12 May, 2023 04:26 PM IST | Mumbai | RJ Dhvanit Thaker
આમિર ખાન
‘લગાન’ના ‘ઓ પાલનહારે’ સૉન્ગમાં રહેલી તાકાતનો અનુભવ પૅન્ડેમિક સમયે કર્યો હતો. દુનિયાઆખી જ્યારે બંધબારણે ઘરમાં હતી ત્યારે આ સૉન્ગ લાઉડ વૉલ્યુમમાં સાંભળ્યું અને સાંભળતી વખતે રીતસર શરીરમાં કંઈક જુદો જ દોરીસંચાર થતો પણ અનુભવ્યો અને સમજાયું કે હા, મ્યુઝિક સાચે એક થેરપી છે
આ ગીતની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે એમાં કોઈ ધર્મ, કોઈ મજહબનો ઉલ્લેખ નથી. એમાં ક્યાંય કોઈ દેવી-દેવતાને આહવાન પણ નથી. આ ગીતમાં પોકાર છે કુદરતી શક્તિને, પોકાર છે બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તાને, પોકાર છે એ સર્વશક્તિમાનને જે તમારામાં સકારાત્મક ભાવ ભરે છે.
એક સામાન્ય સવાલ છે.
ધારો કે તમારી પાસે લાકડી હોય તો તમે એનો શું ઉપયોગ કરો?
કોઈને મારવા માટે કરો કે પછી ટેકો લઈને આગળ વધવા માટે કરો? રસ્તા પર ઠપકારીને આજુબાજુમાં સૂઈ ગયા હોય તેને જગાડવા માટે લાકડીનો ઉપયોગ કરો કે પછી પોતાના જ વજનથી નમી ગયેલી વેલને ટેકો આપીને ઉપર ચડાવવા માટે કરો? શું કરો, જો તમારી પાસે લાકડી હોય તો એનો ઉપયોગ? ગેટ પર આવી ગયેલા ડાઘિયા સ્ટ્રીટ ડૉગને ભગાડવા માટે પણ એનો ઉપયોગ થાય અને એક રોટલી માટે દરવાજો ખખડાવતી ગાયને મારવા માટે પણ એનો ઉપયોગ થાય, કરો તમે એનો એવો ઉપયોગ કે પછી ગાંધીજીની જેમ લાકડીનો એક છેડો નાના બાળકના હાથમાં આપીને તમે તેના માર્ગદર્શન હેઠળ નવી જનરેશન સાથે આગળ વધવાનું પસંદ કરો? કરો શું તમે લાકડીનું, અંધારામાં કોઈ સાથે અથડાઓ નહીં એનું ધ્યાન રાખીને આજુબાજુમાં લાકડી ઠોકતા આગળ વધો કે પછી હાથમાં હોય એ લાકડીને હવામાં જોર-જોરથી વીંઝીને લોકોને ડરાવીને તમારાથી એ સૌને દૂર રાખો, કરો શું તમે હાથમાં લાકડી હોય તો?
લાકડી તો એક જ છે, પણ એના ઉપયોગ અનેક છે. ધારો તો એ સહારો પણ બની શકે અને ઇચ્છો તો હથિયાર પણ બની જાય. આ જે ઉપયોગ છે એ ઉપયોગ લાકડી જેના હાથમાં છે તેના પર આધારિત છે. જેની પાસે લાકડી હોય તે જેવો ઉપયોગ કરવા ઇચ્છે એવો ઉપયોગ કર્યા કરે. સદુપયોગ કરવો એનો કે પછી દુરુપયોગ કરવો એનો, એ બધું લાકડી હાથમાં લઈને બેઠો હોય તેણે નક્કી કરવાનું. આ લાકડી જેવું જ પૈસાનું છે. જેના હાથમાં હોય તેણે નક્કી કરવાનું કે સદુપયોગ કરવો છે કે એનો દુરુપયોગ કરવો છે. પૈસાનું પણ એવું અને સત્તાનું પણ ડિટ્ટો એવું જ. સત્તા, પૈસો, લાકડી એ બધું એક રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક પાવર જ છે અને પાવરનો ઉપયોગ શું કરવો અને શેમાં એનો ઉપયોગ કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે.
જે પાવર છે એને ચૅનલાઇઝ કરીને આપણે સત્કર્મમાં, સહકારમાં, સહયોગમાં વાપરવા માગીએ છીએ કે પછી આપણે એનો ઉપયોગ ધમકાવવામાં કરવો છે એ આપણે નક્કી કરવાનું છે. પાવરનું તો એવું છે કે એ કોની પાસે કેવા પ્રકારનો છે એના પર આધારિત છે, પણ ઉપયોગ, ઉપયોગનું તો હજી પણ એવું જ છે, તમારી પાસે જે છે એનો ઉપયોગ તમે કેવો કરવા માગો, કેવો કરો છો?
જુઓ તમે જ.
ઈશ્વરે બધાને બે હાથ આપ્યા છે. આ બે હાથનું જ વિચારો તમે. કેવો કરો છો તમે એનો ઉપયોય. કોઈને લાફો મારવા માટે પણ થઈ શકે અને કોઈનાં આંસુ લૂંછવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે. કોઈને સહારો આપવા માટે પણ એ જ હાથનો ઉપયોગ થઈ શકે અને કોઈને પછાડવા માટે પણ એનો ઉપયોગ થાય. ચીંટિયો ભરવા માટે પણ આ જ હાથનો ઉપયોગ થાય અને વહાલથી માથા પર મૂકવા માટે પણ આ જ હાથનો ઉપયોગ થાય. આ જ હાથ રસ્તો દેખાડવા માટે પણ વાપરી શકાય અને આ જ હાથ આગળ વધતા કોઈને પાછળ ખેંચવા માટે પણ વપરાય. નક્કી તમારે કરવાનું છે, નક્કી આપણે કરવાનું છે કે ઈશ્વરે આપેલા આ હાથનો ઉપયોગ શું કરવો છે અને અત્યારે, આ સમયે મેં નક્કી કર્યું છે, બે હાથ જોડીને પ્રાર્થના કરવી. રસ્તો કોઈ દેખાતો ન હોય, દિશાશૂન્યતા અકબંધ હોય અને આંખ સામે અંધકાર પ્રસરી ગયો હોય એવા સમયે કરવાનું શું?
એક જ કામ થઈ શકે આપણાથી.
બે હાથ જોડીને ઈશ્વરને યાદ કરવાનું અને ઈશ્વરને જ કહેવાનું...
‘ઓ પાલનહારે, નિર્ગુણ ઔર ન્યારે,
તુમરે બિન હમરા કૌનો નાહીં...
હમરી ઉલઝન, સુલઝાઓ ભગવન,
તુમરે બિન, હમરા કૌનો નાહીં...
તુમ્હીં હમકા હો સંભાલે, તુમ્હીં હમરે રખવાલે,
તુમરે બિન હમરા કૌનો નાહીં...’
ફિલ્મ ‘લગાન’નું આ ગીત મારી દરેક પીડાનું ભાગીદાર બન્યું છે, જ્યારે પણ હું કોઈ તકલીફમાં મુકાયો હોઉં, જ્યારે પણ મારી સામે કોઈ મુશ્કેલી આવી હોય કે જ્યારે પણ પારાવાર મુસીબતો મેં જોઈ હોય ત્યારે આ જ સંવેદન મેં ઈશ્વર પ્રત્યે અભિવ્યક્ત કર્યું છે. વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને સાયન્સનો જ જીવ છું. રહસ્ય સમજું છું અને ભારતીય છું એટલે આધ્યાત્મકતાનો પણ સાધક છું.
મારી સંસ્કૃતિ, મારા આધ્યાત્મકતાનું દર્શન અને મારી પરંપરાને પણ જાણું છું અને સાથોસાથ કુદરતના સાંનિધ્યમાં રહેલો પ્રભાવ પણ જાણું છું. આ ભજનની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે એમાં કોઈ ધર્મ, કોઈ મજહબનો ઉલ્લેખ નથી. એમાં ક્યાંય કોઈ દેવી-દેવતાને આહવાન નથી, પણ પોકાર છે કુદરતી શક્તિને, પોકાર છે બ્રહ્માંડની સર્વોચ્ચ સત્તાને. યાચના સાથે કહેવામાં આવે છે કે ચંદ્રમાની ચાંદની પણ તમે અને સૂર્યનો અજવાશ પણ તમે, સૃષ્ટિના સમગ્ર અણુ-પરમાણુમાં તમારો વાસ અને એ વાસમાં રહેલા તમામ જીવમાં પણ તમારું જ અસ્તિત્વ. તમારે સાથ આપવાનો છે. તમારે જ માર્ગ દેખાડવાનો છે. તમારે હાથ પકડવાનો છે અને તમારે જ આંખમાં અજવાશ પાથરવાનો છે. તમારે રસ્તો પણ દેખાડવાનો છે અને એ રસ્તે ચાલવા માટે ચરણમાં તાકાત ભરવાનું કામ પણ તમારે કરવાનું છે. હું કશું કરવાનો નથી, હું કંઈ વિચારવાનો નથી. બસ, તમે જે માર્ગ પર આગળ મોકલતા જશો, જે રાહ દેખાડતા જશો એના પર હું શ્રદ્ધા સાથે, પૂરી પ્રામાણિકતા, પૂરી નિષ્ઠા સાથે આગળ વધતો રહીશ. જુઓ તમે શબ્દો, શું તાકાત છે આ શબ્દોમાં...
‘ચંદા મેં તુમ્હીં તો ભરે હો ચાંદની
સૂરજ મેં ઉજાલા તુમ્હીં સે,
યે ગગન હૈ મગન
તુમ્હીં તો દિએ હો ઇસે તારે,
ભગવન યે જીવન
તુમ્હીં ના સંવારોગે
તો ક્યા કોઈ સંવારે...’
બહુ સાચી વાત છે. તમે નહીં માર્ગ દેખાડો તો કોણ માર્ગ દેખાડશે અમને, તમે રાહ નહીં ચીંધો તો કોણ ચીંધશે, કોણ પકડશે આંગળી અમારી. તમારી આંગળી હશે તો અમે એ દરેક માર્ગ પાર કરી લઈશું જેના પર મુશ્કેલી અને પીડા હશે. તમે સાથે હશો તો અમે એ દરેક રસ્તા પરથી પસાર થઈ જઈશું જે રસ્તા પર પારાવાર તકલીફો અને વેદના હશે. તમારા સાથ વિના અમે કશું નથી અને તમારા હાથ વિના અમારું કોઈ મૂલ્ય નથી. જતી વખતે એટલું જ કહેવાનું કે આજ સુધી તેનો સાથ રહ્યો છે અને આવતા સમયમાં પણ તેનો સાથ રહેશે, બસ શ્રદ્ધા અકબંધ રાખજો તમે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.