કિશોરકુમાર : ધ મેથડ સિંગર

14 April, 2023 05:39 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘ડૉન’ના ‘ખઈ કે પાન બનારસવાલા’ સૉન્ગ સાથે કિશોરકુમાર નામના બૉલીવુડને પહેલાં અને (કદાચ) અંતિમ મેથડ સિંગર મળ્યા અને એ દિવસે બૉલીવુડને એક સુપરહિટ સૉન્ગ મળ્યું, જે આજે પણ એટલું જ પૉપ્યુલર છે

અમિતાભ બચ્ચન અને કિશોર કુમાર

‘ખઈ કે પાન બનારસવાલા...’ સૉન્ગની આગળનું જેકાંઈ છે, પાન ચાવતાં-ચાવતાં આવતો અવાજ, મોઢામાંથી મારવામાં આવતી પિચકારી, ગળા નીચે ઉતારવામાં આવતું થૂંક એ બધેબધું કિશોરકુમારની કલા અને તેમના બેટરમેન્ટની ખૂબીઓ હતી.

આપણે વાત કરીએ છીએ એ રેકૉર્ડિંગ સ્ટુડિયોની; જે સિંગર, કમ્પોઝર કે મ્યુઝિક-પ્લેયર્સ માટે જગતના સર્વશ્રદ્ધાશીલ મંદિરથી પણ વધારે પવિત્ર છે. સ્ટુડિયોમાં દાખલ થતાં પહેલાં તેઓ શૂઝ અને ચંપલ સુધ્ધાં બહાર ઉતારે છે. અરે, ઘણા આર્ટિસ્ટ એવા છે જેઓ સ્ટુડિયોમાં દાખલ થવાના એક કલાક પહેલાં મોઢામાં તમાકુ કે સિગારેટ પણ ટચ નથી કરતા. કહેવાનો અર્થ માત્ર એટલો કે એ લોકો આ જગ્યાને માત્ર પવિત્ર માને છે એવું નથી, આ સ્થળને પવિત્રતાની ચરમસીમા પર રાખે છે. 

કિશોરકુમાર માટે પણ એ રેકૉર્ડિંગ સ્ટુડિયો એ જ સ્તરે હતા, તેઓ પણ આ જગ્યાને પવિત્રતા અને આસ્થા સાથે જોતા અને એ પછી પણ તેઓ આ જ સ્ટુડિયોમાં થૂંક્યા અને એ પણ રેકૉર્ડિંગ થતું હોય એ જગ્યાએ. 

વાત છે ફિલ્મ ‘ડૉન’ની અને આ વાત કરી હતી ફિલ્મના ડિરેક્ટર ચંદ્રા બારોટે. ચંદ્રા બારોટ અને ફિલ્મના પ્રોડ્યુસર નરીમાન ઈરાની વિશે આપણે લંબાણપૂર્વક ગયા વીકમાં વાત કરી હતી, પણ હવે આપણે આવીએ મૂળ ટૉપિક પર. 

ફિલ્મ ‘ડૉન’માં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હતા. એક ડૉનનું લીડ કૅરૅક્ટર અને બીજું કૅરૅક્ટર હતું બનારસના વિજયનું. વિજયનો ચહેરો ડિટ્ટો ડૉન જેવો છે અને એનો લાભ લઈને પોલીસ વિજયને ડૉન બનાવીને અન્ડરવર્લ્ડમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે. હકીકત એ છે કે ડૉન મરી ગયો છે, પણ અન્ડરવર્લ્ડમાં હજી સુધી એ વાત પહોંચી નથી અને પોલીસ ઇચ્છે છે કે વિજય અન્ડરવર્લ્ડની એ તમામ ઇન્ફર્મેશન લઈ આવે જે સોસાયટી માટે બહુ જરૂરી છે. નૅચરલી કૉમનમૅન વિજય પહેલાં તો એ કામ કરવાની ના પાડી દે છે, પણ ડીએસપી ડિસિલ્વા એટલે કે ઇફ્તેખારની સમજાવટને ધ્યાનમાં રાખીને તે ડૉન બનવા રાજી થાય છે. ડૉન બનવા માટે તેને રીતસરની ટ્રેઇનિંગ આપવામાં આવે છે અને એ ટ્રેઇનિંગમાંથી તે પાર ઊતરે છે, પણ વિજયની એક નબળાઈ અકબંધ રહી જાય છે અને એ છે પાન. બનારસના હો અને તમે પાનના શોખીન ન હો એ કેવી રીતે બની શકે?!

ફિલ્મમાં વિજયની એન્ટ્રી એક ગીત સાથે થાય છે અને એ ગીતના શબ્દો છે ‘ઈ હૈ બમ્બઈ નગરિયા તૂ દેખ બબુઆ.’ આ ગીત શરૂ કરતાં પહેલાં વિજય પોતાના મોઢામાં રહેલા પાનની પિચકારી રસ્તા પર જોરથી મારે છે. એક મિનિટ, એ ગીતની શરૂઆતમાં જે પિચકારીનો અવાજ આવે છે એ અવાજ થૂંકવાનો નથી. હા, સાચે જ. એ જે અવાજ છે એ અવાજ તો કિશોરકુમારે એમ જ ગળામાંથી કર્યો હતો અને કલ્યાણજી-આણંદજીને એ સાઉન્ડ ગમ્યો પણ હતો. એ થૂંકવાનો અવાજ ક્યાંય ગીતમાં હતો નહીં, પણ કિશોરકુમારે એ અવાજ કર્યો એટલે કલ્યાણજી-આણંદજીને મજા પડી ગઈ અને ગીત પહેલાંનો એ સાઉન્ડ તેમણે રહેવા દીધો, પણ ડિરેક્ટર ચંદ્રા બારોટના મનમાં સાવ જુદી જ વાત આવી ગઈ. ચંદ્રા બારોટ અને કિશોરકુમાર તથા કલ્યાણજી-આણંદજીની મ્યુઝિક-સીટિંગ થઈ એ સમયે બારોટે કિશોરદાને કહ્યું કે ‘દાદા એક મસ્ત સૉન્ગ તૈયાર થયું છે, એમાં તો તમારે થૂંકવાનો અવાજ દિલથી કરવાનો છે.’

‘બારોટ...’ કિશોરદા હસી પડ્યા અને તેમણે ચંદ્રા બારોટને હસતાં-હસતાં જ પૂછ્યું, ‘દિલ કે બદલે ગલે સે આવાઝ અચ્છી નિકલેગી...’

રેકૉર્ડિંગનો દિવસ નક્કી થયો અને કિશોરદાએ પોતાના ઘરે જ એ ગીતનાં રિહર્સલ્સ શરૂ કરી દીધાં. એ ગીત એટલે ‘ડૉન’નું મોસ્ટ પૉપ્યુલર સૉન્ગ ‘ખઈ કે પાન બનારસવાલા...’

રેકૉર્ડિંગનો દિવસ આવી ગયો અને સવારના પહોરમાં કિશોરકુમાર સ્ટુડિયો પહોંચી ગયા. પહોંચીને તેમણે એક વાર રિહર્સલ કરી લીધું અને પછી ગયા રેકૉર્ડિંગરૂમમાં અને રૂમમાં જઈને તેમણે રાડ પાડીને ડિરેક્ટર ચંદ્રા બારોટને બોલાવ્યા.

‘બારોટ, મુઝે યહાં...’ માઇકની નીચેની જગ્યા દેખાડીને કિશોરદાએ વાત પૂરી કરી, ‘ઇસ જગહ પર વાઇટ કલર કા કપડા ચાહિએ...’

‘કયું દાદા?’

‘અરે જો બોલું વો કર ના...’ બારોટ ઉંમરમાં નાના અને કિશોરકુમાર તેમની સાથે ભાઈબંધની જેમ જ રહે, ‘ગાના રેકૉર્ડ કરના 
હૈ ના...’

બારોટે હા પાડી એટલે તરત જ કિશોરદાએ પોતાની ડિમાન્ડ દોહરાવી.

‘જલદી સે યહાં વાઇટ કલર કા કપડા રખવા દે...’

નરીમાન ઈરાનીએ તાત્કાલિક માણસને રવાના કર્યો અને થોડી વારમાં માણસ સફેદ કૉટનનું પાંચ મીટર લાંબું કપડું લઈને આવ્યો એટલે કિશોરદાએ જ્યાં ગોઠવવાની વાત કરી હતી ત્યાં એ કપડું પાથરવામાં આવ્યું.

આ પણ વાંચો : ગુઝર જાએ દિન દિન દિન, કે હર પલ ગિન ગિન ગિન

‘અબ ઠીક હૈ...’

કિશોરદાએ રેકૉર્ડિંગની શરૂઆત કરતાં પહેલાં કલ્યાણજી-આણંદજીને જઈને કહી દીધું કે તમે ક્યુ આપવાની શરૂ કરો એ પહેલાં હું જે કરતો હોઉં એ મને કરવા દેજો. કલ્યાણજી-આણંદજી તો સિંગર્સના મ્યુઝિક-ડિરેક્ટર અને એમાં આ તો કિશોરકુમાર. તેમણે હા પાડી દીધી અને તૈયારી શરૂ થઈ ગઈ. આ તૈયારી ચાલતી હતી એ દરમ્યાન કિશોરકુમારે પોતાના મૅનેજરને મોકલીને ગાડીમાંથી એક મોટું પૅકેટ મગાવ્યું, જેમાં અઢળક મીઠાં પાન હતાં. ગુલકંદ અને ટુટીફ્રૂટી નાખેલાં પાન. એક બાજુ તૈયારી ચાલે અને બીજી બાજુ કિશોરકુમાર એક પછી એક પાન ખોલીને ખાતા જાય.

ત્રણેક પાન ખાધાં અને પછી તેઓ અટક્યા, રાહ જોવા લાગ્યા કે તેમને ક્યુ મળે.

તીન, દો, એક.... આ ક્યુ પછી તરત જ મ્યુઝિક શરૂ થતું હોય છે, પણ જેવું આણંદજી શાહે તીન કર્યું એટલે કિશોરકુમારે માઇક હાથમાં લઈને મોઢામાં પાન સાથે લય લેવાનું શરૂ કર્યું. કલ્યાણજી-આણંદજી પણ આ જોઈને હેબતાઈ ગયા. ‘હા, ખઈ કે પાન બનારસવાલા’ સૉન્ગની આગળનું જેકંઈ છે; પાન ચાવતાં-ચાવતાં આવતો અવાજ, મોઢામાંથી મારવામાં આવતી પિચકારી, ગળા નીચે ઉતારવામાં આવતું થૂંક એ બધેબધું કિશોરકુમારની કલા અને તેમના બેટરમેન્ટની ખૂબીઓ હતી. આપણે મેથડ ઍક્ટર તો સાંભળ્યા છે અને હવે જોતા થયા છીએ, પણ આપણે કહેવું જ રહ્યું કે બૉલીવુડમાં એકમાત્ર મેથર સિંગર આવ્યા અને એ હતા કિશોરકુમાર. 

એ દિવસે રેકૉર્ડિંગ સમયે કિશોરકુમારે ત્રીસથી વધુ પાન ખાધાં અને ખાધેલાં એ દરેક પાનની પિચકારી માઇકની સામે પથરાયેલા પેલા સફેદ રંગના કપડા પર મારી. કિશોરકુમારે જે પ્રકારે કામ શરૂ કર્યું હતું એ જોઈને કોઈને પણ એવું લાગ્યું નહીં કે કિશોરકુમારે મંદિર જેવા એ સ્ટુડિયોનું અપમાન કર્યું. ચંદ્રા બારોટે કહ્યું કે ‘કિશોરદાએ તો એ દિવસે એ મંદિરની ગરિમા પોતાના મેથડ સિન્ગિંગથી ઑર ઉપર કરી દીધી.’ 

એ રેકૉર્ડિંગ પછી બારોટની ઇચ્છા હતી કે તેઓ પેલું પાનની પિચકારીવાળું સફેદ કપડું લેતા જાય, પણ એવું કરવાની કિશોરકુમારે જ ના પાડી અને કિશોરદાની વાત એટલે તમારે માનવી જ પડે. એવું નથી કે કિશોરદાએ એ કપડું પોતાની પાસે સાચવ્યું. ના રે, ફાઇનલ સૉન્ગથી બધાને સંતોષ થયો એટલે કિશોરદાએ એ કપડાનો નિકાલ કર્યો અને પોતાની પાસે રહેલાં બાકીનાં પાન ત્યાં હાજર હતા એ સૌને ખાવા માટે વહેંચી દીધાં, જે બધાએ જાણે કિશોરદાનો પ્રસાદ હોય એમ પ્રેમથી ખાધાં.

ફૉર યૉર ઇન્ફર્મેશન, એ દિવસે કિશોરદા ૧૦૦ મીઠાં પાન લઈને સ્ટુડિયો પર ગયા હતા!

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

 

columnists amitabh bachchan kishore kumar