24 February, 2023 04:17 PM IST | Mumbai | RJ Dhvanit Thaker
યાદોં કી બારાત નિકલી હૈ આજ, દિલ કે દ્વારે
મજરૂહ સુલતાનપુરીને ‘યાદોં કી બારાત’ના ટાઇટલ-સૉન્ગ સિવાયનાં બીજાં સૉન્ગ લખવાનો કોઈ મૂડ નહોતો, પણ તેમની પાસે પરાણે લખાવવાનું કામ આર. ડી. બર્મને કર્યું. બર્મનદાને ખબર હતી કે આ ફિલ્મનું મ્યુઝિક રેકૉર્ડ બ્રેક કરશે અને ફિલ્મ રિલીઝ થયા પછી બધા આવું મ્યુઝિક માગતા થઈ જશે.
બૉલીવુડની પહેલી મસાલા ફિલ્મ કઈ?
જો કોઈ આ સવાલ પૂછે તો તરત જ આપણા મનમાં એક ફિલ્મ આવે, ‘શોલે’, પણ ના, પહેલી મસાલા ફિલ્મ ‘શોલે’ નહોતી. હવે કઈ ફિલ્મ? બહુ મગજ કસી લેશો તો પણ આ સવાલનો જવાબ યાદ આવવાનો નથી એટલે એના વિશે વધારે ચર્ચા કરીને સમય બરબાદ કરવાને બદલે સીધો જ તમને જવાબ આપી દઉં.
જવાબ છે, ‘યાદોં કી બારાત’. હા, ધર્મેન્દ્ર, તારિક, વિજય અરોરા, ઝિનત અમાન, નીતુ સિંહ જેવા અનેક સ્ટારની લાઇફ ચેન્જ કરી દેનારી ફિલ્મ ‘યાદોં કી બારાત’માં આમિર ખાન પણ હતો! આમિર ખાને નાના તારિકનું કૅરૅક્ટર કર્યું હતું અને ટેક્નિકલી આ આમિરની પહેલી ફિલ્મ હતી. એ સમયથી આમિર ખાનને સુપરહિટ ફિલ્મની આદત પડી એવું કહી શકાય. ૧૯૭૩માં રિલીઝ થયેલી ‘યાદોં કી બારાત’ આમિર ખાનના કાકા નાસિર હુસેને જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી હતી. આ નાસિરસાહેબની બીજી ઓળખ આપું. ‘જાને તૂ... યા જાને ના...’ ફિલ્મથી લૉન્ચ થયેલા ઇમરાન ખાનના એ દાદા. ‘યાદોં કી બારાત’ની સ્ટોરી જ્યારે તેમની પાસે સલીમ-જાવેદ લઈને આવ્યા ત્યારે એ સીધો જ સબ્જેક્ટ નાસિર હુસેનને ગમ્યો નહોતો એટલે તેમણે અમુક કરેક્શન કરવાનું કહ્યું. સલીમ-જાવેદને એ બધામાં બહુ રસ નહોતો. તેમને ડર હતો કે આ ફિલ્મ ત્યાર પછી કોઈ પ્રોડ્યુસ કરવા તૈયાર નહીં થાય એટલે બન્નેએ નાસિર હુસેનને જ છૂટ આપી દીધી કે તમારે જે ચેન્જ કરવા હોય એ કરો અને આમ નાસિર હુસેન પણ બોર્ડ પર આવ્યા.
ફિલ્મની વાર્તા રિવેન્જની સ્ટોરી છે, જેની સાથે ત્રણ વિખૂટા પડેલા ભાઈઓની પણ વાત કહે છે. શંકર, વિજય અને રતન ત્રણ ભાઈઓ છે. એ ત્રણેય ભાઈઓને તેમનાં પપ્પા-મમ્મીએ નાનપણમાં એક સૉન્ગ શીખવ્યું છે, જે ફિલ્મનું ટાઇટલ સૉન્ગ છે. એક રાતે ત્રણેયના પપ્પા શાકાલ અને તેના માણસોને મર્ડર કરતા જોઈ જાય છે. એ પોલીસમાં ઇન્ફર્મ કરે એ પહેલાં જ એ બધા તેમના ઘરે પહોંચી જાય છે અને માબાપનું મર્ડર કરી નાખે છે. આ મર્ડર થતાં જોઈને શંકર અને વિજય બન્ને ભાગી જાય છે, પણ રસ્તામાં વિજય છૂટો પડી જાય છે. વર્ષો વીતી જાય છે. હવે શંકર મવાલી બનીને નાનીમોટી ચોરી કરે છે તો અનાથાશ્રમમાં પહોંચેલા વિજયને કરોડપતિએ દત્તક લઈ લીધો છે, જ્યારે ઘરે એકલો રહી ગયેલો રતન હવે એક ક્લબ-સિંગર બની ગયો છે અને તેનું નવું નામ મૉન્ટી છે. ત્રણેય ભાઈઓ અનેક વાર એકબીજાને ભટકાય છે છતાં એકબીજાને ઓળખી નથી શકતા, ત્રણ ભાઈઓને ભેગા કરવાનું કામ પેલું ટાઇટલ-સૉન્ગ કરે છે.
‘યાદોં કી બારાત
નિકલી હૈ આજ, દિલ કે દ્વારે
સપનોં કી શહનાઈ
બીતે દિનોં કો પુકારે, દિલ કે દ્વારે
હો ઓ છેડો તરાને મિલને કે
પ્યારે પ્યારે સંગ હમારે...’
ફાઇનલી તો ફિલ્મમાં બધું ખાધુંપીધું ને રાજ કર્યું એવું જ બને છે અને મોટો ભાઈ શંકર માબાપના મોતનો બદલો પણ લે છે. આ બદલો લેવાની જે રીત ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં હતી એ પણ ચેન્જ કરવામાં આવી હતી. અફકોર્સ શૂટ કરતાં પહેલાં જ એ ચેન્જ કરવાનું નક્કી થયું હતું. ઓરિજિનલી સલીમ-જાવેદે એવું દર્શાવ્યું હતું કે શંકર પોતે જ પોતાનાં માબાપને મારનાર શાકાલને મારે અને પછી પોતે જેલમાં જાય છે, પણ હીરો મર્ડર કરે અને પછી તે જેલમાં જાય એ વાત ૭૦ના દસકાની ઑડિયન્સ નહીં સ્વીકારે એવું નાસિર હુસેનને લાગ્યું હતું. પૂરેપૂરી મસાલા ફિલ્મ બનાવવા માટે તેઓ તૈયાર હતા, પણ આ એક વાત તેમને રિસ્ક લાગતી હતી, તો સાથોસાથ તેમને એવું પણ લાગતું હતું કે આખી જિંદગી એકલા રહેલા ભાઈઓ મળે છે એ વાત પણ ઑડિયન્સને જોવી જ હોય એટલે શંકર બનતા ધર્મેન્દ્રને આપણે જેલમાં ન મોકલવો જોઈએ. ઑડિયન્સ આ વાત નહીં સ્વીકારે એવું ધારીને જ રમેશ સિપ્પીએ ‘શોલે’માં પણ ક્લાઇમૅક્સ ચેન્જ કર્યો હતો એ પણ તમને યાદ હશે.
‘શોલે’ના પહેલા ક્લાઇમૅક્સ મુજબ ધર્મેન્દ્ર ગબ્બરને મારે છે, પછી એમાં ચેન્જ આવ્યો અને વીરુએ એટલે કે ધર્મેન્દ્રએ ઠાકુરને ગબ્બર સોંપી દીધો, ઠાકુરે ગબ્બરને માર્યો પણ સેન્સરબોર્ડને કારણે એમાં પણ ચેન્જ કરવામાં આવ્યો અને ક્લાઇમૅક્સમાં એવું દેખાડવામાં આવ્યું કે પોલીસ આવી ગઈ અને ઠાકુરે ગબ્બર સિંહ પોલીસને સોંપી દીધો.
ફરી આવી જઈએ આપણે ‘યાદોં કી બારાત’ની વાત પર. ‘યાદોં કી બારાત’ પહેલાંનો જે સમય હતો એ રોમૅન્ટિક અને સોશ્યલ ફિલ્મનો આખો પિરિયડ હતો, જેને તોડવાનું કામ ‘યાદોં કી બારાત’એ કર્યો. આ ફિલ્મમાં બધેબધું હતું. ઍક્શન, ડ્રામા, ઇમોશન્સ, રોમૅન્સ અને મ્યુઝિક પણ અને મ્યુઝિક તો એ સ્તરનું હતું કે ‘યાદોં કી બારાત’નાં ગીતો બેચાર વર્ષ સુધી ચાર્ટ પર ટોચની પાયદાન પર રહ્યાં. તમને જાણીને નવાઈ લાગશે, પણ જ્યારે નાસિર હુસેને આ ફિલ્મ આર. ડી. બર્મનને ઑફર કરી ત્યારે બર્મનદા ઊછળી પડ્યા હતા. તેમને બધી ફ્લેવરનું મ્યુઝિક એમાં કરવા મળવાનું હતું, પણ એનાથી સાવ જ જુદો રિસ્પૉન્સ હતો મજરૂહ સુલતાનપુરીનો. મજરૂહસાહેબને ફિલ્મની વાર્તામાં એક ટાઇટલ-સૉન્ગ સિવાય કોઈ જગ્યાના લિરિક્સ લખવાની ઇચ્છા નહોતી થતી. હા, ટાઇટલ-સૉન્ગ માટે તેઓ એક્સાઇટ થઈ ગયા હતા અને ટાઇટલ-સૉન્ગ તેમણે લખ્યું પણ એ જ સ્તરનું.
આ પણ વાંચો: સબ કી આંખોં મેં ફરિયાદ હૈ, સબ કે દિલ મેં તેરી યાદ હૈ તૂ નહીં હૈ તેરી પ્રીત હૈ
‘બદલે ના અપના યે આલમ કભી
જીવન મેં બિછડેંગે ના હમ કભી
યૂં ભી જાઓગે આખિર કહાં હો કે હમારે...’
આ સૉન્ગના સિંગરમાં કિશોરકુમાર, મોહમ્મદ રફી, લતા મંગેશકર ઉપરાંત બાળકોના અવાજ માટે પણ બે વૉઇસની જરૂર હતી, જેને માટે આર. ડી. બર્મને પદ્મિની અને શિવાંગી નામની બે બહેનોનો ઉપયોગ કર્યો હતો. આ પદ્મિની એટલે ઍક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી એટલે પદ્મિની કોલ્હાપુરેની સગી બહેન અને ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની મમ્મી. ઍનીવેઝ, આપણે ફરી આવી જઈએ મજરૂહ સુલતાનપુરીની વાત પર.
મજરૂહસાહેબને ‘યાદોં કી બારાત’નાં બીજાં સૉન્ગ લખવાનો કોઈ મૂડ નહોતો, પણ તેમની પાસે પરાણે ગીતો લખાવવાનું કામ આર. ડી. બર્મને કર્યું. બર્મનદાને ખબર હતી કે આ ફિલ્મનું મ્યુઝિક રેકૉર્ડ બ્રેક કરશે અને ફિલ્મ રિલીઝ થયા પછી બધા આ પ્રકારનું મ્યુઝિક માગતા થઈ જશે.
મહામહેનતે મજરૂહસાહેબ તૈયાર થયા, પણ એને માટે એક મહિના સુધી બર્મનદાએ તેમની સાથે માથાકૂટ કરી હતી. અરે, ઘણી વાર તો એવું પણ બનતું કે મુખડું આખું બર્મનદા પોતાની રીતે લખીને આપે અને કહે કે હવે અંતરા પર કામ કરો. અફકોર્સ, મજરૂહસાહેબ એ મુખડું વાપરવાને બદલે એનાથી વધારે સારું કહેવાય એવું મુખડું લખી લાવતા, પણ કહેવાનો ભાવાર્થ એ કે બર્મનદા આ ફિલ્મથી બહુ એક્સાઇટેડ હતા અને તેમણે મજરૂહસાહેબને પણ એક્સાઇટ કરવા માટે ભારોભાર પ્રયાસ કર્યા, જેનું રિઝલ્ટ એવું આવ્યું કે ‘યાદોં કી બારાત’નાં એકેએક સૉન્ગ સુપરહિટ પુરવાર થયાં. હા, દરેકેદરેક સૉન્ગ. એક પણ ગીત એવું નહોતું જે લોકોમાં પૉપ્યુલર ન થયું હોય. અરે, કયા સૉન્ગને પહેલા ક્રમ પર રાખવું અને કોને બીજા નંબરે મૂકવું એની મૂંઝવણ આવી જતી. અલબત્ત, એ બધા વચ્ચે એક ઘટના એવી ઘટી કે કિશોરકુમારે રાહુલ દેવ બર્મનને ટેન્શન કરાવી દીધું!
આમ પણ કિશોરદાની એ ખાસિયત હતી કે ક્યારેય પણ, કોઈને પણ ચિંતાગ્રસ્ત કરી દે. એવું તે શું બન્યું કે ‘યાદોં કી બારાત’ના મ્યુઝિક રેકૉર્ડિંગ સમયે કે આર. ડી. બર્મને મોહમ્મદ રફી પાસે જવું પડ્યું હતું એ અને એવી બીજી વાતો કરીશું હવે આપણે આવતા શુક્રવારે. ટિલ ધેન, સ્ટે ટ્યુન...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)