યહાં થૂંકના મના હૈ

07 April, 2023 06:23 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘ડૉન’ સાંભળતી વખતે, બનાવતી વખતે કે રિલીઝ થયા પછી પણ કોઈના મનમાં નહોતું કે આ ફિલ્મ બૉલીવુડની કલ્ટ ફિલ્મ બનશે અને અમિતાભ બચ્ચનની એ સ્તરે ડિમાન્ડ નીકળશે કે ખુદ બિગ બીને કારણે ડિરેક્ટર ચંદ્રા બારોટની ઝળહળાટ મારવા માંડેલી કરીઅર પણ ખતમ થઈ જશે!

અમિતાભ બચ્ચન

કાં તો આવી સૂચના લખી હોય અને કાં તો જગ્યા જ એવી હોય કે કોઈ એવી હરકત ક્યારેય કરે જ નહીં. બસ, એવી જ એ જગ્યા હતી અને એ પછી પણ કિશોરકુમાર‍ કોઈની પણ શેહશરમ કે સાડીબારી રાખ્યા વિના થૂંક્યા અને તેમની એ થૂંકવાની સ્ટાઇલ જોઈને અમિતાભ બચ્ચન અને મ્યુઝિક-ડિરેક્ટર કલ્યાણજી-આણંદજી ખુશ થઈ ગયા!

મુંબઈ કરતાં ગુજરાતમાં પાન-ફાકી અને ગુટકા ખાવાનું ચલણ બહુ છે, જેને કારણે જ્યાં-ત્યાં થૂકવાનું પણ બહુ બનતું રહે છે. આ જ તો કારણ છે કે ગુજરાતનાં મોટા ભાગનાં કૉક્પ્લેક્સમાં એવી સૂચના લખી હોય કે ‘અહીં થૂંકવાની મનાઈ છે.’ લિફ્ટમાં પણ આવી સૂચના હોય અને બિલ્ડિંગની સીડીઓના પગથિયે પણ આવી સૂચનાનાં સ્ટિકર તમને જોવા મળે. એવું જ યુપીમાં પણ છે. જ્યાં જુઓ ત્યાં તમને એક સૂચના વારંવાર જોવા મળે, ‘યહાં થૂંકના મના હૈ.’

આ તો સામાન્ય સૂચના થઈ, પણ ધારો કે તમે મંદિર કે કોઈની દુકાનમાં કે પછી એવી કોઈ જગ્યા હોય જે તમારે મન પવિત્ર જગ્યા હોય ત્યાં તમે ક્યારેય થૂંકવાની હરકત કરી શકો ખરા? જવાબ છે, ના. ક્યારેય એવી ભૂલ થાય જ નહીં અને એ પણ કોઈ મહાન વ્યક્તિ તો એવી ભૂલ સપનામાં પણ ન કરે બટ સ્ટૉપ... આવી ભૂલ કિશોરકુમારે કરી હતી અને એ પણ જાણીજોઈને.
જે રેકૉર્ડિંગ સ્ટુડિયો એક સિંગર માટે મંદિરથી પણ વિશેષ કહેવાય એ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં અને એ પણ બધાની હાજરીમાં અને સૌકોઈની સામે!

હા, આ વાત સાચી છે અને આ વાત બીજા કોઈએ નહીં, પણ કિશોરદાની એ હરકત જેમણે નજરે જોઈ હતી એ જ વ્યક્તિએ મને એ સમયે કહી હતી જે સમયે હું આરજે તરીકે જવાબદારી નિભાવતો. એ વ્યક્તિ એટલે ફિલ્મ-ડિરેક્ટર ચંદ્રા બારોટ. જેની ફિલ્મ ‘ડૉન’ સમયે આ ઘટના ઘટી હતી, પણ એ ઘટના પર વાત કરતાં પહેલાં ચંદ્રાજીની થોડી વાત કરી લઈએ.

ચંદ્રાજીએ કરીઅરની શરૂઆત મનોજકુમારના અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મથી કરી અને મનોજકુમાર સાથે જ તેમણે ‘યાદગાર’, ‘શોર’ અને ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મ કરી અને ‘રોટી, કપડા ઔર મકાન’ના શૂટ સમયે તેઓ અમિતાભ બચ્ચનના કૉન્ટૅક્ટમાં આવ્યા. બિગ બીએ ચંદ્રાને સારી સ્ક્રિપ્ટ હોય તો કામ કરવાની બાંયધરી આપી એટલે બારોટે સ્ક્રિપ્ટ શોધવાનું શરૂ કર્યું અને સલીમ-જાવેદે તેને ‘ડૉન’ આપી. ‘ડૉન’ સાંભળતી વખતે, બનાવતી વખતે કે રિલીઝ થયા પછી પણ કોઈના મનમાં નહોતું કે આ ફિલ્મ બૉલીવુડની કલ્ટ ફિલ્મ બનશે અને અમિતાભ બચ્ચનની એ સ્તરે ડિમાન્ડ નીકળશે કે ખુદ બિગ બીને કારણે ચંદ્રા બારોટની કરીઅર ખતમ થઈ જશે. આ સાચું છે. રિલીઝ થયેલી ‘ડૉન’ની સુપર-સક્સેસ પછી ચંદ્રા બારોટે છેક ૧૧ વર્ષે એક બંગાળી ફિલ્મ ડિરેક્ટ કરી. આ જે વચ્ચેનો ૧૧ વર્ષનો સમયગાળો હતો એમાં બારોટે અમિતાભ સાથે બે ફિલ્મ શરૂ કરી અને એ બન્ને ફિલ્મો થોડી-થોડી બનીને કાયમ માટે ડબ્બામાં ચાલી ગઈ! 

‘ડૉન’ની વાત નીકળી છે ત્યારે આપણે નરીમાન ઈરાનીને યાદ ન કરીએ એ પણ યોગ્ય ન કહેવાય.

નરીમાન ઈરાની એટલે ફિલ્મ ‘ડૉન’ના પ્રોડ્યુસર. ચંદ્રા બારોટની કરીઅર ‘ડૉન’ પાસે અટકી ગઈ તો નરીમાન ઈરાનીની તો લાઇફ જ આ ‘ડૉન’ સાથે પૂરી થઈ ગઈ.
બારોટ અને ઈરાની બન્ને મનોજકુમારના ખાસ. નરીમાન ઈરાની સિનેમૅટોગ્રાફર હતા અને બૉલીવુડની જગવિખ્યાત ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ માટે તેઓ ઑલરેડી નૅશનલ અવૉર્ડ અને એ જ વર્ષનો ફિલ્મફેર પણ જીત્યા હતા. મનોજકુમાર જ્યારે પણ નવી ફિલ્મ શરૂ કરતા નરીમાનને પૂછીને ત્યારે ડેટ્સમાં તકલીફ પડે એટલે મનોજકુમાર બીજા કોઈ સિનેમૅટોગ્રાફર સાથે પ્રોજેક્ટ આગળ વધારી દે. જોકે બન્નેને સાથે કામ કરવાનો મોકો મળ્યો ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’માં અને આ જ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ચંદ્રા બારોટ પણ પહેલી વાર નરીમાન ઈરાનીને મળ્યા. નરીમાન ઈરાનીને ફિલ્મ-પ્રોડ્યુસર બનવાનું બહુ મન હતું અને તેમણે અગાઉ સુનીલ દત્ત સાથે ‘ઝિંદગી ઝિંદગી’ પ્રોડ્યુસ કરી. ‘ઝિંદગી ઝિંદગી’એ નરીમાન ઈરાનીને માન આપ્યું, પણ દામની બાબતમાં તો દેવું જ મળ્યું.

નરીમાન ઈરાનીએ બારોટને કહ્યું કે જો અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર આવતા હોય તો પોતે ફિલ્મ કરવા તૈયાર છે અને આગળની આખી વાત તમને થોડી વાર પહેલાં જ કહી દીધી. સલીમ-જાવેદની ‘ડૉન’ની સ્ક્રિપ્ટ બારોટના હાથમાં આવી, બિગ બીએ હા પાડી અને નરીમાન ઈરાની તૈયાર થયા. શૂટિંગ શરૂ થઈ ગયું, પણ તમે જુઓ, કિસ્મતના ખેલ. ‘ડૉન’ની સક્સેસ જોવા માટે નરીમાન ઈરાની રહ્યા નહીં.
વાત છે ૧૯૭૭ના નવેમ્બરની.

‘ડૉન’નું પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થયું અને નરીમાન ઈરાનીએ મનોજકુમારની નવી ફિલ્મ ‘ક્રાન્તિ’ના સિનેમૅટોગ્રાફી માટે હા પાડી. મનોજકુમારનો એ ડ્રીમ પ્રોજેક્ટ હતો, લખલૂટ પૈસા એના પર લાગવાના હતા. જો તમને યાદ હોય કે પછી ‘ક્રાન્તિ’ના મેકિંગ વિશે ક્યાંય વાંચ્યું હોય તો તમને ખબર હશે કે એ સમયે આખી ઇન્ડસ્ટ્રી એવું કહેવા લાગી હતી કે મનોજકુમાર બહુ મોટી ભૂલ કરે છે. હવે આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ છે, નવી વિચારધારા હવે ઇનથિંગ છે અને એ પછી પણ મનોજકુમાર ભારતીય પરંપરા અને ભારતીય આઝાદીની વાતો લઈને આગળ વધવા માગે છે. ઍનીવેઝ, મનોજકુમારે પોતાના અંતરાત્માનું સાંભળ્યું અને ફિલ્મ પર કામ આગળ વધાર્યું.

‘ક્રાન્તિ’ બધી રીતે જાયન્ટ પ્રોજેક્ટ હતો. સ્ટારકાસ્ટ પણ તોતિંગ હતી. મનોજકુમાર એવી અપેક્ષા રાખતા કે ફિલ્મના પ્રી-પ્રોડક્શનની કોઈ પણ મીટિંગ હોય એમાં સિનેમૅટોગ્રાફર નરીમાન ઈરાની હાજર રહે. કહ્યું એમ, એક તરફ પોતાના હોમ-પ્રોડક્શનની ‘ડૉન’ના પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલે અને બીજી તરફ ઈરાનીએ ‘ક્રાન્તિ’ માટે પણ ભાગદોડ કરવાની. ૧૯૭૭ના નવેમ્બરમાં મુંબઈમાં અચાનક જ ક્લાઉડ-બર્સ્ટ સિચુએશન ઊભી થઈ અને એ તોફાની વાતાવરણમાં અનેક વૃક્ષો ધારાશાયી થયાં, જેમાં એક દીવાલ પડતાં એની નીચે નરીમાન ઈરાની દબાઈ ગયા. તેમને ગંભીર ઈજા થઈ. તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પણ થોડા દિવસોની સારવાર પછી નરીમાન ઈરાનીનો દેહાંત થયો અને તેમના અવસાન પછી ‘ડૉન’ રિલીઝ થઈ.

જો નરીમાન ઈરાની હયાત હોત તો પણ ચંદ્રા બારોટની કરીઅર જુદી હોત એવું ખુદ બારોટ પણ કહી ચૂક્યા છે. ઍનીવેઝ, ફરી આવીએ આપણે ‘ડૉન’ની વાત પર. બહુ ઓછા લોકો જાણતા હશે કે ‘ડૉન’ માટે જયા બચ્ચનને બહુ હોપ નહોતી. કોઈ જાતના કનેક્શન વિનાનો આવો ડબલ રોલ બચ્ચન કરે એ પણ જયાજીને યોગ્ય નહોતું લાગ્યું. જોકે પેમેન્ટ તગડું મળતું હતું અને બિગ બીના દરેક કામનાં વખાણ થવા માંડ્યાં હતાં એટલે જયા બચ્ચને ફિલ્મ માટે જાહેરમાં ક્યારેય ખાસ વિરોધ દર્શાવ્યો નહીં. અલબત્ત, આ ફિલ્મ મોડી રિલીઝ થાય એને માટેના પ્રયાસો તેમણે ચોક્કસ કર્યા હતા. જોકે આપણે એની પણ અત્યારે વાત નથી કરવાની, આપણે તો વાત કરવાની છે, ‘યહાં થૂંકના મના હૈ!’

હા, કિશોરકુમાર કોઈ પણ મ્યુઝિક-કમ્પોઝર, સિંગર માટે મંદિરથી પણ વધારે પવિત્ર કહેવાય એવા રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં થૂંક્યા હતા, પણ આજનો આ દિવસ અહીં, આ વાત સાથે પૂરો કરીએ. કહીં જાઇએગા મત, સ્ટે ટ્યુન્ડ...

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists amitabh bachchan don