હોકે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા...

16 June, 2023 04:35 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

અફકોર્સ ભૂપિન્દર સિંહને ઓળખનારાઓ સ્ક્રીન પર તેને જોઈને ઓળખી ગયા, પણ ફૅમિલીમાં તો તેમની ગાયકીનાં બહુ વખાણ થયાં.

‘હકીકત’ ફિલ્મ

‘હકીકત’ ફિલ્મના આ સૉન્ગનો ત્રીજો અંતરો જે સૈનિક ગાય છે એ સૈનિક બીજું કોઈ નહીં, પણ ગઝલગાયકીમાં અવ્વલ દરજ્જાએ પહોંચેલા ભૂપિન્દર સિંહ પોતે છે. હા, ચેતન આનંદ તેમની પર્સનાલિટીથી એવા તો ખુશ થઈ ગયા હતા કે તેઓ ભૂપિન્દરને ફિલ્મમાં મેજર રોલ કરાવવા માટે રીતસર પાછળ પડી ગયા

સૉન્ગ ગાવા મળ્યું એ વાતની ખુશી ભૂપિન્દર સિંહને સૌથી વધારે હતી અને એટલે જ તેમણે પોતાની ફૅમિલીમાં ક્યાંય કોઈને ઍક્ટિંગ વિશે કહ્યું પણ નહીં. ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. અફકોર્સ ભૂપિન્દર સિંહને ઓળખનારાઓ સ્ક્રીન પર તેને જોઈને ઓળખી ગયા, પણ ફૅમિલીમાં તો તેમની ગાયકીનાં બહુ વખાણ થયાં.

વાત વર્ષો પહેલાંની, ના દસકાઓ પહેલાંની છે. સ્પેસિફિક વર્ષ સાથે કહેવાનું હોય તો કહી શકાય કે વાત છે ૧૯૬૨-’૬૩ની. ગઝલસમ્રાટ અને અદ્ભુત એવા અને ફિલ્મ સૉન્ગ્સ ગાનારા ભૂપિન્દર સિંહની હજી કરીઅર શરૂ થઈ નહોતી. પપ્પા મ્યુઝિક-ડિરેક્ટર એટલે નૅચરલી દીકરો એ જ દુનિયામાં આગળ વધવાનો હતો, પણ હજી દરવાજા ખૂલ્યા નહોતા. અમ્રિતસરમાં જન્મેલા ભૂપિન્દર સિંહ એ સમયે દિલ્હીમાં હતા અને દિલ્હીમાં તેમને અચાનક જ મ્યુઝિક-ડિરેક્ટર મદનમોહન મળી ગયા. મદનમોહન ભૂપિન્દરને સાંભળીને ખુશ થઈ ગયા અને તેમણે ભૂપિન્દરને પ્રૉમિસ કર્યું કે પોતે મુંબઈમાં કોઈ ને કોઈ કામ તેને અપાવશે.

કટ ટૂ, ત્રણેક મહિના પછી મદનમોહનસાહેબનો ભૂપિન્દરને ફોન ગયો કે તાત્કાલિક મુંબઈ મળવા માટે આવી જા. ભૂપિન્દર પણ એની જ રાહ જોતા હતા. ફોન આવ્યાના ત્રણ દિવસમાં તો તેઓ મુંબઈ પહોંચી ગયા અને સીધા મળ્યા મદનમોહનને. મદનમોહન ભૂપિન્દરને લઈને પહોંચ્યા ડિરેક્ટર ચેતન આનંદ પાસે. ચેતન આનંદ એ સમયે એક ફિલ્મ બનાવતા હતા અને એ ફિલ્મની વાતો હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત રીતે થતી હતી. ફિલ્મનું ટાઇટલ હતું ‘હકીકત’. હા, એ જ ‘હકીકત’ જેણે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટોરી-ટેલિંગનો એક નવો યુગ આરંભ કર્યો હતો.

ચેતન આનંદ પાસે જઈને મદનમોહનસાહેબે કહ્યું કે એક બહુ સરસ સિંગર મળ્યો છે, તેને મળવા માટે લઈ આવ્યો છું, આપણે એ સિંગરને ‘હકીકત’માં ચાન્સ આપીએ.
‘બુલા લો...’ 

ચેતન આનંદ એ દિવસોમાં પ્રોડક્શનના કામમાં ખૂબ બિઝી હતા. ઇન્ડિયાની પહેલી વૉર ફિલ્મ હતી એટલે ટેક્નિકલી પણ ઘણાં કામ ચેતન આનંદે જોવાનાં હતાં.
ભૂપિન્દરને બોલાવી લેવા માટે કહ્યું એટલે મદનમોહન બહાર ગયા અને તેઓ ભૂપિન્દરને લઈને ચેતન આનંદના બંગલામાં બનાવવામાં આવેલી તેમની ઑફિસમાં લઈને આવ્યા અને બસ, ચેતન આનંદની નજર ભૂપિન્દર પર અટકી ગઈ. હા, ભૂપિન્દર સરની પર્સનાલિટી જ એવી હતી, તેમની ઑરા જ એવી હતી કે કોઈની પણ આંખો તેમના પર સ્થિર થઈ જાય. ભૂપિન્દર સિંહની ઓળખાણ કરાવવામાં આવી અને એ પછી પણ બીજી ઘણી વાતો થઈ. મદનમોહને ભૂપિન્દર પાસે એક સૉન્ગ પણ ગવડાવ્યું અને એ પછી ચેતન આનંદને પૂછ્યું કે અવાજ કેવો લાગ્યો?
‘આવાઝ નહીં, પર્સનાલિટી દેખો મદનજી...’
ચેતન આનંદ ઊભા થયા અને તેમણે ભૂપિન્દરને પણ ઊભા કર્યા. ચારે બાજુથી બરાબર જોઈ લીધા પછી ચેતન આનંદે ભૂપિન્દરને ત્યારે જ ઑફર કરી કે ‘હકીકત’માં તારા માટે એક બહુ સરસ રોલ છે, તું કરીશ? 

ભૂપિન્દર સિંહના મનમાં તો વાત ક્લિયર હતી કે તેઓ તો સિંગર જ બનવા માગતા હતા, તો પછી આ ઍક્ટિંગ શું કામ? 
બહુ વર્ષો પહેલાં ભૂપિન્દર સિંહને મળવાનું થયું ત્યારે તેમણે પોતે આ કિસ્સો કહ્યો હતો અને આ કિસ્સા સાથે જોડાયેલી બીજી વાતો પણ એ જ સમયે તેમની સાથે થઈ હતી. ભૂપિન્દર સિંહે કહ્યું હતું કે મેં તો નમ્રતા સાથે ના પાડી દીધી કે ના, હું ઍક્ટિંગ કરવા માગતો નથી એટલે મને તમે એમાં માફ કરો, પણ ચેતન આનંદ માને નહીં.
તેઓ એક જ વાતની જીદ લઈને બેસી ગયા કે ના, તારે ફિલ્મમાં ઍક્ટિંગ તો કરવી જ પડશે અને ભૂપિન્દર સિંહની હાલત થઈ કફોડી. લાઇફમાં ક્યારેય કૅમેરા સામે ઊભા નહોતા રહ્યા એ ભૂપિન્દર સિંહ કેવી રીતે રાતોરાત ઍક્ટર બની જાય?! તેમણે મદનમોહનને વચ્ચે લીધા અને કહ્યું કે તમે પ્લીઝ તેમને સમજાવો કે મને ઍક્ટિંગમાં કોઈ દિલચસ્પી નથી, મારે ઍક્ટિંગ નથી કરવી. 

ચેતન આનંદે જ રસ્તો કાઢ્યો અને કહ્યું કે તું વિચારીને મને કાલે જવાબ આપજે, આપણે કાલે ફરીથી મળીએ. બીજા દિવસે પણ ભૂપિન્દરસાહેબનો તો જવાબ એ જ હતો કે ના, મારે ઍક્ટિંગ કરવી નથી. જોકે બીજા દિવસના આ જવાબ પછી પણ ચેતન આનંદ પોતાની વાત પડતી મૂકવા તૈયાર નહોતા. તેમણે ફરી કહ્યું કે એકાદ દિવસ વિચારો, પછી મળીએ. આ મીટિંગ ચાલી ઓછામાં ઓછા ૧૫ દિવસ. આ ૧૫ દિવસ દરમ્યાન ચેતન આનંદે જે રોલ ભૂપિન્દર સિંહને ઑફર કર્યો હતો એને માટે ઍક્ટરોને મળવાનું ચાલુ રાખ્યું પણ તેમને કોઈ ગમે નહીં. તેમના મનમાં ભૂપિન્દર સિંહ એ સ્તરે સ્ટોર થઈ ગયા હતા કે તેમને એક જ વિચાર આવે કે આ રોલમાં તો ભૂપિન્દર જ શોભે, પણ ભૂપિન્દર માને નહીં. છેલ્લે એક વખત ચેતન આનંદ રાતે ૧૨ વાગ્યે ભૂપિન્દરને લઈને ચોપાટી ગયા અને ત્યાં વૉક કરતાં-કરતાં ભૂપિન્દરને પૂછ્યું, ‘તને પ્રૉબ્લેમ શું છે?’
‘સર, ક્યારેય આ કામ નથી કર્યું અને તમે સીધો મોટો રોલ ઑફર કરો છો...’
‘ઓકે...’ ચેતન આનંદે રસ્તો કાઢ્યો, ‘આ ફિલ્મમાં તું નાનો રોલ કરીશ...’
‘અને ગાયકી?’
‘પહેલાં ઍક્ટિંગનો જવાબ આપ...’ ચેતન આનંદે હસતાં-હસતાં કહ્યું, ‘આ ફિલ્મમાં નાનો રોલ કરીશ અને આના પછીની ફિલ્મમાં જો તારે લાયક મોટો રોલ હોય તો તું એ કરશે... રાઇટ?’
‘ડન...’ ભૂપિન્દરે ફરી પૂછી લીધું, ‘ગાયકી?’
‘એ મળશે... પ્રૉમિસ.’
જો તમે ‘હકીકત’ જોઈ હોય તો તમને યાદ હશે કે એમાં સૈનિકો જ્યારે નિરાંતે સાથે બેસે છે ત્યારે એક સૈનિક એવો છે જેને બહુ ફોકસ કરવામાં આવે છે અને એ સૈનિક પાસે ડાયલૉગ્સ પણ છે, તો કૅપ્ટન બહાદુર સિંહ બનતા ધર્મેન્દ્ર પણ તેની સાથે બહુ વાતો કરે છે. એ જે સૈનિક છે એ સૈનિક ભૂપિન્દર સિંહ છે! ભૂપિન્દર સિંહે વાત માની એટલે ચેતન આનંદે પણ પોતાનું પ્રૉમિસ પાળ્યું. મદનમોહને કમ્પોઝ કરેલું અને કૈફી આઝમીએ લખેલું સૉન્ગ ‘હોકે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા...’ મોહમ્મદ રફી, મન્ના ડે અને તલત મેહમૂદ જેવા દિગ્ગજોએ ગાયું તો એ જ સૉન્ગનો એક અંતરો ભૂપિન્દર પાસે પણ ગવડાવવામાં આવ્યો હતો. આ એ જ અંતરો હતો, જે સ્ક્રીન પર સૈનિક બનેલા ભૂપિન્દરજી ગાય છે. એ અંતરો પણ જરા માણી લો...

દિલ ને ઐસે ભી કુછ અફસાને સુનાએ હોંગે
અશ્ક આંખોં ને પિયે ઔર ન બહાએ હોંગે
બંદ કમરે મેં જો ખત મેરે જલાએ હોંગે
એક એક હર્ફ જબીં પર ઉભર આયા હોગા...

સૉન્ગ ગાવા મળ્યું એ વાતની ખુશી ભૂપિન્દર સિંહને સૌથી વધારે હતી અને એટલે જ તેમણે પોતાની ફૅમિલીમાં ક્યાંય કોઈને ઍક્ટિંગ વિશે કહ્યું સુધ્ધાં નહીં. ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. અફકોર્સ ભૂપિન્દર સિંહને ઓળખનારાઓ સ્ક્રીન પર તેને જોઈને ઓળખી ગયા, પણ સૌથી અગત્યની વાત કે ભૂપિન્દર સિંહની ફૅમિલીમાં તેની ગાયકીનાં બહુ વખાણ થયાં. ત્રણ-ત્રણ દિગ્ગજ સિંગર અને એ બધાની સાથે ઊભા રહીને સૉન્ગ ગાવું. બસ આ વાત જ હિંમત અને ગાયકીના સ્તરની ઓળખ આપે છે.

ફિલ્મ રિલીઝ થઈ અને ભૂપિન્દર સિંહને ગાયકી માટે બીજા કોઈ દ્વારા નહીં, પણ ખુદ મોહમ્મદ રફી દ્વારા રેકમેન્ડેશન મળવાનું શરૂ થઈ ગયું. હા, રફીસાહેબ પોતે જ કમ્પોઝરને કહેતા કે ભૂપિન્દર બહુ ટૅલન્ટેડ છે, તેની પાસે પણ ફિલ્મમાં ગવડાવો. રફીસાહેબની શિફારિશથી ભૂપિન્દર સિંહને જે બીજું સૉન્ગ મળ્યું એ હતું ફિલ્મ ‘જીને કી રાહ’નું ‘આને સે ઉસકે આયે બહાર...’
એ પછીનો બ્રેક આવ્યો ચેતન આનંદ પાસેથી, પણ એ પહેલાં ચેતન આનંદે એવું તે શું કર્યું કે ભૂપિન્દર સિંહ મુંબઈ છોડીને દિલ્હી ભાગી ગયા એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું હવે આપણે આવતા શુક્રવારે. સ્ટે ટ્યુન્ડ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists