયોં...’
ગીતમાં કોઈ ખાસ વાત નહોતી, પણ એ શબ્દોએ એ દિવસે જાદુઈ અસર કરેલી. એ સમયે જે શબ્દોમાં ખાસ કોઈ વાત નહોતી લાગી એ જ શબ્દો આજના સમયે બિલકુલ રિલેવન્ટ છે. ચારે બાજુ સ્વાર્થ છે, એકબીજા પર આક્ષેપ છે, કોઈને કોઈના પર વિશ્વાસ રહ્યો નથી. એ બધા વચ્ચે સોશ્યલ મીડિયા ચિનગારી મૂકવાનું કામ કર્યા કરે છે અને લોકો, લોકો એ ચિનગારીનો ઉપયોગ હુંસાતુંસીમાં કરે છે. આજની આ સિચુએશનને જોઈને ગીતના શબ્દો જુઓ તમે,
મીઠે પાની મેં યે
ઝહર ના તુમ ઘોલો
જબ ભી કુછ બોલો,
યે સોચ કે તુમ બોલો,
ભર જાતા હૈ ગહરા ઘાવ,
જો બનતા હો ગોલી સે
પર વો ઘાવ નહીં ભરતા,
જો બના હો કડવી બોલી સે
તો મીઠે બોલ કહો,
મેરે દેશપ્રેમિયોં,
આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમિયોં
નફરત કી લાઠી તોડો,
લાલચ કા ખંજર ફૈંકો
ઝિદ કે પીછે મત દૌડો,
તુમ પ્રેમ કે પંછી હો.