‘અભિમાન’, મેલ-ઈગો અને આજના સમયની પ્રસ્તુતિ

21 April, 2023 05:48 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ફિલ્મ ‘અભિમાન’માં કહેવાયેલી વાત આજનાં મોટા ભાગનાં એ હસબન્ડ-વાઇફને લાગુ પડે છે જેઓ વર્કિંગ કપલ છે. જો વાઇફને પ્રમોશન મળે, જો તેની સૅલેરી વધી જાય કે તે વધારે સારી પોઝિશન પર પહોંચી જાય કે તરત હસબન્ડનો મેલ-ઈગો બહાર આવી જાય

જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન

‘અભિમાન’ ફિલ્મમાં બિગ બીની ટૅલન્ટ જે પ્રકારે બહાર આવી છે એ ખરેખર અદ્ભુત છે. ફ્રસ્ટ્રેટેડ હસબન્ડ કેવી રીતે પોતાના હાથે જ પોતાની કરીઅર અને પોતાની પર્સનલ લાઇફ ખતમ કરી નાખે છે એ અને સાથોસાથ પુરુષ હોવાના ઘમંડની વાત એમાં થઈ છે.

મેલ-ઈગો. છેલ્લાં થોડાં વર્ષોમાં આ શબ્દ બહુ પૉપ્યુલર થયો છે. હસબન્ડ-વાઇફ બન્ને કામ કરતાં હોય અને હસબન્ડ કરતાં વાઇફ વધારે સારી પોઝિશન પર હોય, વધારે સારું અર્ન કરતી હોય તો બની શકે કે હસબન્ડને એ ગમે નહીં અને તરત જ તેનો મેલ-ઈગો જાગી જાય. અફકોર્સ, હવે આ પ્રકારની વાતો થોડી ઓછી બને છે, પણ ૮૦ના દસકા સુધી જન્મેલા પુરુષોમાં મેલ-ઈગો વધારે જોવા મળતો અને આ મેલ-ઈગોને કારણે હસબન્ડ-વાઇફ વચ્ચે પ્રૉબ્લેમ પણ થતા. જો વાઇફ સહન કરવામાં માનતી હોય તો તે ચૂપચાપ ચલાવી લે અને જો વાઇફ સાચું બોલવામાં માનતી હોય તો મૅરેજ-લાઇફમાં તોફાન આવી જાય. આવા જ તોફાનની વાત ફિલ્મ ‘અભિમાન’માં કરવામાં આવી છે.

વર્ષ ૧૯૭૩. અમિતાભ બચ્ચન હજી ધ ગ્રેટ બચ્ચન બન્યા નહોતા ત્યારની આ ફિલ્મ. ઍન્ગ્રી યંગમૅનની તેની ઇમેજ હજી બિલ્ટ નહોતી થઈ અને જયા બચ્ચનના બૉયફ્રેન્ડ તરીકે તેને મોટા ભાગના લોકો ઓળખતા હતા. જયા બચ્ચને પોતાના કામથી દુનિયાભરમાં છવાઈ જવાનું કામ સુપેરે કરી લીધું હતું અને ખરું કહું તો જયા બચ્ચનને કારણે બચ્ચનબાબુને છૂટક કામ મળતું હતું. એમાં વાંક ક્યાંય બચ્ચનસાહેબની ટૅલન્ટનો નહોતો, પણ ટૅલન્ટ પારખવાની નજરના અભાવનો હતો.

‘અભિમાન’ જો તમે જોઈ ન હોય તો આ આર્ટિકલ વાંચતાં પહેલાં તમારે એ જોવી જોઈએ. બિગ બીની ટૅલન્ટ એ ફિલ્મમાં જે પ્રકારે બહાર આવી છે એ અદ્ભુત છે. ફ્રસ્ટ્રેટેડ હસબન્ડ કેવી રીતે પોતાના હાથે જ પોતાની કરીઅર અને કરીઅરની સાથોસાથ પોતાની પર્સનલ લાઇફ ખતમ કરી નાખે છે એ અને સાથોસાથ પુરુષ હોવાના ઘમંડની વાત. હૃષીકેશ મુખરજીની બેસ્ટ ફિલ્મ પૈકીની એક ફિલ્મ. જો આજે આ ફિલ્મ આવી હોત તો ચોક્કસ એણે અનેક લોકોના જીવનમાં બદલાવ લાવવાનું કામ કર્યું હોત. ‘અભિમાન’ની રીમેક થવી જોઈએ. અફકોર્સ એ એક કલ્ટ ફિલ્મ છે એટલે જે સેન્સિબલ હોય તેણે જ આ ફિલ્મની રીમેક કરવી જોઈએ. થોડા સમય પહેલાં ક્યાંક વાંચ્યું હતું કે આ ફિલ્મની ઑફિશ્યલ રીમેક બનવાની છે, ડિરેક્ટરનું નામ સાંભળીને હૈયે સાંત્વના બંધાઈ હતી કે ચાલો, વાંધો નહીં. આ ફિલ્મની રીમેક બાલ્કી જેવા દિગ્ગજ અને સેન્સિબલ ડિરેક્ટર કરવાના છે. એ પછી તો એવું પણ સાંભળવા મળ્યું કે ‘અભિમાન’ની રીમેક માટે ડિરેક્ટરે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનને ઑફર કરી છે. ચાર-પાંચ વર્ષ થઈ ગયાં આ ન્યુઝ આવ્યાને, પણ પછી રામ જાણે ક્યાં એ આખી વાત ઊડી ગઈ.

ઍનીવેઝ, આપણે અગાઉની ‘અભિમાન’ પર આવી જઈએ. ફિલ્મની વાર્તા તો મોટા ભાગના સૌને ખબર જ હશે એવું ધારી શકાય, પણ એમ છતાં ફાસ્ટફૉર્વર્ડમાં એ જોઈ લઈએ.
‘અભિમાન’માં વાત છે સુધીરકુમાર અને ઉમાની. સુધીર એટલે કે અમિતાભ બચ્ચન પ્રોફેશનલ સિંગર છે અને તેની કરીઅર જબરદસ્ત ઊંચાઈઓ પર છે. તે મૅરેજ કરવા માગતો નથી, પણ ઉમાને મળ્યા પછી તેને ઉમા માટે પ્રેમ થાય છે અને દુર્ગામૌસીના ગામમાં રહેતી ઉમા સાથે તે મૅરેજ કરીને મુંબઈ આવે છે. મુંબઈ આવતાં પહેલાં સુધીરના મનમાં છે કે તે અને ઉમા જૉઇન્ટમાં સિન્સિંગ કરીઅર બનાવશે. 

મુંબઈની રિસેપ્શનની પાર્ટીમાં ઉમા અને સુધીર બધાની ડિમાન્ડ પર ગીત ગાય છે અને બીજા દિવસથી ઉમાની ડિમાન્ડ નીકળે છે. ઉમાને કરીઅર બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ એ સમયે સુધીર જ તેને આગ્રહ કરીને ગાયકીના ક્ષેત્રમાં આગળ મોકલે છે અને પછી એક દિવસ માર્કેટમાં ઉમાની ડિમાન્ડ આસમાન પર પહોંચે છે અને સુધીરની માગ ઘટતી જાય છે. બસ, સુધીરમાં રહેલો મેલ-ઈગો જાગી જાય છે અને અજાણતાં જ રાગદ્વેષ વચ્ચે તે પોતાની જ વાઇફ સાથેના રિલેશનમાં તિરાડ ઊભી કરી દે છે. બન્ને છૂટાં પડી જાય છે અને છૂટાં પડ્યા પછી ઉમાનું અબૉર્શન થઈ જાય છે. ઉમા ડિપ્રેશનમાં સરી પડે છે અને સુધીરને પોતાની ભૂલ સમજાય છે. 

બની શકે કે તમને લાગે કે આ આજના સમયની સ્ટોરી છે, પણ આવું દરેક સમયે લાગતું હોય છે. ૭૦ના દસકાના પ્રારંભનાં વર્ષોમાં રિલીઝ થયેલી ‘અભિમાન’ એ સમયે પણ સુપરહિટ રહી હતી અને જો આજે, અત્યારના સમયે પણ આ ફિલ્મ આવે તો એ એટલી જ રિલિવન્ટ લાગે જેટલી ત્યારે લાગી હતી. આ આપણી મજબૂરી છે. પુરુષોમાં રહેલો એ સેલ્ફ-ઈગો એ સ્તરે અકબંધ રહ્યો છે જાણે શરીરમાં રહેલા શુક્રાણુ. જેમ એના વિના પુરુષાતન પુરવાર ન થાય એવી જ રીતે સ્ત્રીની સામે સહેજ અમસ્તી મળતી પછડાટ આ પુરુષોથી સહન નથી થતી. આજે તો કૉર્પોરેટ વર્લ્ડ છે. મોટી-મોટી કંપનીઓમાં ચૅરપર્સન તરીકે હવે મહિલાઓ આવી ગઈ છે, નારી સ્વતંત્રતાની અઢળક વાતો હવે બધાને કંઠસ્થ થઈ ગઈ છે અને લોકો એ ચૅરપર્સનને સહજ રીતે સ્વીકારતા થઈ ગયા છે, પણ ના, એ સહજ રીતમાં પણ દંભ છે. આજે પણ મહત્તમ પુરુષ નથી ઇચ્છતો કે તેની બૉસ કોઈ મહિલા હોય. આજે પણ આ પુરુષ નથી ઇચ્છતો કે સામાજિક, આર્થિક અને માનસિક સ્તરે ક્યાંય મહિલા તેનાથી આગળ હોય. આગળ કહ્યું એમ, પુરુષોના આ સ્વભાવને કારણે કાં તો આજની મહિલા ચૂપચાપ ઘરમાં બેસી જાય છે અને ધારો કે એ સચ્ચાઈ સાથે વાત સૌની સામે મૂકે તો મૅરેજ લાઇફ પર ખતરો ઊભો થઈ જાય છે. આ પ્રકારે જ્યારે પણ મૅરેજ-લાઇફ પર સંકટ આવ્યું છે ત્યારે આખી સોસાયટીમાં ડાયલૉગ તો એક જ બોલાતો રહ્યો છે,
‘વહુને ઘર કરતાં પોતાની કરીઅરમાં વધારે રસ હતો.’

આપણા દેશની કેવી મજબૂરી છે કે આપણે આજે પણ વાંક તો વહુમાં જ શોધીએ છીએ. પોતાના દીકરા કે ભાઈમાં રહેલા એ મેલ-ઈગોને જોવા આપણે સહેજ પણ રાજી નથી. અરે, એ દેખાતો સુધ્ધાં નથી અને ધારો કે મારા-તમારા જેવો કોઈ દોઢડાહ્યો એ દેખાડવા જાય તો આંખ ખોલીને જોવા અને મગજ ખોલીને સાંભળવા પણ તે તૈયાર નથી. ફિલ્મ ‘અભિમાન’ પછી ઘણી એવી મૅરેજ-લાઇફ હતી જેમાં હસબન્ડની આંખો ખૂલી હતી તો ઘણાં એવાં કપલ હતાં જે સેપરેટ રહેતાં હતાં અને તેમને પોતાની ભૂલ સમજાઈ હતી. આ જ કારણે આજે પણ ‘અભિમાન’ પ્રસ્તુત રહી છે.

ફિલ્મ ‘અભિમાન’ને લોકોના મનમાં કાયમ રાખવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ફિલ્મના સૉન્ગે. મજરૂહ સુલતાનપુરીના લિરિક્સ અને સચિન દેવ બર્મનનું મ્યુઝિક. મજરૂહસાહેબે લખેલાં એકેક ગીત અને એના શબ્દો એવા અસરકારક હતાં કે સાંભળનારને ગૂસબમ્પ્સ આવી જાય અને સચિન દેવ બર્મનનું મ્યુઝિક એવું કર્ણપ્રિય હતું જાણે કાનમાં મા સરસ્વતીની વીણા વાગી રહી છે. 

ફિલ્મનાં સાતેસાત ગીત સુપરહિટ હતાં અને સુપરહિટ થયેલાં એ ગીતોએ સચિન દેવ બર્મનને ફિલ્મફેર અવૉર્ડ અપાવ્યો હતો, પણ આ ફિલ્મનાં ગીતો લખવા માટે મજરૂહ સુલતાનપુરીને અવૉર્ડ માટે નામાંકન મળ્યું નહીં એ વાતનું બર્મનદાને બહુ દુઃખ લાગ્યું હતું, જે તેમણે એ જ અવૉર્ડ ફંક્શનની બહાર નીકળ્યા પછી તરત જ આપેલા ઇન્ટરવ્યુમાં વ્યક્ત પણ કરી દીધું હતું.
ફિલ્મ ‘અભિમાન’નાં આ જ ગીતોની એક બહુ રસપ્રદ સ્ટોરી તમને કહેવાની છે પણ સમય, મારો આજનો, અત્યારનો પૂરો થયો એટલે હવે આપણે મળીશું આવતા શુક્રવારે. સ્ટે ટ્યુન 
ટિલ ધૅન...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists amitabh bachchan jaya bachchan