સબ કી આંખોં મેં ફરિયાદ હૈ, સબ કે દિલ મેં તેરી યાદ હૈ તૂ નહીં હૈ તેરી પ્રીત હૈ, ઝિંદગી કી યહી રીત હૈ...

17 February, 2023 05:57 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘મિસ્ટર ઇન્ડિયા’નું સૉન્ગ ગાવા માટે કિશોરકુમાર તૈયાર તો થયા, પછી તેમણે એવી શરત મૂકી કે રેકૉર્ડિંગ સમયે મ્યુઝિક-ડિરેક્ટર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે મારી સાથે વાત નહીં કરવાની!

સબ કી આંખોં મેં ફરિયાદ હૈ, સબ કે દિલ મેં તેરી યાદ હૈ તૂ નહીં હૈ તેરી પ્રીત હૈ, ઝિંદગી કી યહી રીત હૈ...

ઝિંદગી કી યહી રીત હૈ... સૉન્ગ માટે બોની કપૂર પાસેથી કિશોરકુમારે પેમેન્ટ લીધું, પણ પછી એ પેમેન્ટ તેમણે અનિલ કપૂરને આપી દીધું. એવું કહીને કે ‘યે પેમેન્ટ વાપસ નહીં કર રહા હૂં, મુઝે અચ્છે ગાને સે જૂડે રખને કી યે બક્ષિસ હૈ, તો યે અબ તુમ્હીં રખના...’

‘બસ, આપ હા બોલો... યહીં ગાડી મેં સો જાઉંગા...’
સતત ૬ મહિના સુધી કિશોરકુમારના ઘરની સામે ગાડી પાર્ક કરીને ઊભા રહેતા અનિલ કપૂરને કિશોરદા મોસ્ટલી રોજ જુએ, પણ ધીરજ રાખીને કશું પૂછ્યા વિના તેઓ ફરી પોતાની રૂમમાં જતા રહે, પણ એક દિવસ તેમનાથી રહેવાયું નહીં અને તેમણે વહેલી સવારે બાલ્કનીમાંથી અનિલ કપૂરને રાડ પાડીને પૂછ્યું, ‘ઊંઘ નથી આવતી?’ એટલે અનિલ કપૂરે જવાબ આપ્યો, 
‘બસ, આપ હા બોલો... યહીં ગાડી મેં સો જાઉંગા...’

બાલ્કનીમાં જ કિશોરકુમાર ખડખડાટ હસી પડ્યા અને પછી તેઓ અનિલ કપૂરને મળવા નીચે આવ્યા. એ સવારે બન્નેએ સાઇકલ પર ચા લઈને નીકળતા મરાઠી ભૈયા પાસેથી ચા લીધી અને રસ્તા પર જ પીધી. કિશોરદાએ એ સમયે અનિલ કપૂરને કહ્યું કે હું આ સૉન્ગ ગાઈશ, પણ મારી એક શરત છે...
‘રેકૉર્ડિંગ પે તુમ્હે હાઝિર રહના પડેગા ઔર મેરે સાથે ગાને પે ઍક્ટિંગ કરની પડેગી...’
‘ડન દાદા...’

કિશોરકુમારે ચોખવટ પણ કરી કે મારે આ સૉન્ગ વિશે કોઈ વાત મ્યુઝિક-ડિરેક્ટર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથે થઈ નથી એટલે એનો ટોન, એનો મૂડ મને ખબર નથી તો એ તારે મને દેખાડતા જવું પડશે.
અનિલ કપૂરે હા પાડી કે તરત જ કિશોરદાએ ચોખવટ કરી,
‘યે આધી શર્ત હૈ... શર્ત કા દૂસરા હિસ્સા યે હૈ કિ...’ કિશોરકુમારે અનિલ કપૂરને કહ્યું, ‘રેકૉર્ડિંગ કે દૌરાન લક્ષ્મી-પ્યારે મુઝસે બાત નહીં કરને ચાહિયે...’
અનિલ કપૂર ખડખડાટ હસી પડ્યો એટલે કિશોરદા પણ હસ્યા, પણ પછી એકદમ ચૂપ થઈને ફરીથી બોલ્યા, ‘અગર વહ મુઝસે બાત કરેંગે તો મૈં નિકલ જાઉંગા...’
અનિલ કપૂરે કિશોરકુમારની આ બધી વાત માની લીધી. રેકૉર્ડિંગ પહેલાં તેણે ‘મિસ્ટર ઇન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂર પાસે સૉન્ગ કેવી રીતે કોરિયોગ્રાફ થવાનું છે એ સમજી લીધું અને રેકૉર્ડિંગ સમયે સ્ટુડિયોમાં હાજર રહીને સૉન્ગની એકેક ફ્રેમને ઍક્ટિંગ કરીને વર્ણવી અને કિશોરકુમારે એ દરેક ફ્રેમને પોતાના મનમાં સ્ટોર કરી. કિશોરકુમાર અને અનિલ કપૂર વચ્ચેની એ હાર્મની કેવી જબરદસ્ત ઊભી થઈ હતી એ જો તમારે જોવું હોય તો તમારે આ સૉન્ગ યુટ્યુબ પર સાંભળવું પડે અને બીજો અંતરો ધ્યાનથી જોવો અને સાંભળવો પડે. એ અંતરાની પહેલી લાઇન છે...

‘ગમ કા બાદલ જો છાએ,
તો હમ મુશ્કુરાતે રહેંગે...’

આ લાઇન જ્યારે બીજી વખત આવે છે ત્યારે એમાં ‘મુશ્કુરાતે’ શબ્દ પર અનિલ કપૂરે પોતાનો ચહેરો આગળ લીધો અને એ શબ્દને સહેજ ખેંચ્યો હોય એવી ઍક્ટિંગ કરી. કિશોરકુમારે એ વાતને એવી અદ્ભુત રીતે પકડીને સૉન્ગ ગાતી વખતે પોતાના શબ્દોમાં લીધી કે ખુદ અનિલ કપૂર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો!
સૉન્ગ રેકૉર્ડ થયું એ દરમ્યાન લક્ષ્મી-પ્યારે અને કિશોરકુમાર વચ્ચે અનિલ કપૂરે લિટરલી દુભાષિયા તરીકેનું કામ કર્યું હતું. રાધર કહો કે તેણે એ કામ કરવું પડ્યું હતું. કિશોરદા તો એ સિચુએશનની રીતસર મજા લેતા હતા. નાની-નાની વાતમાં તેઓ અનિલ કપૂરને બોલાવીને પૂછે કે લક્ષ્મીને આ પૂછી આવ, પ્યારેને આ કહી આવ... અનિલ કપૂર ડાહ્યા દીકરાની જેમ એ બધાં કામ કરે અને કિશોરકુમાર તેમની પાતળી તલવારકટ મૂછમાં હસ્યા કરે. 

સૉન્ગ રેકૉર્ડ થઈ ગયું એટલે કિશોરકુમારે જવાની તૈયારી કરી અને જતાં-જતાં મ્યુઝિક-ડિરેક્ટર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાંભળે એ રીતે તેમણે કહ્યું,
‘અનિલ, યાદ રહે... લક્ષ્મી કો મૈં પ્યાર કરતા હૂં...’
લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ હસી પડ્યા અને તરત જ કિશોરકુમાર પાસે ગયા. ત્રણેય ગળે મળ્યા અને અનિલ કપૂર એ બધાને જોતો જ રહ્યો. નૅચરલી કિશોરકુમાર તેને પણ ગળે મળ્યા અને લક્ષ્મી-પ્યારેને કહ્યું પણ ખરું કે આ છોકરાને કારણે જ હું આજે અહીં આવ્યો છું, બાકી તમારી સાથે કામ નહીં કરવાનું નક્કી કરી લીધું હતું.
એ દિવસે નીકળતાં પહેલાં કિશોરકુમારે સામેથી પૂછી પણ લીધું કે હવે આ ફિલ્મમાં મારાં કોઈ સૉન્ગ બાકી છે? લક્ષ્મી-પ્યારેએ તરત જ કહ્યું કે એક સેડ સૉન્ગ લઈ લઈએ, જો તમે ટાઇમ 
આપો તો. કિશોરકુમારને એ સેડ સૉન્ગ સંભળાવવામાં આવ્યું, જે કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું હતું. એક વર્ઝન તો એવું જ હતું કે શ્રીદેવી અને ફિલ્મમાં જે બધાં બાળકો હતાં એ સાથે હતાં અને એ સમયે શ્રીદેવી એ વર્ઝન ગાય છે એટલે તેને કન્ટિન્યુ કરવામાં આવ્યું જ્યારે સેડ સૉન્ગનું બીજું જે વર્ઝન હતું એને માટે કિશોરકુમારે ત્યારે જ ગાઈ આપવાની તૈયારી દેખાડી. 

‘ખેલતે-ખેલતે એક તિતલી
ના જાને કહાં ખો ગયી
એક નન્હી કિરણ ક્યોં અંધેરે મેં યું સો ગયી
સબ કી આંખોં મેં ફરિયાદ હૈ
સબ કી દિલ મેં તેરી યાદ હૈ
તૂ નહીં હૈ, તેરી પ્રીત હૈ
ઝિંદગી કી યહી રીત હૈ...’

ફિલ્મમાં એક પેરોડી સૉન્ગ પણ હતું, જે અંતાક્ષરી રમાતી હોય એ રીતે ગવાતું હતું. કિશોરકુમારની ગેરહાજરીમાં એ સૉન્ગ રેકૉર્ડ થઈ ગયું હતું. આ સૉન્ગ શબ્બીર કુમાર અને અનુરાધા પૌડવાલે ગાયું હતું. લક્ષ્મી-પ્યારેની ઓરિજિનલ ઇચ્છા તો આ સૉન્ગ પણ કિશોરકુમાર પાસે ગવડાવવાની હતી. નવેસરથી સંબંધો બંધાયા એટલે તેમણે એ પેરોડી પણ કિશોરકુમારને ઑફર કરી, પણ કિશોરદાએ એ રેકૉર્ડ વર્ઝન સાંભળવાનું કહ્યું, જે સાંભળીને તેમણે સામેથી જ કહ્યું કે આ છોકરા (શબ્બીર કુમાર)એ સરસ ગાયું છે, હજારમાં જે કામ સારું થયું છે એની પાછળ લાખ ખર્ચીને શું કામ ડબલ મજૂરી કરવી છે. હા, શબ્બીર કુમારવાળી એ પેરોડી કિશોરકુમારના કહેવાથી રીરેકૉર્ડિંગ કરવામાં ન આવી અને સૉન્ગ કન્ટિન્યુ કરવામાં આવ્યું.
‘મિસ્ટર ઇન્ડિયા’ના આ સૉન્ગની હજી એક યાદગાર વાત...

આ સૉન્ગ માટે બોની કપૂર પાસેથી કિશોરકુમારે પેમેન્ટ લઈ લીધું અને પછી એ પેમેન્ટ લઈને તેઓ અનિલ કપૂર પાસે ગયા અને ત્યાં જઈને તેણે અનિલને એ પેમેન્ટ આપી દીધું. એવું કહીને કે ‘યે પેમેન્ટ વાપસ નહીં કર રહા હૂં, મુઝે અચ્છે ગાને સે જૂડે રખને કી યે બક્ષિસ હૈ, તો યે અબ તુમ્હીં રખના...’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists kishore kumar anil kapoor mr india